હળવાશ- જિગીષા ત્રિવેદી / પંચાતિયા સ્વભાવની શાતા

article by jigisha trivedi

Divyabhaskar.com

Aug 07, 2019, 03:58 PM IST

હળવાશ- જિગીષા ત્રિવેદી
શાકની લારી આવી. મંડળીનાં લગભગ બધાં સભ્યો લારી આસપાસ ગોઠવાઇ ગયાં. હંસામાસીય હોડકાની જેમ ઢબુક ટબુક કરતાં ડાફેડા મારતાં લારી તરફ આગળ વધ્યાં. ખાંચામાંથી રેખાબેન નીકળ્યાં. એ લારી સુધી પહોંચે એ પહેલાં હંસામાસીએ સ્પીડ વધારી અને સવિતાકાકીને ઘોંકો મારીને કહે, ‘અલા, પાછળ જુઓ. આ રેખાન કસો પોબ્લેમ થયો લાગે છે. આમ તો જો, ચાલ ધીમી. મોઢું ઉદાસ.’ ‘હા એલા, હાળું ચિંતા થાય હોં.’ પહેલાં કંકુકાકીએ જોયું અને ચિંતાય દર્શાવી.‘કસું ચિંતા કરવા જેવું નથી એલા. એને પન્નર દિ-મહિને આવું થાય જ છે. કાલ મેં એને જોઇ’તી પાણીપુરીન પેકેટ લઇ જતાં. નક્કી કાલ પાણીપુરી વધારે ખાધી હસે, ચણા અંદર જઇને ઊભા થ્યા હય્શે. એને અમથુંય ખાવામ ભાન નથ રે’તું અને પાણીપુરી તો માઝા મૂકીન ખાય છે અકરાંતિયાની જેમ.’ સવિતાકાકીએ કહી જ દીધું. ‘ના ના યાર, મોઢું જરી જૂદું છે. પેટ ખરાબ હોય ને, તો ચૂંક આવે ત્યારે હોઠ વાંકાચૂંકા થયા કરે અને બે ચૂંકની વચ્ચે આમ ડોનાલ્ડક જેવા જ રહે. આપ્ડે સરત મારવી. આ કોક પોબ્લેમ થવાનો હોય એની આસંકા હોય, એવી આંખો છે - સ્થિર. નકરું ભોંમાં જ જોયા કરે છે. નક્કી આ કોક થનાર ભાવિ પોબ્લેમની ચિંતા છે.’ હંસામાસી નિર્ણય ઉપર આવ્યાં. ‘આપ્ડી ફરજ છે યાર! એને હેલ્પ કરવાની. ખરે ટાણે આપ્ડે કામ નહીં લાગીએ, તો કોણ કામ લાગસે? પણ હું પૂછીસ, તો એને પંચાત લાગસે. એક કામ કરીએ, લીનાની જાળી ખૂલે, એટલે એને કહીએ. એ પૂછસે.’ સવિતાકાકીએ પોતે તો ન જ પૂછવું તેમ નક્કી કર્યું, પણ લીનાબેનની જાળી ખૂલી જ નહીં. કલાબેનને પેટમાં ચૂંક આવવા માંડી હશે, તે એમણે પહેલ કરી, ‘અલી, નીચે જોઇન હેંડે છે, તે સું ગોતસ? રાતે કસું પડી ગયું’તું? અમને કહે, અમે સોધાવડાઇએ. મુંઝાતી નઇ. અમે રેડી જ છીએ તને મદદ કરવા. બોલ, હું ખોવાણું છે?’ ધારી અસર થઇ. રેખાબેને ઊંચું જોયું અને... ‘કાંઇ નથી ખોવાણું, પણ હવે મારા જીવનમાંથી સાંતિ ખોવાઇ જવાની છે!’ ‘જો, આપ્ડી પોળમાં કોઇ દિ કોઇની સાંતિ જોખમાણી હોય, એવું બન્યંુ નથી ને બનસેય નહીં. બોલ તું હેંડ.’ કલાકાકીએ પોતાની ચૂંકનો ઉપાય કર્યો અને રેખા ઉવાચ, ‘માર નણંદને બાજુની પોળમાં મકાન લેવું છે, તે જોવા આવવાની છે. હાચું કઉં, મારી ઇચ્છા જ નહીં, કે એરઇએ નજીક રહેવા આવે. રોજ મારું લોહી પી જસે. રાંધવાની ચોર છે. એટલે એના અળવીતરા છોકરા આગળ ‘દાદી, મામીએ સું બનાયું છે?’ ફોનો કરાવસે.’ (રેખાબેન બે હોઠ ભેગા કરીને ‘ફ’ બોલે છે, એટલે સામે જે હોય એને ફુંક જેવો પવન આવે અને મારા કમનસીબે એમણે મારી સામે જોઇને કહ્યું. મેં ખાંસી આવવાની હોય એમ આડો હાથ ધરી દીધો.) રેખાબેન કન્ટિન્યુ, ‘પોતે ઊભી બજારે સોપિંગો કર્યા કરસે અને અઠવાડિયામ ચાર દિ મારે ઘેર ભોજન-સમારંભ ગોઠવી જ પાડસે. મેં ગધાડી ઝાલી છે, એના ઘરને ખવડાવવાની! અને એરઇએ જોડે આઇ જસે રહેવા, એટલે હાહુનો પાવરય ડબ્બલ-તબ્બલ થઇ જસે. આનું કાંક કરોને યાર પ્લીજ..’ સવિતાકાકીએ વાતનો દોર હાથમાં લીધો અને પ્રશ્નોત્તરી સ્ટાર્ટ...
‘તું મને એમ કહે, કે એ બપોરે હુઇ જાય ખરી?’ ‘હા..’ ‘ઊંઘતી વખતે ઘોડા વેચીને ઊંઘે? કે કાગનિંદર છે? થોડા અવાજમાં જાગી જાય?’ ‘હા.. અને એ તો સુર્યવંસી છે. હવારે આઠ વાગે તો આળસુડીને હવાર પડે.’ ‘વેરી ગુડ.. હવે તું એમ કર, તું એની હારે જ મકાન જોવા જા. હું બાજુની પોળની વાત જાણું છું, એ મુજબ મને આઇડિયા આયા છે. તું જોડે જા અને ઘરધણીને હું કહું, એવા પ્રસ્નો પૂછ, એટલે તાર નણંદ જ માંડી વાળસે. પ્રસ્નો લખ ચલ,‘તમાર પોળના ચોક્ઠામાં છોકરા બપોરે ક્રિકેટ રમે? જાળીએ બોલ અથડાય? નવરાત્રિમ કેટલા વાગ્યા હુધી ગરબા થાય? ફટાકડા કેટલા વાગ્યા હુધી ફુટે? હવાર કેળાવાળો કેટલા વાગે આવે? લખ્યું બધું? હવે ચિંતા છોડ ને લહેર કર જા.’ પંચાતિયા સ્વભાવથી પોતાને તો શાતા મળે, પણ બીજાને પણ સમય આવ્યે મદદ થઇ શકે, એ આજે જ ખબર પડી.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી