Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

રાષ્ટ્રનો અસ્મિતા કોષઃ રાષ્ટ્રીય ચારિત્ર્ય

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  

રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ રાષ્ટ્ર અને રાજ્ય એ બેઉ શબ્દો પ્રયોજ્યા છે. રાજ્ય સંપૂર્ણત: શાસકીય વિભાવના છે, જ્યારે રાષ્ટ્ર સાંસ્કૃતિક અસ્મિતા છે. રાજ્ય સ્થૂળ ભૌગોલિક સીમાઓથી સિમિત છે, જ્યારે રાષ્ટ્ર તો ઉર્ધ્વગામી ચેતનાથી ધબકતું ભાવવિશ્વ છે.
"આ ધરણી મારી માતા અને હું તેનો વહાલો પુત્ર" જેવી ભાવનાથી છલકતા વેદમંત્રોમાં નાગરિક અને રાષ્ટ્ર વચ્ચે કેવો દિવ્ય આત્મીયતાનો ભાવ છે!

રાજ્ય સંપૂર્ણત: શાસકીય વિભાવના છે, જ્યારે રાષ્ટ્ર સાંસ્કૃતિક અસ્મિતા છે. રાજ્ય સ્થૂળ ભૌગોલિક સીમાઓથી સિમિત છે, જ્યારે રાષ્ટ્ર તો ઉર્ધ્વગામી ચેતનાથી ધબકતું ભાવવિશ્વ છે.

રાષ્ટ્રીય ચારિત્ર્ય એટલે શું?:
આમાં બે શબ્દો છે, રાષ્ટ્રીય અને ચારિત્ર્ય. રાષ્ટ્ર શબ્દને સમજવાનો પ્રયાસ આપણે ઉપરના ફકરામાં કર્યો છે.
ચારિત્ર્ય એટલે શું? ચારિત્ર્યના પાયામાં ચર્ ધાતુ છે. જે આચારશીલતા અને કૃતજ્ઞતાનો બોધક છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને ચાલચલગત કહે છે. માણસ અલગ અલગ સંજોગોમાં કેવું વર્તે છે, તે ચારિત્ર્યનો માપદંડ છે.
રાષ્ટ્રીય ચારિત્ર્ય એક ભાવના અને એક કર્તવ્યનો સરવાળો છે.
કઇ ભાવના?
રાષ્ટ્રના પ્રત્યેક સજીવ અને નિર્જિવ પદાર્થ સાથે સહોદરનો સંબંધ અનુભવવો.
ક્યું કર્તવ્ય?
પોતાનાં શક્તિ અને સામર્થ્ય દેશબાંધવની સેવામાં સમર્પિત કરવાની નિષ્ઠા.
આ બેઉનો સરવાળો એટલે રાષ્ટ્રીય ચારિત્ર્ય.
મારી ઓળખ રાષ્ટ્રીયતા વડે થાય અને શક્ય હોય તો ત્યાં જ પૂરી થાય. હું પહેલાં ભારતીય છું અને પછી બીજું બધું. વળી આ "બીજું બધું" જો મારી રાષ્ટ્રીય ઓળખમાં બાધક બને તો તે નહીં ચલાવી લઉં. જાતિ, સંપ્રદાય, પ્રદેશ અને ભાષા વૈવિધ્ય બાધક ન બને પણ જેનો શ્રુંગાર બની રહે તે ખરું રાષ્ટ્રીય ચારિત્ર્ય!
જો કે અત્રે એ સ્પષ્ટતા પણ જરૂરી બની જાય છે કે રાષ્ટ્રીય અસ્મિતાના નિર્માણ સારુ વૈયક્તિક અસ્મિતાનો લોપ આવશ્યક નથી. નાગરિક એ રાષ્ટ્રનો અંગભૂત એકમ છે. નાગરિકત્વ અખંડ રહે તેમાં જ રાષ્ટ્રીય ચારિત્ર્યની અખંડતા છૂપાયેલી છે. યુરોપની નવજાગૃતિ અથવા રેનેસાં આ માટેનો બહુ મોટો પદાર્થપાઠ છે.
અણઘડ સામાજિક રૂઢિઓથી માનવની મુક્તિનો ઘંટનાદ અને નવતર સ્વસ્થ મૂલ્યોનું પ્રસ્થાપન એ વિકસિત રાષ્ટ્રનો મૂળ મંત્ર છે. જે સમાજમાં માણસ મુક્ત હોવા સાથે સમુદાયનિષ્ઠા જાળવે તે સ્વસ્થ અને વિકાસોન્મુખ રહે.
રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય ચારિત્ર્ય ભિન્ન છે:
દેશમાં જન્મ થાય અથવા બીજી કોઇ કાનૂની રીતે નાગરિકત્વ મળે તેથી કેટલાક મૌલિક અધિકારો કે હક્કો મળી જાય છે. જો કે તેની સાથે કેટલાંક કર્તવ્યો પણ મળે છે, જે તમારો નાગરિક ધર્મ છે.
નાગરિકત્વ મળવાથી તમને રાષ્ટ્રીયતા સહજ રીતે પ્રાપ્ત થાય. પરંતુ જે રીતે એક કુશળ શિલ્પી પથ્થરમાંથી દિવ્ય પ્રતિમા કંડારે તેમ તમારું રાષ્ટ્રીય ચારિત્ર્ય તો જાતે જ ઘડવું પડે! તેમાં તમને શિક્ષણ, માતા-પિતા, પરિવાર અને સમાજ મદદરૂપ થાય પણ તમારી આંતરિક ચેતના જાગૃત થયા વિના આ બધાં વ્યર્થ છે!
મારા રાષ્ટ્રીય ચારિત્ર્ય બાબતે હું કેટલો સભાન છું? આ પ્રશ્ન દરેક નાગરિકે પોતાની જાતને સતત પૂછતાં રહેવું જોઇએ.
રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ:
“વ્યક્તિ અને સમાજ” નામના નિબંધમાં ડૉ.આલ્બર્ટ આઇન્સ્ટાઇન લખે છે, “નાગરિક એક સામાજિક હસ્તી છે. તેનું જીવન અનેક દેશબાંધવોનાં કાર્યો અને અભિલાષાઓના તાંતણે ગુંથાયેલું છે. અન્ન, આવરણ અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ તે પૂરેપૂરો સ્વાવલંબી નથી ત્યાં ભાષા, સાહિત્ય અને જ્ઞાન-વિજ્ઞાન જેવી બૌદ્ધિક આવશ્યકતાઓનું તો પૂછવું જ શું? તો પછી તેના આચાર વિચાર અને ભાવનાઓનું કેટલે અંશે સામાજિકીકરણ થયું છે તે જ તેના વ્યક્તિત્વ માપનની પારાશીશી હોવી જોઇએ ખરૂં, ને? હવે આ તર્કની પેલે પાર જોઇએ. કેટલાક એકલવીરોએ જીવનભર ઝઝૂમીને નિતનવાં ઋતો ખોળી કાઢે છે. રાષ્ટ્રની ફળદ્રુપ ધરતી પર કરાતા વ્યક્તિગત રચનાત્મક પ્રયત્નોને લીધે માનવજીવન આટલું સગવડભર્યું અને સમૃદ્ધ બન્યું છે”.
આમ રાષ્ટ્ર અને નાગરિક એકમેકના પૂરક છે. આ ઋત આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યનું પાયાનું તત્ત્વ છે!
આપણે શાળામાં ભણીએ ત્યારે પ્રતિજ્ઞા બોલીએ, "ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઇ બહેન છે, વગેરે." જ્યારે મોટા થઇએ આવી પ્રતિજ્ઞાઓ અને દેશભક્તિનાં ગીતોની ઊર્મિ ઓસરી ગઇ હોય. જાણે કે આ બધું માત્ર બાલ્યાવસ્થાના રૂપકડાં સપનાં સારુ જ કેમ ન હોય! રાષ્ટ્રભક્તિનાં બીજ શૈશવની સુજલામ સુફલામ ધરતીમાં વાવવા પાછળ તેને જીવન વ્યવહારમાં ઉતારવાનો ઉદ્દેશ રહેલો છે. બાળપણમાં ભણેલા રાષ્ટ્રભક્તિના પાઠો વિસરાઇ ન જાય તે માટે શું કરવું જોઇએ?
રાષ્ટ્રીય ચારિત્ર્ય કેળવવાના રોજિંદા જીવનમાં ઉપયોગી સંકલ્પોનાં ઉદાહરણો જોઇએ....
મારા હક્ક જેટલો જ સંવેદનશીલ મારી ફરજ માટે બનું!
તમામ નાગરિકો સાથે સમાનતા, બંધુતા અને ન્યાયી રીતે વર્તીએ
વયસ્ક, માતા, બહેનો, બાળકો અને દિવ્યાંગનો આદર અને સેવા કરીએ
નિયમિત કરવેરા ભરીએ
દેશના કાયદાઓને અનુસરીએ
કૉર્ટ કે કચેરીમાં ચાલતી ન્યાયી કાર્યવાહીમાં નિર્ભયતાથી સહકાર આપીએ
જાહેર સહાય કે લાભ લેતી વેળા ઇમાનદાર બનીએ
જે કામ કરતા હોઇએ ત્યાં સવાયી નિષ્ઠાથી કાર્મ કરીએ
સાથી કર્મચારીને ન્યાયી વેતન અને અન્ય હક્કો આપીએ
મેં બોલેલો શબ્દ કે વેંચેલો સામાન દેશની આબરુ છે!

દેશમાં જન્મ થાય અથવા બીજી કોઇ કાનૂની રીતે નાગરિકત્વ મળે તેથી કેટલાક મૌલિક અધિકારો કે હક્કો મળી જાય છે. જો કે તેની સાથે કેટલાંક કર્તવ્યો પણ મળે છે, જે તમારો નાગરિક ધર્મ છે.

પ્રદેશ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વ્યવસાય જેવી પેટા ઓળખને ગૌણ ગણીએ
આવી કોઇ પેટા ઓળખ રાષ્ટ્રીય હિત વિરુદ્ધ હોય તો તેને તુરત ત્યાગી દઇએ
ખોરાક, જળ, જમીન, ખનીજ, વાયુ અને અવકાશ જેવા રાષ્ટ્રીય સ્રોતોનો
કરકસરુ ઉપયોગ કરીએ
દેશબાંધવોમાં ન્યાયી રીતે વહેંચીએ
પ્રદૂષણ કે વેડફાટ તો ન જ કરીએ
દેશની વન્ય સંપદા, ઔષધિ અને પ્રાણી સૃષ્ટિની રક્ષા કરીએ
જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, કચરાના વ્યવસ્થાપનમાં સહયોગ આપીએ
મુસાફરીનાં સાધનો અને જાહેર ઇમારતો અને જાહેર સેવા આપણી સહિયારી રાષ્ટ્રીય સંપત્તિ છે, તે સભાનતા સાથે ઉપયોગ કરીએ રાજમાર્ગો પર વાહન હંકારતી વેળા સ્વેચ્છાથી ટ્રાફીકના નિયમોને અનુસરીએ સંતો, સુધારકો, ચિંતકો, સર્જકો, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને સમાજસેવકોનું ઋણ સ્વિકારીએ, અનુસરણ કરીએ
આવો પ્રત્યેક સંકલ્પ આપણા રાષ્ટ્રીય ચારીત્ર્યના નિર્માણમાં એક એક ઇંટ બની રહેશે. વંદે માતરમ્!
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP