Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

વિશ્વગીતાઃ આવો, વિશ્વરૂપ દર્શન કરીએ

  • પ્રકાશન તારીખ20 Sep 2018
  •  

ગીતાનો અગિયારમો અધ્યાય વિશ્વરૂપદર્શન યોગ છે. તેમાં ત્રણ ચાવીરૂપ શબ્દો છે; વિશ્વરૂપ, દર્શન અને યોગ. વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનનું પહેલું નામ પણ ‘વિશ્વ’ છે! જે વ્યાપક છે, જે સહુને વ્યાપીને અને સમાવીને વિલસે છે, તે વિશ્વ! વિશ્વ પરમાત્માનું ભૌતિક શરીર છે! વિશ્વના આવા વ્યાપક સ્વરૂપને સમજવું એટલે દર્શન. વળી વિશ્વની સકળતાને સમજવા વ્યક્તિએ ટૂંકી દૃષ્ટિ છોડી ચિંતનની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું પડે, તે યોગ! આમ વિશ્વરૂપ દર્શન એ યોગ છે, સર્વોચ્ચ યોગ!

તમારે વિશ્વરૂપ દર્શન કરવું છે? શ્રીકૃષ્ણ કહે છે કે તેના માટે કોઇ મોટા તપજપ કે સાધનાની આવશ્યકતા નથી. “જે મનથી મને વરે, તે મને મળે!” વિશ્વરૂપ દર્શન એટલે કણેકણમાં વિશ્વરૂપ ચેતનાનું દર્શન!

તમારે વિશ્વરૂપ દર્શન કરવું છે? શ્રીકૃષ્ણ કહે છે કે તેના માટે કોઇ મોટા તપજપ કે સાધનાની આવશ્યકતા નથી. “જે મનથી મને વરે, તે મને મળે!” વિશ્વરૂપ દર્શન એટલે કણેકણમાં વિશ્વરૂપ ચેતનાનું દર્શન! જો કે આનો વ્યવહારુ રસ્તો ખરો? અર્જુનને યુદ્ધની શરૂઆતમાં થયેલો વિષાદ અંતે ગીતાબોધ સુધી લઇ ગયો હતો, તે રીતે વિશ્વરૂપ દર્શન પણ આવી જ સાત પગલાંની યાત્રા છે. કરશો કે?
પગલું એક - વિષાદની અનુભૂતિ
સુખ-દુખ, હાનિ-લાભ, યશ-અપયશ જેવાં જોડકાંઓ માણસને દોડાદોડ કરાવતાં રહે છે. સ્વજનના મરણ કે મોટી અસફળતા અથવા કોઇ મહાન વ્યક્તિના સત્સંગ પ્રસંગે અચાનક અંત:કરણને ધક્કો લાગે, ત્યારે માણસ પોતાનાં કર્મોનો તાળો મેળવવા માંડે છે. આમ વિષાદ વિચારની જન્મભૂમિ છે. જો વિષાદ ટકે તો વિચારને નક્કરતા પ્રાપ્ત થાય પણ જો એ મસાણિયા વૈરાગ જેવો હોય તો ફરી એ જ ઘટમાળ ચાલુ રહે. એ અર્થમાં વિષાદ મહત્ત્વનો પૂર્વોપાય છે.
પગલું બે - વિચાર
રોજિંદા જીવનમાં અનુભવાયેલી વિષાદની ક્ષણોને વિચારયજ્ઞમાં ફેરવવાનું રાખીએ. એક સરળ પ્રયોગ સૂચવું મિત્ર? રોજ રાત્રે સૂતાં પહેલાં આવી વિષાદયુક્ત ક્ષણોને યાદ કરી લો. અઠવાડિયે એક વાર અરધો કલાક કાઢી તેને રોજનીશીમાં ટપકાવી લો. શનિવારની સાંજ વિચારયજ્ઞ માટે ફાળવીએ. જે ઘટના મનને રંજ આપી ગઇ હોય તેના કારણો નિષ્પક્ષતાથી તપાસીએ. જો તેમાં પોતાના પક્ષે દોષ દેખાય તો પ્રાયશ્ચિત કરીએ. ક્ષમા માંગી કે આપીને ન અટકીએ. તેના પુનરાવર્તન ટાળવા કટિબદ્ધ થઇએ.
પગલું ત્રણ - વિવેકની જાગૃતિ
વિષાદને કારણે જડ અભિપ્રાયો અને પૂર્વગ્રહોના થીજેલા પોપડા ઓગળે અને વિચારની ગંગા વહેતી થાય. જેમાં સ્નાન કરીને મન શુદ્ધ થાય. વિવેક એટલે અંતર્જાગૃતિ. સરળ ભાષામાં શું ન કરવું જોઇએ અને શું કરવું જોઇએ તેની સભાનતા એટલે વિવેક.
વિવેકની જાગૃતિ માટેનો સૌથી અસરકારક કીમિયો બતાવું? ગીતામાં કહેલા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો (2/54-72)નો અર્થ સહિત રોજ અભ્યાસ કરો.
પગલું ચાર - કર્તવ્ય બોધ
ગીતાને અનાસક્તિ યોગ કહ્યો છે. કર્મફળની લાલસા અદૃશ્ય થાય અને કામમાં નિષ્કામ સેવાની સુગંધ ભળે તો તે ભક્તિ બને. કોઇ કહેશે કે સંસારી માટે આ શક્ય ખરું? તો તેનો જવાબ સ્વામી વિવેકાનંદના પેલા જાણીતા વાક્યમાં છે, “તમે ફૂટબોલ રમીને ગીતાને સારી રીતે સમજી શકશો!” સાહસ, સહકાર અને સંકલન સિવાય કોઇ પડકાર ઝીલી શકાય ખરો? આમ પુસ્તકોને ગોખવાને બદલે એક મંત્ર જીવનમાં ઉતારવો અગત્યનો છે! જે મંત્રનો મનમાં સ્વિકાર થાય, તેને અનુસરો. ધીરજ અને ખંત નામના રોટીપાણી સાથે રાખજો હોં કે!
પગલું પાંચ - ભૌતિક અને અધ્યાત્મ વિશ્વનો સમન્વય સાધીએ
જે સ્થૂળ આંખે દેખાય છે, તે ભૌતિક. જે સ્થૂળ અસ્તિત્વની અંદર સૂક્ષ્મ ચેતના તરીકે ધબકે છે, તે અધ્યાત્મ! દા.ત. તમારા સાથીઓનાં રંગરૂપ અને જાતભાત એ ભૌતિક પાસાં છે. બધાનાં હૃદયમાં રમતા રામજી અધ્યાત્મ છે! જ્યારે તમે એ ‘રામ’ના દર્શન કરવાની દૃષ્ટિ કેળવો એટલે આપોઆપ તમારું અંતર વિશાળ બને. મિત્રો વધે. શત્રુઓ ઘટે. સફળતા તમારા કદમ ચૂમે. અસફળતાને સહજતાથી પચાવવાની ક્ષમતા કેળવાય! વ્યક્તિત્વમાં પવિત્રતા, સમતા અને સમર્પણની સૌરભ ઉમેરાય અને હિંસા, શોષણ કે સ્વાર્થ જેવી દુર્ગંધ દૂર થાય. તમારો દરેક વિચાર પ્રાર્થના અને દરેક કામ યજ્ઞ બની જાય!
પગલું છ - આધ્યાત્મિક વૃત્તિનો વિસ્તાર કરીએ
કહે છે કે એક સુંદર વિચાર રચનાત્મક કર્તવ્યયાત્રાને સ્ફૂરિત કરે છે. તો બીજી બાજુ, એક નબળો વિચાર અનેક દૂષણોને ખેંચી લાવે છે. શિવ માનસપૂજા સ્તોત્રમાં ભગવાન શંકરાચાર્ય કહે છે, "આત્મા શિવસમાન કલ્યાણમય બને, મન પાર્વતીમાતા સમાન તપોમય બને, એક એક શ્વાસમાં શિવગણ સમાન સેવાવૃત્તિ ધબકે, દરેક કામ પુજા અને આરામની ક્રિયા સમાધિ હોય”. આવું થાય તો જીવન કૈલાસ સમું દિવ્ય ઉપવન બની જાય તેમાં શી નવાઇ! સ્વામી વિવેકાનંદે વેદાંતનો સાર એક વાક્યમાં સમેટતાં કહ્યું હતું, "શિવ જ્ઞાનસે જીવ સેવા"!
પગલું સાત - દિવ્ય ચક્ષુ વડે વિશ્વરુપ દર્શન કરીએ
યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, "તારાં આ ચર્મચક્ષુથી મારું દિવ્ય વિશ્વરુપ જોવું શક્ય નથી, એટલે તને હું દિવ્ય ચક્ષુ આપું છું, જેનાથી તું મારા વિશ્વરુપનું દર્શન કરી શકીશ."
દિવ્ય ચક્ષુ એ રુપકાત્મક વિભાવના છે. આપણાં આંખ-કાન સતત બહારની ભૌતિક દુનિયામાં વ્યસ્ત રહે છે. તેથી આપણને સૂક્ષ્મ વિશ્વ નજર નથી આવતું. નાશવંત પદાર્થોના ભીતર રહેલ અવિનાશી તત્ત્વનું દર્શન એટલે દિવ્ય દર્શન.
અભ્યાસ અને વૈરાગ્ય એમ બે સાધનો દ્વારા દિવ્ય દર્શન થઇ શકે. અભ્યાસ એટલે સભાનતા અને કાળજીપૂર્વક લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવું. જો કે ઇંદ્રિયોને તેના વિષયો પોતાની તરફ આકર્ષિત કરે છે. મનના આ સ્વાભાવિક ખેંચાણને અવરોધવા વૈરાગ્ય બહુ મોટું સાધન છે. ઉદાહરણ તરીકે કોઇ સ્વજનના અવસાન બાદ થોડો સમય તમારા મન પર વિરાગ છવાઇ જાય છે. જો તમે વૈરાગ્યને રચનાત્મક વળાંક આપી શકો તો કમાલ થાય.

દિવ્ય ચક્ષુ એ રુપકાત્મક વિભાવના છે. આપણાં આંખ-કાન સતત બહારની ભૌતિક દુનિયામાં વ્યસ્ત રહે છે. તેથી આપણને સૂક્ષ્મ વિશ્વ નજર નથી આવતું. નાશવંત પદાર્થોના ભીતર રહેલ અવિનાશી તત્ત્વનું દર્શન એટલે દિવ્ય દર્શન.

મારા એક મિત્રની કોડભરી કન્યા અચાનક દિવંગત થઇ. તેને જબરો આઘાત લાગ્યો. જો કે તેણે વિષાદમાં જીવન વેડફવાને બદલે તે જરૂરિયાતમંદ પરિવારની કન્યાઓના ભણતર અને પરિણય માટે કૃતસંકલ્પ થયા. તેમનો શોક હળવો થવા સાથે તેમના જીવનને એક નવી દિશા મળી.
પડોશીની દિકરીમાં પોતાની વહાલસોયી દીકરીનું દર્શન કરવું અને તેના ભલા માટે ઉદ્યમ કરવો એ દિવ્ય દૃષ્ટિ!
સચ્ચિદાનંદ દર્શન!
''દરેક પદાર્થમાં
અખંડ અસ્તિત્વ સ્વરૂપે
વિલસતું પરમાત્મ તત્ત્વ
એ જ સત્.
સત્ રુપ શુદ્ધ અસ્તિત્વના દર્શનને જગાડતી
અખૂટ અને અનંત ઊર્જા
એ જ ચિદ્.
કણેકણમાં વ્યાપ્ત પરમાત્મ દર્શનથી
ઉમડતો સાર્થકતાનો આનંદ.
નિ:સીમ નિર્વિકાર નિજાનંદ
એ જ
સચ્ચિદાનંદ !''
(શ્રી અરવિંદના "લાઇફ ડિવાઇન" પૃ.૧૦૦ પરના મૂળ અંગ્રેજી પરિચ્છેદનો મુક્તાનુવાદ)
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP