હળવાશ- જિગીષા ત્રિવેદી / જાહેરાતો જુઓ, દૃષ્ટિકોણ બદલો

article by jigisha trivedi

Divyabhaskar.com

Jul 23, 2019, 04:40 PM IST

હળવાશ- જિગીષા ત્રિવેદી
‘અલા, આરઇએ તો કેવી બાફેલા બટાકા જેવી ધોરી થઇ જઇ હ નઇ..’ (ખાંચામાંથી સ્વીટી પસાર થઇ અને મહિલા મંડળનાં દરેક સભ્યએ એના વિશે યથાશક્તિ વાર્તાલાપ શરૂ કર્યો.) ‘છેલ્લા છ મઇનામ દૂધ જેવી ધોરી ધફ ચ્યોંથી થઇ ગઇ? એ ના હમજાયંુ હોં.’ ‘અમ્બેરિકા તો ગયે વરસે ગઇ’તી. તો છેક આ વરસે ફેર પડ્યો?’ ‘એક રીતે તો ફેસીયલ જેવું જ થયું ને યાર. કેમ? એમાં બધાંન આમ ડોરા બહાર કેમ નેકરી જ્યાં? ફેસીયલ કરાઇએ, એના તૈણ-ચાર દિવસે મુઢું ઝગામગા લાગે ક નઇં? તા..રે.’ ‘અલા ના.. અમ્બેરિકાનો પ્રતાપ નહીં આ બધો. એ તો ટીવી જોઇજોઇન આ બધો ચહેરે પે નિખાર આયો અલા..’ લીનાબેને ફોડ પાડ્યો.
‘તે ટીવી તો હુંય હવાર-બપોર-હાંજ-રાત ચાર ટંક અડધો-પોણો કલ્લાક હુંધી ધારીધારીન જોઉં છું. મારા મુંઢામ તો કોઇ ફેર નહી પડતો..’ કલાકાકીએ વાંધો પાડ્યો, એટલે લીનાબેને કહ્યું, ‘એરઇએ ટીવીમ આપ્ડી જેમ શિરિયલો નહીં જોતી. એરોટાઇઝો (એડ્વર્ટાઇઝ) જોવ છ.’
‘તે પણ શિરિયલોની હારોહાર એરોટાઇઝોય આવ જ છ, તો જોવઇ તો જાય જ ને.’ હંસામાસીએ દલીલ કરી.‘મને તો લાગે છે, કે ઇવડી ઇ સિરિયલમાં ડાયલોગો વખતે ધીમું, ને જાહેરાત વખતે મોટું કરતી હસે કદાચ.’ સવિતાકાકીએ અટકળ બાંધી.‘ના અલા, જોવાનું એટલે જોઇજોઇને પછી બને ત્યાં સુધી જીવનમાં એનો અમલ થઇ સકે, તેવા પ્રયત્નો કરવાના. અત્તાર હુંધીમ તૈણ-ચાર વાર જાહેરાતોની વાત નીકરી, તાણ માર કહેવું’તું પણ રઇ જતું તું. આજ મેળ પડી જ્યો..’ લીનાબેને વાતનો દોર હાથમાં લીધો.
‘તે ભલા માણા, કહી નાખો આજ.’ સવિતાકાકીએ તાય્ણ કરી અને લીનાબેને એમની વાતને વધાવી લીધી. ‘ચહેરા પર નિખાર લાબ્બાવારા હાબુની એડો જોઇ છે ધ્યાન દઇને?’ ‘ના..’ ‘તો તો ના જ ખબર પડે. જો, એમાં હાબુ જે પણ હોય તે. કોઇ બહુ મોટો ફેર નહી પડતો, પણ દાડામ એકાદ વાર રળિયામણી જગ્યાએ ધોરા ટબમાં ન્હાવા જાવ, તો શ્યોર ધોરા થવાય.. મને તો ખબર જ છે આ બધી, પણ બળ્યું ટાઇમ જ નહીં મલતો. આપડી અને એરોટાઇઝોવારાની લાઇપશ્ટાઇલ અલગ પડે. આપડે એવંુ કરીએ ને, તો અત્તાર હુંધીમ તો સસલા જેવા અને એના કરતાંય સાત ગણા ધોરા થઇ ગયાં હોઇએ. એ લોકોને ઘરકામ ના કરવાનું હોય, એટલે નજીકના જંગલમા ન્હાવા જઇ હકે.’‘એક કામ થાય. બાથરૂમમાં પાંદડાવારી ટાઇલ્સો અને ધોરું ટબ નખાઇ દઇએ, તો સ્કિનના કલરમાં થોડોઘણો ફેર પડે. શું કહો છો?’ કંકુકાકીએ વચલો મારગ કાઢ્યો. લીનાબેને એમની વાતને અનુલક્ષીને જ આગળ ચલાવ્યું, ‘ચોક્કસ પડે જ! જો, એટલે આપ્ડે એક વસ્તુ શું શીખવાની? બને ત્યાં સુધી એરોટાઇઝોને પહોંચી વરીએ એવું કરવાનો ટ્રાય કરવાનો. આપ્ડે ખાલી ધોરા થવાની જ નહીં, પણ બીજી બાબતો જેમ કે વાળ ક્યાં ધોવા? તેલ ક્યાં બેસીને નાખવું? કેવા રુમાલથી મુઢું લુછવું? કેવા વાટકામાં હેરકલર મિક્સ કરવો? કેવા કપમાં ચા પીવાથી ફ્રેસ થવાય? અરે, તમે દૂધ કેવા કાચના ગ્લાસમાં પીઓ છો, એની ઉપર તમારી હાઇટ-બોડી અને સક્તિનો આધાર છે. બીજંુ, તમે ધોરા થવાની જે બી ટ્યુબો લગાવોને, ત્યારે એના ખોખાના કલરનાં કપડાં પેરવાનાં. હમજી-વિચારીને જરા મેચિંગ કરો ને તમે, આખી વાત જ અલગ થઇ જાય. તમે જુઓ એરોટાઇઝોમ કોઇ દિવસ ખાનામ વાહણ ગોઠવતાં જોયાં? ડીસો ને બધું ક્યાં ગોઠવે છે?’ ‘પ્લેટ્ફોમ પર.’ ‘એક વાર એ રીતે થાળી ગોઠવ્યા પછી તમે એના ઉપર અંગૂઠો ફેવરી જુઓ. એ લોકા જેવો અવાજય આવસે, ને થાળી ચક્ચકિતય થઇ જસે. તમે સું વાપરો છો એ અગત્યનું નથી. એરોટાઇઝોને યાદ રાખીને એની રીતે વાપરો એ અગત્યનંુ છે. જીવનમાં ચેન્જ લાબ્બો હોય, તો ખર્ચા કરવાની નહીં, શ્ટાઇલો બદલવાની જરૂર છે. ટીવીમ જાહેરાતો જોવો, પણ દૃસ્ટિકોણ બદલો.’ આને કહેવાય, ‘જાહેરાત વહી, સોચ નઇ!’

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી