સાયબર સફર / યુપીઆઇના ખબરઅંતર

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

May 22, 2019, 04:31 PM IST

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઊથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતા મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ.
તમે જાણતા હશો તેમ મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રકમ ઉમેરવી પડે છે અને પછી તેને અલગ અલગ જગ્યાએ વાપરી શકીએ છીએ, પરંતુ યુપીઆઇમાં આપણા બેન્ક ખાતામાંથી સીધી જ સામેની પાર્ટીના બેન્ક ખાતામાં રકમ જતી હોવાથી આ પદ્ધતિ વધુ લોકપ્રિય બની રહી છે. મોબાઇલ વોલેટના ઉપયોગ માટે કેવાયસી ફરજિયાત બનાવાતાં તેનો ઉપયોગ ઘટ્યો છે. યુપીઆઇના સંદર્ભે કેટલાક તાજા સમાચાર ફટાફટ જાણી લઈએ.
⚫ ભારતમાં વર્ષ 2018માં આગલા વર્ષ કરતાં યુપીઆઇના ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 769 ટકા વધારો થયો!
⚫ રકમની રીતે વાત કરીએ તો વર્ષ 2018માં આગલા વર્ષ કરતાં યુપીઆઇથી આપ-લે થયેલી રકમમાં 922 ટકા વધારો થયો.
⚫ તેની સામે મોબાઇલ વોલેટ્સના ટ્રાન્ઝેક્શન્સમાં માંડ 33.4 ટકા અને રકમમાં 81.46 ટકાનો વધારો થયો.
⚫ અત્યાર સુધી યુપીઆઇથી ટ્રાન્ઝેક્શન મફત રહ્યું છે, પરંતુ હવે જુદી જુદી બેન્ક મહિના દીઠ 30 જેટલા મફત ટ્રાન્ઝેક્શન્સ પછીના ટ્રાન્ઝેક્શન પર નજીવો ચાર્જ લેવાનું શરૂ કરે તેવી શક્યતા છે.
⚫ સરકાર અમુક મર્યાદાની ઉપરના વેપારીઓ માટે ક્યૂઆર કોડથી પેમેન્ટ સ્વીકારવાનું ફરજિયાત બનાવે તેવી શક્યતા છે. અહીં રોકડનો વિકલ્પ તો રહેશે જ, પરંતુ વેપારીએ ક્યૂઆર કોડનો વિકલ્પ પણ ફરજિયાતપણે આપવાનો રહેશે.
⚫ ચીન જેવા દેશમાં આવા પ્રયોગ એટલા સફળ રહ્યા છે કે તેમાં વેપારીઓ માટે રોકડ પણ સ્વીકારવાનું ફરજિયાત બનાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
⚫ ભારતમાં ભીમ એપ, બેન્ક્સ અને મોબાઇલ વોલેટ્સ ઉપરાંત ગૂગલ અને ઇન્સ્ટન્ટ મેસેજીંગ સર્વિસ પણ યુપીઆઇની સુવિધા આપવા લાગી છે અને હવે ઝાયોમી જેવી કંપનીએ પણ યુપીઆઇ પેમેન્ટ એપ રજૂ કરી છે.
⚫ યુપીઆઇના જોરે પેટીએમને હંફાવવા લાગેલી ફોનપે કંપનીએ ઓનલાઇન પેમેન્ટ ઝડપી અને વધુ સરળ બનાવવા માટે સ્માર્ટફોનમાંની તેની એપમાં ફોનપે કી-બોર્ડ રજૂ કર્યું છે. એપના પ્રોફાઇલમાં જઇને આ કી-બોર્ડને ઇનેબલ કરતાં આપણે અન્ય કોઈ એપનો ઉપયોગ કરી રહ્યા હોઈએ અને ત્યારે પેમેન્ટ કરવાનું થાય તો ફરી ફોનપે એપમાં ગયા વિના કી-બોર્ડમાંના ફોનપે લોગો પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકાય છે.
⚫ બેંગલુરુની એક કંપનીએ ‘ખાલીજેબ’ નામની એક યુપીઆઇ એપ લોન્ચ કરી છે. કોટક મહિન્દ્રા બેન્ક આ એપની બેન્કિંગ પાર્ટનર છે. અત્યારે તો આ એપ અન્ય યુપીઆઇ એપની જેમ બે ખાતાં વચ્ચે સીધી રકમની સાદી આપ-લે કરે છે, પરંતુ કંપની આ એપને ખાસ સ્ટુડન્ટ માટેની એપ બનાવવા માગે છે. પરિણામે આગળ જતાં આ એપથી સ્ટુડન્ટને વિવિધ ડિસ્કાઉન્ટના લાભ મળશે. એ ઉપરાંત આ એપ યૂઝરને પોતાના ખર્ચ પર નજર રાખવાની અને 4-5 સ્ટુડન્ટ વચ્ચે બિલને સ્પ્લિટ કરવાની પણ સગવડ
આપશે.
⚫ અત્યારે આપણે દર મહિનાનાં લાઇટ બિલ, ફોન બિલ વગેરેની નિયમિત ચુકવણી કરવી હોય તો યુપીઆઇ સહેલો રસ્તો છે, પણ એ માટે આપણે દર મહિને યુપીઆઇ એપ ખોલીને પેમેન્ટ કરવું પડે છે. વિવિધ બેન્ક્સે આરબીઆઈ પાસે એવી માગણી કરી છે કે યુપીઆઇના નવા વર્ઝનથી બેન્કના યૂઝર્સ રિકરિંગ પેમેન્ટ પણ સેટ કરી શકે. અલબત્ત, આ સુવિધાનો દુરુપયોગ થવાના ડરે આરબીઆઈએ આવી સુવિધા આપી નથી.
ટૂંકમાં, યુપીઆઇના ક્ષેત્રે હજી ઘણી નવી સુવિધાઓ આવવાની બાકી છે!
www.cybersafar.com

X
article by himanshu kikani
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી