હળવાશ- જિગીષા ત્રિવેદી / બેલેન્શ વધારતા મેસેજો

article by jigisha trived

Divyabhaskar.com

Jul 30, 2019, 05:02 PM IST

હળવાશ- જિગીષા ત્રિવેદી
‘અલા ક્યારુંના નીચું જોઇને મોબાઇલમાં હુ કરો છો? ડોકું દુખી જાસે ઠામુકું.’ સવિતાકાકીએ હંસામાસીને ટપાર્યાં. ‘એક મિલિટ યાર. આ મેસેજ આયો છ, એ દહ જણાંન મોકલી દઉં. એટલે પચ્ચા રૂપિયા બેલેન્શ વધી જાય.’ હંસામાસીએ નીચે જોઇને જવાબ આપ્યો.‘હુંય તમાર ભઇન બે દિ’થી યાદ કરાવું છું કે મારામ બેલેન્શ કરાઇ દો, પણ ભૂલી જ જાય છે.’ સવિતાકાકીએ પોતાનાં, મોબાઇલના ઉપરાંત પતિના માનસિક બેલેન્સની પરિસ્થિતિ પણ જણાવી. ‘તે પણ એમની હાડાબારી જ નહીં રાખવાની. મેં તો હાંભળ્યું છે, કે એવા ઘણા મેસેજો ફરે છે જગતમાં, જે દહ-પન્નર જણાંને મોકલીએ, તો મોબાઇલમાં બેલેન્શ વધી જાય. એવા પાંચ-દહ સાઇડમાં ભેગા કરી રાખવાના. પછી ધડાધડ મોકલી દેવાનાં. ઢગલો બેલેન્શ થઇ જાય પળવારમાં.’ લીનાબેને નોંધાઇ. ‘એમ મેસેજો ફોરવડ કરવાથી બેલેન્શ વધે ’લા?’ સવિતાકાકીએ પૂછ્યું. ‘ટીંડોરા…’ કલાકાકીએ જવાબ આપ્યો. ‘હેં?’ આશ્ચર્ય મારા ગળામાંથી શબ્દદેહે બહાર આવ્યું. ‘એટલે આ તે કાંઇ ટીંડોરા છે, કે એને સુધાર્યા પછી વધે.’ ક્લેરિટી કરી કલાકાકીએ. ‘ના હવે. હાવ એવું નઇં હોય.’ હંસામાસી માનવા તૈયાર જ નહોતાં. ‘એવું જ હોય.’ કલાકાકીએ કહ્યું. ‘પણ થોડુંઘણું તો હાચું હસ. શું કહો છો લીનાબેન?’ હંસામાસીને હજી વિશ્વાસ નહોતો આવતો. પોતે સમજ્યાં એ ખોટું છે, એ સાબિત થાય, તો પોતે ડફોળ સાબિત થાય એ પણ મંજૂર નહોતું. એટલે લીનાબેનને સાથે લીધાં. કલાકાકી ઊભા થઇ ગયાં. ‘ધૂર ને ઢેફાં! અરે, આવું જો હાચું હોય ને, તો હું એક માણસ પગાર ઉપર રાખી લઉં, જે આખો દિવસ આવા મેસેજો ફોરવડ કરવાનું જ કામ કરે.’ ‘પણ કંપનીવારા ખોટું ના બોલે ને યાર.’ હંસામાસીને આજે પોતાનું નીચું પડવા જ નહોતું દેવું. ‘એ મેસેજની નીચે કંપનીવાળાવની વાદળી પેનથી કરેલી ઓરિજિનલ સહી ન જાંબલી શિક્કા જોયા કોઇ ’દી? (બધાંએ ના પાડી) તાર પછે! કંપનીવાળાને તો ખબર જ નો હોય. એનું નામ ખરાબ કરવા હાટું બીજા લોકો આવા મેસેજો મોક્લે હમ્જી તું? મોબાઇલ ફોબાઇલમા બેલેન્શની વાત જ ખોટી. ખાતાંમ પૈસા આવે, તો જ હાચું. અરે, જો આ હાચું હોય ને, તો ડાયરેક સીધ્ધો મનીઓર્ડર જ આવવો જોઇં. હુ ક્યો છો કલાબેન. હાચી વાત કે નઇં?’ ‘હો વાતની એક વાત-પૈસા હાથમાં દેખાય તો જ હાચા. આ પહેલાંના જમાનામ રાજાને કોઇ હારા મેસેજ આલે, તો રાજા કેવી ગળામથી માળા કાઢીન આલી દેતા! ઇ જ હાચું, બાકી બધું ખોટું.’ કલાકાકીએ ઉદાહરણ સાથે સમજાવવા પ્રયત્ન કર્યો. ‘પણ કંપનીવાળા..’ હંસામાસીએ પોતાનો કક્કો પકડી રાખ્યો, એટલે સવિતાકાકીનો પિત્તો ગયો, ‘ક્યારુંની હું કંપની કંપની મંડાણી છું. કંપનીવારાની પૈડ મૂક અને પહેલાં તો આ જે બી છે, એને બ્લોક કરી દે તું. એક વાત હમજી લે, આવા લોકોને બેલેન્શ વધારવા હાટું દહ જણ ગોતવાના હોય, ત્યારે જ આપ્ડે યાદ આઇએ. બાકી વાતું કરવા ફોન આયો કોઇ દિ એમનો? અને ધારો કે, બેલેન્શ વધતું બી હોય ને, તોય આપડા થકી તો એનું બેલેન્શ ના જ વધવું જોઇએ અને હાંભળો હંસાબેન, હું તમને એક સીધું-સાદું ઉદાહરણ આલું કે જેથી તમે કોઇ દિવસ આ બાબતે બીજી વાર દલીલ કરો જ નહીં. આ કંકુબેનને તમે જ્યારે બી પાણી પીવરાવો છે, ત્યારે ઇ તમને આસિર્વાદ દ્યે છે, ઇ ફઇળા છે કોઇ દિ’? આ બેલેન્શનુંય એવું જ યાર. હમજો તમે. (કંકુકાકીને વગર વાંકે હડફેટે લીધાં, એટલે મારા સહિત બધાંએ કંકુકાકી તરફ જોયું, અને કંકુકાકીએ સવિતાકાકી તરફ. આ બંને લુકમાં નોંધનીય રીતે ‘ભાવ’ ચોક્કસ જુદો હતો.) ‘બેન, આ તો ખાલી હામેવારાન હારું લગાડવા કે ભોરબ્બાના ધંધા બધા. હું તો કઉં, આવા મેસેજોમ ટાઇમ બગાડવાને બદલે ઘર સાફ કરવું હારું. જેથી પસ્તીવારા કે પાલાબયણીવારા હામે કસું આલે તો ખરા.’ છેલ્લે કલાકાકીએ સરખામણી કરી તફાવત સમજાવ્યો. મેસેજનો કચરો કરી નાખ્યો, એ આનું નામ.

X
article by jigisha trived

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી