Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

વિશ્વગીતા વિશ્વમાનવ કેવા હશે?

  • પ્રકાશન તારીખ23 Sep 2018
  •  

આજે કોઇને પૂછીએ કે તું કોણ છે? તો તે કહેશે, કે હું ભારતીય કે અમેરીકન છું. કોઇ કહેશે કે હું હિન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી છું. કોઇ કહેશે કે હું એશીયન કે યુરોપીયન છું. કોઇ કહેશે કે હું બ્રાહ્મણ કે વણિક છું. કોઇ કહેશે કે હું વેપારી કે સરકારી અફસર છું. કોઇ વળી એમ પણ કહેશે કે હું પુરુષ કે સ્ત્રી છું. મર્યાદિત વર્તુળોમાં પોતાની જાતને કેદ કરવાની બીમારીને આપણે રાષ્ટ્રીયતા, ધર્મ-સંપ્રદાય, જાતિ કે વ્યવસાય જેવાં સગવડીયા નામો આપ્યાં છે. ભાગ્યે જ કોઇ કહેશે કે હું માણસ છું.


જગતના સર્વશ્રેષ્ઠ જીવ હોવાના વહેમમાં રાચતો કાળા માથાનો માણસ વિશ્વમાનવ નામની વિભાવનાથી બહુ દૂર છે, ત્યારે બ્રહ્માંડની પરમ ચેતના સાથેના આવિષ્કારની તો વાત જ શી કરવી?

વીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનોની સદી બની રહી. એકવીસમી સદીનો પ્રારંભ માહીતિયુગ તરિકે થયો છે. ટેકનોલોજીના ક્ષેત્રે અવનવા આવિષ્કારોના સમાચાર વિશ્વના ખૂણેખૂણેથી મળી રહ્યા છે, ત્યારે માનવના મોંએ પહોંચેલો સ્વર્ગીય સુખનો પ્યાલો ઢોળાઇ ન જાય તે સારુ શાંતિમય સહ-અસ્તિત્વ અને સત્ત્વશીલ પ્રાગતિક મૂલ્યોને વરેલા વિશ્વમાનવનું નિર્માણ અનિવાર્ય છે.

કેવો હશે એ એકવીસમી સદીનો સુપર હ્યુમન? કેવું હશે તેનું વ્યક્તિત્વ? એ કેવી રીતે બોલશે અને ચાલશે? આવો, ઋષિ દર્શનના અજવાળે વિશ્વ માનવની ખોજ કરીએ.
વિશ્વમાનવ કેવો હશે? ભાષાની મર્યાદાને કારણે અહીંયા પુરુષવાચક સર્વનામ ભલે વપરાય પણ તે માત્ર પુરુષ જ હશે તેવા ભ્રમમાં કોઇ ન રહે. તે સ્ત્રી પણ હોઇ શકે. હવે પછીના વર્ણનમાં વ્યાકરણની દૃષ્ટિએ સાચું લખવા જ્યાં 'કેવો' કે 'આવો' શબ્દ વપરાય ત્યાં સમજવો.

વીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનોની સદી બની રહી. એકવીસમી સદીનો પ્રારંભ માહીતિયુગ તરિકે થયો છે. ટેકનોલોજીના ક્ષેત્રે અવનવા આવિષ્કારોના સમાચાર વિશ્વના ખૂણેખૂણેથી મળી રહ્યા છે, ત્યારે માનવના મોંએ પહોંચેલો સ્વર્ગીય સુખનો પ્યાલો ઢોળાઇ ન જાય તે સારુ શાંતિમય સહ-અસ્તિત્વ અને સત્ત્વશીલ પ્રાગતિક મૂલ્યોને વરેલા વિશ્વમાનવનું નિર્માણ અનિવાર્ય છે.

આવો વિશ્વમાનવ ક્યાં છે? આનો સુંદર ઉત્તર ગીતાકાર (૧૫/૧૫) આપે છે, "સર્વસ્ય ચાહં હૃદિસન્નિવિષ્ટ:"! જીવમાત્રના અંતરમાં જ્ઞાન-વિજ્ઞાનના અનર્ગળ પ્રકાશ સાથે પરમ ચેતના બિરાજમાન છે, ત્યારે પ્રશ્ન એ થવો જોઇએ કે વિશ્વમાનવ કોણ નથી! દરેક માનવ વિશ્વમાનવ છે. જેવો તે અજ્ઞાન અને નિર્બળતાના ભ્રમનો પરદો ચીરે કે તુરત તેને પોતાનું મૂળ સ્વરૂપ સમજાય.

"હું જ વિશ્વ છું"
એવું જેણે અનુભવ્યું એ વિશ્વ માનવ!
વિશ્વ માનવ એ કોઇ નવી પ્રજાતિ નથી પણ સમગ્ર માનવ સભ્યતાને આવરી લેતી સંસ્કારિતા છે. તે રંગ-રુપ કે જાતિ-ધર્મ નિરપેક્ષ વિભાવના છે. જે વિશ્વ આખાને પોતાનામાં સમાયેલું જુએ અને વિશ્વના તમામ જડ-ચેતન સૃષ્ટિ સાથે એકાત્મ અનુભવે એ વિશ્વમાનવ.
વિશ્વમાનવનું વ્યક્તિત્વ કેવું હશે?
તેનું મન ભેદભાવ રહિત હશે.


તેનું અંત:કરણ શોષણ અને સ્વાર્થથી મુક્ત હશે.
તે તનથી સ્વસ્થ, વૃત્તિથી સંયમિત અને વિચારે પક્વ હશે.
એ સત્ય-અહિંસા તેમજ પ્રેમ-કરુણાના શાશ્વત મૂલ્યોને વરેલ હશે.
તે એટલું જ લેશે કે જેટલું જરુરી હોય.


તે જ્યાંથી અને જેટલું લેશે ત્યાં બમણું કરી પાછું વાળવાને કૃતસંકલ્પ હશે.
ન તેને કોઇનો ભય હશે કે ન તે પોતે કોઇના ભયનું કારણ બનશે.
તે જગતના નિતાંત ઉત્થાન અને કલ્યાણના કાજે સંપૂર્ણ સમર્પણ કરવા થનગનતો હશે.
તે સત્યથી અનુશાસિત હશે.

સમસ્ત સૃષ્ટિના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હશે.
તે સૌંદર્યનો ઉપાસક હશે.
તે વીર હશે પણ ક્રૂર નહીં હોય.
તે કોમળ હશે પણ નિર્બળ નહીં હોય.
તે સમૃદ્ધ હશે પણ અહંકારી નહીં હોય.


બે ચર્મચક્ષુથી જોવા સાથે વિવેકની ત્રીજી આંખ વડે સૂક્ષ્મ નીરિક્ષણ કરતો જશે.
બે કાન વડે બહારનો ધ્વનિ સાંભળવા સાથે તે અંતરના અવાજને બરાબર સાંભળશે.
નાકથી પદાર્થોની ગંધ લેવા સાથે આંતરિક ઘ્રાણશક્તિ વડે સત્કાર્યોની સુવાસ માણતો રહેશે.
તે ભીતરની ચેતનાને ઢંઢોળવા સાથે સર્વત્ર વિલસી રહેલ પરમ ચેતન તત્ત્વ સાથે સંબંધ જોડવા ઉત્સુક હશે.

શું આ માત્ર આદર્શ કલ્પના છે? ચિત્રકાર કે કવિની કલ્પનાને પણ વસ્તુ કે ભાવનાનો આધાર હોય છે. તે રીતે વ્યક્તિત્વ નિર્માણ પાછળ દર્શનનો આધાર છે.
જેણે વિશ્વ માનવ્ય જોયું એણે માણ્યું, જેણે વિશ્વ માનવ્ય માણ્યું એણે સ્વિકાર્યું અને જેણે વિશ્વ માનવ્ય સ્વિકાર્યું એ સદ્ય થયો વિશ્વ માનવ! હું, તમે આપણે સહુ વિશ્વ માનવની અસ્મિતા યાત્રાના સહપ્રવાસી છીએ.


આવો, સાથે મળીને એક એવા વિશ્વનું નિર્માણ કરીએ કે જ્યાં વિશ્વનો કણેકણ અને જનજન આનંદ અને ઉત્કર્ષના શાશ્વતી સુખના સાગરમાં સહભાગી હોય.

(ચોત્રીસ વરસ પહેલાં એમ.એસ.યુનિવર્સિટિની હૉસ્ટેલમાં વેકેશન દરમ્યાન Zero એકાંત વચ્ચે શ્રી અરવિંદના અતિમનસ દર્શનની આકંઠ મોજ માણી હતી! વરસો પછી એ જ વાત હૈયેથી હોઠે સરી આવી! “અસ્મિતા દર્પણ: ગીતા”નું સમાપન તેમના જ મહાનિબંધ "લાઇફ ડીવાઇન"ના અંતિમ પેરેગ્રાફના મુક્ત ભાવાનુવાદ સાથે કરું છું! જય માનવ!)

પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણ મુદચ્યતે!
ભૌતિક અને ભાવનાત્મક ઉદ્વિકાસ દ્વારા પૂર્ણતા સાધીએ.
માનવ સભ્યતાના ભાવિના ગર્ભમાં ગોપિત પૂર્ણતા વહેલી મોડી અવશ્ય આવી મળશે.

કેવી હશે એ પૂર્ણતા?

અસ્તિત્વની પૂર્ણતા, ચૈતસિક પૂર્ણતા અને જીવનની પૂર્ણતા!
પદાર્થ અને ચેતન તત્ત્વના મૂળભૂત રહસ્યની ખોજ
માનવને આત્મા, પરમાત્મા અને પરમ સત્ નો સાક્ષાત્કાર કરાવશે.
પૂર્ણતાની આ યાત્રા અસંતોષની આગથી નહીં પણ ભાવનાત્મક સંસ્કરણથી સધાશે.
આત્માને ઓળખવા અને જગને પામવાની યાત્રા સરળ નહીં જ હોય!
અજ્ઞાનજન્ય અધૂરો આનંદ, સ્વાત્માની ઓળખ અને વિશ્વાત્માની અનુભૂતિ માટેની કઠોર તપસ્યા અને થોડું મેળવ્યા સાથે બીજું ગુમાવ્યાનો પ્રારંભિક રંજ!
આ બધાં વિકાસની પા પા પગલી વેળાના શૈશવનાં ગોઠીમણાં છે.
માનવથી મહામાનવ સુધીની ચાર પગલાંની દિવ્ય યાત્રાનાં સોપાનો છે,
જ્ઞાનનો ઉદ્વિકાસ,
સ્વાત્માની ઓળખ,
પરમ ચેતનાના સ્તરોનું આપમેળે ઉકેલાવું
અને વિશ્વના જડ ચેતન દરેક પદાર્થમાં રહેલ દિવ્યતાનો સાક્ષાત્કાર!
[email protected]

સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP