એક આદમી, બે ડમી બરાબર અકાદમી

article by anil joshi

અનિલ જોશી

Sep 05, 2018, 12:05 AM IST

હમણાં હું એક વરિષ્ઠ પત્રકાર મિત્રની સાથે બેઠો હતો. એટલામાં એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના રિપોર્ટર મારો પ્રતિભાવ લેવા કેમેરા સાથે પહોંચી ગયા. વાત જાણે એમ હતી કે દિલ્હી સાહિત્ય અકાદમીના નિવૃત્ત થઈ ગયેલા અધ્યક્ષ વિશ્વનાથ પ્રસાદ તિવારીએ એક લેખ લખ્યો કે આ એવોર્ડ વાપસી કરનારા લેખકો અને કવિઓનો ઇરાદો બિહારની ચૂંટણી સમયે જ સરકારને અને નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો હતો.

આ વિશે મારે પ્રતિભાવ આપવાનો હતો, કારણ કે મેં એવોર્ડ વાપસ કર્યો હતો. ન્યૂઝ ચેનલને પ્રતિભાવ આપતાં મેં કહ્યું, ‘જુઓ, અમારો વિરોધ સરકાર સામે હતો જ નહીં, પણ નેશનલ સાહિત્ય અકાદમી સામે હતો, કારણ કે 1915ના ઓગસ્ટ મહિનામાં સાહિત્ય અકાદમીના એવોર્ડ વિજેતા કલબુર્ગીની હત્યા કરવામાં આવી ત્યારે આ જ અધ્યક્ષ સાહેબે કલબુર્ગીની હત્યાને નહોતી વખોડી કે શોક સંદેશો મોકલ્યો. અકાદમી એક સ્વાયત્ત સંસ્થા હોવા છતાં અધ્યક્ષ ચૂપ રહ્યા હતા. એના વિરોધમાં અમે એવોર્ડ પાછા આપ્યા હતા.

સાહિત્ય બધી વિચારધારાઓનું સંગમતીર્થ છે. અમારો વિરોધ સરકાર સામે નહોતો, પણ કેન્દ્રિય સાહિત્ય અકાદમી સાથે હતો

અમારો વિરોધ હતો કોઈ કટ્ટર સંગઠનનો આમાં હાથ છે. થોડા દિવસ પહેલાં જ CBIએ પૂનાની કોર્ટમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કલબુર્ગી, દાભોલકર અને પાનસરે તેમજ ગૌરી લંકેશની હત્યાની કડીઓ મળી ગઈ છે. અરે! અમારા મુંબઈના નાલાસોપારામાંથી એક કટ્ટર સંગઠન પાસેથી અનેક જીવતા બોમ્બ અને હથિયારો પકડાયાં છે. અમે 2015માં એવોર્ડ પાછા આપ્યા ત્યારે અમારી પર ખૂબ માછલાં ધોવાયાં. એક વરિષ્ઠ સેલિબ્રિટીએ તો એટલી હદ સુધી કહ્યું કે એવોર્ડ વાપસી કરનારા ‘બુદ્ધિના બળદિયા છે.’ એના પ્રતિભાવમાં અમે એટલું જ કહ્યું, ‘સારું થયું કે એણે અમને ગાય કહ્યા નહીં.’ આ લખવા પાછળનો હેતુ એટલો જ છે કે સાહિત્ય જેવા સ્વાયત્ત ક્ષેત્રમાં ખુદ સાહિત્ય અકાદમીના નિવૃત્ત અધ્યક્ષ તિવારીજી રાજકારણ ઘુસાડે છે તે ઉચિત નથી. સાહિત્ય બધી વિચારધારાઓનું સંગમતીર્થ છે. અમારો વિરોધ સરકાર સામે નહોતો, પણ કેન્દ્રિય સાહિત્ય અકાદમી સાથે હતો.


હવે થોડી હળવી વાત કરીએ. આપણે હવે ભ્રષ્ટાચારને પણ પોઝિટિવ નજરથી જોવો જોઈએ. કોઈ મોટી બેગ ભરીને કરન્સી નોટોની ડિલિવરી લેતો હોય ત્યારે એમ માનવું કે આ ભ્રષ્ટાચારી કેટલો ભદ્ર માનવી છે કે એ કરન્સી નોટોને ગણતો જ નથી. એને જનતા ઉપર કેટલો બધો વિશ્વાસ છે. બીજું, રાજકીય પક્ષોની જાહેરખબરોનાં મોટાં હોર્ડિંગ જોઈને એવું ફીલ થાય કે જાહેરખબર વાંચીને ધંધો કરવો એટલે એક અતિ સુંદર સ્ત્રીને અંધારામાં આંખ મારવા બરાબર છે. યુગધર્મ બદલાયો છે.

રાત્રે કરેલાં દુષ્કૃત્યો માટે સવારે ઊઠીને પસ્તાવો કરવો જોઈએ, પણ ચતુર પુરુષો સવારે વહેલા ઊઠતા જ નથી, બપોરે ઊઠે છે. રસ્તામાં કોઈ મહિલાની નધણિયાતી લાશ મળી આવે તો મિનિસ્ટર એટલું જ કહે, ‘લાશની અંતિમ વિધિ માટે કોઈ સ્પોનસર શોધો. નનામી ઉપર સ્પોન્સરનો લોગો લગાડવામાં શું વાંધો છે?’ સાહિત્યમાં ભાવવિશ્વ હોય છે. અકાદમી વિશે ભાવનગરના કવિ સ્વ. નાથાલાલ દવે એક કવિતામાં લખે છે, ‘એક આદમી, બે ડમી બરાબર અકાદમી.’

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી