હળવાશ- જિગીષા ત્રિવેદી / સિયારામાં એક્સોસાઇજ કરો, કાં તો ઊંધિયું

Exorcise in the stairs, either upside down

સ્વીટીનાં લેગિંગ્સથી ફેશનની વાત શરૂ થઇ અને પહોંચી, શિયાળામાં ચાલવા જવા પર. તેના પરથી સીધી ગઇ ઊંધિયા સુધી

Divyabhaskar.com

Dec 31, 2019, 12:03 PM IST
હળવાશ- જિગીષા ત્રિવેદી
‘અલી, કોનો પાયજામો પે’ર્યો? આટલો ઊંચો કેમ છે?’ સ્વીટી નીકળી, એટલે હંસામાસીએ ટહુકો કર્યો. જવાબ આવ્યો, ‘આંટી, મારો જ છે. આને લેગિંસ કે’વાય. અત્યારે ફેશન છે આવું ઊંચું લેગિંસ પહેરવાની.’ સ્વીટી વહેતી પડી અને હંસામાસીના મગજમાં હળવળિયો ઊપડ્યો. એમણે બેઠેલાં સર્વેને સંબોધીને સ્ટાર્ટ કર્યું, ‘હું કઉં, જેટલી બી ફેસનો અત્યારે છે ને, એ બધી ઠેકાણાં વગરની જ છે. જેમ કે, ટુંકા પડી ગયેલા-ચડી ગયેલા લેગિંસ, ખભેથી ફાટી ગયેલા ટોપ, ઢીંચણેથી ચિરાઇ ગયેલા જીન્સ પે’રવાની.’ ‘હાચું કઉન, તો જરાય હારું નથ લાગ્તું, પણ કોણ કહે? કહીએ તો આપ્ડાન દેસી ગણે!’ સવિતાકાકીએ પોતાનું મંતવ્ય જણાવ્યું. ‘બીજું બધું તો ઠીક, પણ ખભેથી ફાટી ગયેલા ટોપ તો એ લોકો જ પહેરે, જેનાં થાંભલા જેવા બાવડાં હોય-સિમેંટની એરોટાઇઝ (એડ્વર્ટાઇઝ) જેવા. બાકી પાતળાઓ તો શ્લીવલેશ જ પે’રે.’ કલાકાકીએ સ્ટેટમેન્ટ આપ્યું. ‘હવે તો સિજને સિજને ફેસનો બદલાય. અત્તારે ટાઢ ચાલુ થઇ, એટલે લોકો હવારમાં હેંડવા જવાની ફેસન કરસે. રાફડો ફાટસે વોકિંગ કરવાવાળાઓનો જોજો તમે.’ હંસામાસીએ ફેશન અંતર્ગત બીજો ટોપિક ઉપાડ્યો અને ઉમેર્યું, ‘મન તો એ નહીં હમજાતું, કે ઉનારામ હવારે હેંડવાનું હોય કે સિયારામ?’ ‘તંઇ સું, સિયાળામાં તો ગોદડું ઓઢીન પઇડા રે’વાનું. કોણ જાણે કોને કમત હુજી.’ કંકુકાકીએ બળાપો કાઢ્યો. ‘એ જ તો. પછી થાય હુ? આપ્ડે હેંડવા ના જતાં હોઇએ, એટલે ખરાબ આપ્ડું લાગે. બુદ્ધિ ‘એ લોકો’ નહીં ચલાવતાં અને ‘એ જ લોકો’ આપ્ડાન આળસુડા કહે.’ લીનાબેને બપોરેય બાંકડા સુધી ચાલવાને બદલે, પોતાના ઓટલેથી સવારે ચાલવા જતાં તમામને ટાર્ગેટ કર્યાં અને એને માટે જવાબદાર કારણ પણ શોધી કાઢ્યું, ‘હાચું કઉં, બધું આ સિરિયલોન વાદેવાદે. કોનમોં વાયરો લગાઇન વોકિંગ-જોગિંગને નામે ફેસનો મારવાની.’ ‘પોતાની બુદ્ધિ તો ઠામુકી હલાવવાની જ નઇં.’ સવિતાકાકીએ લીનાબેનની વાતને ટેકો આપ્યો. ‘એનાં કરતાં એક અડદિયો ખાઇ લે ને, તો ગરમાવો આઇ જાય સરીરમાં..’ કંકુકાકીએ આઇડિયાને નામે અડદિયો રજૂ કર્યો. લીનાબેન ઉત્સાહમાં આવી ઉતાવળે પગે બાંકડે આવ્યાં અને ચાલુ કર્યું બોસ... ‘આપ્ડા વડવાઓએ જે સેટિંગો કર્યાં, એ બરોબર છે. આ કસ્સું બી ના કરો અને ઊંંધિયું કરો ને, તોય આ બધાનું હાટું વળી જાય. સિયારામાં અઠવાડિયે એક વાર ઊંધિયું કરો, એમાં બધીય કસરતો આઇ જાય. હમજાઉં. તમે બધું સાકભાજી લાવો એટલે વજન ઉંચકવાવારી એક્સોસાઇજ થાય. છાપાં પાથરીન છુટ્ટું પાડો, ચારે બાજુ દૂર મેલો, એટલે યોગાસનો જેવું જ થાય.’ કહીને પલાંઠી વાળી, ઊંડો શ્વાસ લીધો. પાછું કન્ટિન્યુ..‘પછી તુવેરો ફોલો એમાં અડધોઅડધ એક્સોસાઇજ થઇ જાય. તુવેરો ફોલીએ, એટલે ઓંગરીઓના પોઇન્ટો દબાય. પછી એક બાજુ તુવેરોનો કચરો, ન બીજી બાજુ દાણા. એટલે ગળાની એક્સોસાઇજય થઇ જાય. ખરાબ દાણા આઇ ગ્યા હોય, તો આંખને તાંહળામાં ગોળ ગોળ ફેવરી દઇએ, એટલે આંખનીય એક્સોસાઇજ થઇ જાય.’ ‘અલા, તમે વાલોર-પાપડી તોડો એટલે આંગળીઓન ખૂણે-ખાંચરે આએલા પોઇન્ટોય દબાઇ જાય. એટલે પગ ને કેડોના દુખાવામ રાહત થાય.’ કલાકાકી જોડાયાં એટલે લીનાબેન જુસ્સામાં આવી ગયાં, ‘મેથીના મુઠિયાં કરવા મુઠ્ઠીઓ વારો, એટલે વધ્યા-ઘટ્યા બધાય દુખાવાનંુ સોલ્યુસન આઇ જાય. ધારો કે કોઇને ઊંંધિયાનો કંટારો આવ, તો બે-તૈણ દહાડે દાણા-રીંગણનું સાક, કાં તો દાણાવાળો ભાત તો કરાય. એ બહાને થોડુંઘણું તો થાય.’ ‘સિયાળામાં તો એક્સોસાઇજ કે ઊંધિયું-બેમાંથી જે થાય, એ કરવું જોઇએ.’ કલાકાકીએ સમાપન કર્યું.
X
Exorcise in the stairs, either upside down

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી