જાગીને જોઉં તો

article by madhu rye

મધુ રાય

Nov 21, 2018, 12:05 AM IST

ધનતેરસના દિવસે પ્રભાતે આંખો ખોલી તો ઘડિયાળમાં પાંચ વાગેલા, પરંતુ હકીકતમાં ચાર! દર વર્ષે નવેમ્બર મહિનાના પહેલા શનિવારે રાતના ઘડિયાળને એક કલાક પાછળ ફેરવવાની હોય છે, તે અમે ફેરવી નહોતી. યાનિ કિ હકીકતમાં હજી ચાર જ વાગેલા હતા. આમ એક કલાકનો વધારાનો વૈભવ લાધતાં બગાસિત સ્વરે હમોએ જાતને જણાવ્યું, ‘હેપી ઢનટેરસ’ અને કોઈ શયતાની સપનાંના શરણમાં નિદ્રાનશીન થયા.

વરસમાં બે વખત સમય સાથે ચાળા કરવાથી મનુષ્યના શરીરની આંતરિક ક્રિયાઓમાં ખચકા આવે છે અને શરીર બિનકુદરતી રીતે ચંચળ બને છે

માર્ચ માસમાં વસંતઋતુના દિવસના અજવાળાના કલાકો વધુ હોય ત્યારે ઘડિયાળને એક કલાક આગળ કરવાની અને નવેમ્બરમાં પાનખર ઋતુના દિવસના અજવાળાના કલાકો ઓછા હોય ત્યારે ઘડિયાળને એક કલાક પાછળ કરવાથી આપણને પ્રભાતે સૂર્યનો પ્રકાશ વધુ સાંપડે છે, એવા હેતુથી ડાઇટ યાને સનાઇટ સેવિંગ ટાઇમની પ્રથા શરૂ થઈ હતી. તે માટે સૂત્ર છે, સ્પ્રિંગ ફોરવર્ડ, ફોલ બિહાઇન્ડ.


અમેરિકાનું ઓનરરી રાજ્ય હોય તેમ આખું ગુજરાત જાણે છે કે અમેરિકામાં અનેક ટાઇમ ઝોન છે. ન્યૂ યોર્કમાં બાર વાગ્યા હોય તો શિકાગોમાં 11 હોય ને ડેનવરમાં 10 તથા લોસ એન્જલસમાં 9 વાગેલા હોય. એમાં પાછા વરસમાં બે વાર ઘડિયાળ કલાક કલાક આગળ–પાછળ થાય છે. અમેરિકાની આ ડેલાઇટ સેવિંગ ટાઇમની પ્રથા શરૂ થઈ ત્યારથી ચણભણ તો થતી જ હતી વારે વારે વખત બદલબદલ કરવાની વાત ઉપર.


શિયાળામાં દિવસ ટૂંકો થાય અને ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે અજવાળાના કલાકોમાં કામ થાય તેવા હેતુથી કેલિફોર્નિયામાં ડેલાઇટ સેવિંગ ટાઇમની શરૂઆત થઈ હતી 1949માં, પરંતુ હમણાં હમણાંથી બહુ વગોવાઈ છે, કેમ કે કેટલાક કહે છે કે એક કલાક વધારે આરામથી કોઈને દોકડાનોય લાભ થતો નથી ને તેના કારણે અનેક ગેરલાભ થાય છે. દર વર્ષે છાપામાં નવા નવા આંકડા આવે છે કે આમ અધવચ્ચે ટાઇમની ઊલટાપલટી કરવાથી ઘણા લોકોના જાન જાય છે. દાખલા તરીકે આ વર્ષે ‘ધ હિલ’ નામના બ્લોગમાં એવી અશુભ વાણી ઉચ્ચારનાર છે, હન્ટસમેન કોલેજ ઓફ બિઝનેસના પ્રોફેસર વિલિયમ એફ. શુગર્ટ. આ રીતે નવેમ્બરમાં ‘વધારેલો’ કલાક માર્ચમાં ‘ઘટાડી’ દેવાય છે. આમ વરસમાં બે વખત સમય સાથે ચાળા કરવાથી મનુષ્યના શરીરની આંતરિક ક્રિયાઓમાં ખચકા આવે છે અને શરીર બિનકુદરતી રીતે ચંચળ બને છે. આથી વાહન અકસ્માત, હાર્ટએટેક વગેરે ગંભીર જોખમો ઊભાં થાય છે.


સન 1918માં રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલસને પહેલાં વિશ્વયુદ્ધના અંતભાગમાં આ પ્રથાને બહાલી આપેલી. હાલ તેનો હેતુ છે ઊર્જાની બચત. સાંજના એક કલાકનો વધારાનો પ્રકાશ હોય તો એક કલાક વીજળી ઓછી બળે. સન 1970માં રાષ્ટ્રપ્રમુખ નિકસને વસંતઋતુમાં ઘડિયાળને એક કલાક આગળ કરવાથી કામદારો વધુ સ્ફૂર્તિથી કામ કરે છે તેવી ભૂલભરી માન્યતાથી દોરવાઈને કેલિફોર્નિયામાં 1949થી આ પ્રથા દાખલ કરાવેલી. તે સમયે એરકન્ડિશન એટલું વ્યાપક નહોતું તેથી કદાચ કલાકની વધઘટથી ઊર્જાની બચત થતી હશે, પરંતુ પછી એ.સી. સર્વત્ર આવી ગયા બાદ ઊલટું વીજળીનો વપરાશ વધી ગયો અને રાષ્ટ્રીય પ્રથા હોવા છતાં એરિઝોના અને હવાઈ એમ બે રાજ્યોએ તેનો અંગીકાર કીધો નથી અને તેમને કોઈ હાનિ થઈ નથી. આ પ્રથા નાબૂદ કરવી કે કેમ, તે વિશે કેલિફોર્નિયામાં મતદાન થવાનું છે. આ પ્રથા કેનેડામાં અને બીજા દેશોમાં પણ લાગુ છે અને ત્યાં પણ તે બાબત ભવાં ઊંચા થઈ રહેલ છે. દક્ષિણ અમેરિકા, આફ્રિકા કે એશિયામાં આપણે એવી પરવા કરતા નથી, કેમ કે આપણને પ્રચુર માત્રામાં તડકાનો તડાકો પડેલ છે.


સન 1784માં આ ડેલાઇટ સેવિંગ ટાઇમની ભલામણ કરનાર પ્રથમ રાજનેતા હતા બેન્જામિન ફ્રેન્ક્લિન. એમણે બાયફોકલ ચશ્માંની શોધ કરેલી અને બાયફોકલ ટાઇમની પણ હિમાયત કરે તે યોગ્ય કહેવાય, કેમ કે તે સમયે વીજળી નહોતી ને મીણબત્તીઓ હતી. લોકો કામ ઉપરથી ઘરે એક કલાક મોડા આવે ને ઘરની મીણબત્તીઓ એક કલાક મોડી સળગાવે તો મોટી બચત થાય, પરંતુ પ્રોફેસર શુગર્ટ કહે છે કે અામ ઘડીઘડી ઘડિયાળને બદલબદલ કરવાથી કોઈનું ભલું થતું નથી અને તે ટાઇમની બરબાદી થાય છે.
જય બેન્જામિન!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી