Back કથા સરિતા
અશોક દવે

અશોક દવે

એન્કાઉન્ટર (પ્રકરણ - 59)
‘બુધવારની બપોરે’ અને ‘એન્કાઉન્ટર’ જેવી કોલમોથી જાણીતા હાસ્યકાર અશોક દવે વરિષ્ઠ હાસ્યકારોમાં સમાવિષ્ટ છે.

મન રે તૂ કાહે ન ધીર ધરે... રફીના દસ શ્રેષ્ઠ ગીતોમાંનું એક

  • પ્રકાશન તારીખ14 Jun 2019
  •  

- અશોક દવે
કોલમ લખનારને સાહિત્યની જે કોઈ સમજ છે તે મુજબ, સાહિર લુધિયાનવીથી વધુ અર્થપૂર્ણ ગીતકાર હિન્દી ફિલ્મોમાં એક પણ આવ્યા નથી. ઉર્દૂ પર આટલો પ્રભાવ હોવા છતાં એ જ્યારે શુદ્ધ હિન્દીમાં લખે, ત્યારે સરખામણીમાં બીજા ગીતકારો આવે કે, એ બધા લખવા તો ગયા છે હિન્દીમાં, પણ વચ્ચે અજાણતાંં ઉર્દૂ-અરબી-ફારસી શબ્દો લઈ આવવા પડ્યા છે, ત્યારે સાહિરની વફાદારી માત્ર જે તે ભાષા માટે જ ન હોય, એની અર્થસભર પંક્તિઓમાં ચમત્કૃતિઓ પણ છલોછલ ભરી હોય. ફિલ્મ ‘ચિત્રલેખા’માં સાહિરને શુદ્ધ હિન્દીમાં ગીતો લખવાના હતા, જે એમણે કવિતાને ઊંચાઈઓ પર લઈ જઈને લખ્યા છે. પોતે ઇસ્લામના સ્કોલર હોવા છતાં, જ્યારે એ ‘પ્રભુ તેરો નામ, જો ધ્યાયે ફલ પાયે સુખ લાયે તેરો નામ.’ જેવા ભજનો કે ‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે...’ જેવા આધ્યાત્મિક શિખરો ઉપર બિરાજેલા ચિંતનાત્મક શબ્દો કેવળ ગીતનો લય બેસાડવા નહીં, દરેક પંક્તિમાં કોઈ ‘મેસેજ’ પણ હોય. જેમ કે, આ ફિલ્મમાં હિન્દુ પરંપરા મુજબ, આધ્યાત્મ અને શ્રંૃગારને એકબીજાથી છેટે રાખવા માટે એક તરફ રાજનર્તકીની દલીલો છે, તો બીજી તરફ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરનાર યોગી. એ મોહક સ્ત્રીને સેક્સ અને સુંદરતાથી દૂર રહેવાની શીખ આપે છે, એના જવાબમાં સાહિરના માધ્યમથી લતા મંગેશ્કર પાસે થઈને મીના કુમારી મદ્યનો સહારો લઈ બ્રહ્મચારી અશોક કુમારને પદ્યમાં સમજાવે છે, ‘ये भोग भी एक तपस्या है, तुम त्याग के मारे क्या जानो, अपमान रचेयता का होगा, रचना को अगर ठूकराओगे’ સાહિર મુસલમાન હોવા છતાં હિન્દુ પરંપરા અને આધ્યાત્મને આંખો મીંચીને ફોલો કરવા ઉપર એ કેવો આદરપાત્ર કટાક્ષ કરે છે, ‘ये पाप है क्या ये पूण्य है क्या, रीतों पर धर्म की मोहरें है, हर युग में बदलते धर्मो को कैसे आदर्श बनाओगे?’ ધર્મગુરુઓ પોતાની સગવડો કે લાલચોને પોસવા સમાજમાં જે કંઈ બદલાવ લાવવા માંગતા હોય, એની ઉપર ધર્મની મોહર લગાવી દે.
સાહિર લુધિયાનવીનું કોઈ પણ ગીત યાદ કરો, તદ્દન નવા શબ્દો હર ગીતે જાણવા મળે. ‘કભી દેખી ના સુની ઐસી તિલિસ્માત કી રાત.’ ‘તિલિસ્માત’ એટલે ચમત્કારો. એ જ મોડ પર આશા ભોંસલેએ ગાયેલું અને જયદેવના સ્વરાંકનના ગીતો પૈકીનું ‘માંગ મેં ભર લે રંગ સખીરી, આંચલ ભર લે તારે, મિલન ઋતુ આ ગઈ.’ એક અન્ય કારણે પણ ‘રેર’ છે કે, આ ગીતનું મુખડું લીડ-સિંગર આશા ભોંસલેએ ગાયું નથી. એ સીધી પહેલા અંતરાથી જ ગીતમાં પ્રવેશ કરે છે. ‘कोई चांदी के रथ में आया है, मेरे बाबुल की राजधानी में...’ (મારા સર્વોત્તમ દસ ફિલ્મી ગીતોમાં જયદેવનું કમ્પોઝ થયેલું આ ગીત એકથી પાંચમાં આવે! ફિલ્મ ‘મુઝે જીને દો’ - આશા ભોંસલે-કોરસ.) એ તો માનવું પડશે કે, ગાયકીમાં આશા ભોંસલે લતાથી કમ નથી.
મોહમ્મદ રફી કેવા સૂરીલા ગાયક! કેવી ઠંડકથી રાગ યમન પર આધારિત ‘મન રે તૂ કાહે ન ધીર ધરે...’ ગાયું છે? ‘કોઈ ન સંગ મરે...’ ‘સંગ’ની અભિવ્યક્તિ સાંભળો. એમાંય, ઇક્વલી ટેલન્ટેડ આશા ભોંસલે સાથેનું યુગલ ગીત, ‘છા ગયે બાદલ, નીલ ગગન પર...’ રોશનની અન્ય સેંકડો કમાલો પૈકીની એક છે.
રોશન ઘણા તરછોડાયેલ સંગીતકાર હતા, એમ કહો કે એમને પોતાનો માલ વેચતા આવડ્યો નહીં. કવ્વાલીઓના એ બાદશાહ હતા. 50 વર્ષની તદ્દન કાચી ઉંમરે આ ગ્રેટ સંગીતકાર હાર્ટ-ફેઇલથી અવસાન પામ્યા. લતા-રફી-મુકેશ માટે તો એની રચનાઓ ઉત્તમ જ હતી, પણ નૂતનવાળી ફિલ્મ ‘હમલોગ’માં ‘બહે અંખીયોં સે ધાર, જીયા મેરા બેકરાર...’ શમ્મી કપૂરની જેમ મારુંય ફુલ-ટાઇમ ફેવરિટ ગીત રોશને બનાવ્યું હતું. દિલરૂબા એનું ફેવરિટ વાદ્ય હતું. (દેખાવમાં સિતાર અને વાયોલિનનું મિશ્ર સ્વરૂપ લાગે.)
હિન્દી સાહિત્યકાર ભગવતીચરણ વર્માના ઉપન્યાય પરથી એ જ નામે કેદાર શર્માએ 1941માં ફિલ્મ‘ચિત્રલેખા’ બનાવી હતી. એ જમાનામાં તો નૌશાદનાય ગુરુ હતા, તે શાસ્ત્રીય રાગદારીના ખેરમાં ઉસ્તાદ ઝંડેખાનના સંગીતમાં ધૂમ મચી હતી. ફિલ્મના તમામ ગીતો રાગ ભૈરવી ઉપર આધારિત હતા. ‘સુન સુન નીલકમલ મુસ્કાયે...’ ‘સૈંયા સાંવરે ભયે બાંવરે...’ અને ‘તુમ જાઓ બડે ભગવાન બડે, ઇન્સાન બનો...’ જેવા પ્રસિદ્ધ ગીતો (એ જમાનામાં)રામદુલારીએ ગાયા હતા. ઉસ્તાદની સાથે એ.એસ.જ્ઞાનીએ પણ ફિલ્મમાં સહસંગીત આપ્યું હતું. આપણા ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણની આ પહેલી ફિલ્મ હતી. ચિત્રલેખાનો ટાઇટલ રોલ મેહતાબે કર્યો હતો, જેને ફિલ્મમાં આવતા સ્નાનદૃશ્યોને કારણે વિવાદોનો ભોગ બનવું પડ્યું હતું. ફિલ્મના હીરો નાન્દ્રેકર હતા.
અશોક કુમાર, મીના કુમારી સાથે પ્રદીપ કુમારની ઘણી ફિલ્મો આવી હતી. આરતી, ચિત્રલેખા, ભીગી રાત, બહુ બેગમ અને અફસાના. જ્યારે દાદામુનિ સાથે પ્રદીપની રાખી, ઉસ્તાદોં કે ઉસ્તાદ કે ‘મેરી સૂરત તેરી આંખે’માં બંને એકબીજાનાં પૂરક બન્યાં હતાં. પ્રદીપ કુમાર શહેનશાહી ઠાઠનો કલાકાર હતો, દેખાવમાં અને તલવારની ધાર જેવા કંઠમાં એને શાહી વસ્ત્રો શોભતા. આ જ દાદામુનિ અને મીના કુમારી સાથેની ફિલ્મ ‘આરતી’ને બાદ કરતા એ મોટાભાગની ફિલ્મોના કિરદારોમાં રાજા-મહારાજા કે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના રોલ વધારે કર્યા છે. એના ચહેરા પરની રૂક્ષતા અને ગુલાબી ચહેરો એની પોતાની માલિકીના હતા. પતલી પતલી મૂછો મેકઅપવાળો ચોંટાડી જતો. ફિલ્મ બહાર તમે એને જોયો હોય તો પ્રદીપ કુમાર એક ‘કિલર-પર્સનાલિટી’ હતો. તમે અંજાયા વિના રહી ન શકો. ખાટલે એક જ મોટી ખોડ... ભઈને મોટો લોચો એક્ટિંગમાં પડતો. એમાં કેદાર શર્માએ કોઈની પાસે અભિનય કરાવવાનો મનસૂબો જ નહીં રાખ્યો હોય, એટલે કહેતાં શરમ આવે કે, અશોક કુમારે પણ ફાલતુ એક્ટિંગ કરી છે!
વાર્તા : આર્યપુત્ર સામંત બીજગુપ્ત રાજકુંવરી યશોધરાને તરછોડીને રાજનર્તકી ચિત્રલેખાને પામવા વિહ્વળ થાય છે, ત્યારે યશોધરાના પિતા મૃત્યુંજય આજીવન બ્રહ્મચારી યોગી કુમારગીરીનો સંપર્ક કરીને બીજગુપ્તને ચિત્રલેખાથી દૂર કરવા વિનંતી કરે છે. યોગી ચિત્રલેખાને ખખડાવીને બંનેનો પ્રણયભંગ કરાવે છે, જેથી બીજગુપ્તને યશોધરા સાથે પરણવું પડે. યોગીના આદેશને માન આપીને ચિત્રલેખા પોતે સાધ્વી બનવા બ્રહ્મચારી આશ્રમમાં રહેવા જાય છે, જ્યાં સ્વયં યોગી એના રૂપથી મોહિત થઈને વાસનાનો ભોગી બને છે. ચિત્રલેખાની યોગી સાથે આવા સંબંધ માટે સ્પષ્ટ ના સાંભળ્યા પછી યોગી આત્મહત્યા કરવા ગંગા નદીએ જાય છે, જ્યાં સર્પદંશથી તેમનું મૃત્યુ થાય છે અને ચિત્રલેખા અને બીજગુપ્તનું પુન:મિલન થાય છે.

ફિલ્મ : ચિત્રલેખા (64)
નિર્માતા : એ.કે.નડિયાદવાલા
દિગ્દર્શક : કેદાર શર્મા
સંગીતકાર : રોશનલાલ નાગરથ
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : 16 રીલ્સ
થિયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, મીના કુમારી, પ્રદીપ કુમાર, મહેમૂદ, ઝેબ રહેમાન, બેલા બોઝ, મીનુ મુમતાઝ, અચલા સચદેવ અને શોભના સમર્થ.
ગીતો:
1. સંસાર સે ભાગે ફિરતે હો...- લતા મંગેશકર
2. સખી રી મેરા મન ઉલઝે...- લતા મંગેશકર
3. છા ગયે બાદલ, નીલગગન પર...- આશા-રફી
4. મન રે, તૂ કાહે ન ધીર ધરે...- મોહમદ રફી
5. લાગી મનવા કે બીચ કટારી કે મારા ગયા...- મન્ના ડે
6. એ રી જાને ન દૂંગી, મૈં તો અપને રસિક કો...- લતા
7. કાહે તરસાયે, જીયરા...- આશા ભોંસલે-ઉષા મંગેશકર

x
રદ કરો

કલમ

TOP