Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- મારો જેમાં કુદરતી અને નૈતિક અધિકાર નથી તે ન લેવું
- મારે જે કરવાનું છે, તે દિલ દઇને કરવું
- મારા અધિકાર માટે જાગૃતિ કેળવું, તે સાથે
- દેશબાંધવોના હિત અને અધિકારોની ની કાળજી લઉં

- ત્રણ મંત્ર: સહકાર, કરકસર અને ન્યાયી વહેંચણી  
- પરિવાર માટે જે આવશ્યક નથી તે ન સંઘરવું
- દરેક બિનજરૂરી સંગ્રહ માટે બીજા દેશબાંધવને વંચિત રાખું છું! 

- દરેક હાથને અર્થપૂર્ણ કામ! 
- દરેક મનને રચનાત્મક વિચારનું મુક્ત આકાશ!
- દરેક હૃદયને આત્મવિશ્વાસ! 

રાષ્ટ્રગીતા: રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણની સપ્તપદી - મારા દેશ માટે હું શું કરી શકું?

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

ભારત એકવીસમી સદીમાં જગતની મહાસત્તા બને તેવું સહિયારું સ્વપ્ન આપણે સેવીએ છીએ પણ તે માટે આપણે શું કરવું જોઇએ (અને શું ન કરવું જોઇએ!) તે કેટલા વિચારે છે? ભારત ક્યારેક જગદગુરુ હતું તેવી વાતથી ખુશ થવામાં વાંધો નથી. જો કે તેનો યશ તો પૂર્વજોને મળે. મા ભારતી ફરીથી જ્ઞાનવિશ્વના શિખરે બિરાજે તે માટે તો આપણે જ મથવું રહ્યું!


રાષ્ટ્રીય ચારિત્ર્ય કે National Character કોઇ સૂત્ર નથી. તે કર્તવ્ય છે. કારણ કે તેના પાયામાં ‘ચર્’ ધાતુ છે. ચર્ ધાતુમાં આચરણનો ભાવ છે. કર્તવ્ય ચારિત્ર્યનો આત્મા છે. ગતાંકમાં આપણે સપ્તપદીનાં ચાર પગથિયાં જોયાં. આજે બીજાં ત્રણ પદનું દર્શન કરીએ.
જેને રાષ્ટ્રધર્મની સપ્તપદી કહીએ તો કંઇ ખોટું નથી.

ભારત ક્યારેક જગદગુરુ હતું તેવી વાતથી ખુશ થવામાં વાંધો નથી. જો કે તેનો યશ તો પૂર્વજોને મળે. મા ભારતી ફરીથી જ્ઞાનવિશ્વના શિખરે બિરાજે તે માટે તો આપણે જ મથવું રહ્યું!

૧. પ્રથમ રાષ્ટ્ર, પછી બીજું બધું:
"નેશન ફર્સ્ટ" આવું સાંભળવામાં તો આવે છે, તેવું વ્યવહારમાં જોવા મળે છે, ખરું? નેશન ફર્સ્ટ સૂત્ર વ્યવહારુ રીતે આચરણમાં કેમ મુકાય? એવું નથી કે કોઇ મોટા ચિંતક કે રાજકર્તા જ આવું વિચારી શકે. પ્રત્યેક નાગરિક, તે પછી શિક્ષક હોય કે સૈનિક, વેપારી હોય કે જનસેવક, દરેક વ્યક્તિ રાષ્ટ્રના કેન્દ્રસ્થાને છે.

નેશન ફર્સ્ટની દૃષ્ટિએ પંચશીલ પૈકીના બે વ્રત અસ્તેય અને અપરિગ્રહ બહુ અગત્યનાં છે.

જો હું ઓછાંમાં ઓછાં સંસાધનોથી જીવું તો આપોઆપ આ બેઉ વ્રત પળાઇ જાય છે. સરળ દાખલો ભોજનનો છે. આપણે બે હેતુ માટે જમીએ છીએ, શરીરનો વિકાસ, રક્ષણ અને કાર્યક્ષમતા. તેના સિવાય વધારે ખાવું એ માત્ર અન્નનો બગાડ છે અને શરીરને નુકસાન પણ કરે છે.

એક બાજુ કોઇ સ્થૂળતાથી પીડાય છે, તો બીજું કોઇ ભૂખે મરે છે! આ વાત અન્ન-વસ્ત્ર-રહેઠાણ જેવી પાયાની સુખ-સુવિધાથી માંડીને નાણાં, ખનીજ સંપદા, ઊર્જા અને દરેક સંસાધનને લાગુ પડે છે.


૨. જ્યાંથી જેટલું લઇએ ત્યાં સવાયું કરી પાછું વાળીએ:
જો ગીતાના સિદ્ધાંતને અનુસરીએ તો ધર્મ અને પર્યાવરણ બન્નેની એક સામાન્ય લાક્ષણિકતા છે. તમે જે કરશો, તેવું તમને સામું મળશે!

ગીતાકારે ધર્મની સમજ સ્વાભાવિક કર્તવ્ય એવી આપી છે. જળ, જમીન અને હવા આપણા ત્રણ જીવનાધાર છે. પર્યાવરણમાંથી કેટલું લેવાય છે અને તેની સામે કેટલું અપાય છે, તેના પરથી સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓનું મૂલ્યાંકન થવું જોઇએ. આ બાબતે જનજાગૃતિ અને બહોળી સ્વિકૃતિ અતિ આવશ્યક છે. તે જેટલાં શુદ્ધ અને સંપૂર્ણ રહે તેટલો દેશ સ્વસ્થ રહે!

આ માટે લેખમાળાના ૫૦, ૫૧ અને ૫૨મા મણકામાં ખૂબ વિગતે ચર્ચા કરી છે. એટલું જ કહીએ કે હું જ્યાં છું ત્યાં વનસ્પતિ, જળ, જમીન અને વાયુના રક્ષણ અને સંવર્ધન માટે શું કરી શકું?

૩. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય સાધીએ: રાષ્ટ્રીય ચારિત્ર્યના આ બે પાયાનાં તત્ત્વો છે.
જે સ્વાવલંબી નથી, તે સ્વતંત્ર ન હોઇ શકે.
જે સ્વતંત્ર નથી, તેને આત્મગૌરવ સુલભ નથી.
જેનામાં આત્મગૌરવ નથી, તેને રાષ્ટ્રાભિમાન તો ક્યાંથી હોય?
સ્વાવલંબન માટે સાચી કેળવણી જરૂરી છે. બૌદ્ધિક અને શારીરિક એમ બેઉ પુરુષાર્થનો યોગ્ય ઉપયોગ કરવા સક્ષમ બનાવે તે ખરી કેળવણી.


કેળવણી એટલે....
શ્રમનિષ્ઠા
સહકારનિષ્ઠા
સેવાનિષ્ઠાનો
ત્રિવેણી સંગમ!


જેના કિનારે સ્વચ્છતા, સુઘડતા અને સ્વાસ્થ્યના ઉપવન ખીલે છે.
ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી યુવા રાષ્ટ્ર છે. દેશના એંસી કરોડ યુવાઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે શું શું ન કરી શકાય? શિક્ષણ સર્વસમાવેશી અને સમગ્રતાલક્ષી બને. જોબ સીકર્સ (રોજગારી શોધતા) નહીં, પણ જોબ ક્રિએટર્સ (રોજગારી સર્જક) યુવાઓના ઉદગમસ્થાન સમી શૈક્ષણિક સંસ્થા આદર્શ ગણાય. તે ઉપરાંત સંસ્કાર ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ પણ થાય.

૪. અર્થશુચિ કેળવીએ:
મનુસંહિતામાં કહ્યું છે, "સર્વેષામેવ અર્થશૌચં પરં સ્મૃતમ્"! અર્થશુચિ નૈતિકતાનો મૂળાધાર છે. અર્થશુચિ એટલે શું? અર્થશુચિ એટલે પ્રામાણિકતા. ન અણહક્કનું લેવું, ન અણહક્કનું આપવું. કોઇનો નૈતિક કે ન્યાયિક અધિકાર ન રોકવો તે પણ પ્રામાણિકતા છે.

ગીતાકારે ધર્મની સમજ સ્વાભાવિક કર્તવ્ય એવી આપી છે. જળ, જમીન અને હવા આપણા ત્રણ જીવનાધાર છે. પર્યાવરણમાંથી કેટલું લેવાય છે અને તેની સામે કેટલું અપાય છે, તેના પરથી સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓનું મૂલ્યાંકન થવું જોઇએ.

તમામ પ્રકારના કરવેરા કોઇપણ બચાવ-પ્રયુક્તિ વગર નિષ્ઠાથી ભરીએ તે મોટો નાગરિક ધર્મ છે. રાષ્ટ્રીય ભંડોળની પાઇ-પાઇ કરકસરુ અને કાર્યક્ષમ રીતે વપરાય તે પણ જોવું રહ્યું. આ માટે નાગરિકની જાગૃતિ ખૂબ જ આવશ્યક છે. ભ્રષ્ટાચાર કરનારો અને ભ્રષ્ટાચાર સામે આંખ-મીંચામણાં કરનારો એ બેઉ રાષ્ટ્રના ગુનેગાર છે.

માર્કેટમાં કૃત્રિમ અસ્થિરતા આણીને નફો રળી લેવો, સંગ્રહખોરી, ભેળસેળ કે કાળાબજારી કરવી અને લોભામણી જાહેરાતો દ્વારા ગ્રાહકોને ભ્રમિત કરવા વેપારધંધાની અપવિત્રતાનાં ઉદાહરણો છે.

રાષ્ટ્રની કુદરતી સંપદાનું શોષણ કે એકાધિકાર, કામદારોનું શોષણ કે પર્યાવરણના રક્ષણ માટેની નીતિમત્તા નેવે મૂકવી વગેરે ઔદ્યોગિક ક્ષેત્રની અશુચિતાના દાખલા છે.

પોતાનો સંકુચિત સ્વાર્થ છોડી શકે તેવો દરેક નાગરિક અર્થશુચિમાં અમૂલ્ય યોગદાન આપી શકે.

રાષ્ટ્રીય ચારિત્ર્યની રસપ્રદ સપ્તપદીનાં ત્રણ પગલાં પછીના અંકમાં જોઇશું.
[email protected]

સ્વ-અર્થ

- મારો જેમાં કુદરતી અને નૈતિક અધિકાર નથી તે ન લેવું
- મારે જે કરવાનું છે, તે દિલ દઇને કરવું
- મારા અધિકાર માટે જાગૃતિ કેળવું, તે સાથે
- દેશબાંધવોના હિત અને અધિકારોની ની કાળજી લઉં

પરિવાર-સાર

- ત્રણ મંત્ર: સહકાર, કરકસર અને ન્યાયી વહેંચણી  
- પરિવાર માટે જે આવશ્યક નથી તે ન સંઘરવું
- દરેક બિનજરૂરી સંગ્રહ માટે બીજા દેશબાંધવને વંચિત રાખું છું! 

મેનેજમેન્ટ-મર્મ

- દરેક હાથને અર્થપૂર્ણ કામ! 
- દરેક મનને રચનાત્મક વિચારનું મુક્ત આકાશ!
- દરેક હૃદયને આત્મવિશ્વાસ! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP