હળવાશ- જિગીષા ત્રિવેદી / ગોટાળા વગર ટ્રાન્સફર ના થાય એ પાકું

article by jigisha trivedi

Divyabhaskar.com

Dec 10, 2019, 07:40 PM IST
હળવાશ- જિગીષા ત્રિવેદી
મંડળી બેઠી’તી, ને મંજુબેન સંપૂર્ણ મેચિંગ સાથે ચોકઠામાં આવ્યાં. બધાં સામે ઊડતી નજરે જોયું, સ્માઇલ આપ્યું અને ઉતાવળે પગલે અદૃશ્ય થયાં. ‘મને તો ઇ જ નવાઇ લાગે છે, કે આટઆટલું થ્યું, તોય ભોંઠી નથ પડતી મારી બેટી! જોકે પરાણે મોં હસતું રાખતી હોય, તોય ખબર નઇં હોં.’ સવિતાકાકીએ મોઢું મચકોડતાં કહ્યું. એટલે લીનાબેનને સ્વાભાવિક રીતે જ સવાલ થયો, ‘કેમ? એવું તે હું થ્યું છે?’
‘લે બોલ, આન તો કસ્સી ખબર જ નહીં. તમે પેલા કિરીટ વિસે નઇં હાંભર્યું?’ લીનાબેને ગુનો કર્યો હોય એમ કંકુકાકીએ એમને કહ્યંુ. એટલે કલાકાકીએય એમનાં નેટવર્ક પર પ્રહાર કરતાં કહ્યું, ‘હા યાર, તમને નહી ખબર? હવ તો વાત જગજાહેર થઇ ગઇ.’ ‘પણ હાવ આવું નહોતું ધાર્યંુ હોં.’ હંસામાસીએ લીનાબેન પરથી કેમેરો બીજે ફેરવ્યો. એટલે બધાંયની ગાડીય પાટે ચડી.‘આમ જોઇને તમને લાગે નહીં, કે આવો માણસ હસ.’કંકુકાકી બોલ્યાં.‘પણ મને તો હજી કસો લોચો લાગે છે.’કલાકાકીએ શંકા વ્યક્ત કરી. ‘ના ના. આપ્ડી જોડે કન્ફોમ મેસેજ છ યાર. આપ્ડી જોડે ખોટી બાતમી આવે જ નઇં. એકદમ જેન્યુઇન માણાએ વાત કરી છે. એટલે સંકાને કોઇ સ્થાન જ નથી.’ સવિતાકાકીએ થોડા અભિમાન સાથે કીધું, એટલે કલાકાકી કહે, ‘જો આ વાત ખરેખર હાચી જ હોય ને, તો તો બહુ ખરાબ કહેવાય.’ ‘મન તો યાર જાણીન હાચ્ચે જ બઉ દુ:ખ થ્યંુ. આમાં પેલીનો સો વાંક?’ હંસામાસીએ થોડા અફસોસ સાથે કહ્યંુ. સ્મિતાબેનય પોતાના ઓટલેથી મીટિંગ પ્લેસ પર આવતાં બોલ્યાં, ‘હાસ્તો. અત્તારે એને કેટલી તપ્લીક યાર. વગર વાંકે એને બાપ્ડીન સહન કરવાનંુ આયું ને. એક જાતની નામોસી જેવું જ કહેવાય.’ ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યંુ. વાત હાચી પડી.’ કલાકાકીએ અફસોસનું પ્રમાણ જરા વધાર્યંુ. એટલે કંકુકાકીએ એમાં નિરાશા ઉમેરી, ‘વિધાતાએ લખ્યા લેખ કદી મિથ્યા થતા નથી. ભોગવ્યે જ છુટકો.’ ‘એ તો પરભવના પુન આડા આયા, તે આટલામ પત્યંુ એમ કહો.’ સ્મિતાબેને આશ્વાસન સાથે કહ્યંુ. ‘આ બધું હાલતું હસે કેટલાય વખતથી. એમાં જ બાપડી બહુ બહાર નહોતી નીકળતી.’ હંસામાસીએ કહ્યું.‘એન મોઢે થવા જવંુ પડસે? સંુ કહો છો?’ સવિતાકાકીએ પ્રશ્ન કર્યો, એટલે હંસામાસી કહે, ‘મારા હિસાબે તો આનો ખરખરો ના હોય યાર. ઊલટંુ, જઇસું તો ખરાબ લાગસે. સું કહો છો?’ કહી કંકુકાકીની સંમતિય લીધી. ‘હાચી વાત અનેઆમાં આપ્ડે કોઇ રીએક્સનો આલવાનાં જ ના હોય.’ કંકુકાકીએ રીપ્લાય આપ્યો. ક્યારનંુ મભમ જ ચાલતું’તું એટલે લીનાબેન અકળાયાં, ‘પણ હુ થ્યંુ, એ કોઇ કહેસે મને?’ ‘ટ્રાન્સફર..’ સવિતાકાકી સિક્રેટ કહેતાં હોય એમ ધીરે સાદે બોલ્યાં. મારે ઓટલે બોલ્યાં, એટલે મને સંભળાયંુ. ‘તો સારું ને...’ મારાથી બોલાઇ ગયું. સવિતાકાકી તાડુક્યાં, ‘સુ હારું? કસી ભાન પડે છે તને? એણે કસો ગોટાળો કર્યો હોય, તો જ ટ્રાન્સફર થાય.’ એટલામાં ચોકઠામાં રિક્સા આવી. મંજુબેન ઢગલો સામાન સાથે ઊતર્યાં. ‘મજામાં?’સવિતાકાકીએ પૂછી જ નાખ્યું અને તદ્દન જુદો અણધાર્યો જવાબ મળ્યો, ‘હા. આમને પ્રમોશન મલ્યું, એટલે કાલે પાર્ટી રાખી છે, તે બધું લેવા ગઇ’તી. બરોડા ટ્રાન્સફર થઇ, તે પછી મળાસે નઇં બધાંને એટલે.’ કહીને મંજુબેન વહેતાં થયાં. ‘જોયું? લાફો મારીન ગાલ લાલ રાખે છે. અંદરખાને તો એને જ ખબર, કે પ્રમોસન મલ્યંુ, કે બીજંુ કોઇ કારણ છે.’ સવિતાકાકી ખ્યાલોમાંથી બહાર આવવા માંગતા જ નહોતાં. કહે, ‘આપ્ડે ક્યાં એની ઓફિસમાં તપાસ કરવા જવાનાં. બાકી ટ્રાન્સફરો એમનેમ નથી થતી. નાના સહેરમાં ટ્રાન્સફર થઇ, એનો અર્થ જ એમ, કે ગોટાળો. નહીંતર તો બેંગ્લોર કે મુંબઇમાં ના થાય? હમજો તમે.’ બધાંએ મંજુબેનના ઘર સામે જુદી જ દૃષ્ટિથી જોતાં સંમતિમાં ડોકું હલાવ્યંુ અને મેં કરુણા ભરી દૃષ્ટિથી જોયંુ. મને થયંુ, ખરેખર, આમાં મંજુબેનનો કોઇ વાંક નથી.
X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી