Back કથા સરિતા
અનિલ જોશી

અનિલ જોશી

કવિતા (પ્રકરણ - 21)
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

મહાભારતની મીડિયાકથા

  • પ્રકાશન તારીખ18 Oct 2018
  •  

ગીરના જંગલમાં સિંહો મરી ગયા છે. યુગ એવો છે કે સિંહો પણ ઘાસ ખાતા થઈ ગયા છે. વનવિભાગના મંત્રી મહોદય માટે વન એ પર્યટન સ્થળ છે. જંગલમાં તો જંગલરાજ જ ચાલતું હોય ને? પ્રજા માટે તો ખરખરો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. લોકશાહીમાં ચૂંટણી એક યુદ્ધ છે. પક્ષપલટુઓ અને મીડિયાની બયાનબાજીનો મેલ કાનમાં બહુ ભરાઈ ગયો છે. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે મીડિયાનો આટલો બધો ગામ ગોકીરો નહોતો. જો મહાભારતના યુદ્ધમાં આટલું બધું મીડિયા હોત તો શું થાત એનું એક કલ્પનાચિત્ર વર્ષો પહેલાં ક્યાંક વાંચ્યું હતું તે યાદ આવી ગયું છે.

મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પૂરું થઈ ગયું. ન્યૂઝ ચેનલના રિપોર્ટરો દુર્યોધન મહારાજને શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતા

મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ તે દિવસથી જ કૌરવ પક્ષમાં ‘નિષ્ઠાવંત’ કોણ છે અને ઇતર પક્ષપલટો કરનારા કોણ છે એનો વાદવિવાદ શરૂ થઈ ગયો. કર્ણ, શકુની, દુ:શાસનની ગણના દુર્યોધનના ખાસ વિશ્વાસુ તરીકે થતી હતી, પરંતુ ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય પાંડવો તરફ સહાનુભૂતિ ધરાવે છે એવો આક્ષેપ ‘નિષ્ઠાવંતો’ તરફથી થતો હતો. ભરતખંડનાં અખબારો ‘હસ્તિનાપુર કાલ’, ‘ઇન્દ્રપ્રસ્થ જલદ સમાચાર’ અને ‘આર્યાવર્ત સમાચારે’ આ વાદવિવાદને ખૂબ ચગાવ્યો હતો. ઇન્દ્રપ્રસ્થ સમાચારે શિખંડી પ્રકરણની સ્ટોરી ચાંપીને તરખાટ મચાવી દીધો. ભીષ્મ અને કર્ણ વચ્ચે યુદ્ધ શરૂ થાય એ પહેલાં જ અફરાતફરી મચી ગઈ.


કૌરવસેનાનું સેનાપતિપદ ભીષ્મને અપાયું ત્યારે કર્ણએ મીડિયામાં જાહેર કરી દીધું કે, ‘ભીષ્મ સેનાપતિ હશે તો હું યુદ્ધમાં ભાગ નહીં લઉં.’ જે લોકો યુદ્ધના સમાચાર માટે માત્ર દૂરદર્શન પર આધાર રાખતા હતા તે બધા દર્શકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘યુદ્ધમાં કર્ણનો ચહેરો કેમ દેખાતો નથી?’ ખુદ ભીષ્મ હસ્તિનાપુરના સિંહાસનને વફાદાર હતા, પણ એની ઉપર વફાદારી સાબિત કરવાનું પ્રચંડ દબાણ હતું.


યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે નારદ ચેનલે એક ન્યૂઝ એવા પ્રસારિત કર્યા કે એનાથી સનસનાટી મચી ગઈ. ન્યૂઝ એવા હતા કે, ‘કર્ણ કોઈપણ ઘડીએ પાંડવ સેનામાં સામેલ થઈ જશે. અમારો રિપોર્ટર જણાવે છે કે કર્ણને મનાવવા ખુદ પાંડવમાતા કુંતીદેવી પધાર્યાં હતાં. એ બન્ને વચ્ચે ગુપ્ત ચર્ચાઓ થઈ હતી, પણ એક પત્રકાર પરિષદમાં દુર્યોધન અને કર્ણએ નારદ ચેનલના એ જૂઠા સમાચારને રદિયો આપ્યો.


મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પૂરું થઈ ગયું. ન્યૂઝ ચેનલના રિપોર્ટરો દુર્યોધન મહારાજને શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. આ વખતે દૂરદર્શન ચેનલે મધ્યાન સમાચારમાં પ્રસારિત કર્યું કે, ‘હમણાં જ મળતી માહિતી મુજબ દુર્યોધન મહારાજ એક તળાવમાં સંતાઈ ગયા છે. એને પાંડવોએ પકડી લીધા છે. ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું એમાં દુર્યોધન મહારાજ વીરગતિને પામ્યા છે. હસ્તિનાપુરમાં સત્તા બદલી ગઈ. યુધિષ્ઠિર મહારાજે સહુથી પહેલો નિર્ણય લીધો કે દૂરદર્શનને સ્વાયત્તતા આપવી.


એકતરફી પ્રચાર કરનારા નોકરશાહીથી ગ્રસ્ત એવા દૂરદર્શનને સ્વાયત્તતા આપી. આ માટે એક કમિટી નિમાઈ. એમાં અશ્વસ્થામા, નારદ અને મારુતિનો સમાવેશ કરવામાં આવ્યો, પણ હજી સુધી આ કમિટીનો કોઈ અહેવાલ મળ્યો નથી. આ વાત કૃષ્ણના કાન સુધી આવી ગઈ. કૃષ્ણ તરત દ્વારિકાથી હસ્તિનાપુર દોડી આવ્યા.


મારી સાથે સલાહ મસલત વિના કોઈ નિર્ણય લેવો નહીં એવો ફેક્સ કૃષ્ણએ દ્વારિકાથી જ યુધિષ્ઠિર માટે કરી દીધો હતો. આ વખતે કૃષ્ણએ યુધિષ્ઠિરને બીજી ગીતા કહી ‘नष्टो मोह: स्मृतिलब्धा त्वत्त् प्रासादत मयाच्युत’ પણ યુધિષ્ઠિર અર્જુન કરતાં વધુ હઠીલા હતા. તેઓ લડાઈ પહેલાં પ્રજાને આપેલાં વચનો પાળવા આગ્રહી હતા. આ મહાભારતની મીડિયાકથાનું ભાવવિશ્વ છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP