Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

વિશ્વગીતા: શાંતિ અને પ્રગતિનો મહામાર્ગ

  • પ્રકાશન તારીખ21 Sep 2018
  •  
આપણે ત્યાં કોઇપણ શુભ કાર્યની શરૂઆત શાંતિમંત્રથી થાય છે. જે કંઇ કરીએ તેના પાયામાં શાંતિની કામના હોય. જો મન શાંત તો તન શાંત. શાંત મન રચનાત્મક વિચારણા કરી શકે. શાંત મન પ્રેમ, કરુણા, સહકાર અને સંવાદ જેવા સારા ભાવો કેળવી શકે. તેનાથી વિપરિત અશાંત મન ખંડનાત્મક પ્રવૃત્તિ અને સંઘર્ષ નિપજાવે.

આધુનિક માનવના વિકાસપથ પર નજર કરીએ તો ક્યાંક મારગ ચૂક્યાનો અહેસાસ થાય છે. આજે માણસને વિકાસની સાથે શાંતિ આપે એવા પ્રાગતિક ધર્મની ખોજ છે. વૈશ્વિક સ્તરે શાંતિને પડકારતાં પરિબળો ક્યાં ક્યાં છે અને તેનું સમાધાન કઇ રીતે મેળવી શકાય, તે આપણા ચિંતનયજ્ઞનો આશય છે.
સુખની સવળી વ્યાખ્યા શીખીએ:
સુખની અવળી વ્યાખ્યા એ અશાંતિનું સૌથી મોટું કારણ છે. સુખ એટલે શું? કોઇને માટે તે રૂપિયો તો કોઇને સત્તા. નિ:સંતાન માટે પુત્રપ્રાપ્તિ હોય તો કોઇ લગ્નવાંચ્છુને માટે 'સુયોગ્ય' જીવનસાથી સુખનો અંતિમ પડાવ ભાસે. ગુજરાતના 'સુજ્ઞ' હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડની ભાષામાં કહીએ તો ખરજવાના દર્દીને તો ખંજવાળવું એ જ પરમ સુખ!
માણસે પોતાની પાસે કેટલું છે ("હેવ્સ")ને સુખનો પર્યાય સમજી લીધો છે. કેટલાક વળી પોતે અન્ય કેટલા લોકો ઉપર સત્તા ભોગવે છે તે વાતને સુખ સમજે છે. આવી ભૌતિક સંપદાની મર્યાદા એ છે કે તે ક્ષણિક સુખને જન્માવે છે. જે ભોગલાલસા પાછળ આપણે આખું આયખું ખરચી કાઢીએ છીએ, તે અંતે સુખને બદલે બમણું દુ:ખ આપે છે. બે યુવાઓના કેસ સ્ટડીના વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમજીએ.
એક યુવા પોતાના જીવનના અઢી દાયકા ખંત અને નિષ્ઠાથી વિદ્યાભ્યાસ કરે. તે રમતગમત, સંગીત, ચિત્રકળા, પર્યટન કે ફોટોગ્રાફી જેવા શોખ દ્વારા સ્વસ્થ મનોરંજન મેળવે પણ વ્યસન અને વિકારોથી દૂર રહે. શરુઆતમાં તેને કઠણ લાગતી શિષ્તબદ્ધ જીવનશૈલી અંતે તેના ગજવાં સુખ-સમૃદ્ધિથી ભરી દેશે. બીજા યુવા ભણવાને બદલે મોજશોખ અને આળસમાં જવાનીનો કીમતી સમય અને નાણાં વેડફી નાખે છે. અંતે તે જીવનભરના પરિતાપ અને સંઘર્ષ સિવાય શું પામશે? તે કુટુમ્બ અને સમાજ માટે માત્ર ભારરુપ જ બની રહે.
એ.સી. ફ્રિઝ, ટી.વી. કે કાર જેવા આરામદાયક ગણાતાં ઉપકરણોનું ફળ શું મળ્યું છે? પ્રદૂષણ, પ્રમાદ અને અનારોગ્યતા!
ન્યાય કરીએ:
અશાંતિનું બીજું મોટું કારણ અન્યાય છે. માનવ સમાજ જ્યારે જ્યારે ન્યાયપૂર્ણ આચરણ ચૂકે ત્યારે સંઘર્ષના હુતાશનમાં ઘી હોમાય છે. ન્યાયના ત્રણ પ્રકાર છે. સત્ય-અહિંસાદિ ઋતોના અનુસરણથી નૈતિક ન્યાય, સમતા અને સહકારથી સામાજિક ન્યાય છે અને સંપદાની વહેંચણી દ્વારા આર્થિક ન્યાય મળે. નૈતિક, સામાજિક અને આર્થિક ન્યાયથી શાંતિ નિપજે.
વિશ્વબંધુત્વના ખ્યાલની સર્વસ્વિકૃતિ વિના વૈશ્વિક સ્તરે સામાજિક અને આર્થિક ન્યાય પ્રાપ્ત કરવો મૃગજળ સમાન છે. રાષ્ટ્રીય સ્વાભિમાન, રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સાંસ્કૃતિક સર્વોચ્ચતા જેવા ખ્યાલો વિશ્વમાનવને સંકુચિત કરે છે. રાજકીય અને આર્થિક મહાસત્તા બનવાનાં સ્વપ્નાં સેવતાં દેશોએ અઢારમીથી વીસમી સદીના મધ્યભાગ સુધી ઉપનિવેશવાદ અને શોષણની માયાજાળ બિછાવી હતી. આજના Buzz word “મુક્ત બજાર”ની વિભાવનાના પાયામાં આર્થિક વિસ્તારવાદ અને માલસામાન માટે બજારો હસ્તગત કરવાની ગાળાકાપ હરિફાઇ છે, ત્યાં સુધી વૈશ્વિક સ્તરે સામાજિક-આર્થિક ન્યાય પ્રાપ્ત કરવો અસંભવ છે. સમાનતા અને સમતાનાં મૂલ્યોની વૈશ્વિક સ્તરે સ્વિકૃતિ થાય તે સારુ માનવતાના હિતચિંતકોએ રાજ્ય-રાષ્ટ્ર કે ધર્મ-સંપ્રદાયના વાડા તોડીને ‘એક થવું’ પડશે અને ‘નેક બનવું’ પડશે.
પરિગ્રહ ટાળીએ:
પરિગ્રહ એટલે બિનજરુરી ભેગું કરવું. મોહનું સંતાન લોભ છે. લોભ પરિગ્રહને જન્મ આપે. પરિગ્રહને લીધે અસંતુલિત વહેંચણી થાય છે. જેને લીધે અસંતોષ અને સંઘર્ષ જન્મે છે. ભર્તુહરિ કહે છે, "ભોગોને આપણે શું ભોગવવાના? ભોગો જ આપણને ભોગવી રહ્યા છે!" ભૌતિક પ્રાપ્તિ કામાગ્નિમાં ઇંધણનું કામ કરે. જેમ જેમ ભોગો વધે તેમ તેમ ભૂખ પણ વધે. દરેક ભોગ એક નવી ભૂખ જન્માવે. મનની ભૂખ ભોગોથી સંતોષાઇ ન શકે.
સતત વધી રહેલ અસંતોષનું એક કારણ ઉપભોક્તાવાદ છે. ટી.વી. અને સોશ્યલ મીડિયા પરનો ચીજવસ્તુઓની જાહેરાતોનો અવિરત પ્રવાહ કોઇ વિનાશક મિસાઇલોના આક્રમણથી કમ નથી. નાનાં બાળકો અને મુગ્ધ યુવા માનસને લક્ષ્ય બનાવીને લોભામણી જાહેરાતો મધ્યમવર્ગના પરિવારોમાં અસંતોષની જામગીરી ચાંપે છે. આવતા દિવસોમાં કોઇ ડાહ્યો માણસ જ્યારે મુક્ત અભિવ્યક્તિના અધિકારનાં દુષ્પરિણામોની યાદી બનાવશે ત્યારે અવિવેકી એડવર્ટાઇઝમેન્ટનો ટોચના ક્રમે સમાવેશ થશે.
એક બાજુ મૉટરકાર, રેસિંગ બાઇક્સ, હૉમ થિયેટર અને સેલફૉન જેવા મોંઘા અને ઊર્જા ખર્ચતાં ઉપકરણો; રાસાયણિક દવાઓ અને ખાતરો તેમજ સાબુ, શેમ્પૂ, ડિઓડરન્ટ્સ જેવા કેમિકલ્સની ભરમાર બજારમાં છલકાતી રહે અને બીજી બાજુ એન્વાયર્નમેન્ટ વિષે સેમિનારો ચાલતા રહે!
તમે માનશો? આ સમસ્યાનું એકમાત્ર સમાધાન બૌદ્ધિક પ્રામાણિકતા Intellectual integrity છે. બૌદ્ધિક પ્રામાણિકતા એટલે જે માનવું તે બોલવું અને તે અનુસરવું!
વૈવિધ્યનો સ્વિકાર કરીએ:
બાળપણમાં સાંભળેલું એક ગીત હજુયે કાનમાં ગુંજે છે, "તું નાનો ને હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો". આવાં મજાનાં બાળગીતો શૈશવના સ્વર્ણિમ યુગમાં ગણગણીએ અને મોટા થઇએ એટલે સગવડતા ખાતર મનોપટલ પરથી ભૂંસી નાખીએ. નાનું બાળક જ્યારે કંઇક નવું જુએ છે ત્યારે વિસ્મિત થાય છે. વિસ્મય Wonder સચ્ચિદાનંદ પરમાત્માનું સ્મિત છે. માણસ મોટો થાય એટલે વિસ્મયનો ગુણ ગુમાવે છે. તે નાનું-મોટું, સારું-ખરાબ કે ગમતું-અણગમતું એવી વ્યાખ્યા કરતો થાય છે. અહિંયાથી આંતરિક સંઘર્ષની શરુઆત થાય છે. જે આગળ ચાલીને વધુ વિકૃત સ્વરૂપે પ્રગટ થાય છે.
સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક વિષમતાને લીધે વિશ્વમાં સંઘર્ષ વધતો ચાલ્યો છે. ક્યારેક તે જાહેર યુદ્ધના સ્વરુપે સર્વનાશનો પ્રલય લઇને આવે છે, તો ક્યારેક ત્રાસવાદ કે નક્સલવાદના નામે છૂટક છમકલાં રૂપે વ્યક્ત થતો રહે છે. આજે જ્યારે અણુશસ્ત્રો જેવાં સર્વનાશક હથિયારો ઉપલબ્ધ છે, ત્યારે વૈશ્વિક સ્તરે "વિવિધતામાં એકતાનું દર્શન" મંત્રનું નિષ્ઠાયુક્ત અનુસરણ એ તરણોપાય છે. જે સમગ્ર વિશ્વને શાંતિમય ઉદ્વિકાસના પથ પર અગ્રસર કરી શકશે.
ત્રણ મહામંત્રો
અધ્યાત્મ, યોગ અને ધર્મ
એટલે શું?
નામ-રૂપનું અનંત વૈવિધ્ય
અને
સમગ્રતા અને તાત્ત્વિક એકતા
એ બે ધ્રુવો વચ્ચેનું અનુસંધાન
એ જ આધ્યાત્મિકતા.
યોગ એટલે શું?
જે જોડે તે યોગ !
જીવનું શિવ સાથેનું અભિન્નત્વ
અને
નિસર્ગનાં કણેકણ સાથેનું તાદાત્મ્ય એ જ યોગ!
ધર્મ એટલે શું?
અધ્યાત્મ અને યોગનો ગુણાકાર!
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP