Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-8
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

કર્મ-પ્રારબ્ધ સિદ્ધાંતનો વૈયક્તિક સંદર્ભ
- પરિશ્રમ પારસમણિ અને પરસેવો તે સોનું!
- તું જ તારા દૈવનો નિર્માતા છો, પ્રારબ્ધની છત્રીનો દંડો એટલે કર્મ
- કર્મ મારો જમણો હાથ અને ડાબો હાથ તે મારું પ્રારબ્ધ
- તમારા દરેક કાર્યનું ધાર્યું ફળ તુરત મળે તે જરૂરી નથી
- નિષ્ફળતા મોટો ગુરુ છે,  તે તમારી ભાવિ સફળતાનો પાથ બતાવનાર ભોમિયો છે!

કર્મ-પ્રારબ્ધ સિદ્ધાંતનો પારીવારિક સંદર્ભ
- હું નિરપેક્ષભાવે મારો સેવાધર્મ બજાવું, પરિજન પોતાનો બજાવશે! 
- મારી આજે કદાચ કોઇ કદર કરે કે ન કરે, કાલે તો થશે, એ નિશ્ચિત છે! 
- તમારાં આચરણથી બાળકોને કર્તવ્યનો બોધ આપો, ભાગ્યનાં રોદણાં ન રડો! 
- પરિવાર એ તો રૉલ પ્લે છે, કોઇએ પાર્થનો રૉલ કરવાનો છે તો કોઇએ કૃષ્ણનો! 
- ઘરને પ્રેમ, કરુણા અને નિ:સ્વાર્થ સેવાનું પાવન મંદિર બનાવો, સુખની સૌરભ આપમેળે પ્રગટશે! 

કર્મ-પ્રારબ્ધ સિદ્ધાંતનો વ્યવહારુ સંદર્ભ
- કરોળિયાને સંસ્થાનો આદર્શ બનાવો! 
- સતત, નિરંતર અને ખંતભર્યો પરિશ્રમ! 
- તમારી ટીમના સભ્યોમાં દુર્ભાગ્યને દોષ આપવાની પલાયનવૃત્તિ છોડતાં કેળવો!  
- દોષના ટોપલાની ફેંકાફેંકીને બદલે નિષ્ફળતાના કારણોની ઑબ્જેક્ટિવ ચર્ચા કરો  
- સેલ્ફ હેલ્પ એન્ડ મ્યુચ્યુઅલ હેલ્પના સિદ્ધાંતને વર્ક કલ્ચરમાં મજબૂતીથી વણો 

કર્મ ચઢિયાતું કે ભાગ્ય?

  • પ્રકાશન તારીખ21 Jul 2018
  •  

દરેક માણસને મુંઝવતો આ સવાલ આજે ફરી હાથમાં લીધો છે. ગીતાના જ્ઞાનની એરણે કર્મ અને પ્રારબ્ધને ચકાસી રહ્યા છીએ. એક લઘુકથા માણીએ.

એક કિશોર જ્યોતિષી પાસે જઇ ચઢે છે. કહે છે “મારે ભણવું છે. જોઇ આપો મારા ભાગ્યમાં વિદ્યા છે?” જોષી હસ્તરેખા નિરખીને બોલ્યા, “તું ભણી નહીં શકે”. પેલા બાળકે પૂછ્યું “એવું તમે શા પરથી કહો છો?” વિદ્વાને તેના હાથની વિદ્યાની રેખા બતાવી. એ ખૂબ ટૂંકી હતી. કિશોર દોડીને ઘરે ગયો. બે ઘડી પછી દોડીને પાછો આવ્યો. જમણા હાથની હથેળીમાંથી લોહીની ધાર વહી રહી હતી. તેણે પેલી રેખાને ચપ્પુ વડે ખૂબ ઊંડી અને લાંબી કરી મૂકી હતી! તેણે મહારાજને પૂછ્યું કે હવે હું ભણી શકીશને? કહે છે કે એ બાળક ભણી ગણીને ખૂબ મોટો માણસ બન્યો! વાત કાલ્પનિક હોય તો પણ કેવી રોમાંચક છે!

ગીતાનો કર્મયોગ સ્પષ્ટ છે. તું જ તારો તારણહાર છે. તું જ તારો મિત્ર છે અને (જો પોતાની જાતનો મિત્ર ન બની શકે તો) તું જ તારો શત્રુ પણ છે!

ગીતાનો કર્મયોગ સ્પષ્ટ છે. તું જ તારો તારણહાર છે. તું જ તારો મિત્ર છે અને (જો પોતાની જાતનો મિત્ર ન બની શકે તો) તું જ તારો શત્રુ પણ છે!
ગીતામાં સફળતાનાં પાંચ કારણો ગણાવ્યાં છે. “અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધં, વિવિધા ચ પૃથક્ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમમ્! (18/14). પાંચ પરિબળો છે, અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ. વાત વિગતે સમજીએ.

પહેલું પરિબળ તે અધિષ્ઠાન અથવા પૃષ્ઠભૂમિ કે આધાર. વ્યવહારુ ભાષામાં તેને સ્થળ-કાળ અને સંજોગો કહી શકાય. સફળતાનો આ પહેલો આધાર. જેમાં જૈવ-ભૌગોલિક પર્યાવરણથી લઇને સંસ્થાના વર્ક કલ્ચરનો સમાવેશ થાય છે. સકારાત્મક ભૂમિકા સવાયું ફળ આપે.
બીજું પરિબળ છે, કર્તા પોતે. વ્યક્તિની પોતાની માનસિક અને ભાવનાત્મક ભૂમિકા પણ ખૂબ અગત્યની છે. માણસનો સ્વભાવ, ચારિત્ર્ય અને અભિગમ દ્વારા તેનું સૂક્ષ્મ પર્યાવરણ બને છે. સાથીઓનો પ્રતિભાવ પણ તેનાથી પ્રભાવિત થાય છે.

ત્રીજું પરિબળ છે, કરણ. કાન-આંખ જેવી જ્ઞાનેન્દ્રિયો અને હાથપગ વગેરે કર્મેન્દ્રિયોને કરણો કહે છે. એક જ દૃશ્ય અનેક આંખો જુએ છે. એક જ જાતના સંકેતો તમામ જગ્યાએ ઝીલાય છે. જો કે આ દરેકની અનુભૂતિ અલગ અલગ છે. એ જ રીતે એક જ શબ્દ અનેક કાન સાંભળે છે પણ સહુ જુદો જુદો મર્મ પકડે છે. તમે તમારી ઇંદ્રિયોનો કેવો અને કેટલો ઉપયોગ કરો છો, તે તમારા જ હાથમાં છે!

ચોથું પરિબળ છે, ચેષ્ટા અથવા ક્રિયા. ઉદાહરણથી સમજીએ. તમને ભૂખ લાગી છે. તમારી સામે ભોજન મૂક્યું છે. જ્યાં સુધી તમે થાળીમાંથી અન્ન હાથમાં લઇ કોળિયો મોંમાં નહીં મૂકો ત્યાં સુધી તમારી ભૂખ નહીં સંતોષાય, ખરું ને? આ ઉદાહરણ ભલે વધુ પડતું સરળ લાગે પણ બે વાર વાંચવા જેવું છે! જગતમાં બધા પ્રકારનું ઐશ્વર્ય ચારેકોર વેરાયેલું છે. તમે કાર્યશીલ ન થાઓ તો તમારા ભોગ!

પાંચમું પરિબળ દૈવ છે. દૈવ શબ્દના ઘણા અર્થ છે. જેમાંનો એક અર્થ ભાગ્ય અથવા પ્રારબ્ધ પણ કરાય છે. ધારો કે દૈવને ઘડીભર ભાગ્ય માની લઇએ તો પણ પેલાં ચાર પરિબળો તો આપણા જ હાથમાં છે! જાતને પૂછીએ કે તે ચારનો કેવો ઉપયોગ કરીએ છીએ? આમ પણ પ્રારબ્ધને ક્યાં કોઇ જાણી શક્યું છે? તો જેને તમે જાણતા કે સમજતા નથી તેવા કાલ્પનિક ભયના ઓથાર હેઠળ હાથમાંના સત્યને અણદેખું કરવું તેમાં શી બુદ્ધિમતા છે?

દૈવ શબ્દના ઘણા અર્થ છે. જેમાંનો એક અર્થ ભાગ્ય અથવા પ્રારબ્ધ પણ કરાય છે.

જો કે આપણને દૈવ શબ્દના ચીલાચાલુ અર્થનો બહુ ઝાઝો ખપ નથી. ‘દ્યૌ’ પરથી દેવ, દૈવ કે દૈવત જેવા શબ્દો ઉતરી આવ્યા છે. અંતરિક્ષમાં આવેલો પ્રકાશિત લોક તે દેવલોક અથવા દ્યુલોક. આપણું શરીર બ્રહ્માંડનો નમૂનો છે. આપણા અંતરમાં પણ ચેતનાનો દીવો ટમટમે છે. તે આપણો પોતીકો દેવલોક છે! અંતરના દૈવતને અનુભવીએ. પ્રેમ, કરુણા અને નિ:સ્વાર્થ સેવા જેવી વૃત્તિ દ્વારા આતમદીપની વાટને સંકોરીએ. તેના પ્રકાશમાં સત્ય અને અસત્યને અલગ તારવીએ. ધ્યાન અને જ્ઞાન નામની ગંગાયમુનાનો આ સંગમ છે. જો તમે ત્યાંની યાત્રા કરી શકો તો પાંચમું પરિબળ ‘દૈવ’ પણ જાગતું થાય! આગળના ચાર પરિબળો પણ આ દૈવતની ઊર્જાથી એવી દોટ મૂકશે કે ગમે તેવું કપરું લક્ષ્ય હાથવેંતમાં આવી જશે!

શ્રીકૃષ્ણ મને અને તમને કહે છે, “અરે પાર્થ! લડતાં પહેલાં હથિયાર હેઠાં ન મૂક, હું તારી પડખે ઉભો છું, તું આત્મવિશ્વાસથી લડ, તારો વિજય નિશ્ચિત છે!”
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

કર્મ-પ્રારબ્ધ સિદ્ધાંતનો વૈયક્તિક સંદર્ભ
- પરિશ્રમ પારસમણિ અને પરસેવો તે સોનું!
- તું જ તારા દૈવનો નિર્માતા છો, પ્રારબ્ધની છત્રીનો દંડો એટલે કર્મ
- કર્મ મારો જમણો હાથ અને ડાબો હાથ તે મારું પ્રારબ્ધ
- તમારા દરેક કાર્યનું ધાર્યું ફળ તુરત મળે તે જરૂરી નથી
- નિષ્ફળતા મોટો ગુરુ છે,  તે તમારી ભાવિ સફળતાનો પાથ બતાવનાર ભોમિયો છે!

પરિવાર-સાર

કર્મ-પ્રારબ્ધ સિદ્ધાંતનો પારીવારિક સંદર્ભ
- હું નિરપેક્ષભાવે મારો સેવાધર્મ બજાવું, પરિજન પોતાનો બજાવશે! 
- મારી આજે કદાચ કોઇ કદર કરે કે ન કરે, કાલે તો થશે, એ નિશ્ચિત છે! 
- તમારાં આચરણથી બાળકોને કર્તવ્યનો બોધ આપો, ભાગ્યનાં રોદણાં ન રડો! 
- પરિવાર એ તો રૉલ પ્લે છે, કોઇએ પાર્થનો રૉલ કરવાનો છે તો કોઇએ કૃષ્ણનો! 
- ઘરને પ્રેમ, કરુણા અને નિ:સ્વાર્થ સેવાનું પાવન મંદિર બનાવો, સુખની સૌરભ આપમેળે પ્રગટશે! 

મેનેજમેન્ટ-મર્મ

કર્મ-પ્રારબ્ધ સિદ્ધાંતનો વ્યવહારુ સંદર્ભ
- કરોળિયાને સંસ્થાનો આદર્શ બનાવો! 
- સતત, નિરંતર અને ખંતભર્યો પરિશ્રમ! 
- તમારી ટીમના સભ્યોમાં દુર્ભાગ્યને દોષ આપવાની પલાયનવૃત્તિ છોડતાં કેળવો!  
- દોષના ટોપલાની ફેંકાફેંકીને બદલે નિષ્ફળતાના કારણોની ઑબ્જેક્ટિવ ચર્ચા કરો  
- સેલ્ફ હેલ્પ એન્ડ મ્યુચ્યુઅલ હેલ્પના સિદ્ધાંતને વર્ક કલ્ચરમાં મજબૂતીથી વણો 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP