વિશ્વગીતાઃ વિશ્વમાનવ દર્શન

article by ashok sharma

અશોક શર્મા

Sep 22, 2018, 12:05 AM IST

ભારતના બે મહાન વિચારકોએ વિશ્વમાનવના આદર્શ ખોળવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવર રવિ ઠાકુરના “Religion of Man” અને શ્રી અરવિંદના “Life Divine”ના વરસો પહેલાં વાંચેલા અને દાયકાઓ સુધી વાગોળેલા વિચારોને “અસ્મિતા દર્પણ”ના વાચકો પાસે મૂકી રહ્યો છું!

વિશ્વમાનવનાં સાત શાશ્વત મૂલ્યો છે; સ્વાતંત્ર્ય, સદભાવ, સ્વિકાર, સમન્વય, સેવા, સમર્પણ અને સમગ્રતા.

સ્વાતંત્ર્યના મંત્રને અભિવ્યક્તિ કે વેપાર-ધંધા સુધી મર્યાદિત ન રાખતાં મુક્ત આત્મા, મુક્ત વિચાર અને મુક્ત બૌદ્ધિક વ્યાયામ સુધી વિસ્તારીએ. સ્વાતંત્ર્યના અનંત મંત્રને આંબવા હામ ભીડીએ.

સ્વાતંત્ર્ય: સિકંદર ભારતના ઉત્તર પશ્ચિમ સરહદોને ધમરોળી રહ્યો હતો. એ વિસ્તારમાં એક મહાન યોગી હોવાની જાણ થતાં તેને મળવાની ઇચ્છા થઇ. યોગીને લાવવા સૈનિકોને મોક્લ્યા. નિજાનંદમાં મસ્ત એવા યોગીએ કહ્યું કે મારે સિકંદરનું શું કામ? સૈનિકો પાસેથી વાર્તાલાપ સાંભળી સિકંદરની ઉત્કંઠા વધી. તે જાતે યોગી પાસે આવી પહોંચ્યો. યોગીએ પૂછ્યું કે તું કોણ છે? સિકંદરે વિશ્વવિજેતા હોવાની શેખી મારી. પ્રશાંત મુખમુદ્રા ધરાવતા યોગીએ સહજ મુસ્કાન સાથે કહ્યું કે હું હજી સ્વતંત્ર છું. કારણ કે તું હજુ મને ક્યાં જીતી શક્યો છે? સિકંદરનો નશો ઊતરી ગયો.

આજે સમગ્ર વિશ્વમાં લોકશાહી અને સ્વાતંત્ર્યનાં મૂલ્યો સર્વસ્વિકૃત બની રહ્યાં છે, ત્યારે જીવમાત્રના આ મૌલિક અધિકારનો સ્વિકાર સવાયો ધર્મ બનીને ઊભરી આવે છે. સ્વાતંત્ર્યના મંત્રને અભિવ્યક્તિ કે વેપાર-ધંધા સુધી મર્યાદિત ન રાખતાં મુક્ત આત્મા, મુક્ત વિચાર અને મુક્ત બૌદ્ધિક વ્યાયામ સુધી વિસ્તારીએ. સ્વાતંત્ર્યના અનંત મંત્રને આંબવા હામ ભીડીએ.

સદભાવ: સદભાવનું મૂળ આંતરિક પ્રસન્નતા છે. આંતરિક પ્રસન્નતાનું મૂળ સ્વાતંત્ર્ય છે. આમ સદભાવ અને સ્વાતંત્ર્ય વચ્ચે ગર્ભનાળનો સંબંધ છે.

ધર્મ, જાતિ, પ્રાદેશિક કે આર્થિક સ્તરે માનવ-માનવ વચ્ચેની ખાઇ ઊભી કરતા તમામ વિકારોનું સમાધાન સદભાવ નામના ત્રણ અક્ષરના મંત્રમાં સમાયેલું છે. આ કાર્ય જેટલું મોડું થશે તેટલું અઘરું બનતું જશે, તે યાદ રાખીએ.

સ્વિકાર: માણસને પૂર્ણ સુખી થવા શું જોઇએ? રૂપિયા પૈસા? ભાવતાં ભોજન-જાતીય તૃપ્તિ? બંગલા-ગાડી? સત્તા-પ્રતિષ્ઠા? આ બધાં મળી જાય તો પણ કંઇક બાકી રહી જાય છે. એ છે, સામાજિક સ્વિકારની મનોકામના. માણસ સતત પોતાના પર્યાવરણમાં સંબંધ જોડવાનો પ્રયાસ કરતો રહે છે. માણસ જ્યારે એમ કહે છે કે હું સુખી છું અથવા દુ:ખી છું ત્યારે તે કોઇ બીજી વ્યક્તિના સંદર્ભમાં આવું કહે છે. મૈત્રી તો ઠીક, પણ શત્રુતા પણ અન્યના અસ્તિત્વના સ્વિકાર વિના થઇ નથી શકતી! માનવી સામાજિક હસ્તી છે. આપણે મહાત્મા કે અસ્મિતા કહીને જેને વધાવીએ છીએ તેની પાછળ એક સરળ માપદંડ એ છે કે 'સ્વયમ્'થી 'વયમ્' સુધીની યાત્રામાં વ્યક્તિ કેટલાં ડગલાં ચાલી છે. સ્વિકારના મૂલ્ય વિના 'વયમ્' તરફનો પ્રવાસ આરંભ જ ન થઇ શકે.

આપણે આગળ જોયું કે સદભાવના પાયામાં સ્વાતંત્ર્યની ભાવના છે. એ જ રીતે સ્વિકારનો મંત્ર સ્વાતંત્ર્ય અને સદભાવના જેવા બે ઋતોથી ઘડાયો છે. સ્વિકારમાં 'સ્વ' નો ઇન્કાર નથી પણ 'સ્વ'નું 'પરમ્' સુધીનું વિસ્તરણ છે. આવો, નિસર્ગના ખોળે વિલસતા તમામ જીવોનો સ્વિકાર કરીએ. તે દરેકના યોગ-ક્ષેમ માટે પ્રતિબદ્ધ થઇએ. નિતાંત સુખ અને શાશ્વત શાંતિનો આવિષ્કાર કરીને ધરતી પર સ્વર્ગ ઉતારીએ!

સમન્વય: સમન્વય એટલે એકથી વધુ બાબતોનો ગુણવર્ધક સરવાળો. ગણિતની પરિભાષામાં કહીએ તો બે વત્તા બે બરાબર પાંચ! આધ્યાત્મિક ભાષામાં કહીએ તો દરેક જીવમાં શિવ છે. આમ છતાં જીવ પર પડેલા સંસ્કારોને લીધે જુદી જુદી અવસ્થાઓમાં જીવે છે. આમ દરેક જીવ પૂર્ણતાની યાત્રાનો પ્રવાસી છે. બહારનાં જડ આવરણો ભેદી માંહ્યલાને આવકારીએ તો સમન્વય સધાય. સમન્વય માટે શું જોઇએ?

સમન્વય મંત્રના મંગલાચરણ નમ્રતાથી થાય. જે ભળે તે વધે. જે મળે તે વિસ્તરે. જે વહે તે રહે શુદ્ધ અને જે બંધાઇ રહે તે ગંધાઇ ઊઠે. સમન્વયનું ઉત્તમ ઉદાહરણ શ્રી રામચંદ્રનું જીવન છે. અવતારી પુરુષ હોવા છતાં જીવનની દરેક પળે અદના સહાયકોની સલાહ માગતા. આ અભિગમથી શ્રી રામચંદ્રે પોતાના પર્યાવરણમાં એવી હકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરી કે જેની સામે રાવણનાં દિવ્ય શસ્ત્રાસ્ત્રો બેકાર નીવડ્યાં.

વિશ્વ માનવના મૂલ્યોની શૃંખલામાં ચોથા ક્રમે સમન્વયને મૂકવાનો આશય છે. તેનો પ્રથમ મંત્ર સ્વાતંત્ર્ય છે. સ્વાતંત્ર્યથી આંતરિક પ્રસન્નતા અને પ્રજ્ઞા કેળવાય. તેનું બાહ્ય નિરુપણ સદભાવ સ્વરૂપે સામે આવે. સ્વાતંત્ર્ય અને સદભાવના સમાસથી સ્વિકાર વૃત્તિ નીપજે. બીજાના અસ્તિત્વનો આદરપૂર્વકનો સ્વિકાર કરવાથી સમન્વય થાય. સમન્વયથી ચેતના અને ઊર્જાનો ગુણાકાર થાય!

સેવા: વિશ્વ માનવ્યની શૃંખલાની પાંચમી કડી એટલે સેવા. તે સ્વાતંત્ર્ય, સદભાવ, સ્વિકાર અને સમન્વયના સરવાળા જેવી વ્યવહારુ ફલશ્રુતિ છે. પોતાના માટે જીવે તે પશુ. પરમાર્થ માટે જીવે એ માનવ. પશુતા અને માનવતાનો આ બુનિયાદી તફાવત સેવાના ઋતમાં ચરિતાર્થ થાય છે. વિશ્વ બંધુત્વના મહાન આદર્શને સ્વામી વિવેકાનંદ માત્ર બે શબ્દોમાં વણી લેતાં કહે છે, ‘શિવજ્ઞાનથી જીવસેવા!’ ગીતાજ્ઞાનની ત્રિવેણી જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રણ પ્રવાહો જ્યાં મળે છે, તે તીર્થરાજનું નામ છે, સેવા!

સમર્પણ: સમર્પણ એટલે સારી રીતે અથવા સમજણપૂર્વક આપવું. તેના ત્રણ પાસાં છે; કોને આપવું? શું આપવું? અને કઇ રીતે અપવું? તૈત્તિરીયોપનિષદમાં ઋષિ સમર્પણનું માહાત્મ્ય પ્રકટ કરે છે, "શ્રદ્ધાથી આપવું, અશ્રદ્ધાથી ન આપવું, પોતાની આર્થિક શક્તિ અનુસાર આપવું, કાશ કોઇ જાણી ન જાય તેવી લજ્જાથી અને ઇશ્વરે આપેલી સંપદા વહેંચતી વેળા હું કોઇનો ભાગ રાખી તો નથી લેતો ને? તેવા ભયથી આપવું અને જે આપવું એ સમજણપૂર્વક આપવું." સમર્પણની આ કેવી સુંદર વ્યાખ્યા છે? તમે જે આપો છો, તેને આ ગરણે ગાળી જુઓ!

સમગ્રતા: વિશ્વમાનવનું અંતિમ સત્ય સમગ્રતા છે. આજકાલ બે અંગ્રેજી શબ્દો ઘણા ચલણમાં છે, 'હોલિસ્ટિક' અને 'હોલસમ' અને તેના પરથી બનેલા "હોલિસ્ટિક એજ્યુકેશન', "હોલિસ્ટિક ડેવલપમેન્ટ" અને "હોલસમ હેપીનેસ"

સમર્પણ એટલે સારી રીતે અથવા સમજણપૂર્વક આપવું. તેના ત્રણ પાસાં છે; કોને આપવું? શું આપવું? અને કઇ રીતે અપવું?

વ્યવહારમાં કહીએ તો “જે સુખ મેળવતી વેળા કોઇ બીજાનું સુખ હણાતું ન હોય પણ બીજાના સુખમાં વધારો થતો હોય તે સાચું સુખ અથવા Holistic happiness!

સમગ્રતા એ સ્વાતંત્ર્યથી સમર્પણ સુધીનાં છ તત્ત્વોનો સમાગમ છે. વિશ્વમાનવની સપ્તપદીની શરૂઆત સ્વતંત્રતાથી કરી છે. દરેક જીવ અને દરેક માણસ સ્વતંત્ર છે. સ્વતંત્રતા ગુણ છે, સ્વચ્છંદતા અવગુણ. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમે એ સારુ સદભાવ, સમન્વય અને સમર્પણ સાથે તેનો સંગમ યોજવાનો અભિગમ સેવ્યો છે. સ્વતંત્રતાથી શરૂ કરેલી ચેતનાની વિકાસ યાત્રા સમગ્રતાએ પહોંચીને પૂર્ણ થાય છે.

હવે આપણે વિશ્વ માનવનું કલ્પનાચિત્ર બનાવવાના મહત્ત્વના તબક્કે આવીને ઉભા છીએ. કેવો હશે એ આદર્શ વિશ્વમાનવ? આવતા અંકમાં ગુરુવર ઠાકુર અને શ્રી અરવિંદના સ્વપ્નના વિશ્વમાનવનું માનચિત્ર દોરીશું!
[email protected]

X
article by ashok sharma

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી