Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

વિશ્વગીતા

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

In Pursuit of Prosperity with Peace
માણસ અને બીજા જીવો વચાળે મુખ્ય તફાવત શો છે? પશુપક્ષી જેવા જીવો વૃત્તિ Instinct ને અનુસરે છે, જ્યારે માનવ વ્યવહારોની બુનિયાદ વૃત્તિ વત્તા બુદ્ધિ Instinct plus Intelligence છે.
માનવનાં વાણી-વર્તનના પાયામાં રહેલ બુદ્ધિ એ જ ભાવના. ભાવના સારી તો બધું સારું. વેદમંત્રોમાં શ્રેષ્ઠ ગણાયેલા ગાયત્રી મંત્ર બુદ્ધિના ઉર્ધ્વગમનની પ્રાર્થના છે.

રામ અને રાવણ અનુક્રમે સદબુદ્ધિ અને દુર્બુદ્ધિનાં સનાતન રૂપકો છે. સદાચાર, ત્યાગ, કરુણા અને ક્ષમા જેવા સદગુણો રામનાં વ્યક્તિત્વનું રસાયણ છે. બીજી બાજુ અધર્મના પર્યાય સમો રાવણમાં લોભ, મોહ, હિંસા અને અહંકાર જેવી આસુરી વૃત્તિ ડગલે ને પગલે ચાડી ખાય છે.

રામ અને રાવણ અનુક્રમે સદબુદ્ધિ અને દુર્બુદ્ધિનાં સનાતન રૂપકો છે. સદાચાર, ત્યાગ, કરુણા અને ક્ષમા જેવા સદગુણો રામનાં વ્યક્તિત્વનું રસાયણ છે. બીજી બાજુ અધર્મના પર્યાય સમો રાવણમાં લોભ, મોહ, હિંસા અને અહંકાર જેવી આસુરી વૃત્તિ ડગલે ને પગલે ચાડી ખાય છે.
સમાજમાં બેઉ પ્રકારના માણસો જોવા મળે. એક વ્યક્તિમાં પણ ગુણ અને અવગુણ બન્ને હાજર હોય તેવું બને. ક્યારેક રામત્વ સપાટી પર આવી જાય તો ક્યારેક રાવણત્વ! વારંવાર જે સ્વરૂપ પ્રગટ થાય તે માણસનો સ્થાયી સ્વભાવ બને!
વિશ્વની ભાવનાત્મક સમસ્યાઓ: આર્થિક સાધનો પરના અંકુશ માટેની ગળાકાપ હરીફાઇ અસંતોષ અને સંઘર્ષને જન્મ આપે. સત્તા પ્રાપ્ત કરવા અને ટકાવી રાખવાની ઘેલછા વિનાશક શસ્ત્રાસ્ત્રોની આંધળી દોટમાં પરિણમી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં લડાયેલાં બે વિશ્વયુદ્ધોમાં લાખો જીવો હણાયા. તે પછીના નાનામોટા પ્રાદેશિક સંગ્રામો અને આતંકવાદમાં ખૂબ વારંવાર ધરતીમાતાનો પાલવ લોહીભીનો બન્યો છે. જ્યાં સુધી માનવનું મન એક નહીં થાય ત્યાં સુધી આ સંઘર્ષો અટકવાના નથી. આવું ભાવનાત્મક ઐક્ય સંભવ છે? કોઇ તેને યુટોપિયા કહીને હસી પણ કાઢે. જો સામે પૂછીએ “તમારી પાસે બીજો કોઇ ઉકેલ ખરો?” જવાબ સ્પષ્ટ રીતે ‘ના’ મળશે.
ભૌતિક સમૃદ્ધિ Prosperity અને શાંતિમય સહ-અસ્તિત્વનાં Peaceful co-existence બે ત્રાજવાં પર એક એક પગ રાખીને ઊભેલા માનવ માટે સંતુલન જાળવી રાખવાની કપરી જવાબદારી આવી પડી છે. સત્ય અને અહિંસા જેવાં મહાન ઋતોને વારંવાર વ્યવહારમાં અમલ કરી બતાવનાર ભારતીય સભ્યતા પાસે Prosperity with Peace નામની ચાવી છે! તેનું નામ શ્રીમદભગવદગીતા!
વિશ્વમાનવના ભાવનાત્મક ઐક્યના ચાર આધારસ્થંભો છે; ભેદ નહીં પણ અભેદ, વિવાદ નહીં પણ સંવાદ, શોષણ નહીં પણ સમર્પણ અને ટૂંકી નહીં પણ દીર્ઘદૃષ્ટિ!
એક કરે એ ધર્મ અને ભેદ કરે એ અધર્મ!
ગીતાકાર જ્ઞાનીની વ્યાખ્યા જ એકત્વથી કરે છે! સાધુસંત, જ્ઞાની કે મહાત્માનું મૂળ લક્ષણ અભેદ છે! સર્વં ખલ્વિદં બ્રહ્મ અને ઇશાવાસ્યમ્ જેવા એકાત્મ મંત્રો માત્ર ભારતીય દર્શનમાં જ છે, તેવું રખે કોઇ માને! જગતની લગભગ બધી જ આધ્યાત્મિક પરંપરા એકતા, સમરસતા અને સમન્વય જેવા મંત્રોથી પરિષ્કૃત છે. આમ છતાં વ્યવહારમાં તે કેમ વિસરાઇ જાય છે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
તમે નાનાં ભૂલકાંઓને રમતાં જોયાં છે? તેઓ ન જાત જાણે ન ભાત! તેમને ભેદ કરતાં કોણ શીખવે છે? આપણે મોટાં જ સ્તો! અભેદની ગુરુચાવી બાળઉછેર અને કેળવણીમાં છે. શિક્ષણ માત્ર શાળા પૂરતું સીમિત નથી. ઘર, પાડોશ કે રસ્તા પર બોલાતો દરેક શબ્દ અને નાનામાં નાની વર્તણૂક માણસના ઘડતરનું અભિન્ન અંગ બને છે. અભેદ અંગે સમાજ સંવેદનશીલ બને. ભેદભાવયુક્ત વાણી કે વર્તનનો ઉચિત પ્રતિકાર અને ઉદાહરણીય દંડ થાય. વિશ્વમાં જ્યાં જ્યાં લોકશાહી પરિપક્વ અને સુદૃઢ બની છે, તેના પાયામાં આવા સંનિષ્ઠ પ્રયાસો કારણભૂત છે. જો કે વૈશ્વિક સ્તરે અભેદનો મંત્ર ગુંજતો કરવા સેંકડો ગાંધી કે લિંકન જોઇશે!
વિવાદને બદલે સંવાદ કરીએ!
વાદ, વિવાદ અને સંવાદ એ ત્રણ વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. દરેક સિક્કાને બે બાજુઓ હોય. આ બે બાજુઓ વાદ કહેવાય. માત્ર એક બાજુ તરફ ધ્યાન આપીએ અને બીજી બાજુની ઉપેક્ષા કરીએ તો શું થાય? ક્યારેય ન મળનારા નદીના સમાંતર કિનારા જેવા બે વિરોધાભાસી મંતવ્યો જન્મે. તેને વિવાદ કહેવાય. સિક્કાની બેઉ બાજુને જોઇ પરખીને તેને પૂરો સમજવાનો વ્યાયામ એટલે સંવાદ! રાગદ્વેષથી વિવાદ સર્જાય. આત્મીયતાનું અમૃત ભળે ત્યારે સંવાદ નીપજે. ગીતા એક નિષ્ઠાવંત, પ્રામાણિક અને નિર્ભય સંવાદ છે. ગીતાને કૉમ્યુનિકેશનનું ઉત્તમ રૂપક કહી શકાય.
સોશ્યલ મીડિયાની આજકાલ બહુ ચર્ચા છે. મીડિયા મુક્ત ભલે રહે પણ પોતાની જવાબદારી સમજે. તેનો દુરુપયોગ ન થાય તેની અસરકારક વ્યવસ્થા પણ હોવી જોઇએ.
શોષણને બદલે સમર્પણ:
સ્વાર્થ જીવનો મૂળ સ્વભાવ છે. માણસની ત્રણ સ્વાભાવિક વૃત્તિઓ છે. ગમે તે ભોગે જીવન ટકાવી રાખવું, પ્રજોત્પત્તિ દ્વારા પોતાનો વંશવેલો જાળવવો અને વધુમાં વધુ સુખ સગવડ ભોગવવાં!
જો કે સ્વાર્થ સાથે અતિશયતા અથવા બીજાના ભોગ લેવાની વૃત્તિ જોડાય ત્યારે સંઘર્ષ સર્જાય છે. એટલે દરેક ધર્મમાં સ્વાર્થને દૂષણ અને પરમાર્થને પુણ્ય ગણવામાં આવ્યા છે. પોતાનો સ્વાર્થ સાધવા સાથે પારમાર્થિક હેતુ જાળવી રાખવાનું બેવડું કામ માણસ કરી શકે ખરો? જવાબ છે, અનાસક્ત કર્મયોગ! તેની પાછળ ઊંડું સમાજ-મનોવિજ્ઞાન છે.
ટૂંકી દૃષ્ટિ છોડીને દીર્ઘદૃષ્ટિ અપનાવીએ:
કોઇને પૂછીએ કે તમારા જીવનનો શો ઉદ્દેશ છે? જવાબ મળશે, “મારે જીવનમાં સુખી અને સફળ થવું છે”. સુખ અને સફળતા કોને ગણો છો? જવાબ: ગજવામાં ભરપૂર નાણાં હોય, આલીશાન બંગલો ને બે ચાર ગાડીઓ હોય વગેરે. આ બધું ઝડપથી અને વળી ઓછામાં ઓછી મહેનતે મળી જાય તે સફળતા! સુખ અને સફળતાની આ ટૂંકી દૃષ્ટિ છે. તેનાં પરિણામો પણ અલ્પજીવી અને ઘાતક છે.

વિચાર, આયોજન અને પરિશ્રમના ત્રિવેણી સંગમને કિનારે ઊભી થયેલી સફળતાની ઇમારત ટકાઉ હોય! કલા, વિજ્ઞાન કે સમાજસેવાના ક્ષેત્રમાં કામ કરનારા નિષ્ઠાવાન સાધકને મળતો આત્મસંતોષ ગજબનો હોય છે. તે બીજા અનેક જીવોને સુખશાંતિ આપી શકે છે.

વિચાર, આયોજન અને પરિશ્રમના ત્રિવેણી સંગમને કિનારે ઊભી થયેલી સફળતાની ઇમારત ટકાઉ હોય! કલા, વિજ્ઞાન કે સમાજસેવાના ક્ષેત્રમાં કામ કરનારા નિષ્ઠાવાન સાધકને મળતો આત્મસંતોષ ગજબનો હોય છે. તે બીજા અનેક જીવોને સુખશાંતિ આપી શકે છે. તમે માનશો? સાર્થકતાના આનંદની સામે બીજાં બધાં સુખ તુચ્છ છે! માનવ સભ્યતા આજે વિકાસની જે ક્ષિતિજે પહોંચી છે, તેની પાછળ આવી અનેક અસ્મિતાઓનો અથાક પરિશ્રમ અને સત્યનિષ્ઠા છે, તે રખે વિસરાય!
અસ્તિત્વની પૂર્ણતાનું ભાવગીત
(મહર્ષિ શ્રી અરવિંદ "લાઇફ ડીવાઇન" પૃ. ૧૦૨૫ પરના પરિચ્છેદનો ભાવાનુવાદ)
પૂર્ણ હોવું એટલે વૈશ્વિક હોવું.
પૂર્ણતા એટલે આત્મપ્રજ્ઞા, ભરપૂર ઊર્જા અને આનંદ સભર અસ્તિત્વ!
અપૂર્ણ હોવું એટલે "હું ખરેખર જે છું", તેથી અલ્પ હોવું.
સંકુચિત માનસિકતા અને સાંકડા અહંકારની મર્યાદામાં જીવવું એ અપૂર્ણતા.
અપૂર્ણતા એટલે અલ્પતા.
જાગૃતિ, અસ્તિત્વની ઊર્જા અને આનંદની અલ્પતા!
અપૂર્ણતાથી જન્મે અજ્ઞાન,
અજ્ઞાનથી પ્રકટે નિર્બળતા અને દુ:ખ.
પૂર્ણ હોવું એટલે
કણે કણમાં વિલસતા એક જ અવિનાશી પરમ તત્ત્વનું નિર્બાધ દર્શન.
પૂર્ણ હોવું એટલે સકળ સાથે એક હોવું!
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP