માનસ દર્શન / સદા દાસ હોવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે

article by morari bapu

મોરારિબાપુ

May 27, 2019, 06:47 PM IST

‘હનુમાનચાલીસા’નું જે પઠન કરશે એને શુદ્ધિ પ્રાપ્ત થશે અથવા તો માણસ સિદ્ધ થઇ જશે. સિદ્ધનો એક અર્થ છે કૃતકૃત્ય. સિદ્ધનો એક અર્થ છે હવે કંઇ કરવાનું શેષ ન રહ્યું અને જીવનમાં કોઇ સાધકને કૃતકૃત્ય સિદ્ધિ મળી જાય, તોપણ કૃપાનો અનુભવ કરી લેવો જોઇએ. કૃપા મહેસૂસ કર્યા વિના જો કૃતકૃત્યતા આવી પણ જાય, તો માણસ મુક્ત તો થઇ જશે, પરંતુ એક બહુ મોટા રસથી વંચિત રહી જશે. તો સિદ્ધ થવું એટલે કૃતકૃત્ય થવું. એ ‘હનુમાન-ચાલીસા’થી થઇ શકે છે. કોઇ વર્ષાકાલીન મેઘના વાદળને ગામડામાં રહેનારા લોકો જુએ તો એ તરત કહી દે છે કે આ સજળ વાદળ છે. ક્યાંક ને ક્યાંક વરસશે. વાદળમાં જળસંચય કેટલો છે એ નથી કહી શકતા. ઘણું જળ ભર્યું છે, પરંતુ અંદાજ નથી આવતો. કોઇ બુદ્ધપુરુષની કૃપા અસીમ હોય છે, પરંતુ એનો અંદાજ નથી આવતો. ક્યાંક સરોવર છલકી જાય છે. ક્યાંક નદીઓ ધસમસતી વહે છે. એવી રીતે આપણા પર બુદ્ધપુરુષની અનરાધાર કૃપા થાય છે, પરમાત્માની અપાર કૃપા થાય છે. કૃપાના વાદળની જલરાશિનો સંદેશ બુદ્ધપુરુષ આપે છે. તો સિદ્ધ થવું એટલે એ અર્થમાં કૃતકૃત્ય થવું.
જો યહ પઢે હનુમાનચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા.
રામ રસાયન તુમ્હરે પાસા. સદા રહો રઘુપતિ કે દાસા.
હનુમાનજી પાસે રામ-રસાયણ છે. આપણી પાસે કેમ નથી? આપણે હનુમાનજી પાસેથી કેમ લેવું પડે છે? ચાલો, હનુમાનજી ગુરુ છે, માન્યું, પરંતુ રામ-રસાયણ આપણે ખુદ આપણને કેમ નથી બનાવી દેતા? આપણે ભણેલા-ગણેલા છીએ. એમ.ડી. થઇ ગયા છીએ. બહુ મોટા સ્પેશિયાલિસ્ટ થઇ ગયા છીએ. કોઇ વક્તાના રૂપમાં, કોઇ જ્ઞાનીના રૂપમાં, કોઇ ખબર નહીં, કયા કયા રૂપમાં થઇ ગયા છીએ? પરંતુ દવા નથી બનાવી શકતા! તો રામ-રસાયણ આપણે કોઇની પાસે લેવા કેમ જવું પડે? આપણે જ વૈદ થઇ જઇએ. આપણે જ દવા બનાવી લઇએ. આપણે જ આપણો ઇલાજ કરી લઇએ. રામ-રસાયણ આપણે સ્વયં કેમ પ્રાપ્ત નથી કરી શકતા? આપણે ડાયરેક્ટ લઇ શકીએ છીએ. દવા આપણે બનાવી શકીએ છીએ. લોકો દારૂ બનાવી શકે છે તો દવા ન બનાવી શકે? આપણે એ કરી શકીએ, અવશ્ય, પરંતુ ત્યાં અરધી પંક્તિમાં એક શરત મૂકવામાં આવી છે, ‘સદા રહો રઘુપતિ કે દાસા.’ રામ-રસાયણ એમની પાસે રહેશે અને આપણને એમની પાસેથી પ્રાપ્ત થશે, જે રઘુપતિનો દાસ હશે. રઘુપતિના દાસ તો આપણે બધા છીએ, પરંતુ અહીં બહુ મહત્ત્વનો શબ્દ છે ‘સદા.’ જે સદા દાસ હશે એ રામ-રસાયણનો માલિક બનશે. મારી અને તમારી સ્થિતિ એવી છે કે આપણે દાસ તો છીએ, આપણે સેવક છીએ, પરંતુ સદા નથી હોતા. સદા દાસ હોવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે. તુલસીદાસજી ‘સદા’ શબ્દનો ખૂબ જ પ્રયોગ કરે છે.
સદા સત્સંગનું અનુસંધાન જાળવવા માટે શું કરવું? એ સદા કેવી રીતે થાય? ‘દાસ’ અને ‘સદા’ બંને શબ્દ જુદા છે, પરંતુ ‘દાસ’ જો ‘સદા’ ન હોય તો એ દાસ નથી અને સદા એટલે નિરંતરતા. ઉર્દૂમાં તો સદા એટલે અવાજ, પુકાર એવો અર્થ પણ થાય છે. પુકાર પણ દાસભાવથી નહીં થાય, પ્રપન્ન ભાવથી નહીં થાય તો બરાબર નથી. તો ‘દાસ’ અને ‘સદા’ બહુ સુંદર શબ્દો છે, ‘સદા’નું ઊલટું કરી દો, ‘દાસ.’ ‘દાસ’નું ઊલટું કરી દો, ‘સદા.’ હવે ‘સદા દાસ’ કેવી રીતે બનવું? અને એક વસ્તુ સમજી લો, માલિક બનવા કરતાં દાસ બનવું બહુ સારું છે. દાસ એ છે જે ઉદાસ નથી. શેઠ ઉદાસ થઇ શકે છે, કેમ કે નફો થયો, ખોટ થઇ, રેડ પડી, તપાસ થઇ, આમ થયું, તેમ થયું! માલિકને ઉદાસ થતા આવડે છે. દાસને એની સાથે કોઇ લેવાદેવા નથી. બહુ ફાયદકારક છે દાસ થવું. અમારે ત્યાં સાધુઓમાં નામની પાછળ ‘દાસ’ પણ લાગે છે અને ‘રામ’ પણ લાગે છે, જેમ કે ‘સંતદાસ’ પણ કહેવાય અને ‘સંતરામ’ પણ કહેવાય. એનો શું મતલબ? જે સદા દાસ હોય છે એ ક્યારેક ને ક્યારેક રામ પણ બની જાય છે, એ રામ સુધી પહોંચી જાય છે. લોકો એને રામરૂપ માને છે.
તો આપણે કોઇના શરણમાં પ્રપન્ન તો છીએ, પરંતુ કાયમ નથી. બહુધા આપણી પ્રપન્નતા એવી હોય છે કે જ્યાં સુધી આપણી ઇચ્છાઓને સન્માન મળે, જ્યાં સુધી આપણી આશાની પૂર્તિ થાય તો કહીએ કે અમે તમારા શરણમાં છીએ, પરંતુ આપણી ઇચ્છાને સન્માન ન મળ્યું, આપણી આશાપૂર્તિ ન થઇ તો થાય કે એ ઠીક નથી! ક્ષણભંગુર, કામચલાઉ કે વેચાઉ દાસત્વ જ્યાં સુધી સદા નથી બનતું ત્યાં સુધી એ ટકાઉ નથી. જે સદા દાસ બની જાય એમની પાસે રામ-રસાયણ કાયમ નિવાસ કરે છે. તો, ‘કરહુ સદા સત્સંગ.’ એવું તુલસી કહે છે. ‘સદા’ સદા બહુ સુંદર શબ્દ છે. સદા, નિરંતરતા, તૈલધારાવત્, શંકર ભગવાન તો બ્રહ્મ છે, પરમાત્મા છે, શિવ છે, ઇશ્વર છે. શું નથી? પરંતુ રામજીના દરબારમાં રાજ્યાભિષેક પછી જ્યારે આવ્યા, સ્તુતિ કરી અને પછી જતી વખતે શું બોલ્યા?
બાર બાર બર માગઉં હરષિ દેહુ શ્રીરંગ,
પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ.
અમને આપનાં ચરણકમલની ભક્તિ આપો, પરંતુ સત્સંગની વાત આવી તો કહ્યું, ‘સદા સત્સંગ.’ અને ‘ભાગવત’માં ‘સદા સેવ્યા’ આવે છે. ‘સદા’ શબ્દ બહુ મહત્ત્વનો છે. હવે પ્રશ્ન એ છે કે સદા દાસ કેવી રીતે થઇ શકીએ?
ભક્તિના બે શાસ્ત્રીય વિભાગો છે. એક ભક્તિનું નામ છે વૈધિ ભક્તિ અને બીજી ભક્તિનું નામ છે રાગાનુગા. એ શાસ્ત્રીય નામ છે. યાદ રાખજો, આપણા જીવનમાં વૈધિ ભક્તિ છે. એટલે આપણે દાસ છીએ, પરંતુ સદા નથી. દાસ અવશ્ય છીએ. ભક્તિ કરનારા દાસ જ હશે. કોઇનાં ચરણ પખાળો તો જેમનાં ચરણ પખાળવામાં આવે છે એ સ્વામી છે, પખાળનારા દાસ છે, ઈશ્વર, પરમાત્મા, મૂર્તિ, કોઇ સંત-સાધુ તો શ્રેષ્ઠ છે. આપણે એ સ્વીકારી લીધું છે અને આપણે એમની પૂજા કરી રહ્યા છીએ. એમની પાસે આપણે કિંકર છીએ. વૈધિ ભક્તિ કરનારા દાસ હોય છે, સદા નથી હોતા. સદા દાસ થવા માટે રાગાનુગા ભક્તિમાં પહોંચવું પડે છે અને રાગાનુગા ભક્તિ છે રસાયણ. વૈધિ ભક્તિ જ્યાં સુધી રાગાનુગા નથી બનતી ત્યાં સુધી એ રસાયણનો દરજ્જો નથી પામતી. વૈધિ ભક્તિનો મતલબ છે ક્રમશ: ભક્તિ. સ્નાન કરો, શુદ્ધ કપડાં પહેરો, આસન બિછાવો, અમુક પ્રકારના આસન પર બેસો, મૂર્તિને ગંધદ્રવ્યનું લેપન કરો, પછી ચંદન કરો, પછી બિંદી કરો એ બધી વૈધિ ભક્તિ છે. હું તો હનુમાનજીને પણ બિંદી કરાવું છું. લોકો કહે છે, હનુમાનજી નિમ્બાર્કીય છે? મારા હનુમાન નિમ્બાર્ક છે. તમારા જે હોય તે, તમે જાણો! સૌના પોતપોતાના હનુમાન હોય છે. તો ચંદન કરો, અક્ષત લગાવો, ધૂપ કરો, આરતી કરો, પુષ્પાંજલિ કરો, ભોગ લગાવો, દંડવત્ કરો, ક્ષમાયાચના કરો, એ બધી થઇ ગઇ વૈધિ ભક્તિ. વૈધિ ભક્તિ એક કલાક માટે દાસ તો બનાવી દે છે, પરંતુ સદા દાસ નથી બનાવી શકતી. હું અને તમે ધીરે ધીરે રાગાનુગા ભક્તિ તરફ જઇએ, જેથી થોડા સમય માટે બનેલા દાસ આપણે સદા દાસ થઇ જઇએ. કાયમના કિંકર થઇ જઇએ. કાયમના પ્રપન્ન થઇ જઇએ.
(સંકલન : નીિતન વડગામા)
[email protected]

X
article by morari bapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી