નીલે ગગન કે તલે / નાટકના નાગાબાવાઓ

article by madhu rye

મધુ રાય

Apr 24, 2019, 05:39 PM IST

‘યોગસાધના નાગાબાવાઓ હિમાલયમાં કરે છે તેમ નાટકના સાચા નાગાબાવાઓ ન્યૂ યોર્કમાં ફરે છે,’ એવાં વચન ઉચ્ચારેલાં કર્ણાવતીમાં ને મુમ્બાનગરીમાં ને મેનહાટનમાં ફરન્તા, ચરન્તા ગુજરાતી નાગાબાવા જયંતી પટેલે. ન્યૂ યોર્કમાં છે તમારી કલ્પનામાં ન આવે તેવા નાટકિયા ખેલ બ્રોડવે, ઓફ્ફ બ્રોડવે, ઓફ્ફ ઓફ્ફ બ્રોડવે, ડિનર થિયેટર, ઇમ્પ્રોવાઇઝેશન, ગરાજ થિયેટર, સ્ક્રિપ્ટલેસ થિયેટર અને ઇવન પેન્ટલેસ થિયેટર! છેલ્લાં સત્તર વર્ષથી ચાલે છે તે ‘પેન્ટલેસ ટ્રાવેલ ડે!’ જેનો ઇમ્પ્રોવ થિયેટરના નાગાબાવા ચાર્લી ટોડે આરંભ કરેલો. દર વર્ષે ન્યૂ યોર્કની લોકલ ટ્રેનોમાં ‘સ્વયંસેવકો–સેવિકાઓ’ના જુમલા પાલટૂન કાઢીને ફક્ત જાંગિયાભેર લોકલ ટ્રેનોમાં ચડે અને બીજા યાત્રીઓને ચોંકાવે! બસ, ફ્રીડમ!

  • માઇકલ વ્હીલચેર–બદ્ધ પારાપ્લીજિક દિવ્યાંગ એક્ટર છે

અને હાલ ઓફ્ફ બ્રોડવે ઉપર વિરાસન કરે છે એક બાગી ઈરાની લેખક, નસીમ સુલેમાનપુર. તેની 2016ની પેશકશ ‘વ્હાઇટ રેબિટ, રેડ રેબિટ’ નાટકમાં દર શોમાં જુદા જુદા એક્ટર સ્ટેજ ઉપર આવે, ત્યાં ને ત્યાં નાટકની સ્ક્રિપ્ટ પહેલી વાર ખોલે અને તેમાં સૂચવ્યા મુજબ તેનો ‘પાઠ’ કરે. તેના 20 ભાષાઓમાં અનુવાદ થયા અને જગતભરમાં ઠેર ઠેર ભજવાયાં. ‘રેબિટ’માં કથા પાતળી પાણી જેવી હતી, ‘નાટ્ય’ હતું તખ્તા ઉપર રોજ કોઈ નવા નવા નટસમ્રાટ કે સમ્રાજ્ઞીનાં તનબદનમાંથી પસાર થતી તાજ્જુબીની સર્પિણી નિરખવામાં.
પહેલાં નાટકની દુર્દાન્ત સફળતા બાદ લેખક લાવ્યા છે, એવા જ જજબાતી અખતરાભરેલું બીજું નાટક, ‘નસીમ’. તેમાં પણ દર શોમાં કર્ટન ખૂલવાના ટાઇમે ઉપસ્થિત થતા નવા નવા રંગકર્મીને સ્ક્રિપ્ટનું પહેલું પાનું આપવામાં આવે, તે પાનું સ્ક્રીન ઉપર પ્રોજેક્ટ થાય અને તેમાં સૂચવ્યા મુજબ અદાકાર પોતાની કમાલ બતાવે! એમ ક્રમશ: સ્ક્રિપ્ટનાં પાનાં પેશ થાય ને ભજવાય. આ નાટકમાં તો બીજા અંકમાં નાટ્યકાર ખુદ તખતા ઉપર આવે છે, પણ તેણે કોઈ સંવાદ બોલવાનો નથી. સામસામે સ્ક્રિપ્ટમાં જોતાં જોતાં ‘વાતો’ થાય છે: બંને વ્યક્તિના સંવાદ આગંતુક અભિનેતા જ બોલે છે: તમે મને એક ઇંગ્લિશ વર્ડ શીખવો, હું તમને ફારસી લિપિમાં તમારું નામ લખી બતાવું, ઓકે? અને તમને એક ફારસી વર્ડ શીખવું, ‘મા–મુ–ન!’ યાને ‘મ–ધ–ર!’ નાના-નાના અમથા-અમથા ફિતુરિયા સંવાદો દર્શકોના હોઠને સ્મિત સુધી ખેંચી જાય. ઈરાનમાં ચાય પીવાની રસમ એવી છે, કે તમે મોઢામાં ખાંડનું ચોસલું રાખીને ઘૂંટડો ઘંૂટડો ચાયનો ઉકાળો મમળાવ્યા કરો. આ નાટકમાં કોઈ જાડીપાડી સ્ટોરી નથી. આમાં કોઈ ખોપરી ખંજવાળતી બૌદ્ધિક છટા નથી. ‘નસીમ’નો વૈભવ છે તેની કિફાયતી ફિતરતમાં. તખતા ઉપર ભજવાય છે તેના કરતાં દસ ગણું વિસ્ફારિત થઈને નાટક તમારા મગજમાં રેલાય છે. તેમાં ફ્રેન્ચ ડિરેક્ટર ક્રિઝતોફ કાયઝસ્લોવસ્કી(Krzysztof Kieslowski)ની ફિલ્મો જેવો એક મલમલી વિષાદ છે. લેખકને પોતાની મામુન યાદ આવે છે; પોતાની મામુન–જુબાન યાદ આવે છે. તેને ખેદ છે કે જગતભરમાં ભજવાતાં પોતાનાં નાટક પોતાની જ ભાષામાં પોતાના જ દેશમાં ભજવી શકાવાનાં નથી. નાટકના અંતે આગંતુક અભિનેતા/નેત્રી લેખકની મામુન સાથે ફોન ઉપર વાત કરે છે.
‘રેબિટ’ની માફક જ આ નાટકની લિજ્જતનો આધાર આગંતુક રંગકર્મીની છટા ઉપર છે. ગગનવાલા દેખને ગયા થા ત્યારે આગંતુક કલાકાર હતા શિકાગોના નાગાબાવા માઇકલ પેટ્રિક થોર્ટન! માઇકલ વ્હીલચેર–બદ્ધ પારાપ્લીજિક દિવ્યાંગ એક્ટર છે; એમનો એક પંજો તથા ડોકું સચેત છે–બાકીનું અંગ નિશ્ચલ છે. તેણે ફક્ત અવાજની ઊઠકબેઠક થકી તેને મળેલી સ્ક્રિપ્ટને ‘તત્કાલ’ ભજવી બતાવવાની હતી અને બસ માઇકલે સ્ટેજ ઉપર ઉપસ્થિત મૂક લેખકની સાથે મૃદુ તોફાનભરી ખેલદિલીથી પંજો લડાવ્યો અને શારીરિક રીતે નિશ્ચેષ્ટ હોવા છતાં દર્શકોનાં ચિત્ત ઉપર પેલી ઈરાની ચાય જેવો સુપરફાઇન નિશો કરાવ્યો.
પ્લસ, ભાઈઓ તથા બહેનો. લયલા કો દેખિયે મજનૂં કી આંખ સે અને અમેરિકન નાટ્યવિવેચક વોલ્ટર કર્ર કહેતા કે આપણે તખતા ઉપર જોઈએ છીએ તે નાટકના ફક્ત 10 ટકા છે; નાટકના 90 ટકાનો સૂંડલો આપણે થિયેટરમાં જતી વખતે આપણા માથામાં લઈને જઈએ છીએ. તખતા ઉપર જે થાય તેની આપણા ઉપર થતી અસરનો આધાર આપણે જે લઈને ગયા હોઈએ તેની ઉપર હોય છે.
જય વોલ્ટર કર્ર!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી