હળવાશ- જિગીષા ત્રિવેદી / મભમ વાતના ખુલાસાથી હું ચકરાઇ ગઇ

article by jigisha trivedi

Divyabhaskar.com

Dec 25, 2019, 07:32 PM IST
હળવાશ- જિગીષા ત્રિવેદી
‘તમાર પત્યું અલા? કે બાકી?’ કલાકાકીએ હંસામાસીને પૂછ્યું.‘ના યાર. બાકી જ, પણ મન તો આ વખ્તે વિચાર ઓછો છે.’ હંસામાસીએ મોઢું બગાડીને જવાબ આપ્યો. કંકુકાકીએ ચિંતાગ્રસ્ત સ્વરે પૂછ્યું, ‘કેમ? હું થ્યું?’ એમનો જવાબ સાંભળવાને બદલે કલાકાકીએ વાંધો ઉઠાવ્યો, ‘એવું ના ચાલે યાર. અમુક વખતે જે કરવું પડે એ તો કરવું જ પડે ને યાર.’ ‘તમારી વાત બરોબર, પણ ખબર નઇં કેમ? આ વખ્તે હિંમત જ નહીં થતી.’ હંસામાસીએ કલાકાકી સાથે સંમત થવા સાથે પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિ જણાવી. ‘એલા, એવું નેગેટિવ કોઇ દી’ નઇં વિચારવાનું.’ સવિતાકાકીએ હિંમત આપી. ‘હા, પણ પછી એકેય મેળના નથ રે’તાં આપ્ડે.’ કંકુકાકીએ હંસામાસીની તરફેણમાં સ્ટેટમેન્ટ આપ્યું. ‘હાચી વાત છે યાર. આપ્ડે તમાર વાત જોડે શો ટકા શહમત છીએ અને આમાં સું થાય છ, ખબર છ. એક વાર તમે કરો ને, અટલે લોકો બીજી વાર આસા રાખે. એટલે જ તો મારી આ વખતે ઇચ્છા ઓછી જ છે યાર.’ હંસામાસીએ પોતાનાં જ વિચારોને સમર્થન આપતાં કારણો જણાવ્યાં. ‘તે પણ આપ્ડી પાંહેથી આસા ના રાખે, તો કોની પાંહેથી રાખે?’ સવિતાકાકીએ સમજાવ્યાં. ‘પણ આંગળી આપો ને, એટલે પ્હોંચો પકડે. તમે એકને કરો ને, એટલે ભરાયા. બીજી તીજી ચોથી... બધીનો વારો આવે.’ કંકુકાકી સંપૂર્ણપણે હંસામાસીની સાથે હતાં. ‘તો કરી નાખવાની યાર. બહુ વિચાર નઇં કરવાનો.’ સવિતાકાકીએ વાતને સરળતાથી લેવા સમજાવ્યું.‘પહેલાંની વાત જુદી હતી યાર, પણ હવે.. થોડું કાઠું પડે છ યાર.’ હંસામાસી હજી પોતાની જ વાતને વળગી રહેલાં. ‘અરે! એમ પાછા નહીં પડવાનું યાર. આટલી અમથી વાતમાં હિંમત હારી જાવ એ ચાલતું હસે યાર. આવું તો જીવનમાં કેટલુંય આવવાનું. આમ જોવો તો, આ તો કસ્સું જ નથી. આપ્ડી તૈયારી તો ગમે તે શંજોગોને પહોંચી વરવાની હોવી જોવે.’ કલાકાકીએ હિંમત આપી. આ બધું સાંભળીને મને એમ થયું, કે કોઇ ગંભીર સામાજિક ચર્ચા ચાલે છે. ક્યાં તો કોકનું મામેરું કરવાનું છે અને ક્યાં તો નજીકના ભવિષ્યમાં સગાંવ્હાલાંમાં કોઇને સંતાનપ્રાપ્તિના યોગ થવાના હશે, તો વહેવાર કરવાની વાત હશે. બધુંય મભમ જ ચાલતું’તું, એટલે ખરેખર શેની વાત છે, એ મને સમજાતું જ નહોતું. ત્યાં તો વળી આગળ ચાલ્યું. ‘તમને સું લાગે છે, સું કરવું જોઇએ? અને કેટલું કરવું જોઇએ? ક્યારે કરવું જોઇએ?’ હંસામાસીએ શરણાગતિ સ્વીકારી કલાકાકીને જ પૂછ્યું, ‘એ તો હવે ફેમિલીમાં કેટલા લોકો છે, એ પ્રમાણે આપ્ડે જાત્તે નક્કી કરવાનું.’ કલાકાકીએ એમનાં ઉપર નિર્ણય છોડ્યો અને પોતાની વાત કરી, ‘અમારે તો બધાંનું ઠેકાણું નઇં. ઘણી વાર વધારે કરો ને, તોય ઓછું જ પડે.’ ‘એ જ તો મોંકાણ છે ને. પહેલાં તો ઢગલો વસ્તુઓ લાવો ને પછી કરો. પછીય મોંઢા જ બગાડે.’ હંસામાસી અકળાયાં. ‘પણ માસી, એમાં કેમ આટલું બધું ટેન્શન કરો છો? તમારે કેટલો નજીકનો સંબંધ છે, એ લોકોની ચોઇસ કેવી છે, એનાં ઉપર નક્કી થાયે.’ મેંય મૂળ મુદ્દો જાણવા માટે અદ્ધરતાલ જ જવા દીધું. મને એમ, કે કોઇક તરફથી સંતોષકારક જવાબ મળશે અને મારી આતુરતાનો અંત આવશે, પણ મારું બોલવું ને કલાકાકી તાડુક્યાં, ‘એ ગાંડી, કોઇ પારકાં નથી. ઘરનાં જ છે બધાં, પણ કોને, કેટલી અને કઇ ભાવશે, એની ચિંતા છે.’ મારા ફાટેલા ડોળા જોઇને સવિતાકાકી કહે, ‘બેન, તું કુલડીમાં ગોળ ના ભાંગીસ. આ તો ચીક્કી હોય ને ચીક્કી. સીંગની, તલની, મમરાની, દાળિયાની.. (મેં ફાટેલા ડોળાએ જ હકારમાં ડોકું હલાવ્યું) એ ચીક્કીઓ કરવાની વાત છે.’ મેં મનમાં શરૂથી અંત સુધી બધાં જ ડાયલોગ્સ વાગોળી, ચીક્કી સાથે સેટ કર્યાં. મને ચક્કર જેવું આવવા લાગ્યું. ડોળા અંદર ગયાં, પોપચાં બિડાયાં અને હું ભફ દઇને મારા ઓટલે રીતસરની પટકાઇ.
X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી