Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

રાષ્ટ્રગીતા: રાષ્ટ્રીય ચારિત્ર્યની સપ્તપદી હું મારા દેશ માટે શું કરી શકું? (૨)

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

નિષ્ઠાથી પોતપોતાનું કામ કરીએ
દરેક નાગરિક રાષ્ટ્રના કેન્દ્રસ્થાને છે. દરેકના કાર્યનું મહત્ત્વ છે. કોઇપણ કામ નાનું કે મોટું નથી. ગીતાકાર કહે છે, "તમારા કર્તવ્યને વહન કરીને સિદ્ધિને પામો". કલ્પના કરો કે કોઇ કૃષિકાર સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાના મબલખ અન્ન-વસ્ત્ર સર્જે તો દેશ આવશ્યક ચીજવસ્તુઓ બાબતે સ્વાવલંબી થાય. આ કંઇ નાની સૂની વાત નથી. એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સામર્થ્ય કેળવી શકે અને તે દ્વારા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સીધું યોગદાન આપી શકે. કોઇ અવકાશવિજ્ઞાની વૈજ્ઞાનિક શોધખોળોનો શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સર્વવ્યાપકતા લાવવા ઉપયોગ કરે તો રાષ્ટ્રની માનવ સંપદાના વિકાસમાં કેવડું મોટું યોગદાન આપી શકે!


બીજા વિશ્વયુદ્ધમાં કારમો પરાજય વેઠી છિન્ન ભિન્ન થયેલું જાપાન માત્ર બે ત્રણ દાયકામાં વિશ્વની આર્થિક મહાસત્તા બની ગયું. જાપાની કામદારોએ ઉત્તમ નિષ્ઠાથી કામ કર્યું. ઑટોમોબાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉચ્ચ ગુણવત્તા માગી લેતી પ્રોડક્ટ્સમાં જાપાને નિષ્ઠાવંત અને ખંતીલા કર્મયોગીઓના બળે અંકલ સેમને ચકિત કર્યું. બીજું ઉદાહરણ ઇઝરાયેલનું છે. ક્રૂર વંશીય હત્યાકાંડથી જરા પણ વિચલિત થયા વિના આરબ વિશ્વ વચ્ચે એક નાનો શો ટૂકડો લઇને ઇઝરાઇલ નામનો ટચૂકડો દેશ બનાવ્યો. માત્ર કૃષિ ઉત્પાદકતા જ નહીં, અનેક વ્યૂહાત્મક ક્ષેત્રે આ રાષ્ટ્રે કાઠું કાઢ્યું છે. શાના આધારે? રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થઇને કામ કરવાની ઉચ્ચ નાગરિકતા અને સહકારી જીવન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે ઇઝરાયેલી પ્રજાએ કરેલો ચમત્કાર પ્રેરણાદાયી છે.


નાગરિક ગૌરવ આણીએ
વેદમંત્ર "એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ"નો પ્રતિઘોષ પાડતાં ગીતાકાર કહે છે, "હું જીવમાત્રના અંતરમાં વસું છું" અને "જેની પાસે સમદૃષ્ટિ છે, તે જ ખરો જ્ઞાની" (ગીતા ૫/૧૮) તેવું સ્પષ્ટ કહીને જાત-નાતના નામે થતા ભેદભાવનો છેદ ઉડાડ્યો છે.


લોકશાહીનો પાયાનો સિદ્ધાંત સમત્વ છે. દરેક નાગરિક સમાન ગૌરવનો અધિકારી છે. પુસ્તકોનાં પાને પડી રહેલા આ સિદ્ધાંતને અમલમાં લાવવો એ જ રાષ્ટ્રીય ચારિત્ર્ય. નાગરિક ગૌરવના પાયામાં સામાજિક વલણો, કેળવણી અને આર્થિક સ્રોતોની વહેંચણી અગત્યનાં પરિબળો છે. વર્ગ-જાતિ, ભાષા, વ્યવસાય જેવા માનદંડોથી થતા સામાજિક વિભાજનને યુક્તિપૂર્વક રોકવું પડશે. એકાત્મ માનસિકતાના નિર્માણની પ્રક્રિયામાં શિક્ષણ બહુ જ રચનાત્મક ભૂમિકા ભજવી શકે. યુવાઓમાં જેવા ભાવવિશ્વનું નિર્માણ થશે, તેવું બનશે ભાવિ રાષ્ટ્ર.


ઉછેર, અભ્યાસ અને કામકાજ દરમ્યાન લાગવગશાહી અને ભ્રષ્ટાચારને જોઇને મોટો થયેલો યુવા નાગરિક કઇ રીતે પોતે જાતે આ દૂષણોથી દૂર રહેવા વિચારી શકે? યુવા માનસના ઘડતર માટે તેમને ઉત્તમ પ્રેરણાદાયી પર્યાવરણ પૂરું પાડીએ.


એ ના ભૂલવું જોઇએ કે સ્વાભિમાનના પાયામાં સ્વાતંત્ર્ય છે. સ્વાતંત્ર્યના મૂળમાં આર્થિક અને બૌદ્ધિક સબળતા છે. નિરક્ષરતા, ગરીબી અને બેરોજગારી સામે ત્રિપાંખીયો જંગ જીત્યા વિના નાગરિકગૌરવ નહીં લાવી શકાય અને ત્યાં સુધી સ્વાતંત્ર્ય અધૂરું જ રહેશે.


ત્રણ નિષ્ઠા કેળવીએઃ શ્રમ, શિસ્ત અને શૌર્ય
એક માન્યતા છે કે કોઇ ભારતીય જ્યારે વિદેશમાં કામ કરવા જાય છે, ત્યારે અહીં કરતાં બમણી નિષ્ઠાથી ત્રણ ગણું કામ કરે છે. આવું શાથી થતું હશે? શું સામૂહિક રીતે આપણે એવું પર્યાવરણ રચવામાં નિષ્ફળ જઇએ છીએ જ્યાં માણસની નિષ્ઠાને ઉર્ધ્વ ગતિ અને દિશા મળે? પ્રશ્ન અનુત્તર રહેવા દઇએ અને વિચારવાનો અવસર આપીએ.


પ્રથમ ક્રમે છે, શ્રમ નિષ્ઠા.
પરિશ્રમ એટલે.....
ઉપયોગી શ્રમ કરીએ.
રચનાત્મક શ્રમ કરીએ.
પારમાર્થિક સેવાર્થે શ્રમ કરીએ.


પરિશ્રમનાં કેટલાંક ઉદાહરણો જોઇએ. સામૂહિક સફાઇ અભિયાન, વૃક્ષ ઉછેર, રક્તદાન શિબિર, સાક્ષરતા યજ્ઞ વગેરે. રોજનો એક કલાક ઉપયોગી વ્યાયામ અને અઠવાડિયે એક કલાક સેવાર્થે શ્રમદાન કરી જુઓ. તેની તમારા તન મન પર જે હકારાત્મક અસર વર્તાશે તેનું બયાન શબ્દોમાં નહીં કરી શકાય.


શિસ્ત એટલે અનુશાસન. કાયદાનું અને નીતિ-નિયમોનું પાલન કરવા ઉપરાંત કેટલાક અનૌપચારિક મૂલ્યોના પાલનનો પણ સમાવેશ થાય છે. દા.ત. જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી, બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતી વેળા ઉંમરલાયક અને બીમાર નાગરિકને જગ્યા આપવી, ધીમેથી વાતચીત કરવી, ઘોંઘાટ ન કરવો, રમતગમતમાં ખેલદિલીપૂર્વક વર્તવું વગેરે.
કોઇ રાષ્ટ્રનો નાગરિક કેટલો શિસ્તબદ્ધ છે, તે જાણવા જાહેર વાહન વ્યવહાર, રમતગમતના મેદાન કે જાહેર મનોરંજન અને બજારોની મુલાકાત પર્યાપ્ત છે!


શૌર્ય એ પણ મહત્ત્વનો નાગરિક ધર્મ છે. અવ્યવસ્થા કે અન્યાયને મૂંગે મોઢે ચલાવી લેનાર નાગરિક રાષ્ટ્રધર્મ ચૂકે છે. ગીતાના મંત્ર “સ્વધર્મને પાળતાં મોત આવે તો પણ સત્યનો મારગ ન છોડવો”ને અનુસરતો જટાયુ નાગરિક ધર્મનો આદર્શ છે. બળવાન રાવણ સામે પોતાનું મરવું નક્કી છે, તે જાણતો હોવા છતાં સીતાજીની વહારે છેલ્લા શ્વાસ સુધી લડે છે. હજારો વર્ષ પછી પણ તે સત્યવાદી એકલવીર યોદ્ધાઓ માટેની દિવાદાંડી બની રહ્યો છે, આ કંઇ ઓછું છે!
અનૈતિક રસ્તે શોર્ટકટ દ્વારા સફળતા મેળવવામાં કાયરતા છે.


લાખો અસફળતા વચ્ચે સાચા રસ્તે અવિરત પ્રયાસો કરતા રહેવામાં ખરી વીરતા છે.
મહારાણા પ્રતાપે સ્વાભિમાન સાથે બાંધછોડ કરી હોત તો બીજા રાજા મહારાજાની જેમ મુઘલોના દરબારમાં માન મરતબો અને સુખ સગવડ અવશ્ય પામ્યા હોત, પણ તેમણે એવું ન પસંદ કર્યું. આવી જ વીરતાભરી કેળવણી માતા જીજાબાઇએ શિવાજીને આપી હતી! જટાયુ, મહારાણા પ્રતાપ, જીજાબાઇ, શિવાજી અને ભગતસિંહ શૌર્ય અને સ્વાભિમાનનાં અમર પ્રતીકો છે! આ શૌર્યબોધ સમાજજીવનના દરેક બિંદુએ પ્રસ્તુત છે. ભય કે લોભને છોડી કંઇક સાચું કરવાની એક પ્રામાણિક કોશિશ તમે પણ કરી જુઓ! જિગર રાષ્ટ્રગૌરવથી છલકાઇ જશે. વંદે માતરમ્!
***


સ્વાતંત્ર્ય કે પ્રજાસત્તાક પર્વે ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરવા જેવાં કર્તવ્ય પુષ્પોની એક ઝલક જોઇએ.......


કચેરીએ અનિયમિત આવતા, કામ ટાળતા કે લાંચ લેતા એક જનસેવક ત્રણેય કુટેવો છોડે છે!
એક ઉદ્યોગપતિ થોડો પ્રૉફિટ ઓછો કરીને પ્રદૂષણ ઘટાડવાનું પ્રણ લે છે!


ભય કે પ્રલોભન છોડી એક પત્રકાર સાચી વાત જનતા સમક્ષ મૂકે છે!

વિદેશની લલચામણી ઓફર છોડી એક યુવા વૈજ્ઞાનિક સ્વદેશની રિસર્ચ સંસ્થામાં જોડાય છે!
એક બહેન દહેજ અને કન્યાભ્રૂણ હત્યા સામે જનજાગૃતિ કાજે આજીવન ભેખ ધરે છે! દબાણોને અવગણી એક પોલીસ અધિકારી મોટા ચમરબંધીને કાયદાની તાકાતનું ભાન કરાવે છે!

મા ભારતીને ગુલાબનાં પુષ્પોનો હાર વધુ ગમશે કે આ કર્તવ્યપુષ્પોનો અર્ઘ્ય?
Answer is yours!
[email protected]

સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP