Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-3
 • સમગ્ર
 • સ્વ-અર્થ
 • પરિવાર-સાર
 • મેનેજમેન્ટ-મર્મ

મનમાં મમળાવો.....

 • હું નાનો કે નબળો નથી
 • હું એકલો નથી, ઇશ્વર મારી અંદર, સતત મારી સાથે જ છે
 • હું અનંત શક્તિથી ભરપૂર છું, ધારું તે કરી શકું છું
 • દુ:ખથી ના ડરું, સુખથી છલકું ના!
 • માતાપિતા પરમાત્માનો સાક્ષાત્ અવતારઇશ્વરની સાબિતીની શી ગરજ
 • પતિ-પત્નિ કે ભાઇ-બહેનનો અનાયાસ પ્રેમ પરમાત્માનો કૃપાપ્રસાદ છે
 • હું સ્વજનોના નિ:સ્વાર્થ પ્રેમનો પડઘો પાડવામાં ઉણો તો નથી ઉતરતો ને?
 • આત્મીય જનને છેતરવું એટલે તો ભગવાનને દગો દેવો, તેવું ક્યારેય નહીં કરું
 • ઇશ્વરની દરેક રચના સુંદર અને પોતાની રીતે પરિપૂર્ણ છે
 • મારી સુખાકારીમાં કેટલા બધા જાણ્યા અજાણ્યા લોકોનો સહયોગ છે!
 • જે લોકો મારા જીવનને સુખી અને આનંદપૂર્ણ બનાવે છે, તેમના માટે હું શું કરી શકું?
 • ત્રણ મંત્ર: વેર નહીં પ્રેમ, શોષણ નહીં સેવા અને વિવાદ નહીં સંવાદ દ્વારા મારા પર્યાવરણમાં બને તેટલી સુખ-શાંતિ લાવું

ઇશ્વર છે? એક છે કે અનેક? તેને કઇ રીતે પામી શકાય?

 • પ્રકાશન તારીખ16 Jul 2018
 •  

માણસે જ્યારથી આધ્યાત્મિક વિચારણા શરુ કરી હશે, ત્યારથી તેને આવા કંઇક પ્રશ્નો ઉઠ્યા હશે. તમને પણ આ પ્રકારની જિજ્ઞાસા થઇ છે, ખરું ને મિત્ર? તો આજે ગીતાના પ્રકાશમાં આ સવાલોના ઉત્તરો ખોળીશું.

આઠમા અધ્યાયની શરુઆતમાં અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે, બ્રહ્મ શું? અધ્યાત્મ શું? કર્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ શું? યોગેશ્વરે વાળેલા ઉત્તરોનો ભાવાનુવાદ માણીએ.

બ્રહ્મ એટલે પરમ ચૈતન્ય. તેનો એક અંશ એટલે જીવ અથવા આત્મા. જાણે યજ્ઞનો હોમાગ્નિ એટલે પરમાત્મા અને યજ્ઞકુંડમાંથી ઉઠતો તણખો એ જીવાત્મા. તણખા અને હોમાગ્નિમાં મૂળભૂત રીતે કોઇ તફાવત નથી. બન્નેમાં ઊર્જા અને પ્રકાશ છે. એક મોટો અને અખૂટ છે, બીજો ક્ષણિક અને અલ્પ છે! હોમાગ્નિ તણખાઓનો મૂળ સ્રોત છે. જીવાત્મા અંશ છે, પરમાત્મા અંશી છે! રૂના ઢગલા પર પડેલો તણખો ભડકાનું સ્વરૂપ ધારણ કરે, ધરતી પર પડે તો તે ઠરી જાય! એ રીતે જુદા જુદા શરીરો અને સંજોગોમાં આત્મા દૃષ્ટાભાવે પોતાનું કામ કર્યે જાય છે.

બ્રહ્મ એટલે પરમ ચૈતન્ય. તેનો એક અંશ એટલે જીવ અથવા આત્મા. જાણે યજ્ઞનો હોમાગ્નિ એટલે પરમાત્મા અને યજ્ઞકુંડમાંથી ઉઠતો તણખો એ જીવાત્મા.

ગીતાકારે વારંવાર ઘોષણા કરી છે કે ઇશ્વર છે. તે સર્વ જીવોના અંતરાત્મામાં બિરાજે છે. તો પછી આપણને કેમ દેખાતા નથી? તેનું કારણ એ કે આપણી આંખો સ્થૂળ અસ્તિત્વને જોવા ટેવાયેલી છે. એ જ રીતે આપણું મગજ પણ સ્થૂળ પદાર્થો તરફથી વહી આવતા અને આંખ-કાન દ્વારા ઝીલાતા સંકેતોને સમજવામાં સતત વ્યસ્ત રહે છે, તેથી ચેતનાના સૂક્ષ્મ વિશ્વ તરફ ઉપેક્ષા થાય છે.

જેમ જેમ સૂક્ષ્મ તત્ત્વો અને ઊર્જા પ્રત્યે જાગૃતિ કેળવાય એમ દેખીતી જુદાઇ વચાળે સમાનતાની અનુભૂતિ થાય. આ સમાનતા એટલે આત્મ તત્ત્વ. આત્મ તત્ત્વ વિનાનો કોઇ પદાર્થ નથી. બધામાં તેની હાજરી છે. જો કે તેને અનુભવવા અંતરની આંખો ખોલવી પડે. મનને પ્રેમ અને કરુણાના સુધારસમાં ઝબોળવું પડે. ગીતાકાર કહે છે, “જે મને બધે જોવાનો પ્રયાસ કરે છે, તેનાથી હું અદૃશ્ય રહી શકતો નથી અને તે પણ મારાથી અજાણ્યો રહેતો નથી!” આવા ભક્તને આખુંયે જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે પરમાત્મામાં ઓતપ્રોત લાગે! (ગીતા ૭/૭). કવિ નરસૈંયો કહે, “જાગીને જોઉં તો.. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!” “જાગવું” એટલે રાગ અને દ્વેષના તમસથી મુક્ત થવું, મારું-તારું જેવા ભેદથી અળગા રહેવું.

યુવા મિત્ર? તમારે ઇશ્વરને જોવા અને અનુભવવા છે? સૌથી પહેલાં તમારી જાતને પ્રેમ કરો. તમારી અંદર છૂપાયેલ પ્રચંડ શક્તિને આત્મસાત્ કરો. તમે જ્યારે કોઇ સારી વાત જુઓ કે સાંભળો છો, ત્યારે તમારું ચિત્ત પ્રસન્નતાથી છલકાઇ ઉઠે છે. જ્યારે તમે કોઇ દુ:ખભરી ક્ષણમાંથી પસાર થાઓ છો, તો આંખો છલકાઇ ઉઠે છે? આવું રોબૉટ સાથે બની શકે? નહીં ને? તમારા અંતરમાં પ્રેમ, કરુણા અને દિવ્ય ચેતનાનો સમંદર ઘૂઘવે છે. એટલે તમે લાગણી અનુભવો છો. આવી લાગણીઓને ભરપૂર અનુભવો. જ્યારે તમારું હૃદય પ્રેમ કે કરુણાથી ઉભરાય ત્યારે સમજવું કે ઇશ્વર ક્યાંક તમારી આસપાસ છે!

તમારે ઇશ્વરને જોવા અને અનુભવવા છે? સૌથી પહેલાં તમારી જાતને પ્રેમ કરો.

તમારી આસપાસ રહેલા સજીવ અને નિર્જીવ સૃષ્ટિનો તમારી સાથેનો સંબંધ પીછાણો. શરુઆત માતા-પિતાથી કરીએ. માંના પ્રેમ અને હૂંફ વગર તો જીવન શક્ય જ નથી! તમારા ગુરુજી, ભાઇ-બહેન, પત્ની, પતિ અને મિત્રોની લાગણીઓની ભીનાશ વિના તમારું જીવન કેવું કોરુંધાકોર લાગે! તેમાંયે ઘણા સાથીઓ તો કોઇ સ્વાર્થ વિના તમારા સુખ-દુ:ખમાં તમારી પડખે ઊભા રહે છે. વિચાર કરો તમે આવા કેટલા સાથી-સંગાથીઓના ઋણી છો!

અંગત પરિજનોનો પ્રેમ તો સહજ રીતે સમજી શકાય. તમે જ્યારે સૂક્ષ્મ રીતે જોશો તો જણાશે કે જગતનો દરેક જડ-ચેતન પદાર્થ કોઇ ને કોઇ રીતે તમારી સાથે જોડાયેલો છે. ધરતી, જળ, વાયુ, આકાશ, સૂર્ય-ચંદ્ર અને વૃક્ષ જેવા દેવતાઓ તો ઠીક પણ અળસિયાં, પતંગિયાં, કીડી-મંકોડા જેવા નાનાનાના જીવો પણ તમારી સુખાકારીમાં સહયોગ કરે છે. નિસર્ગના આ દિવ્ય સંબંધને અનુભવો. મૂળથી છેક ટોચ સુધી અનુભવો. તમારી સંવેદના જાગશે. ચેતનાનાં સૂક્ષ્મતર સ્તરો સુધી યાત્રા કરતા રહો. આ યાત્રા તમારી પોતાની અને આગવી છે. તેનાથી મળતો આનંદ પણ અનંત છે. ઇશ્વર પણ અનંત છે. નેતિ નેતિ!

ઇશ્વરનું એક જ સ્વરુપ છે, પ્રેમ. તેને પામવાનો રસ્તો પણ એક જ છે અને તે છે, પ્રેમ!

holisticwisdom21c@gmail.com ​

સ્વ-અર્થ

મનમાં મમળાવો.....

 • હું નાનો કે નબળો નથી
 • હું એકલો નથી, ઇશ્વર મારી અંદર, સતત મારી સાથે જ છે
 • હું અનંત શક્તિથી ભરપૂર છું, ધારું તે કરી શકું છું
 • દુ:ખથી ના ડરું, સુખથી છલકું ના!
પરિવાર-સાર
 • માતાપિતા પરમાત્માનો સાક્ષાત્ અવતારઇશ્વરની સાબિતીની શી ગરજ
 • પતિ-પત્નિ કે ભાઇ-બહેનનો અનાયાસ પ્રેમ પરમાત્માનો કૃપાપ્રસાદ છે
 • હું સ્વજનોના નિ:સ્વાર્થ પ્રેમનો પડઘો પાડવામાં ઉણો તો નથી ઉતરતો ને?
 • આત્મીય જનને છેતરવું એટલે તો ભગવાનને દગો દેવો, તેવું ક્યારેય નહીં કરું
મેનેજમેન્ટ-મર્મ
 • ઇશ્વરની દરેક રચના સુંદર અને પોતાની રીતે પરિપૂર્ણ છે
 • મારી સુખાકારીમાં કેટલા બધા જાણ્યા અજાણ્યા લોકોનો સહયોગ છે!
 • જે લોકો મારા જીવનને સુખી અને આનંદપૂર્ણ બનાવે છે, તેમના માટે હું શું કરી શકું?
 • ત્રણ મંત્ર: વેર નહીં પ્રેમ, શોષણ નહીં સેવા અને વિવાદ નહીં સંવાદ દ્વારા મારા પર્યાવરણમાં બને તેટલી સુખ-શાંતિ લાવું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP