એક તું, એક તું, એમ કહેવું

article by madhu rye

મધુ રાય

Oct 24, 2018, 12:05 AM IST

વહેલી પરોઢે જ્યાહરે સત્તરમા માળની પિક્ચર વિન્ડોઝમાંથી ઊભા થતાં ભાસે છે ન્યુ યોર્ક શહેરનાં કોંક્રિટ શિખરો અને તેમની પાછળથી પ્રચંડ ઊર્જાપૂર્વક આકાશે લીંપાઈ જાય છે રક્તિમ લાલ રંગ. ત્યારે આપણને આકાશની આરપાર વસતા પરમબ્રહ્મ વિશે વિસ્મય થાય છે. એકદા કિશોરવયે કલકત્તાના દક્ષિણેશ્વરના મંદિરે પ્રભુની પ્રતિમા પાસે પ્રણિપાત કરીને આંખો મીંચેલી ત્યારે એક ઝબકારની જેમ ભાસેલું કે ઈશ્વરે માથે હાથ મૂકે છે. તે પછીથી સહપાઠીઓની સામે ઈશ્વર છે કે નહીં તેની બૌદ્ધિક ચર્ચાઓ કરેલી. બુદ્ધ કહેતા ઈશ્વર નથી. ભક્તો કહે ઈશ્વર ઘટઘટમાં છે. નિત્શે કહી ગયા કે ઈશ્વર ઇઝ ડેડ. આઇન્સટાઇને લખ્યું કે કોઈક પરમબ્રહ્મ જેવી શક્તિ કશેક છે ખરી. કાર્લ માર્કસે ઠઠ્ઠો કર્યો કે ઈશ્વરબીશ્વર તો લોકોને ફોસલવવાનું અફીણ છે.
આ અંગત અનુભૂતિઓ અને આ બુદ્ધિધન મહાજનોની પોતપોતાની શ્રદ્ધાસિક્ત માન્યતાઓ આપણા મસ્તિષ્કના કોટ હેંગર ઉપર પાસેપાસે ટાંગેલી છે.

આ બ્રહ્માણ્ડનું સંચાલન કોઈ અલૌકિક શક્તિ કરતી નથી

પરંતુ ગયા મંગળવારે પ્રકટ થયેલ સ્ટીવન હોકિંગના નવા પુસ્તકમાં વિશ્વભરમાં સમાદૃત અને આ સદીના સર્વોચ્ચ વિજ્ઞાની, ચિંતક શ્રદ્ધાથી નહીં, પણ શુદ્ધ તર્કથી જણાવે છે કે ‘ઈશ્વર નથી’ ત્યારે દક્ષિણેશ્વરમાં અનુભવેલી પ્રભુની પ્રતિમા હચમચી ઊઠે છે.


બીજી સનસનાટી ભરેલી જાહેરાત હોકિંગ તે કરે છે કે સૃષ્ટિમાં અન્યત્ર પણ પૃથ્વી સરખી જીવસૃષ્ટિ છે. અને આવતાં ૧૦૦–૨૦૦ વર્ષમાં માણસ સૂર્યમાળામાં સ્વચ્છંદે ભ્રમણ કરતો હશે. વધુમાં, માણસજાત સ્વયં પોતાના બુદ્ધિબળથી આરોપિત મેધા (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા અતિમાનવની નવી નસલ પેદા કરશે જે નસલ આ સૃષ્ટિને ભસ્મીભૂત કરશે અને એક દિવસ માણસજાત સમય–લંઘન પણ કરી શકશે: અશોકના સમયનો માણસ અકબરના દિલ્હીમાં જઈ શકશે અને સંભવ છે કે બાવીસમી સદીનો શિશુ વીસમી સદીમાં થયેલી ગાંધીહત્યા સ્વનેત્રે નિહાળી શકશે.


અને સજ્જનો, આ બ્રહ્માણ્ડનું સંચાલન કોઈ અલૌકિક શક્તિ કરતી નથી. સર્જનહારે સાત દિવસમાં સૃષ્ટિનું નિર્માણ કર્યું કે શેષશાયી વિષ્ણુ ભગવાનના હાથમાં સૃષ્ટિનુ સંચાલન છે, આદિ કિંવદંતિઓ સર્જનના વિસ્મયને આત્મસાત્ કરવાની સહજ યુક્તિઓ છે, તે હશે, પરંતુ બીજમાંથી અંકુર અને અંકુરમાંથી વટવૃક્ષ થાય તે કયા કારગરના કારુશિલ્પથી? ગર્ભાશયમાં ભ્રૂણ બંધાય ને તેમાંથી માણસ જન્મે તે કયા મંતરના આધારે? હોકિંગને ‘લૂ ગેરિગ’ નામનો પક્ષાઘાતી વ્યાધિ હતો જેનું દાક્તરી નામ છે એમાયોટ્રોફિક લાટરલ સ્લેરોસિસ યાને ‘એ–એલ–એસ’ [amyotrophic lateral sclerosis (ALS)]. શરીરને તદ્દન અક્ષમ કરી મૂકનાર ગોઝારા રોગના કારણે હોકિંગ લગભગ આજીવન પંગુ રહેલા. એમની સ્વરપેટીની અવેજીમાં મશીની અવાજથી તે ‘બોલી’ શકતા.


જીવન દરમિયાન હોકિંગે ઈશ્વરમાં શ્રદ્ધા ન હોવાની વાત કરેલી. સામાન્ય જનને સમજાય તેવાં ભૌતિકશાસ્ત્રનાં પુસ્તકો લખેલાં, જેમકે ‘A Bref History of Time.’ કાળનો ઇતિહાસ. એમના મૃત્યુ પછી અધૂરું રહેલું આ પુસ્તક એમના હજારો શોધપત્રો વગેરેનું સંકલન કરીને એમનાં પુત્રી લુસી હોકિંગ તથા એમના વિજ્ઞાની સહકર્મીઓએ પૂરું કરીને બહાર પાડ્યું છે: ‘Brief Answers to the Big Questions’ યાને ‘અઘરા સવાલોના સંક્ષિપ્ત જવાબ’. તેમણે ‘બ્લેક હોલ્સ’ નામની ગેબી હસ્તીઓનો અભ્યાસ કરેલો. એમના અવાજમાં રેકોર્ડ કરેલો એક સંદેશો 3500 પ્રકાશવર્ષ (3500 ગુણ્યા 9.46 ટ્રિલિયન કિલોમીટર) ના અંતરે આવેલા ‘બ્લેક હોલ’ તરફ મોકલવામાં આવેલ છે. કહેવાનો આશય તે કે ઈશ્વર ન હોવાની હોકિંગની ઘોષણા કોઈ બાગી ગઝલિયાની નજમ નથી, પ્રખર અભ્યાસી વિજ્ઞાનીના શુદ્ધ બૌદ્ધિક તર્કથી વિકસાવેલી વિભાવના છે.


પરંતુ યારો, ગઈકાલે લોકો કહેતા હતા કે પૃથ્વી સપાટ છે ને સૂર્યચંદ્રાદિ ધરતીની આસપાસ ફરે છે. આજે તે વાત ઊંધી થઈ ગઈ છે. હોકિંગે કહેલી વાત આજે કદાચ યથાર્થ હશે, કદાચ કાલે એકાએક દેખા દેશે જશોદાને ને અર્જુનને દેખાયેલો હજાર માથાવાળો દુવારકાનો નાથ. અથવા સાહેબ આ શ્રદ્ધાનો વિષય છે, તર્કનો નહીં– દરેકના ‘ઘટ’માં જુદા જુદા રૂપે વસે છે સૌસૌનો સર્જનહાર. પછી તો ભગવાન જાણે. જય ભગત નરસિંહ!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી