Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

વિશ્વગીતાઃ વૈશ્વિક સંદર્ભમાં શ્રીમદભગવદગીતાનું રસદર્શન

  • પ્રકાશન તારીખ14 Sep 2018
  •  

વાચક મિત્ર! છેલ્લા બે માસથી આપણે અસ્મિતા દર્પણની યાત્રા કરી રહ્યા છીએ. અસ્મિતા એટલે હું કોણ? અથવા મારું મૂળ ક્યાં છે? રંગરૂપની દેખીતી વિવિધતા છતાં સહુને સાથે જોડી રાખતો દોરો એટલે અસ્મિતા! અસ્મિતા એટલે આયનો. આ આયનો ચમત્કારિક છે. જે તમને તમારા ચહેરા પાછળનો સૂક્ષ્મ ચહેરો બતાવશે. શાશ્વત સુંદરતાનું દર્શન કરાવશે. અનંતતા વચ્ચે એકતાનું દર્શન કરાવશે! તમને તમારા પર્યાવરણ સાથેનો સંબંધ જોડી બતાવશે! માતા અને સંતાન વચ્ચેના ભાવસભર સંબંધ જેવી છે, આપણી અસ્મિતા યાત્રા!


ભારતની અસ્મિતાનું મૂળ વેદ-ઉપનિષદ છે. તેનો સાર એટલે શ્રીમદભગવદગીતા અથવા ટૂંકમાં માત્ર ગીતા! શ્રીમદ્ એટલે શ્રી યુક્ત. જેમાં જ્ઞાનસમૃદ્ધિ છે. જેના વડે જગતની બધી સંપદા હાંસલ કરી શકાય તેવી શ્રી એટલે ગીતા. ભગવદ્ એટલે જેમાં ઈશ્વરીય ઊર્જા છે તેવું જ્ઞાન. તમે ગીતાની સાધના કર્યા પછી નબળા ન જ રહી શકો! સામાન્યમાં રહેલી અસામાન્યતા પ્રકટ કરવાની ચમત્કારિક જડીબુટ્ટી એટલે ગીતા! ગીતા શબ્દ ગીત પરથી આવેલો છે. જે ગાઇ શકાય તે ગીત. જેમાં છંદ અને લય હોય તે ગીત. ગીતાનો એક એક મંત્ર ગાઇ શકાય. આમ શ્રીમદભગવદગીતાના ત્રણેય શબ્દોનો ઊંડો ભાવાર્થ છે! જે ગીતાના અભ્યાસુએ જાણવો જોઇએ!


આપણે છેલ્લા સાઇઠ અંકો દરમ્યાન ગીતાનું આધ્યાત્મિક, આરોગ્ય, મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય ચારિત્ર્યના સંદર્ભમાં દર્શન કર્યું. આજથી થોડા અંકો દરમ્યાન વિશ્વગીતાનો રસાસ્વાદ કરીશું. ગ્લૉબલ પર્સ્પેક્ટિવ તરીકે ગીતાનું આવું દર્શન કદાચ પહેલી વાર ગુજરાતીમાં થઇ રહ્યું છે.

ગીતાનું વિષય વૈવિધ્ય અને માહાત્મ્ય:

શ્રીમદભગવદગીતા એ પરમાત્માના સ્વમુખે ગવાયેલું જીવનગીત છે. તે કોરી કલ્પના કે શુષ્ક ધર્મશાસ્ત્ર નથી. વળી તે આદર્શનો સંદર્ભગ્રંથ માત્ર નથી. દરેક વાચકને પોતાના ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ માટે જોઇતું ભાથું ગીતામાંથી મળી રહે છે.


કોઇ ગીતામાં સંન્યાસનો આદર્શ ખોળી શકે તો કોઇ કર્તવ્યનો, કોઇ એકતાનો આદર્શ તારવી શકે તો કોઇ વૈવિધ્યનાં દર્શનનો, કોઇ શૌર્યની પ્રેરણા લઇ શકે તો કોઇ કરુણાની, કોઇ સમરસતાનો બોધ લઇ શકે તો કોઇ વળી શ્રેષ્ઠતાનો બોધ લઇ શકે! ગીતા સમય અને સ્થળથી નિરપેક્ષ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન માટેની દિવ્ય આનંદયાત્રા છે.


માનવની ભૌતિક એષણાઓને અધ્યાત્મના રસથી પાવન કરતી ગંગોત્રી એટલે ગીતા. જ્ઞાન, કર્મ અને ભક્તિના સમન્વય દ્વારા માનવજીવનને સંપૂર્ણ અને અર્થપૂર્ણ (Holistic and Meaningful life) બનાવવાની આ જડીબુટ્ટી અધ્યાત્મના ઇતિહાસમાં અદ્વિતીય અને વિરલ છે.
શ્રીમદભગવદગીતાના એક એક મંત્રમાં માણસને મહામાનવ બનાવવાની ક્ષમતા છે. સુખ, આનંદ અને સફળતા જેવા ઇરણો (Motivators)ની આધુનિક વ્યાખ્યા માટેનો શાશ્વત સંદર્ભ ગ્રંથ એટલે ગીતા! નિસર્ગની દિવ્ય સાકલ્યની શૃંખલામાં માનવ ક્યાં છે? તેનું શું પ્રયોજન છે? માનવજાત અને તે રીતે આ વિશ્વ સ્વસ્થ વિકાસના માર્ગે (Healthy and sustainable growth) સતત ચાલતા રહે અને વિશ્વની અખિલાઇ (Wholesomeness) અક્ષત રહે તે માટે શું કરવું ઘટે તે વિશ્વગીતાનું કેન્દ્રીય વિષયબિંદુ છે.


વિશ્વ, એક અદભુત રચના:
કેવું અદભુત છે આ સચરાચર વિશ્વ! રંગ, રૂપ, આકાર અને ચૈતન્યના વૈવિધ્યથી ભરપૂર! પ્રકૃતિની દરેક કૃતિ એકમેકની સાથે સંકળાયેલ હોય તેવું નથી લાગતું? દરેક રચનાને પોતાના અસ્તિત્વનો એક ખાસ ઉદ્દેશ છે, એક અનન્ય સાર્થકતા છે. એક પોષક છે તો બીજું પોષિત છે. કોઇ એક નાના શા ચમકારાની પેઠે પ્રજળીને ફરી પાછું અલોપ થાય છે અને વળી પાછું કોઇ નવો દેહ ધરીને પ્રગટ થાય છે. ક્યાંક સ્થિરતા અને ધૈર્ય છે, તો ક્યાંક વળી ઊર્જાથી ભરપૂર ગતિ! કોઇ સ્થિતપ્રજ્ઞતાથી પોતાનું કાર્ય કર્યે જાય છે, તો કોઇ વળી સતત પોતાની હાજરી નોંધાવવા ઉત્સુક છે. સંવાદ અને સમાયોજનનો એક અવિરત યજ્ઞ ચાલતો રહે છે. ક્યાંય કોઇ અધુરપ નથી.


વિશ્વની સજીવ સૃષ્ટિનું સૌથી અણમોલ સર્જન માનવ છે. અદભુત ચિંતનશક્તિ તેને પૃથ્વીના સૌથી વિશિષ્ઠ સર્જનનું બિરુદ રળી આપે તેમાં નવાઇ શી? માનવ પોતાની સંવેદનાઓને પણ બખૂબી અભિવ્યક્ત કરી શકે છે. જો કે તેનામાં પ્રકૃતિ અને વિકૃતિ એમ બેઉનો સમાવેશ થયો છે, તે વાતનો ઇન્કાર કરી શકાય તેમ નથી. ક્યારેક તે પ્રકૃતિના સહચરો સાથે સમાયોજન કરતો દીસે છે, તો ક્યારેક શોષણ કરતો જણાય છે. તે અત્યંત પ્રભાવી ઢબે સભ્યતાનું નિર્માણ કરી શકે છે અને વિકૃત રીતે સર્વનાશ પણ કરે છે. તે સત્ય, અહિંસા, કરુણા અને પ્રેમ જેવા દિવ્ય ઋતોની ખોજ કરી શકે છે. તો ક્યારેક વળી હિંસા અને શોષણ જેવી અવળચંડાઇ કરતો આંખે ચઢી જાય છે.


સજીવો પૈકી માનવને વિશ્વના ભૂત, વર્તમાન અને ભાવિ માટે સૌથી વધુ જવાબદાર માનવામાં હરકત નથી. તેની નિસર્ગદત્ત શક્તિનો રચનાત્મક વિકાસ કરવાના એક માત્ર ઉદ્દેશ સાથે સઘળી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ નિર્માણ પામી છે અને પામતી રહેશે.
સૃષ્ટિ, તેને રચનાર જગન્નિયંતા અને માનવના આંતરસંબંધોની પશ્ચાદભૂમાં સંવાદિતા અને સમગ્રતાની ખોજ એ ભારતીય દર્શનનું પાયાનું કાર્ય છે. "તત્ત્વમસિ" અને "ન જીવ જુદો શિવથી" જેવા દિવ્ય ઉદ્ઘોષ પાછળ ઋષિનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે. પૂર્ણતા, બસ પૂર્ણતા એ જ આશય. આમ જોઇએ તો પૂર્ણતા એક આદર્શ કલ્પના છે. આમ છતાં તે મારગે ચાલ્યા વિના છૂટકો નથી. જે દિવસે આ ઉદ્દેશ અંશત: પણ સાકાર થશે ત્યારે સારુંયે વિશ્વ દિવ્ય મુક્તા મણિઓની માળા સરીખું એકરસ ભાસશે. ઋષિએ સેવેલ સત્ કે કૃતયુગનું મહાસ્વપ્ન આ જ હશે કે?

ચિંતનિકા
કેટલાક રસપ્રદ પ્રશ્નો મૂક્યા છે, જેને ઘડીભર મનમાં મમળાવીએ તો કેવું?
કાર્ય-કારણ સંબંધ વગર કોઇ ઘટના સંભવ ખરી? અને જો કાર્ય-કારણ સંબંધને અનિવાર્ય માનીએ તો માણસની હસ્તી પાછળ આ સંભાવના સાવ નકારી શકાય ખરી?
પદાર્થ અને ઊર્જાના સતત રુપાંતરણ અને સંચયની (Laws of conservation and Transformation) સ્વિકારીએ તો તેની પાછળ કોઇ વ્યવસ્થા હોવી જોઇએ તેવી શ્રદ્ધા સાવ ઠાલી દેખાય છે?


સૃષ્ટિનો અણુએ અણુ પરસ્પર સંબંધ ધરાવે છે, જેના પાયામાં કોઇ મૂળભૂત આશય હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી શકાય તેમ છે?


દરેક સ્થૂળ-સૂક્ષ્મ પદાર્થને પોતાનો અનન્ય પ્રતિપદાર્થ (matter and Anti-matter) છે, તે શું પ્રતિપાદિત કરે છે? તે કોઇ દિવ્ય સંરચના તરફ ઇંગિત કરે છે, તેમ માનવું સાવ તર્કહીન ગણી શકાય?


દરેક જીવસૃષ્ટિ માટે સર્જન, પાલન અને લયની આગવી પ્રક્રિયા છે, તે સંપૂર્ણપણે અનાયાસ (Absolutely spontaneous) હોઇ શકે? કે તેની પાછળ કોઇ દિવ્ય ઊર્જા કામ કરતી હોય તેવું માનવાને કારણ નથી?


આ પ્રશ્નો પર વિચાર કરો. આવતા અંકે તેના પર રસપ્રદ વાતો જાણવા મળશે. ત્યાં સુધી ....વિચાર કરતા રહો, વિચારે તે માણસ!
[email protected]

સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP