Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-4
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ
નિડરતા: આત્મવિશ્વાસની ગંગોત્રી
આત્માની અમરતાનો વ્યક્તિગત જીવનબોધ
હું અજર-અમર આત્મા છું, હું નાશ પામનારું પામર શરીર નથી! 
જે જન્મે છે, તેનું મૃત્યુ અને જે મરે છે, તેનો પુનર્જન્મ અનિવાર્ય છે  
અસત્ય અને અન્યાયને સહન કરીને જીવવું તે કાયરતા છે
સત્ય અને ન્યાય ખાતર લડવામાં જીવન ખપાવવું શૂરવીરતા છે 
આત્માની અમરતાનો પારિવારિક જીવનબોધ
એકલા જાતની પરવા કરવાને બદલે પરિજનોની બનતી સેવા કરીએ 
પરિજનના મૃત્યુ બદલ શોક ન કરીએ પણ તેમના અધૂરાં કામ પૂરાં કરીએ 
પારિવારિક સંબંધોમાં અતિશય મોહ છોડીએ પણ ઋણાનુબંધ જરુર અનુભવીએ 
મૃતક પાછળ બિનજરુરી ખર્ચ કે અંધશ્રદ્ધાયુક્ત કર્મકાંડ ટાળીએ
વારસાઇ મિલ્કતો કે પરંપરાઓના ક્લેશયુક્ત વિવાદો ટાળીએ   
આત્માની અમરતાનો વ્યવહારુ જીવનબોધ
માનવજીવન અણમોલ અવસર છે, તેને રચનાત્મક સાર્થકતાના યજ્ઞ તરિકે ઉજવીએ
મોતના ડરથી અન્યાયમાં ક્યારેય ભાગીદાર ન થઇએ, ન ચલાવી લઇએ 
ઘેટાની સો વર્ષ જીવનારો માત્ર સો વરસ જીવે છે, સિંહની જેમ લડી શહીદ થનારો ઇતિહાસમાં અમર થાય છે     
આત્માને ન કોઇ જાતિ છે ન વર્ણભેદ! તેથી એવા સામાજિક ભેદભાવો નિરર્થક છે
દરેક આત્મા પરમાત્માનો અંશ છે, તો પછી શું મારું કે શું તારું કે શું નાનું-મોટું? 

તું અજર, અમર અને અવિનાશી છે!

  • પ્રકાશન તારીખ17 Jul 2018
  •  

જીવન શું છે? મૃત્યુ શું છે? મૃત્યુ પછી કોઇ જીવન છે? માણસના મનને ઝંઝોળતા આ કાયમી પ્રશ્નો રહ્યા છે. ગીતાકારે આ પ્રશ્નોનો સચોટ અને તર્કબદ્ધ પ્રત્યુત્તર આપ્યો છે. તેના માટે યુદ્ધના મેદાન જેવું બેકગ્રાઉન્ડ પણ બીજું ક્યું મળે?


જીવન રુપી શાશ્વત અને અનંત મણિમેખલાના મણિઓને જોડતી કડી એટલે મૃત્યુ. આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં યાત્રા કરતો રહે છે. શરીર નાશવંત અને પરિવર્તનશીલ છે. આત્મા તો અક્ષર છે. જેને અગ્નિ બાળી શકતો નથી કે પાણી પલાળી શકતું નથી કે પવન સૂકવી શકતો નથી! આત્મા શાશ્વત છે, શરીર નાશવંત છે. આત્મા સત્ છે, શરીર અસત્ છે. “નાસતો વિદ્યતે ભાવો” એટલે કે સત્ નો અભાવ ન હોઇ શકે અને અસત્ ના અસ્તિત્વનો સવાલ જ ઊભો નથી થતો..

શરીર નાશવંત અને પરિવર્તનશીલ છે. આત્મા તો અક્ષર છે. જેને અગ્નિ બાળી શકતો નથી કે પાણી પલાળી શકતું નથી કે પવન સૂકવી શકતો નથી! આત્મા શાશ્વત છે, શરીર નાશવંત છે.

આ વાતને સરળ ઉદાહરણથી સમજવા પ્રયાસ કરીએ. તમે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનમાં બેસો છો. તમારે મુંબઇ જવું છે. અમદાવાદથી ટ્રેન ઉપડે એટલે રસ્તામાં અનેક સ્ટેશનો આવે, કોઇક મોટા જંક્શનો તો કોઇ નાનાં નાનાં ફ્લેગ સ્ટેશનો! મોટું જંક્શન હોય તો તમે પ્લેટફૉર્મ પર ચક્કર લગાવો, ચા પાણી કરો અને ટ્રેન ચાલુ થાય તે પહેલાં ફરી ચઢી જાઓ છો. આમ ગાડી આગળ વધતી રહે છે. રસ્તે આવતા કોઇ સ્ટેશન પર કાયમી અડીંગો જમાવી દેવાનું સંભવ ખરું? કોઇને થશે કે જીવન અને મરણની ચર્ચામાં વળી રેલયાત્રાના ઉદાહરણનો શો સંબંધ? જીવ અથવા આત્મા પ્રવાસી છે. ટ્રેન જીવનયાત્રા છે. જન્મ અને મૃત્યુ એ પેલા રસ્તે આવતાં સ્ટેશનો છે. જેની વચ્ચે ગાડી દોડતી રહે છે. પ્રવાસીએ બારીમાંથી સ્ટેશન પરનાં પ્લેટફૉર્મની ગતિવિધિને સાક્ષીભાવે જોવાની છે. જન્મ અને મૃત્યુ પેલાં સ્ટેશન જેટલાં જ આવ-જા કરનારાં છે. ગીતાકાર કહે છે, “જેમ તમે જુનાં કપડાં ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરો છો, તેટલી સહજ જન્મ-મૃત્યુની આ ઘટમાળ છે!”


યાદ રહે, ગીતા યુદ્ધના મેદાનમાં કહેવાઇ છે. એટલે યોગેશ્વરે સૌ પહેલાં પાર્થના મનમાંથી મૃત્યુનો ભય કાઢવો વાજબી ગણ્યું હશે. પરંતુ આ વાત દરેક કાળા માથાના માનવીને લાગુ પડે છે. તમે કલ્પના કરો કે કોઇ યુવા મૃત્યુના ભયને લાંઘી જવા સક્ષમ બને તો? તેનું જિગર કેવા પ્રચંડ આત્મવિશ્વાસથી છલકાઇ ઊઠે! યોગાનુયોગ તો જુઓ! આ લેખ ટાઇપ કરી રહ્યો છું તે દિવસ ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરજીનો જન્મદિન છે. મૃત્યુના ભયને મનમાંથી ખંખેર્યા વગર ભગતસિંહ કે મંગલ પાંડે જેવા ક્રાંતિકારીઓ કે અંગ્રેજોની ગોળીઓ સામી છાતીએ ઝીલનારા અહિંસક સ્વાતંત્ર્ય સંગ્રામીઓ માભોમ માટે શહીદ થવાની હિંમત ન જ કેળવી શક્યા હોત! જીવનને વસ્ત્ર સમજનારો વીરલો તેને ફાટી કે બળી જવા દેશે પણ પાપ કે કાયરતાથી મેલું તો નહીં જ થવા દે, ખરું ને?

ગીતાકાર કહે છે, “જેમ તમે જુનાં કપડાં ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરો છો, તેટલી સહજ જન્મ-મૃત્યુની આ ઘટમાળ છે!”

આમ તર્ક અને તત્ત્વના સંયોજનથી ભરપૂર મંત્રો દ્વારા ગીતાકારે જીવની અમરતા સિદ્ધ કરી અને મૃત્યુના ભયને તિલાંજલિ આપી છે. આમ જુઓ તો તમે જ્યારે જ્યારે નાસીપાસ થઇને જીવનનો જંગ છોડી દો છો એ તમામ મૃત્યુની જ ક્ષણો છે. અજ્ઞાન, નિરાશા, કાયરતા, વેર-ઝેર ને સ્વાર્થાંધતા જેવા ભાવો મૃત્યુલોકના પ્રવેશદ્વારો છે. તેની સામે આશા, ઉમંગ, ઉત્સાહ, પ્રેમ, કરુણા અને પરોપકાર જેવી ઉદાત્ત વૃત્તિઓ તમારા વ્યક્તિત્વને જીવનરસથી છલકાવી દે છે. જીવનની પ્રત્યેક ક્ષણને પૂરી તત્પરતાથી જીવીએ. “મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા!”
માણસને મોટામાં મોટો ભય કોનો? મૃત્યુનો અલબત્ત. જે મૃત્યુના ભયને જીતે એ જીવનના પરમ સત્યને પામી શકે. આપણા સહુના જીવનમાં પાર્થ જેવી કટોકટીની ઘડીઓ આવતી રહે છે. એવે ટાણે કોઇ હિતેચ્છુ તમારા પડખે આવીને ઉભું રહે અને ખભો થાબડીને કહે “બંધુ! તું મહાન વીર છે. આવી નબળી વાતો તને ન શોભે, એને દિલમાંથી ખંખેરીને ઉઠ, ઉભો થા અને યુદ્ધ કર. વિજય તારો જ છે!” (૨/3). તમારા માટે જીવન-મૃત્યુ કે હાર-જીત ગૌણ બની જાય છે અને તમે યાહોમ કરીને જીવનના જંગમાં ઝંપલાવો છો!


વિષાદથી શાશ્વતી વિજય સુધીની કર્તવ્ય યાત્રાનું નામ ગીતા!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ
નિડરતા: આત્મવિશ્વાસની ગંગોત્રી
આત્માની અમરતાનો વ્યક્તિગત જીવનબોધ
હું અજર-અમર આત્મા છું, હું નાશ પામનારું પામર શરીર નથી! 
જે જન્મે છે, તેનું મૃત્યુ અને જે મરે છે, તેનો પુનર્જન્મ અનિવાર્ય છે  
અસત્ય અને અન્યાયને સહન કરીને જીવવું તે કાયરતા છે
સત્ય અને ન્યાય ખાતર લડવામાં જીવન ખપાવવું શૂરવીરતા છે 
પરિવાર-સાર
આત્માની અમરતાનો પારિવારિક જીવનબોધ
એકલા જાતની પરવા કરવાને બદલે પરિજનોની બનતી સેવા કરીએ 
પરિજનના મૃત્યુ બદલ શોક ન કરીએ પણ તેમના અધૂરાં કામ પૂરાં કરીએ 
પારિવારિક સંબંધોમાં અતિશય મોહ છોડીએ પણ ઋણાનુબંધ જરુર અનુભવીએ 
મૃતક પાછળ બિનજરુરી ખર્ચ કે અંધશ્રદ્ધાયુક્ત કર્મકાંડ ટાળીએ
વારસાઇ મિલ્કતો કે પરંપરાઓના ક્લેશયુક્ત વિવાદો ટાળીએ   
મેનેજમેન્ટ-મર્મ
આત્માની અમરતાનો વ્યવહારુ જીવનબોધ
માનવજીવન અણમોલ અવસર છે, તેને રચનાત્મક સાર્થકતાના યજ્ઞ તરિકે ઉજવીએ
મોતના ડરથી અન્યાયમાં ક્યારેય ભાગીદાર ન થઇએ, ન ચલાવી લઇએ 
ઘેટાની સો વર્ષ જીવનારો માત્ર સો વરસ જીવે છે, સિંહની જેમ લડી શહીદ થનારો ઇતિહાસમાં અમર થાય છે     
આત્માને ન કોઇ જાતિ છે ન વર્ણભેદ! તેથી એવા સામાજિક ભેદભાવો નિરર્થક છે
દરેક આત્મા પરમાત્માનો અંશ છે, તો પછી શું મારું કે શું તારું કે શું નાનું-મોટું? 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP