વો સુબહા કભી તો આયેગી!

article anil joshi

અનિલ જોશી

Dec 12, 2018, 05:05 PM IST

દરેક શહેરની સવાર અલગ હોય છે. મુંબઈની સવાર ટાઇમટેબલમાં ગોઠવેલી સવાર લાગે. વડોદરાની સવાર રજવાડી સવાર લાગે છે. રાજકોટની સવાર ફાફડા જલેબી જેવી લાગે છે. અમદાવાદની સવાર અખબારી સવાર સાથે કટિંગ ચા જેવી લાગે છે.

શાળા-કોલેજોની સવાર ફૂટતા પેપર જેવી લાગે છે. દિલ્હીની સવાર પ્રદૂષણ જેવી લાગે છે. કવિ મણિલાલ દેસાઈની કાવ્યપંક્તિ યાદ આવી જાય છે. ‘હવે આંખ આ ધુમ્મ્સ, કાં આ ધુમ્મ્સ, હાથ આ ધુમ્મસ, ધુમ્મસ વચ્ચે પારિજાતની સુવાસ ધુમ્મસ’ એવું લાગે કે, ‘આઇના ધૂંધલા ગયા યા મેરા ચેહરા ખો ગયા!’ અમારા મુંબઈમાં બહુ ધુમ્મસ પડતું નથી એટલે મોંસૂઝણા જેવું લાગે છે. આજે વહેલી સવારે મોર્નિંગ વોકમાં જાઉં છું ત્યારે એક મિત્રના સવાલે મને વિચારતો કરી દીધો. એ મિત્ર કહે છે, ‘આપણી લોકસભાના સાંસદો અને ધારાસભાના સભ્યોને સેવકોને બદલે ‘એમ્પ્લોઇ’ (નોકરિયાત) કહેવા જોઈએ. આ બધા ચિક્કાર પગાર મેળવે છે, પેન્શન મેળવે છે, મફતમાં બંગલા મેળવે છે. છતાં લોકસેવક ક્યાંથી બની ગયા?’ મેં કીધું, ‘કોઠી ધોઈને કાદવ શું કામ કાઢો છો?’ બજારુ નેતાઓની મોબાઇલ પેઢી અસ્તિત્વમાં આવી ગઈ છે.

જુઓ, વિખ્યાત અર્થશાસ્ત્રી પોલ કેનેડીએ એક પુસ્તક લખ્યું છે, ‘એપ્રોચિંગ ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી’. આ પુસ્તકમાં અમેરિકા જેવું ધનાઢ્ય રાષ્ટ્ર ભારત જેવા વિકાસશીલ દેશનું કેવી રીતે શોષણ કરી રહ્યું છે એનો સ્પષ્ટ ચિતાર આપવામાં આવ્યો છે. લેખક લખે છે તે વાંચો. આધુનિક તંત્રજ્ઞાનના વિકાસ સાથે સાથે ભારતમાં બેરોજગારીની સમસ્યા અતિ વિકટ બની ગઈ છે. બધે રોજગાર વિનાનો વિકાસ દેખાઈ રહ્યો છે. વધારાના ઉત્પાદનને કારણે મંદીનું મોજું ફરી વળ્યું છે.

વેચાણ માટે સ્પર્ધા છે. એટલે સ્પર્ધામાં કિંમત ઘટાડવી પડે છે. તેથી થાય છે એવું કે મજૂરવર્ગ પર જે ખર્ચ કરવામાં આવે છે એમાં કાપ મુકાય છે. મજૂર અને નોકરિયાતના વેતન ઉપર કાતર ફરી જાય છે, ભથ્થાંમાં કાપ મુકાય છે. તેથી રોજગાર મળવાનો જે વેગ છે તે સાવ ધીમો પડી જાય છે, ઉચ્ચ પદોની સંખ્યા વધી છે. પાંપણ નીચલી પાયરીના કર્મચારીઓની સંખ્યા સાવ ઘટી ગઈ છે. છેલ્લાં દસેક વર્ષથી બેકારોની સંખ્યા બહુ વધી ગઈ છે. આને કારણે ગુનાખોરીનું પ્રમાણ ભયજનક સપાટી વટાવી ગયું છે. નોકરી વિનાના અનેક બેકારો આત્મહત્યા કરી ચૂક્યા છે.

કોમી હુલ્લડો વધ્યાં છે. રાજકારણમાં બજારુ નેતાઓની મોબાઇલ પેઢી અસ્તિત્વમાં આવી ગઈ છે. ચૂંટણીમાં વરરાજા કરતાં અણવરોની સંખ્યા વધી ગઈ છે. આ નરી વાસ્તવિકતા છે. બ્રિટનના એક યુગમાં સરકારે એક એવી ઝુંબેશ ઉપાડી હતી કે, ‘ગરીબ અને ભિખારીઓને હટાવો’ એ જ વખતે વિખ્યાત કવિ વર્ડ્સવર્થે સરકારનો કાન પકડીને કહ્યું હતું કે, ‘ગરીબોને હટાવો નહીં, પણ ગરીબીને હટાવો.’ આ ગરીબી હટાવોનું સૂત્ર વર્ડ્સવર્થે આપ્યું હતું એ બહુ ઓછાને ખબર છે.

આપણી પોતાની સંસદની લાઇબ્રેરી કેટલી બધી સમૃદ્ધ છે, પણ વાંચે કોણ? સ્ટાઇનબેક જેવા વિખ્યાત સર્જકે પોતાના એક પુસ્તકમાં લખ્યું છે, ‘તમે જ્યારે ઘાયલ થઈને રસ્તે પડ્યા હો, અથવા તમે બહુ મુશ્કેલીમાં હો ત્યારે ગરીબ પાસે જજો. ગરીબ જ તમને મદદ કરશે.’ ‘If you’re in trouble, or hurt or need - go to the poor people. They’re the only ones that’ll help - the only ones.’ આ મારો જાત અનુભવ છે. વર્ષો પહેલાં મને મધરાતે રોડ અકસ્માત થયો હતો ત્યારે હું ખાર ઉપનગરના રસ્તા પર બેભાન પડ્યો હતો. એ વખતે એક છાપાના ગરીબ ફેરિયાએ મને રિક્ષામાં નાખીને ઘેર લાવીને હોસ્પિટલે પહોંચાડ્યો હતો અને હું બચી ગયો. આપણે વાતની શરૂઆત સવારથી કરી હતી એ વાતનો અંત પણ સાહિર લુધિયાનવીના શબ્દોથી લાવીએ, ‘વો સુબહા કભી તો આયેગી!’

[email protected]

X
article anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી