નીલે ગગન કે તલે / જે કર હિલાવે શીશે કા ધાબા

article by madhu rye

મધુ રાય

Dec 26, 2018, 04:56 PM IST

હિલેરી ક્લિન્ટન અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયાં હોત તો આન્ટીને શાહરુખ અંકલ સાથે નાચવા ના મળતે, એટલે ના થયાં તો ઐસી કી તૈસી. તેણી લેડિઝ હતાં તે તેણી અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ન ચૂંટાયાં એનું એક મોટું કારણ હતું. જેન્ટ્સોએ એક ઇનવિઝિબલ લિમિટ બનાવેલી છે જેને ઇંગ્લિસ્તાનીમાં ‘ગ્લાસ સીલિંગ’ કહેવાય છે, લેડિઝ અમુક ઊંચાઈ સુધી પહોંચે, તો વિલ ડુ, માય બ્રધર, પણ તેનાથી ઊંચે જવા જાય તો કાચનું ધાબું તેણીને અટકાવે.

અમેરિકાના ગોરા–ઇઝ–ગ્રેટ નરસમાજમાં સૌથી વધુ તુચ્છ ગણાય તેવી સિંગલ વુમન અને વેઇટ્રેસ અને બીજી વિધાનસભ્ય તો બિનગોરી વિયતનામી વુમન!

અમેરિકામાં એક બહોળો વર્ગ એમ માને છે કે તમામ લેડિઝો, બિનગોરી તમામ પ્રજા, ટૂંકમાં ગોરા પુરુષો સિવાયની પૃથ્વી ઉપરની તમામ લેડિઝો, જેન્ટ્સો ને ચિલ્ડ્રન્સો ઇવન શાહરુખ ખાન, ઇવન સચીન તેંડુલકર બી ગોરા અમેરિકન પુરુષો કરતાં ઓછી અક્કલવાળા છે. એવા એક ગોરા અમેરિકન જેન્ટ્સ હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હોવાના કારણે શાહરુખ સાથે બોલ ડાન્સ નહીં કરી શકે, પણ કિસ્મત બધાને બધી લગઝરી તો કેમ આપે!


આવા વિચાર ગગનવાલાને કેમ આવે છે? બસ, મોટા મોટા ભડકેદાર ન્યૂઝમાં એક તદ્દન છોટા સા ન્યૂઝ પસ્તીમાં સંતાઈ ગયા છે કે અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર અમેરિકાના કોઈ પણ સ્ટેટ, મીન્સ કે કોઈ પણ રાજ્યની વિધાનસભામાં લેડિઝોની મેજોરિટી થઈ છે. નેવાડા સ્ટેટ જે લાસ વગાસનાં જુગારખાનાં તેમજ ‘ચિકન રાન્ચ’ તરીકે ઓળખાતી સ્વૈરવિહારી જાતીય સમાગમની ક્લબો માટે મશહૂર છે તે રાજ્યમાં વેઇટ્રેસનું કામ કરતી એક સિંગલ મધર અને બીજી એક વિયેતનામી ગૃહિણી એકાએક વિધાનસભામાં નિયુક્ત થઈ છે અને એમ નેવાડા સ્ટેટના લેજિસ્લેચરમાં જેન્ટસો કરતાં લેડિઝોની બહુમતી થઈ ગઈ છે.


અમેરિકાના ગોરા–ઇઝ–ગ્રેટ નરસમાજમાં સૌથી વધુ તુચ્છ ગણાય તેવી સિંગલ વુમન અને વેઇટ્રેસ અને બીજી વિધાનસભ્ય તો બિનગોરી વિયતનામી વુમન! બહુ જ ઝીણો, સાવ તીણો આ એક સાદ છે, જે કહે છે કે એક દિવસ કદાચ ખરેખર એવો આવશે કે અમેરિકાના રાજકારણમાં જ નહીં, પણ વિશ્વના મોટાભાગના દેશોની રાજનેત્રીઓ હશે લેડિઝો, કેમ કે લેડિઝોને તકરાર કરતાં સુલેહમાં વધુ રસ છે.


ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાથી માંડીને રશિયાની કેથરીન, ઇંગ્લેન્ડની વિક્ટોરિયા અને આધુનિક સમયની જર્મનીનાં રાજનેત્રી એંગેલા મર્કલ સુધી વારે તહેવારે લેડિઝોએ હિસ્ટ્રીની બુક્સોમાંથી માથું ઊંચું કરીને મરદાના ગ્લાસ સીલિંગના ભુક્કા કીધેલ છે, ઓફકોર્સ. અને ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે બર્મા જેવા કન્ટ્રીઝોને થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ ગણાવતા અમેરિકાને ઇન્ડિયાના ઇન્ડિરા, બંગલા દેશના શેખ હસીના, પાકિસ્તાનનાં બેનઝીર ભુટ્ટો તો તાજી તવારિખની હિરોઇનો છે. બર્મા/મ્યાનમારના સાંગ સાન સૂ ક્યીતો પોલિટિક્સની સાથે સાથે નોબેલ પીસ પ્રાઇઝ પણ જીતી લાવ્યાં છે!


અને ડુ યુ નોવ, આધુનિક ઇતિહાસમાં સૌ પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર કયા દેશમાં ચૂંટાયા હતા? શ્રીલંકા! સિરિમા રાતવાતે ડિયાઝ ભંડરનાયક, ઉર્ફે સિરિમાવો ભંડારનાયક કોઈ ફેમસ ફાધર કે બ્રધર કે હસબન્ડ કે સન કે જેન્ટ્સ રિલેટિવની છાયા વિના આપજોરે 1960માં, 1970માં અને 1994માં એમ ત્રણ ત્રણ વાર શ્રીલંકાનાં વડાપ્રધાન બનેલા અને નવા જન્મેલા ઇઝરાયેલમાં ઇતિહાસ રચેલો ગોલ્દા મીયરે જે તે દેશના ચોથા ક્રમના પ્રાઇમ મિનિસ્ટર બનેલા.


એક વિલક્ષણ વાત તે છે કે ભારત અને પાકિસ્તાન બંનેનાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી તેમજ બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ હતી. તે બંને પિતાના સ્વર્ગવાસ પછી વધુ ચમકેલાં અને જે બંનેનાં વંશજો હજી પોલિટિક્સમાં સરોબોર છે. તે જ શૈલીથી બંગલાદેશના સ્થાપક શેખ મુજીબુર રહમાનની હત્યા બાદ તેમનાં પુત્રી શેખ હસીના વાજેદ રાજકારણમાં પ્રવેશ્યાં અને 2009થી હાલ સુધી બંગલા દેશના 10મા વડાપ્રધાન તરીકે એકચક્રી રાજ કરી રહ્યાં છે.


કોઈ દેશમાં પ્રાઇમ મિનિસ્ટર ટોપ પોઝિશન ગણાય ને કોઈ દેશમાં પ્રેસિડેન્ટ તે હિસાબે આધુનિક ઇતિહાસમાં કોઈ દેશના પ્રથમ પ્રેસિડેન્ટ બનેલા આઇઝેન્ડના વિગદિસ ફિનબોગાડોતીર સન 1980થી 1996. તાજેતરમાં જ ચૂંટાયા છે ડેન્માર્કના હાલી તોર્નિંગ–શ્મિટ.

થાઇલેન્ડમાં રાજ કરે છે પ્રાઇમ મિનિસ્ટર શિનાવાત્રા, ઇંગ્લેન્ડમાં ટેરેસા મેય, આર્જેન્ટિનામાં ફર્નાદેઝ દ કિર્ચનર, બ્રાઝિલમાં દિલ્મા રૂસેફ હાલ સુધી મહાલતાં હતાં, પણ હવે તેમની જગ્યાએ એક જેન્ટ્સ આવી ગયા છે. ઔસ્ટ્રેલિયામાં જુલિયા ગિલાર્ડ, લાઇબેરિયામાં એલન સિરલીફ, ફિનલેન્ડમાં તરા હાલોનન, કિથુવેનિયામાં દાલિયા ગ્રાયબોસ્કેઇટ અને હલ્લો! ત્રિનિદાદ એન્ડ તોબેગોમાં રાજ કરન્તાં છે શ્રીમતી કમલાપ્રસાદ બિશ્વેસર! ઝાંસી કી રાની કી જય!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી