તડ ને ફડ / આપણી લોકશાહી ખંડિત લોકશાહી

Our democratic fractal democracy

1971 પછી  તો ઇન્દિરાએ એકહથ્થુ સત્તા કબજે કરી લીધી.  ઇન્દિરાના દીકરા રાજીવ ગાંધી વડાપ્રધાન થયા, ત્યારપછી તેમના કુટુંબમાંથી કોઇએ વડાપ્રધાનનું પદ આજ સુધી ભોગવ્યું નથી.

નગીનદાસ સંઘવી

May 22, 2019, 04:08 PM IST

દોઢ મહિનાથી ભારતને ધણધણાવતી અને સાત તબક્કામાં વહેંચાયેલી ચૂંટણી પૂરી થઇ અને આવતી કાલે સાંજ સુધીમાં તો પરિણામ પણ આવી જશે. આ તબક્કાઓના કારણે લગભગ દરેક મોટાં રાજ્યોમાં મતદાનની તારીખો ફરી ગઇ અને તેથી આ ચૂંટણીમાં રાજ્યવાર વિશ્લેષણ કરનાર ખોટા ઠરશે. ચૂંટણીનું રાજકારણ અતિશય પ્રવાહી છે અને મતદાન વચ્ચેના ગાળામાં રાજ્યોના મતદારોના અભિપ્રાય બદલાયા હોવાની સંભાવના છે. ખરી રીતે તો દરેક રાજ્યમાં એક જ દિવસે ચૂંટણી થવી જોઇએ અને ભારતભરમાં એક જ દિવસે થાય તે અતિ ઉત્તમ ગણાવું જોઇએ.પણ આ આદર્શ વહેવારુ નથી.
ભારતની ચૂંટણી દુનિયાભરમાં સૌથી વધારે પ્રચંડ અને ગૂંચવાયેલી ચૂંટણી છે. નેવું કરોડ મતદારો, હજાર મતદાર દીઠ એક મથક ઊભું કરવું પડે અને દર છ કિલોમીટરે પણ મતદાનમથક જોઇએ. આ વખતે કુલ મળીને દસ લાખ મતદાન કેન્દ્રો હતાં. એક મતદાન કેન્દ્રમાં સલામતી માટે પાંચથી છ અધિકારીઓ અને પાંચથી દસ પોલીસ અથવા અર્ધ પોલીસ દળની જરૂર પડે. હિસાબ માંડીએ તો એક દિવસ ચૂંટણી યોજવા માટે પચાસથી સાઠ લાખ કર્મચારીઓ જોઇએ અને પચાસ લાખથી એક કરોડ જેટલા પોલીસ જોઇએ તેથી ચૂંટણીપંચ પાસે તબક્કા પાડવા સિવાય બીજો વિકલ્પ નથી. દરેક તબક્કામાં લગભગ દોઢ લાખ કેન્દ્રોમાં મતદાન થયું. લગભગ નવ લાખ કર્મચારીઓ અને આટલી જ સંખ્યામાં સલામતી દળોએ કામગીરી બજાવી. આટલી મોટી સંખ્યાના લોકો માટે જમવા, રહેવાની વ્યવસ્થા કરવી અને તેમને એક કેન્દ્રમાંથી બીજા કેન્દ્રમાં લઇ જવા, મતદાન માટેનાં યંત્રો પહોંચાડવાં અને મતદાન થયા પછી આ યંત્રોને જડબેસલાક રીતે જાળવવાની કામગીરી તો વળી વધારાની થાય. ભારતમાં ચૂંટણીનું આયોજન આપણી લોકશાહીની અદ્્ભુત મહાસિદ્ધિ છે. પરિણામની અનેક આગાહીઓ કરવામાં આવે છે. દરેક પક્ષ અને દરેક ઉમેદવાર પોતાની જ જીત થવાની છે તેવી ઢોલકી બજાવે છે અને પક્ષના મોટા નેતાઓ એકબીજા પર શાબ્દિક કાદવ ઠાલવે છે. આ ચૂંટણીમાં જેટલો ઉગ્ર અને આવેગપૂર્ણ પ્રચાર થયો તેવું અગાઉ કદીયે થયું નથી અને જેટલી ગાળાગાળી થઇ તેટલી પણ અગાઉ કદી થઇ નથી. રાજકારણની બધી ગંદકી આ ચૂંટણીપ્રચારમાં એકસામટી ઠાલવવામાં આવી.
ચૂંટણીમાં ભાજપી મોરચાની જીત થશે તો કેટલી થશે અને કોંગ્રેસી મોરચાને કેટલી સફળતા મળશે તે આવતી કાલે જણાઇ આવશે. કોંગ્રેસે પરિણામ અગાઉ વિરોધ પક્ષોની બેઠક બોલાવી તે માંડી વાળવામાં આવી છે અને હવે ચૂંટણીના પરિણામ પછી મળવા જેવું લાગશે તો વિરોધ પક્ષો એકઠા મળશે.
એક વાત વધારે સ્પષ્ટતા અને વધારે ખાતરીપૂર્વક કહી શકાય છે કે વિપક્ષો જીતે તો પણ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને વડાપ્રધાનનું પદ મળવાનું નથી. ન કરે નારાયણ અને કોંગ્રેસને ફરી પછડાટ મળે તો ભારતના સૌથી જૂના, ભારતીય રાજકારણમાં સૌથી વધારે પ્રભાવશાળી પક્ષના રંગઢંગ બદલાઇ જશે. આ ચૂંટણી કે તેના પરિણામની વાત જવા દઇએ તો પણ કોંગ્રેસ પક્ષે પોતાની કાયાપલટ કરવી પડશે અને ઇન્દિરા ગાંધીએ ઘડેલી કોંગ્રેસે નેહરુના જમાનાની કોંગ્રેસ બનવું પડશે.
ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા અને પોતાનો દબદબો જાળવી રાખવા માટે કોંગ્રેસને ખુશામતખોરોનો પક્ષ બનાવ્યો અને લોકશાહીમાં રાજાશાહી કુટુંબ વ્યવસ્થા દાખલ કરી. આ ચૂંટણીપ્રચારમાં પણ આ વિસંગતિ દેખાઇ આવે છે. રાજકારણમાં કશો અનુભવ કે કશી કામગીરી ન હોવા છતાં પ્રિયંકા વાડ્રાએ ચૂંટણીમાં ઝુકાવ્યું અને કોંગ્રેસના પીઢ અને અનુભવી આગેવાનો, મનમોહનસિંહ, ચિદંબરમ્, દિગ્વિજયસિંહ કરતાં તેમને વધારે પ્રસિદ્ધિ આપવામાં આવી. વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે લડવાની તેમની ચાલ સફળ થઇ હોત તો આ પ્રસિદ્ધિનો મહાસાગર ઉછળ્યો હોત. વારાણસીમાં તેમની જીત થાય તેવી કોઇ સંભાવના ન હોવા છતાં મોદી સામે લડનાર તરીકે પ્રિયંકા અખબારોમાં છવાઇ ગયાં હોત અને રાહુલ ગાંધી ફિક્કા પડી ગયા હોત. તેથી કોંગ્રેસપ્રમુખે તેમને રોકી લીધા. રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા ભાઇ-બહેન તરીકે ગમે તેટલાં પ્રેમાળ હોય, પણ રાજકારણમાં કોઇ કોઇનું સગું કે વહાલું હોતું નથી. નટવરસિંહે રાજીવ ગાંધીને કહેલું તેમ વડાપ્રધાનને મિત્રો હોઇ શકે નહીં. રાજકારણ આવી પોચટ લાગણીઓને પોષણ આપે તેવો પ્રદેશ નથી અને બહેન પોતાથી આગળ નીકળી જાય તે કોઇ ભાઇને પરવડે નહીં.
કોંગ્રેસ રાજવંશ અંગે ઘણી સાચી-ખોટી અને સારી નરસી વાતો કરવામાં આવે છે, પણ પંડિત જવાહરલાલ નેહરુના અનુગામી ઇન્દિરા નથી. લાલબહાદુર શાસ્ત્રી છે. જવાહરલાલજી પોતાનો અંતકાળ નજીક આવ્યાનું સમજી શકે, પણ લાલબહાદુર શાસ્ત્રી દોઢ વરસમાં જ ગુજરી જશે તેવી કલ્પના પણ જવાહરલાલજીએ કર્યાનો સંભવ નથી. લાલબહાદુર શાસ્ત્રી અતિશય વિવેકી હતા, પણ સાથોસાથ રાજકારણની કઠોરતા પણ ધરાવતા હતા. કોંગ્રેસ મોવડીમંડળ(સિન્ડિકેટ)ને પોતાના પક્ષમાં લઇને તેમણે પોતાના હરીફ મોરારજી દેસાઇને એકલા પાડી દીધા અને મોરારજીને પ્રધાનમંડળમાં નીચલા સ્થાનની ઓફર કરીને દેસાઇને સત્તાસ્થાનેથી ખસેડી નાખ્યા. શાસ્ત્રીજી બોલેચાલે અતિશય નરમ હતા, પણ નરમ ચીજ અને નરમ લોકો વધારે તીક્ષ્ણ હોય છે. ચીની વિચારકોએ કહ્યું છે તેમ પાણી પથ્થર કરતાં વધારે મજબૂત છે. પથરો ગમે તેટલી વખત પછાડો, પણ પાણી તૂટતું નથી. પાણી ધીમે ધીમે ગમે તેવા મજબૂત ખડકને પણ તોડી નાખે છે.
લાલબહાદુર શાસ્ત્રીના અવસાન પછી સિન્ડિકેટે (કામરાજ, એસ કે પાટીલ, અતુલ્ય ઘોષ, સંજીવ રેડ્ડી અને નિજલિંગપ્પા) મોરારજી જેવા મજબૂત આગેવાનને પડતા મૂકીને ઇન્દિરા ગાંધી જેવી બિનઅનુભવીની વરણી કરી. ઇન્દિરા પોતાના કબજામાં રહેશે તેવી તેમની ગણતરી હતી અને આ ગણતરી અઢી વરસ સુધી સાચી પણ હતી. આ કાળે ઇન્દિરા ગાંધી મોટાભાગે ચુપકીદી સેવતાં. તે જમાનાના પ્રખર સમાજવાદી આગેવાન રામમનોહર લોહિયાએ પાર્લામેન્ટમાં વડાપ્રધાન ઇન્દિરાજીને મૂંગી ઢીંગલી (ગુંગી ગુડિયા) કહ્યાં હતાં, પણ આ મૂંગી ઢીંગલીએ 1969માં બોલવાનું શરૂ કર્યું ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનોની જબાનને તાળાં લાગી ગયાં અને 1971 પછી તો ઇન્દિરાએ એકહથ્થુ સત્તા કબજે કરી લીધી.
રાજવંશની વાત થોડી વધારે પડતી છે. ઇન્દિરાના દીકરા રાજીવ ગાંધી વડાપ્રધાન થયા, ત્યાર પછી તેમના કુટુંબમાંથી કોઇએ વડાપ્રધાનનું પદ આજ સુધી ભોગવ્યું નથી. નરસિંહરાવના સત્તાકાળ પછીનાં આઠ વરસ બિનકોંગ્રેસી રાજવટ હતી, પણ એક રીતે રાજવંશની વાત સાચી પણ છે. નરસિંહરાવના મડદાનું જે અપમાન સોનિયા ગાંધીએ કર્યું તે અક્ષમ્ય અપરાધ છે. આ માજી વડાપ્રધાનનું મડદું અડધો કલાક ફૂટપાથ પર પડી રહ્યું, પણ સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયનાં બારણાં ન ખોલ્યાં તે ન જ ખોલ્યાં. નરસિંહરાવને દિલ્હીમાં બાળવાની કે તેમનું સ્મારક બનાવવાની પરવાનગી નકારવામાં આવી. તેમાં અહમદ પટેલે પણ થોડો ભાગ ભજવ્યો છે. કોંગ્રેસી આગેવાનોએ રાજવંશ સ્વીકારી લીધો છે, પણ ભારતની આમજનતાએ ઇન્દિરા અને રાજીવ ગાંધી બંનેને પરાજયના પાઠ ભણાવ્યા છે. રાજવંશો બે-ત્રણ પેઢીથી વધારે ટકતા નથી અને લોકશાહીમાં તો રાજવંશ માટે જગા હોતી નથી.
ભારતીય લોકશાહીને ખંડિત લોકશાહીના વર્ગમાં મૂકવામાં આવે છે, કારણ કે ભારતીય સમાજમાં, ભારતીય અર્થકારણમાં અને ધંધાધાપામાં વંશવારસો મહત્ત્વ ધરાવે છે. આપણે કુળને મહત્ત્વ આપીએ છીએ. બાપનો ધંધો દીકરો કરે તેમાં આપણને કશી નવાઇ લાગતી નથી, કારણ કે આપણી નાતજાતના કારણે આવડત કરતાં જન્મને વધારે મહત્ત્વ આપવાનું આપણા લોહીમાં છે.
[email protected]

X
Our democratic fractal democracy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી