ભાવવિશ્વ / ગાય વિશે

article by anil joshi

અનિલ જોશી

Dec 26, 2018, 06:29 PM IST

બુલંદ શહેરથી માંડીને ગાયના નામે અનેક મોબ લિંચિંગ થઈ ચૂક્યા છે. અનેક બકવાસ રાજનેતાઓનાં મોઢામાંથી નીકળી ચૂક્યા છે, પણ ગાયને સમજવાની પ્રજ્ઞા (બુદ્ધિ નહીં) ક્યાંય દેખાતી નથી કે કોઈ અભ્યાસ દેખાતો નથી. ગાય વિશે કવિ મકરંદ દવેનો અભિગમ ખાસ સમજવા જેવો છે.

મકરંદ કહેતા હતા કે બ્રાઝિલમાં લોકમાનસમાં એક ટુચકો છે. બ્રાઝિલમાં એક મિત્ર બીજા મિત્રને કહે કે મેં આજે ઊડતી ગાય જોઈ હતી તો બીજો મિત્ર એમ નહીં કહે કે, ‘ગાંડો થયો છે? ગાય તે કાંઈ ઊડતી હશે?’

બ્રાઝિલિયનને મન ગાયને ઊડતી જોવી એ બહુ સ્વાભાવિક ઘટના છે. મને ગાય વિશેની વાતોમાં બહુ રસ પડ્યો, કારણ કે ગોંડલમાં અમારે ઘેર ત્રણ ગાયો ફળિયામાં રહેતી હતી. એક રાતી ગાય, બીજી મૂંજી ગાય અને ત્રીજી કાબરી ગાય. કાબરી ગાય વિશે મેં એક નિબંધ પણ લખ્યો છે, જે આજે પણ ગુજરાતની ટેક્સબુકોમાં વિદ્યાર્થીઓને ભણાવાય છે. મિથ ક્યારેય મરતું નથી. મિથ લોકમાનસમાં સૂતેલું પડ્યું જ હોય છે.

અગાઉ મેં કહ્યું કે બ્રાઝિલિયનોને આકાશમાં ઊડતી ગાય દેખાય છે એનો પડઘો ગોરખનાથની વાણીમાં પડતો દેખાય છે. ગોરખનાથ કહે છે,‘ગગનમંડળમાં ગાય વિયાઈ, કાગદ દહીં જમાયા, છાછી છાણી પંડિતા પીનહીં સિદ્ધા માખન ખાયા.’ અર્થાત્ ગગનમંડળમાં પરાવાણી પ્રગટી.

યોગીજનોએ એને શબ્દસ્થ કરી, પંડિતોએ વાક્્ધેનુના શબ્દાર્થો-અલંકારો વિવિધ રસોની પીંજણમાં પડી છાશ પીધી અને સિદ્ધોએ અનુભવનું માખણ આરોગી લીધું.

અહીં તમે જુઓ કે ‘વાક્્ધેનુ’ શબ્દ કોઈ નથી જાણતું. બધા મનફાવ્યો બકવાસ કર્યા કરે છે. ભારતીય સંસ્કૃતિનો પાયો ગાય અને ગોવંશની સેવા, સુરક્ષા તથા સંવર્ધનમાં છે. ભારતીય દર્શનનું સર્વોચ્ચ શિખર ‘વાક્્ધેનુ’ ઉપાસના છે.

આજે વાક્્ધેનુની રોજેરોજ કતલ કેટલી થાય છે એના દાખલા આપવાની જરૂર નથી. મનુષ્ય જે વાણીનો ઉચ્ચાર કરે છે એ તો ચોથા પ્રકારની વાણી છે. ત્રણ પ્રકારની ‘ઉચ્ચ વાણી’, મનુષ્યના હૃદયની ગુહામાં પડેલી ગુપ્ત વાણી અને વૈખરી વાણી મનોમય વાણીમાં લય પામે અને પ્રાણમય વાણી અલક્ષ્યમાં પરમ તત્ત્વમાં વિલય પામે ત્યારે જ ગોમુખની યાત્રા પૂરી થાય છે. ‘ગો’ શબ્દના અનેક અર્થ થાય છે.

જેમ કે પશુ, સર્વ દિશા, રશ્મિ, ભૂમિ, ગીરા, વિનાયક અને નેત્ર તુલસીદાસ પણ લખી ગયા છે, ‘વિપ્ર, ધેનુ, સુર, સંત હિત, લીનો મનુજ અવતાર’ અર્થાત્ ભગવાન રામે જ્ઞાનીજનો, ગાય, દેવતાઓ અને સંતજનોનાં હિત માટે મનુષ્ય અવતાર લીધો. ભારતની ગોસેવામાં જુદા જ સંસ્કાર પડેલા છે. મકરંદ દવેની સંગતિમાં બેસો તો સમજાય છે કે, ‘ગોચર અને અગોચર શબ્દમાં પણ ગાય રહેલી છે. જે દેખાય છે તે ગોચર અને જે નથી દેખાતું તે અગોચર છે.

પ્રાચીન તપોવનોમાં ગોવિદ્યા શીખવવામાં આવતી હતી. દૂધ આપનારી ગાયની સેવા કરતા પોતાની જ અંદર રહેલી ચેતનાને કેમ વિસ્તારવી એનું શિક્ષણ આપવામાં આવતું હતું. કાલિદાસે ‘રઘુવંશ’માં ‘નંદિની’ ગાયની સેવા કરતા મહારાજા દિલીપનું અદ્્ભુત વર્ણન કર્યું છે. તેમાં રાજા સિંહના મુખમાંથી ગાયને કેવી રીતે છોડાવે છે એની વાત છે. અહીં ગાય દિલીપને કહે છે, ‘તારી ગુરુભક્તિ અને મારા પરની અનુકંપાથી હું પ્રસન્ન થઈ છું, પુત્ર!

વરદાન માગી લે. મને માત્ર તું દૂધ દેનારી જ નહીં સમજતો હું વાંછિત ફળ આપનારી કામદુધા છું એટલું જાણજે.’ આધ્યાત્મિક સમજદારી વિના ગાયની સેવા કરવી અને ગાયના નામે ચરી ખાવું એમાં અજ્ઞાનતા છે. તમે ગાયને ઘાસ ચરતી જોશો તો ગાય ઉપરઉપરથી ઘાસ ચરે છે, ઘાસનાં મૂળિયાં ઉખેડતી નથી.

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી