Back કથા સરિતા
અનિલ જોશી

અનિલ જોશી

કવિતા (પ્રકરણ - 21)
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

સડકછાપ ટાયર

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

એક તો ચોમાસામાં સડક પર ખાડા પડી ગયા હોય એમાં મોટરના ટાયરનું ભાવવિશ્વ જાણવાની મને તાલાવેલી લાગી. ટાયરને સડક સાથે જનમોજનમનો સંબંધ છે. જેમ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેમ સડક પર નૃત્ય કરવાનો પણ સહુનો જન્મસિદ્ધ અધિકાર છે. સડકને જોઈને સહુ થનગનભૂષણ બની જાય છે. રાજકપૂરની એક ફિલ્મનું ગીત યાદ આવેને? ‘નિકલ પડે હૈ ખુલ્લી સડક પર અપના સીના તાને’ સડક પર નાચવાની કલ્પના જ અદ્્ભુત છે.

મહાગુજરાત માટે ઇન્દુચાચાની હાકલ સાંભળીને આપણે સહુ બહુ નાચ્યા છીએ. કોઈનાં લગ્નનો વરઘોડો નીકળે ત્યારે પણ બેન્ડવાજાંના તાલે બહુ નાચ્યા છીએ. કોમી હુલ્લડોમાં પણ નાચવાનું નહોતા ભૂલ્યા. વિખ્યાત હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે સાહેબ પોતે કબૂલ કરે છે કે સડક પર ચાલતાં ચાલતાં મારો પગ સળગતી બીડી પર પડી ગયો ત્યારે હું એકાએક સડકનૃત્ય કરી ઊઠ્યો હતો. યુવાન વયે મધરાતે રિલીફ રોડ પર વિનોદ ભટ્ટ સાથે હું પણ થોડુંક નાચ્યો હતો.

ટાયરને ખબર નથી હોતી કે પોતે ક્યાં જાય છે. જમીન સાથે ડાઉન ટુ અર્થ ફક્ત ટાયર જ છે

સૂર્યભાનુ જેવો કવિ પણ એક શેરમાં લખે છે કે દુલ્હન બનકર કિતની ખુશ હૈ, જો લડકી એક સડક રહી થી. રસ્તાને ખૂણે બેસીને હું સડક પર દોડતી કારોને જોઈ રહ્યો છું. જેટલો મહિમા મોંઘી કારનો છે એનાથી અદકેરો મહિમા ટાયરનો છે. સરકારનું નામ ચલતી કા નામ ગાડી છે તો આમજનતા એનું ટાયર છે. રથયાત્રાનો રથ પણ ટાયરોથી જ ચાલે છે. ટાયરને ખબર નથી હોતી કે પોતે ક્યાં જાય છે. જમીન સાથે ડાઉન ટુ અર્થ ફક્ત ટાયર જ છે. ટાયરોનાં નસીબમાં યશ નથી હોતો. આખી જિંદગી ઘસાયા જ કરે છે. આવાં ઘસાઈ ગયેલાં ટાયરો કોઈનાં છાપરાં ઉપર પડ્યાં હોય છે. ઘણીવાર શોભાયાત્રા પણ નીકળે છે. શોભાયાત્રા એ સડકનૃત્યનો બીજો પ્રકાર છે. રેલીઓથી સડક ભરાઈ જાય છે ત્યારે ટાયરોને થોડો આરામ મળે છે. વિમાનનાં ટાયરો વધુ નસીબદાર છે. ટેક ઓફ અને લેન્ડિંગ વખતે જ ઘસાવું પડે છે. બાકી તો હવામાં જલસા છે.

અત્યારે મુંબઈ અને અમદાવાદના રસ્તાઓ ઉપર એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ગુજરાતી કહેવતને બદલવી પડે. ગુજરાતીમાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે, પણ હવે એમ લખવું પડે કે ચોમાસામાં જે ખાડો નથી ખોદતો એ જ પડે છે. લોકો હવે સડકના ખાડા સાથે સેલ્ફી લેતા થઈ ગયા છે.


લગ્નોની મોસમમાં ટાયરો પાસે ઘણી સ્ટોરીઓ હોય છે. આ વિશેની એક મજેદાર હકીકત વિશે થોડી વાત કરીએ. હમણાં વિખ્યાત કવિ નીરજનું અવસાન થયું. નીરજ જેવા કવિ એમની યુવાનીમાં એમની પ્રેયસીને મળવા માટે બસના ટાયર ઉપર બેસીને પ્રેયસીને ગામ જઈ રહ્યા હતા. આંખમાં અનેક સ્વપ્ન હતાં. બસ જ્યારે પ્રેયસીને ગામ પહોંચવા આવી ત્યારે ગામને પાદરે બસ ઊભી રહી. સામેથી કોઈનાં લગ્નની જાન જઈ રહી હતી એ વખતે કવિ નીચે ઊતરી ગયા.

પ્રેયસીનું ગામ આવી ગયું, કવિ વિદાય લેતી દુલ્હનની જાન જોતા રહ્યા. એ પછી કવિને ખબર પડી કે જે પ્રેયસીને પોતે મળવા આવ્યા હતા એ જ પ્રેયસીની લગ્નની જાન બેન્ડવાજાં સાથે જતી રહી. આ વેદના અસહ્ય હતી. કવિ નીરજની આ કાવ્યપંક્તિઓ પાછળ એક ભીષણ અનુભવ રહ્યો છે. આ વખતે બસનાં ટાયર અને લગ્નની જતી જાનનાં ટાયરની સ્ટોરી વિશે હિન્દીના સાહિત્કાર મિત્રો જાણે છે. કવિ નીરજે પોતાના જ એક ગીતમાં આ અનુભવને બહુ જ નાજુકાઈથી વ્યક્ત કર્યો છે એ ગીતના શબ્દો તમે જુઓ.


माँग भर चली कि एक, जब नई-नई किरन,
ढोलकें धुमुक उठीं, ठुमुक उठे चरन-चरन,
शोर मच गया कि लो चली दुल्हन, चली दुल्हन,
गाँव सब उमड़ पड़ा, बहक उठे नयन-नयन,
पर तभी ज़हर भरी,
गाज एक वह गिरी,
पोंछ गया सिंदूर तार-तार हुईं चुनरी,
और हम अजान-से,
दूर के कान से,
पालकी लिए हुए कहार देखते रहे,
कारवाँ गुज़र गया, गुबार देखते रहे ।
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP