Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

વિશ્વગીતાઃ માણસ સમાજ માટે કે સમાજ માણસ માટે?

  • પ્રકાશન તારીખ17 Sep 2018
  •  

"આઇડિયાઝ એન્ડ ઓપિનિયન્સ"માં ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઇન લખે છે, "માણસને આપણે એક સામાજિક પ્રાણી કહીએ છીએ કારણ કે તેનું જીવન બીજા માણસોની ઇચ્છા અને કર્મના તાંતણે બંધાયેલું છે. માનવજાતે સંચિત કરેલ જ્ઞાનભંડારનો મોટો ભાગ તેના પૂર્વજોએ હાંસલ કરેલો છે. એક કલ્પના કરીએ, જો ભાષાનો જ વિકાસ ન થયો હોત તો? માણસ પેલા ચોપગા પશુની પેઠે ગંવાર જ રહી જાત ખરું ને?". આમ તેઓ માને છે કે માણસનું કેટલે અંશે સામાજિકીકરણ થયું છે તે તેના વ્યક્તિત્વના માપનની પારાશીશી છે.

માનવજાતે સંચિત કરેલ જ્ઞાનભંડારનો મોટો ભાગ તેના પૂર્વજોએ હાંસલ કરેલો છે. એક કલ્પના કરીએ, જો ભાષાનો જ વિકાસ ન થયો હોત તો? માણસ પેલા ચોપગા પશુની પેઠે ગંવાર જ રહી જાત ખરું ને?

સિક્કાની બીજી બાજુ બતાવતાં ડૉ. આઇન્સ્ટાઇન લખે છે, "આજે માણસ પાસે જે કંઇ છે, તે સદીઓના વ્યક્તિગત રચનાત્મક પ્રયાસોને આભારી છે. દા.ત. એક વિરલાએ ધાન્યની શોધ કરી તો બીજાએ વસ્ત્રની; કોઇ ચક્ર શોધી લાવ્યો તો કોઇએ ચક્રનો ઉપયોગ કરી વાહન કે વરાળયંત્ર વિકસાવ્યું. વાસ્તવમાં આવા એકલવીરો જ મથી મથીને નવાં જીવનમૂલ્યો સ્થાપિત કરે છે, જેને બીજા આંખ મીંચીને સ્વિકારે છે. સમષ્ટિની આ રસાળ ધરણી પર કરાતા રચનાત્મક વ્યક્તિગત પ્રયાસોથી માનવજીવન સગવડભર્યું બન્યું છે. આમ સમષ્ટિ અને વ્યક્તિ એકબીજાનાં પૂરક છે."
વ્યક્તિ-સમષ્ટિ: બંધન અને મોક્ષનું સમાવર્તી સમીકરણ
આપણે જોયું કે માણસ સમાજ માટે છે તે સાચું અને સમાજ માણસ માટે છે તે પણ સાચું! વ્યક્તિ સમાજ રાષ્ટ્ર વિશ્વની આ શૃંખલા સામસામી છે. તેને વર્તુળાકાર વેન ડાયાગ્રામ વડે દર્શાવીએ તો તેના કેંદ્રમાં એક નાનકડા બિંદુ તરીકે માણસ આવે અને છેક બહારના મહાવર્તુળમાં વિશ્વ આવે. સમાજ નામનું પ્રથમ વર્તુળ વ્યક્તિ નામના એક એક બિંદુના સમાસથી રચાય છે. તે રીતે ઉત્તરોત્તર વિશાળ રચના નિર્માણ પામે છે. આખીયે આકૃતિનો સારબોધ એ છે કે માણસ વિશ્વના કેન્દ્રસ્થાને છે. આકૃતિ સમજવી સાવ સહેલી છે. તેનું વ્યવહારુ અનુસરણ તેટલું જ અઘરું. જો કે આવી સમજણ કેળવ્યા વિના છૂટકો પણ ક્યાં છે? એક પણ માણસ આ વર્તુળની બહાર રહી ગયો તો જગત એટલું અધૂરું રહેશે!
ગીતાકાર તો અનેક વાર આ વાતનો પડઘો પાડે છે,
“જે બધે મારું દર્શન કરે છે, તેનાથી હું અદૃશ્ય કેમ રહી શકું”!
“સર્વ ભૂતોનું હિત જેને હૈયે વસે એ જ ખરો સાધક!”
“જે તમામ જીવોમાં સમદૃષ્ટિ રાખે છે તેણે તો જીવતેજીવ જ સંસાર તરી લીધો છે”.
“જ્ઞાની માણસ એ કે જેણે સૃષ્ટિની સમગ્રતાને આત્મસાત્ કરી લીધી છે”.
પરમાત્માની એક કૃતિ બીજી કૃતિને પ્રેમ કરી શકે, શાસન કેમ કરી શકે? સંઘર્ષ તો કદાપિ ન કરી શકે! જ્યારે માનવ પરમતત્ત્વની સમગ્રતાને પામી જાય ત્યારે તે સર્વત્ર એકતાનો આવિષ્કાર કરવા સાથે અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે. તેને અત્ર તત્ર સર્વત્ર પૂર્ણતા દેખાય છે. શું આ જ મોક્ષ હશે!
વૈશ્વિક એકતાનું દર્શન કરવાની ગુરુચાવી - રચનાત્મક વિચારણા
વૈશ્વિક એકતાનો મંત્ર પ્રકૃતિમાતાના ઝાંઝરના દરેક દરેક ઝણકારે ગુંજે છે. આમ છતાં મને સંભળાતો કેમ નથી? કોઇપણ જાગૃત માણસને આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તે એટલા માટે કે આપણાં આંખ અને કાન સદાયે "આ નાનું આ મોટું", "આ સારું અને પેલું ખરાબ", "આ મારું, આ તારું" કે ગમા-અણગમાના દ્વંદ્વોમાં ગુંથાયેલા રહે છે. શ્રી મનુભાઇ પંચોળી "દર્શક"ના શબ્દો મનમાં ગુંજે છે, "સંહાર વૃત્તિનો અવેજ સર્જન વૃત્તિ છે".
સર્જનાત્મક વિચારણાના ત્રણ પગથિયાં વિચારીએ.
વિવિધતામાં એકતાનો કરીએ સ્વિકાર:
બે વૈજ્ઞાનિક સત્યો જોઇએ, 1. કુદરતમાં કોઇ બે જીવ સાવ સરખા નથી. 2. દરેક જીવમાં એક સર્વસામાન્ય અને અપરિવર્તનશીલ ચેતનતત્ત્વ છે. થોડો વિચાર કરો. આ બન્ને એકબીજાથી વિરોધાભાસી છે, ખરું ને? તો પછી આ બે સમીકરણને સૉલ્વ કરીએ તો ખરું સત્ય સમજાય.
વાચક મિત્ર! દેખીતી જુદાઇ વચ્ચે સમાયેલી એકતાનો સ્વિકાર કરવાની પ્રેક્ટિકલ ટિપ આપું? તમારા બે મિત્રોની આદતોનો અભ્યાસ કરો. તેમના વ્યક્તિત્વ વચ્ચે આટલો વિરોધાભાસ હોવા છતાં બન્ને તમને પ્રિય છે. કારણ? એટલા માટે કે એ બન્નેમાં કોઇ એવી ચીજ છે, જે તમને ગમે છે! જે તમારી મિત્રતાનો આત્મા છે. આત્મા શબ્દ પકડી લો. બધામાં પરમાત્મા વસેલો છે, આત્મા તરીકે!
પરિવર્તનશીલ અને સ્થાપિત મૂલ્યો વચ્ચે સંતુલન કરો
ઉપનિષદકાર કહે છે, જે જઇ રહ્યું છે, તે જગત. ક્ષણે ક્ષણે પરિવર્તન પામે તે જગત! આ તબક્કે એક વિચિત્ર દ્વિધા ઉપજે છે. આપણે જેને સામાજિક વ્યવસ્થા અથવા સમાજ કહીએ છીએ, તે પોતે જ આ પરિવર્તનના કુદરતી સિદ્ધાંત વિરુદ્ધની ઘટના છે. જો કે મૂલ્યોના પાયા વિના સમાજના ઢાંચાનું ઘડતર શક્ય નથી. આમ જ્યાં સ્થિરતા છે, ત્યાં પરિવર્તનનો પ્રતિકાર અને સંઘર્ષ થાય જ. સમયના પ્રવાહ સાથે કેટલાક જુના મૂલ્યો અપ્રસ્તુત બની જાય. જે સમાજ આ બાબતે સંવેદનશીલ અને પરિપક્વ બને તે રહે સ્વસ્થ, તેથી ઉલટું જે પરિવર્તનનો અણઘડ રીતે પ્રતિકાર કરે તે અંધકારમાં સબડે.
ગીતાકાર જ્ઞાનીનું એક બહુ વિશિષ્ટ લક્ષણ દર્શાવે છે, "અરતિ જનસંસદિ". જે ટોળાશાહીથી ન દોરાય તે જ્ઞાની! સામૂહિક વલણથી દોરવાઇ જવાને બદલે પોતાની વિવેકબુદ્ધિ ખીલવે તે જ્ઞાની! માનવ સભ્યતાના વિકાસપથ પર આવાં અસંખ્ય ઉદાહરણો મળી આવશે કે જેઓએ સાંપ્રત પ્રવાહ સામે તરવાની હામ કેળવી હોય. પોતાના સુખ સગવડોને દાવ પર લગાડીને તેમણે નવા જીવનમૂલ્યો ખોળી કાઢ્યા છે. જેને પરિણામે માનવ જીવન સમૃદ્ધ બન્યું છે!

જીવાત્મા શરીરરથનો સવાર છે. આંખ-કાન રથને દોડાવતા ઘોડા છે, જેને મનની લગામથી બુદ્ધિરૂપી સારથિ વશ કરે છે. આંખ-કાનના વિષયો અશ્વોને દોડવાના રાજમાર્ગો છે!

આધ્યાત્મિક બૌદ્ધિકતા (Spiritual Intelligence) કેળવીએ:
ઉપનિષદકારે રથના રૂપકથી બહુ પ્રેક્ટિકલ રીતે આ વાત મૂકી છે. "જીવાત્મા શરીરરથનો સવાર છે. આંખ-કાન રથને દોડાવતા ઘોડા છે, જેને મનની લગામથી બુદ્ધિરૂપી સારથિ વશ કરે છે. આંખ-કાનના વિષયો અશ્વોને દોડવાના રાજમાર્ગો છે!" ભાવાર્થ એ છે કે આંખ, કાન અને મનને ગમે તેમ ભટકવા દેવાને બદલે રચનાત્મક રસ્તો સુઝાડો.
કોઇપણ સમયે તમારી સામે બે વિકલ્પો હશે. તે પૈકી એક મનને ગમે તેવો (પ્રેય) અને બીજો તમારા માટે હિતકર (શ્રેય) હશે. શું પસંદ કરશો?
જે સારું હોય તેને ગમતું કરી શકે તે ખરો વીર!
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP