તારીફ કરું ક્યા ઉનકી..

article by anil joshi

અનિલ જોશી

Nov 28, 2018, 12:05 AM IST

ગુજરાતી સાહિત્યમાં વ્યંગ રચનાઓ બહુ ઓછી લખાય છે. હિન્દી સાહિત્યમાં વ્યંગ રચનાઓની બહુ મોટી પરંપરા છે. યુગે યુગે વ્યંગધારાઓ બદલાતી રહે છે. થોડા દિવસ પહેલાં ટી આર ચમોલીની એક વ્યંગ રચના વાંચવામાં આવી. અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એનું આબેહૂબ પ્રતિબિંબ એ વ્યંગ રચનામાં જોવા મળે છે. વ્યંગનું શીર્ષક છે, ‘આવો, મારાં વખાણ કરો’ એક ફ્રેન્ચ દાર્શનિકે તો એટલી હદ સુધી લખ્યું છે કે હું ઈશ્વરને માનતો નથી, કારણ કે ઈશ્વરને માત્ર પોતાનાં વખાણ સાંભળવાં ગમે છે. પોતાનાં વખાણ સાંભળવામાં કોને આનંદ નથી આવતો? એ જ રીતે બીજાની નિંદા કરવામાં પણ અપાર ખુશી મળતી હોય છે. લેખક લખે છે કે વખાણનું મહત્ત્વ રાજતંત્ર, લોકતંત્ર અને ભીડતંત્રથી લઈને જૂઠતંત્ર સુધી સર્વત્ર રહેલું છે. જૂના જમાનામાં રાજા-મહારાજાઓનાં વખાણ કરો એટલે તરત દસ ગામ અને સો અશરફી તમને મળી જાય.


અત્યારે લોકતંત્રની સ્થાપના સાથે જ વખાણ માટે સ્કોપ બહુ વિસ્તૃત થઈ ગયો છે. નેતા બહુ મોટો હોય તો એ બીજાઓ પાસે પોતાનાં વખાણ કરાવે છે. મોટો નેતા માત્ર પોતાનાં છૂટક વખાણોથી ખુશ થતો નથી. એ નેતા તો એવું ઇચ્છે છે તમે મારી તારીફના પુલ બાંધો પછી એ ભલે ફ્લાયઓવરની જેમ તૂટી પડે. આજની તારીખે વખાણોનાં ઘોડાપૂર આવ્યાં છે. દુકાનદાર પોતાની પ્રોડક્ટનાં વખાણ કરે છે. વકીલો જજની તારીફ કરે છે. વિદ્યાર્થી પરીક્ષકની તારીફ કરે છે. પ્રેમી-પ્રેમિકાની તારીફ કરે છે. પંડા અને પૂજારીઓએ ભગવાનની તારીફ કરવાનો કોન્ટ્રેક લઈ લીધો છે.

ખરું પૂછો તો ઘરમાં પત્નીની તારીફ કરો. કાચી કે બળેલી રોટલી ભાણામાં આવે તો પણ એની તારીફ કરો. કેટલાક લોકો તારીફ કરવા માટે લાચાર હોય છે. રેડિયો, ટેલિવિઝન, જાહેરખબરો અને ચેનલોમાં તારીફના પૂળા બાંધવા એ હવે ઉદ્યોગ બની ગયો છે.


ખાસ કરીને કવિસંમેલનો અને મુશાયરામાં તારીફનું પ્રમાણ વધારે માત્રામાં કવિઓ અને શાયરોમાં એક અલિખિત સમજૂતી કાયમથી રહેલું છે. ‘હું તમારી ગઝલને દાદ આપીશ, તમે મારી ગઝલોને વાહ.. વાહ.. દુબારા બોલીને દાદ આપજો.’ વ્યંગનું આ સ્વરૂપ સમજવા જેવું છે. દરેકને વખાણ જોઈએ છે.


આલોચના કોઈને ગમતી નથી, પણ એક લોકકહેવત એક જ પંક્તિમાં વખાણની આલોચના કરી નાખે છે. ‘રાંધેલું ધાન અને જીવતા માણસના બહુ વખાણ કરવાં નહીં, કારણ કે એને બગડી જતા વાર નથી લાગતી.’ એક બીજી કહેવત પણ તમને યાદ હશે ‘વખાણી ખીચડી દાઢે ચોંટી’ મેં એવાં દૃશ્યો પણ જોયાં છે કે કોઈ મુખ્યમંત્રી કે મોટો નેતા સમારંભમાં દીપપ્રાગટ્ય કરવા જાય છે ત્યારે એની આસપાસ ઊભેલા પ્રસંશકો દીવો થઈ જાય પછી તરત વખાણ કરતા કહે છે, ‘સાહેબ, તમે બહુ જ સુંદરતાથી સળગાવ્યું. મીણબત્તીને તમે બહુ સલુકાઈથી પકડી એમાંય કવિતા હતી.’
તારીફ તો દેવતાઓને પણ ગમે છે. શમ્મી કપૂર પણ ઊંચા અવાજે પરદા પર ગાય છે, ‘તારીફ કરું ક્યા ઉનકી જિસને તુમ્હેં બનાયા’ સંસ્કૃત ભાષામાં તો તારીફ ઉપર એક આખો શ્લોક વાંચવા મળે છે. એ શ્લોકમાં પ્રાણીઓનું પરિદૃશ્ય છે, તે વાંચવા જેવું છે.


ऊष्ट्राणाम् लग्नवेलायाम् गर्दभः स्तुतिपाठकः
परस्परम् प्रशंसन्ति अहोरूपमहोध्वनिः


(ઊંટના વિવાહમાં ગધેડાં સ્તુતિ વાંચે છે. બન્ને એકબીજાની પ્રસંશા કરે છે. ગધેડો ઊંટને કહે છે , ‘અહા, આપને કેવું સૌંદર્ય મળ્યું છે! શું રૂપ છે આપનું’ ઊંટ ગધેડાને કહે છે, ‘અહા, આપનો કંઠ કેટલો મધુર છે’)

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી