તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી આવી અને ગઈ, પરંતુ કડવાશ અને અસત્યનું પોટલું મૂકતી ગઈ!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામરાજ્યની ગમે તેટલી પ્રશંસા થાય, પરંતુ રામ દ્વારા થયેલા સીતાત્યાગનો કોઇ બચાવ ન હોઇ શકે. પંડિત નેહરુ ગમે તેટલા મહાન હોય, પરંતુ કૃષ્ણ મેનન પર વધુ પડતો વિશ્વાસ રાખીને 1962માં ચીન સામે ભૂંડી રીતે દેશ હાર્યો તેનો કોઇ બચાવ ન હોઇ શકે. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તેનો કોઇ બચાવ ન હોઇ શકે. રાજીવ ગાંધીએ જે રીતે હજારો શીખોની કત્લેઆમ થવા દીધી એનો કોઇ બચાવ ન હોઇ શકે. સોનિયા ગાંધીએ જે રીતે વડાપ્રધાન મનમોહનસિંહની મજબૂરીને વાપરી એનો કોઇ બચાવ ન હોઇ શકે. મમતા બેનર્જીએ ગુંડારાજ દ્વારા પશ્ચિમ બંગાળમાં જે રીતે હિંસાનો દોર ચલાવ્યો એનો કોઇ બચાવ ન હોઇ શકે. એવી વ્યક્તિને તો જિલ્લા પંચાયતનો કારભાર પણ સોંપી ન શકાય. તટસ્થ અવલોકન સત્યસ્થ નિષ્ઠા માગે છે.
આજે 23મી મેની વાસંતી સવારે છ વાગ્યે લખવા બેઠો છું. હજી એક પણ બેઠકનું પરિણામ જાહેર થયું નથી તેથી સ્લેટ કોરી છે. રામરાજ્યમાં બનેલી એક ગાંધીઘટના યાદ આવે છે. તે જમાનામાં ‘સવિનય અસહકાર’ જેવો શબ્દપ્રયોગ પ્રચલિત ક્યાંથી હોય? હા, એ મહાન સ્ત્રીએ રામ દ્વારા સીતાને થયેલા ઘોર અન્યાય સામે સ્પષ્ટ અસંમતિ પ્રગટ કરી હતી. શું મહામાનવ કોઇ પણ ભૂલ ન કરી શકે? ઋષિ વસિષ્ઠની પત્ની ભગવતી અરુંધતીએ શું કહ્યું? દશરથની પુત્રીનું નામ શાન્તા હતું. એ મુનિ ઋષ્યશૃંગને પરણી હતી. અયોધ્યાના વડીલો અને ગુરુજનો સૌ મુનિ ઋષ્યશૃંગના આશ્રમે હતા. ત્યાં જ્યારે 12 વર્ષ સુધી ચાલેલો યજ્ઞ સમાપ્ત થયો ત્યારે મુનિશ્રીએ સૌને ભાવભીની વિદાય આપી. એ જ ક્ષણે ભગવતી અરુંધતીએ સૌને કહ્યું: ‘હું વહુ (સીતા) વિહોણી અયોધ્યામાં પગ મૂકવાની નથી. (નાહં વધૂ વિરહિતાં અયોધ્યાં ન ગમિષ્યામિ)’ માનશો? કહેવાતું લોકતંત્ર આવી નાની-નાની અરુંધતીય અસંમતિ પર જીવતું હોય છે. ઋષિ વસિષ્ઠે પત્ની અરુંધતીની વાતને ટેકો આપ્યો અને ત્રણ માતાઓએ પણ એ વાતને વધાવી લીધી પછી ઋષિ વસિષ્ઠે કહ્યું: ચાલો, આપણે સૌ વાલ્મીકિના તપોવનમાં જઇએ અને ત્યાં નિવાસ કરીએ. (ભવભૂતિ વિરચિત ‘ઉત્તરરામચરિત’નો અંક બીજો).
અત્યારે બપોરે ત્રણ વાગ્યા છે અને ઘણાં ખરાં પરિણામો જાહેર થઇ ચૂક્યાં છે. પ્રજાનો ચુકાદો આવી ગયો છે. ટીપે ટીપે ભરાતા સરોવરની માફક વોટે વોટે લોકતંત્રનું સરોવર રચાતું હોય છે. લોકતંત્રના વિરાટ સરોવરને આજે જાણે વાચા ફૂટી છે. બધી ગાળાગાળી અને મારામારી આજે સમાપ્ત થઇ છે. સામ પિત્રોડા, મણિશંકર ઐયર અને ક્રિકેટર સિદ્ધુ જેવા મિત્રોનો સાથ હોય પછી વળી કોંગ્રેસને શત્રુઓની શી ગરજ હોય? નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીનો આભાર માને તેટલો ઓછો છે. ‘ચૌકીદાર ચોર હૈ’ જેવું સૂત્ર મોદીજીને આબાદ ફળ્યું છે. વડાપ્રધાને પોતાને દેવાયેલી ગાળમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવીને મતની મબલખ ફસલ લણી છે. ભારતના મોટાભાગના લોકો મોદીજીને રુશવતખોર ગણવા તૈયાર નથી. આ એક એવો માણસ છે, જેના શબ્દકોશમાં ‘થાક’ જેવો કોઇ શબ્દ નથી. ઉનાળાની બપોરે પણ વડાપ્રધાનની રેલીમાં લાખો લોકો સમય પહેલાં આવે અને શાંતિપૂર્વક એમની વાણીધારાને દાદ આપે તેવું લોકોએ ટીવી પર કેટલી વાર જોયું?
પંડિત નેહરુ જ્યારે કોઇને પોતાના હસ્તાક્ષર કરી આપતા ત્યારે બે શબ્દો નીચે લખી આપતા: ‘Live dangerously.’ નરેન્દ્ર મોદીને જોખમપૂર્વક જીવવાનું અને જોખમથી ભરેલા નિર્ણયો લેવાનું ગમે છે. દેશમાં કેટલાય બૌદ્ધિકો એવા છે, જેમને મોદીનિંદામાં રાચવાનું ગમે છે. મોદીની નિંદા કરવી એ એમની હોબી છે. જો મોદી એમની નિંદાને મહત્ત્વ આપે તો કશી ધાડ ન મારી શકે. સર્જિકલ સ્ટ્રાઇક અને પાકિસ્તાનના આતંકવાદી અડ્ડા બાલાકોટ પર લશ્કર દ્વારા થયેલી એરસ્ટ્રાઇક અંગે મક્કમ નિર્ણય લેતી વખતે એકાદ નાની ભૂલ થાય તો વિરોધીઓ તો તૂટી પડવા માટે તૈયાર જ બેઠેલા હોય છે. આવાં બંને જોખમકારક પગલાં લેવામાં જ ખરા મોદી પ્રગટ થયા! પંડિત નેહરુના ઉપરોક્ત બે શબ્દો નેહરુવિરોધી મોદીએ જીવી બતાવ્યા. વિરોધ પક્ષોએ સાબિતી માગી. જ્યાં પ્રશંસા કરવા જેવી હોય ત્યાં ગાળ દેવામાં એમને કોઇ જ શરમ ન નડી. આવા નાદાન અને નમાલા નેતાઓએ જ વડાપ્રધાનના પરાક્રમને ચાર ચાંદ લગાવી દીધી અને આજે લોકતંત્રના મહોત્સવમાં ઢગલેઢગલા મત આપીને ‘શગ મોતીડે’ વધાવ્યા છે. હવે પછીનાં વર્ષોમાં પણ વિરોધી નેતાઓ આવી નાદાનિયત ચાલુ જ રાખશે તો મોદીને લાભ જ લાભ! આજે 23 મેના દિવસે નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો છે.
ડાબેરીઓ ભૂંડી રીતે હાર્યા છે. આ એક એવી જમાત છે, જે દેશમાં પણ પરદેશીની જેમ રહે છે. તેઓ ગરીબોના મિત્ર છે? શું આયુષ્યમાન ભારત, જનધન યોજના, ઉજ્જ્વલા યોજના, કરોડો લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ મળે તે માટે પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ અને સ્વચ્છતા અભિયાન જેવા અભિક્રમો ગરીબોને આશીર્વાદરૂપ થાય તેવા નથી કે? મોદીએ ‘ગરીબી હટાઓ’ જેવું સૂત્ર આપ્યા વિના ગરીબોને મદદરૂપ થવા માટે કેવાં સોલિડ પગલાં લીધાં તેની ઇતિહાસ નોંધ લેશે. હવે પછીનાં પાંચ વર્ષમાં જામીન પર જેલની બહાર દરવાજે પહોંચેલાં મોટાં માથાં જેલની અંદર જશે એ બાબતે કોઇ શંકા ખરી? 2014ના વર્ષમાં મોદીમોજું જોવા મળ્યું છે. સ્વભાવે જ મોજું કદી લાંબું ન ટકે. 2019માં તો 2014 કરતાંય જોરદાર મોજું લોકોએ જોયું. આવા ઐતિહાસિક વિજય પાછળ એક સમર્થ નેતાએ રાત-દિવસ જોયા વિના પાડેલાે પરસેવો જવાબદાર છે. મમતા બેનર્જીનો અક્ષમ્ય બકવાસ કેવો ફળ્યો? ત્યાં ટી.એમ.સી.ની ગુંડાગીરીની નિંદા ક્યારેય એવોર્ડ વાપસી ગેંગ દ્વારા થઇ ખરી? સ્વચ્છતા અભિયાનનો સંબંધ કેવળ ભૌતિક સ્વચ્છતા સાથે નથી. ભ્રષ્ટાચારની ગંદકી પણ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલી બાબત છે.
હવે કોંગ્રેસનું શું થશે? વિજય સ્વભાવે અહંકારવર્ધક હોય છે. પરાજય પણ આત્મનિરીક્ષણ પ્રેરે તેવો હોય છે. કુલ પાંચ-છ વાર મોદીજીના ‘કોંગ્રેસમુક્ત ભારત’ જેવા વાહિયાત સૂત્રનો વિરોધ આ કોલમમાં કરી ચૂક્યો છું. કોંગ્રેસ જેવો 133 વર્ષ જૂનો પક્ષ એક એવો પક્ષ છે, જેની ખરી માવજત સરદાર પટેલે વર્ષો સુધી કરી હતી. એ પક્ષ એક પરિવારની જાગીર બની જાય અને ફ્યૂડલવૃત્તિ સાથે જીવે એવું કોને ગમે? આવાં પરિણામો પછી એ પક્ષમાં બળવો થાય એ શક્ય છે અને ઇચ્છનીય પણ છે. કર્ણાટકમાં એવી શરૂઆત થઇ ગઇ છે. ત્યાંના મુસ્લિમ નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મુસ્લિમો સાથે (વોટબેન્કના ઢગલા તરીકે) લગભગ પ્રાણીઓની માફક Cattle સાથે થાય તેવું વર્તન કોંગ્રેસે કર્યું છે. ગાયનું ધણ હોય કે ભેંસનું ખાડું હોય તેમ જ્યાં ફાવે ત્યાં હાંકી જવાય એવો અભિગમ કોંગ્રેસને ઘણાં વર્ષ સુધી લાભદાયી થયો. પરિણામે મુસ્લિમો પછાત રહ્યા અને ઘણા પ્રમાણમાં અશિક્ષિત-અર્ધશિક્ષિત અને ગરીબ રહ્યા. પરિણામે સરદાર પટેલના સુદર્શન ચૂર્ણ જેવા શબ્દોને કારણે ‘મુસ્લિમ વિરોધી’ ગણવાનું પાપ લિબરલ જમાતે કર્યું. ઊંઘમાંથી જગાડે તે ન ગમે. કોંગ્રેસે મુસ્લિમોને ‘રાજા બેટા સોજા’ કહીને ઊંઘતા જ રાખ્યા અને મત મેળવ્યા. કર્ણાટકના એ કોંગ્રેસી મુસ્લિમ વિધાનસભ્ય રોશન બેગની વાતને બીજા કોંગ્રેસી નેતા સુધાકરે ટેકો આપ્યો છે. આઝમ ખાન જેવા કટ્ટર મુસ્લિમ નેતાને ‘સેક્યુલર’ ગણવામાં આવે ત્યારે મુસ્લિમોના ભવિષ્યની આશા બચે ખરી? સેક્યુલરિઝમ નામની કેરીનું અથાણું કોંગ્રેસે કર્યું છે. એ અથાણું હવે ગંધાઇ ઊઠ્યું છે. આ વાત લખી લખીને હું તો થાક્યો છું. 10-જનપથની હવેલીનાં પગથિયે ડગ માંડનારો પ્રત્યેક કોંગ્રેસી રાણીસાહેબને મળવા જનારો ‘વસવાયો’ છે એવું વારંવાર લખ્યું છે. કહેવાતા લિબરલ-પ્રોગ્રેસિવ વિચારકોને આવી ફ્યૂડલ મનોવૃત્તિ સામે કોઇ વાંધો ખરો? રોબર્ટ વાડરાને પૂછી જુઓ! લોકતંત્રનું કાળજું ભગવતી અરુંધતીના શબ્દોમાં સંતાયેલું છે: ‘સીતા વિનાની અયોધ્યામાં પગ નહીં મૂકું.’⬛
}}}
પાઘડીનો વળ છેડે
ઇસુ ખ્રિસ્તથી એકાદ-બે સદી પહેલાં જન્મેલા જુલિયસ સીઝર સાથે જોડાયેલો પ્રસંગ હું આદરણીય નરેન્દ્રભાઇને સદ્્ભાવપૂર્વક અર્પણ કરું? હું એમનો પ્રશંસક છું છતાં...
જુલિયસ સીઝર જ્યારે
આસપાસના નાના દેશો
સાથે લડાઇમાં
વિજય મેળવીને પાછો ફર્યો,
ત્યારે લોકો ઉત્સાહમાં આવીને પાગલ બની ગયા!
અને સીઝરનો જયજયકાર
કરવા માંડ્યા. નગર ઘેલું બની ગયું.
સીઝરે પોતાના ખાસ મિત્રને અનોખું
કામ સોંપ્યું: ‘લોકો મારો
જયજયકાર કરે ત્યારે મારી સાથે
નજીક ઊભા રહીને સતત મને કહેતા રહેવું:
હે સીઝર! તું ભગવાન નથી,
માણસ જ છે.’
Blog:http://gunvantshah.wordpress.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser