નીલે ગગન કે તલે / જર્સી સિટીમાં કરન્ત ગરબા

Karant Garba in Jersey City

અમેરિકામાં ભણેલાગણેલા લોકોને આવવા દેવાનો કાયદો થતાં ગુજરાતથી ડોક્ટરો ને ઇજનેરોના કાફલા આવી વસ્યા

મધુ રાય

May 01, 2019, 05:08 PM IST

અમેરિકાના ગુજરાતીનો ચહેરો આજે કોરનર શોપકીપર કે કામઢા મોટેલ ઓપરેટરનો છે. તે ‘ગુજરાતી’ના આદિપુરુષ હતા આફ્રિકાના એક કચ્છી ભડવીર અલિદીના વિસરામ. બ્રિટિશ સામયિક ‘ધ ઇકોનોમિસ્ટ’ લખે છે કે વિસરામ દાદાએ ઝાંઝીબારમાં સન 1877માં પહેલી હાટડી ખોલેલી અને પછી કેન્યાથી યુગાન્ડા સુધીના રેલવેના પાટા નંખાતા ગયા તેમ તેમ વિસરામ દાદા અને એમના સાથી વિઠલદાસ હરિદાસ દાદા સ્ટેશને સ્ટેશને હાટડીઓ ખોલતા ગયા અને પછી જિંજાથી લેઇક વિક્ટોરિયા સુધી. આ રીતે આ બે ગુજરાતી પૂર્વપુરુષોએ આજના કોરનરશોપિયા સદાકાળ ગુજરાતીની જન્મોત્રી માંડી આપી.
અમેરિકામાં પહેલી મોટેલ લીધી કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો નગરમાં કાનજી મચ્છુ દેસાઈએ 1942માં. પછી સાન ફ્રાન્સિસ્કોમાં બીજી અને ત્યારથી અમેરિકા આવતા તમામ ગુજરાતીની ફિંગડી ઝાલીને કોઈ ને કોઈ હોટેલ કે મોટેલ અપાવીને દેહઈ સાહેબે અમેરિકામાં ગુજરાતીઓના કપાળે હોટેલ–મોટેલ–પટેલ–કાર્ટેલનો ચાંદલો કર્યો. સન 1970ના ગાળામાં તાજા તાજા અમેરિકા આવેલા જયંતિભાઈ પટેલ નામે એક સજ્જન દિવસે બેન્કની નોકરી કરતા ને રાત્રે સાન ફ્રાન્સિસ્કોના રેડલાઇટ એરિયામાં પોતે લીધેલી બિસ્માર હોટેલને પગભર કરવા પસીનો પાડતા હતા. અંતે એમનું તપ ફળ્યું અને 1980ના ગાળામાં એમના બે દીકરાઓ સંખ્યાબંધ હોટેલ મોટેલોના માલિક થયા અને જયંતિભઈએ જાતે અનેકાનેક ગામભઈઓને કેલિફોર્નયામાં અને પછીથી અમેરકામાં હોટેલો મોટેલોમાં બેસાવરાવ્યા. આમ, આજે અમેરિકાની 40 ટકા હોટેલો–મોટેલોની ચાવી ગુજરાતીઓના ઝૂડામાં છે.
અમેરિકામાં 19મી સદીની શરૂઆતમાં ભારતથી મજૂરવર્ગ આવતો થયેલો. પછી 1965માં ભણેલાગણેલા લોકોને આવવા દેવાનો કાયદો થતાં અહીં ગુજરાતથી ડોક્ટરો ને ઇજનેરોના કાફલા આવી વસ્યા અને તેમને કુટુંબીઓને સ્પોન્સર કરવાની સોઈ થતાં ‘ચેઇન ઇમિગ્રેશન’ રાહે હજારો ગુજરાતીઓ મેથીનાં થેપલાં ને છૂંદા સાથે ન્યૂ યોર્ક ઊતર્યા. આજે ન્યૂ યોર્કમાં એક લાખ ગુજરાતી હડિયું કાઢે છે. તેની હડસન નદીની સામે પાર જર્સી સિટી નગર એક સમયે ઉજ્જડ, ભુખ્ખડ, ગુંડાઓ, વ્યસનીઓથી ખદબદતું ગામડું હતું, પણ આ નવા ઊતરતા મહેનતુ, શાકાહારી ગુજરાતીઓએ ભેટ બાંધીને તે ગામડું સાફ કર્યું ને સેંકડો નવા ધંધાધાપા વસાવ્યા. આજે ગુજરાતીઓનો એવો મોરી મોરી મેળો અહીં થયો છે કે અહીં શાનદાર બહુમાળી મકાનો છે ને અહીં હેવમોર છે ને હોનેસ્ટ છે ને ડી માર્ટ છે ને પટેલ બ્રધર્સ છે. દર ત્રીજી દુકાન પાનની દુકાન છે, ઝગઝમગ ઝવેરાતના શોકેસ છે, સબ્જીમંડીઓ, રાંધણીઓ, રેસ્ટોરાં, વકીલ, ડાક્ટર, લગેજ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ, ટ્રાવેલ, વોટેવરથી લત્તો ધમધમે છે. નવરાત્રિમાં ગોરા પોલીસો ગુજરાતી ગોરાણીઓ સાથે ગરબે ઘૂમે છે અને હલો, તેમાંના એક સત્તર માળના મકાન મધ્યે ગગનવાલા આ ભવ્ય ગુજરાતી સ્તુતિ રચી રહેલ છે.
આવા જ બીજા ભરચક્ક ગુજરાતી કસ્બા એડિસનમાં, શિકાગો, હ્યુસ્ટન, કેલિફોર્નિયા, ફ્લોરિડા વગેરે સ્થળે છે, જ્યાં ગુજરાતી છબીલાઓએ ‘સબવે’ કે ‘ડન્કિન ડોનટ’ કે ‘સેવન ઇલેવન’ હાંસલ કરેલ છે. દરમિયાન 1990માં ફરી સુનિપુણ કર્મચારીઓને પ્રવેશ આપતા કાયદા થતાં વળી એક બીજી સુનામી આવી, એચવનબી વિઝા પ્રાપ્ત ગુજરાતી નૌજવાનોની, જે પહેલાંના ગુજ્જુજનોની જેમ કાળી મહેનત કર્યા વિના તગડા પગારે સીધા કમ્પ્યૂટરના પાંદડે મોજ કરે છે. હવે અમેરિકાના વતની ગુજરાતીઓનાં અમેરિકામાં ઉછરેલાં સંતાનો ભલે તોતડી ગુજરાતી બોલે છે, પણ સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ યાને કે STEM ક્ષેત્રોમાં પોતાનું જૌહર બતાવે છે. આ ઉપરાંત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી, હોલિવૂડ એક્ટરો કલ્પેન મોદી, શીતલ શેઠ, અઝીઝ અન્સારી, આસિફ માંડવી, નર્તકી યોધા મેધ, પત્રકાર ફરીદ ઝકરિયા, સુકેતુ મહેતા આદિએ ગુજરાતની ઊંચી સુંદર જાત દીપાવી છે.
સાહિત્યમાં? સા...હિત્યમાં, આમ તો ગુજરાતના બેસ્ટમાં બેસ્ટ સાહિત્યકારો હવે અમેરિકામાં ઓન્લી છે! બેસ્ટ રોમાન્ટિક કવયિત્રી પન્ના નાયક પ્રેઝન્ટ, બેસ્ટ રોમાન્ટિક કવિ ચંદુ શાહ યસ સર, બેસ્ટ ગઝલકાર આદિલ મન્સૂરીજી જન્નતનશીન, બેસ્ટ પ્રવાસલેખિકા પ્રીતિ સેન ગુપ્તા હાજિર, બેસ્ટ વાર્તાકાર આરપી શાહ હીયર, બેસ્ટ પંડિતમાર્તંડ બાબુ સુથાર હા જી, બેસ્ટ હાસ્યકાર સ્વ. હરનિશ જાની હરિચરણ, બેસ્ટ લલિતલેખિકા સૂચિ વ્યાસ હેં, હા હા, બેસ્ટ મોટિવેશનલ સ્પીકર રાહુલ શુક્લ શ્યોર, બેસ્ટ ડાયજેસ્ટ પત્રકાર કિશોર દેસાઈ અવશ્ય તથા યુ નોવ, શ્રેષ્ઠ રૂપાન્તરકાર આય સેવક ‘એક્સવાયઝેડ’ પણ અમેરિકા મધ્યે ખીલેલા, ફૂલેલા ને ફાલેલા છે, રાઇટ કે રોન્ગ? વિસરામ દાદા કી જૈ!
[email protected]

X
Karant Garba in Jersey City

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી