Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- જુઓ, સાંભળો અને વિચારીને ગ્રહણ કરો
- મનને ગમે તે પ્રેય, સારું હોય તે શ્રેય
- શ્રેય અને પ્રેય વચ્ચે એકની પસંદગી કરવાની હોય 
- તો શ્રેયની પસંદગી કરો

- આયુર્વેદમાં કહે છે કે 
- જે પરેજી પાળે તેને દવાની જરુર નથી અને 
- જે પરેજી ન પાળે તેને માટે દવાની કોઇ અસર ન થાય 
- આ જ વાતને સંસ્કાર અને આર્થિક સમૃદ્ધિના સંદર્ભમાં કહીએ તો
- જ્યાં સંસ્કાર છે, ત્યાં સમૃદ્ધિની ઊણપ ખટકતી નથી અને 
- જ્યાં સંસ્કાર નથી ત્યાં સમૃદ્ધિ ટકી ન શકે! 

રાષ્ટ્રનો વિજ્ઞાનકોષ

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

વિજ્ઞાન એટલે વિવિધ રીતે જાણવું અથવા વિસ્તરિત જ્ઞાન. વ્યવહારમાં વિજ્ઞાન શબ્દ સાથે જે તે વિષયના વિશેષ જ્ઞાનની સમજણ જોડાયેલી છે; જેમ કે, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર કે અર્થશાસ્ત્ર. કાર્ય-કારણ અનુસંધાન અને તર્કબદ્ધ અવલોકન એ વિજ્ઞાનના પાયાના તત્ત્વો છે.


વિજ્ઞાન એટલે વિવેક: જો કે અધ્યાત્મની ભાષામાં વિજ્ઞાન એટલે વિવેક. તૈત્તિરીયોપનિષદની બ્રહ્માનંદવલ્લીના ચોથા અનુવાકમાં વિજ્ઞાનમય કોષનું કાવ્યશૈલીમાં રસપ્રદ વર્ણન છે,
“મનોમય કોષના પિંજરમાં વસે વિજ્ઞાનમય પંખી શ્રદ્ધા છે વિજ્ઞાનપંખીનું મસ્તક!


ઋત તેની છે જમણી પાંખ અને સત્ય ડાબી પાંખ!
યોગ તેનો આત્મા છે અને
પ્રકૃતિ તેની પૂંછ એટલે આધાર છે!"

ઋત અને સત્ય: શું સાચું અને શું ખોટું તેની સમજણ અને સાચી વાત સ્વિકારવાની પરિપક્વતા તેને અનુસરવાની નિષ્ઠા એટલે વિજ્ઞાન. તેનાં બે પાસાં છે, સત્ય અને ઋત. સત્ય એટલે વ્યવહારુ તથ્ય, ઋત એટલે સનાતન તથ્ય. જેમ કે, તમારા મિત્રોનાં જુદાં જુદાં નામ ‘અ’, ‘બ’ કે ‘ક’ છે, તે સત્ય છે. પણ “અ’, ‘બ’ અને ‘ક’નાં માનવ અંગેનાં સમાન અધિકારો છે, તે ઋત છે.


વધુ વ્યવહારુ ઉદાહરણ લઇએ તો, અમેરિકાના જુદાં જુદાં રાજ્યોમાં હથિયાર રાખવા અંગે જુદા જુદા કાયદા છે. જો કે અહિંસાના પાલન માટે ઘાતક હથિયાર ન રાખવું જોઇએ તે બાબતે કોઇ બે મત ન હોઇ શકે. કારણ કે અહિંસા એ કાળ-સ્થળથી નિરપેક્ષ સત્ય છે.


સત્ય અને ઋત બન્ને મહત્ત્વનાં છે. સત્ય ઋતનું વ્યવહારુ પાસું છે. જો કોઇ કહેવાતું સત્ય અહિંસા, પ્રેમ, કરુણા, સમાનતા, ન્યાય કે ભાઇચારો જેવા ઋતથી વિરોધાભાસી હોય તો તે સત્ય સ્વિકાર્ય નથી જ. જેમ કે સતી કે દહેજ પ્રથા અમુક સમાજમાં વરસોથી ચાલી આવે છે તે હકીકતથી તેને સત્ય ન કહી શકાય કારણ કે તે અહિંસાના સનાતન ઋતનો વિરોધ કરે છે.


તે જ રીતે યોગ એટલે આત્મા અને પરમ ચૈતન્યની એકતા. તે જ સિદ્ધાંતને સ્વિકારીએ તો જીવમાત્રની મૂળભૂત એકતા આપોઆપ સાબિત થાય છે. જેમ કે જો કોઇ બે જીવાત્મા A અને C બન્ને પરમાત્મા B સાથે એકતા ધરાવતા હોય એટલે કે A=B અને C=B, તો સ્વાભાવિક રીતે A=C! વળી આ બધું કુદરતના શાશ્વત નિયમોને અનુસરે છે. પ્રકૃતિના મૂળ વગર સિદ્ધાંતોનું થડ અને ઋત અને સત્યના પુષ્પો કઇ રીતે ખીલી શકે!


ગીતાનું વિવેક પંચામૃત: આમ જુઓ તો સમગ્ર ભગવદગીતા એક વિજ્ઞાન કોષ છે. તે ધર્મયુદ્ધના પ્રારંભે થયેલો સંવાદ છે. માણસના જીવનના ડગલે ને પગલે આવતી સમસ્યાઓ અને સંઘર્ષો સામે લડવાની ઊર્જાનો એ ભરપૂર ખજાનો છે. તેમાંનાં પંચામૃત સમાન પાંચ જ્ઞાનબિંદુઓનું દર્શન કરીશું.


૧. અભયમ્ કેળવ:

બીજા અધ્યાય સાંખ્યયોગના "વાસાંસિ જિર્ણાનિ" અને "નૈનં છિંદંતિ" જેવા મંત્રોમાં આત્માની અમરતા અને શરીરની નશ્વરતા રજુ થઇ છે. માણસને પોતાના મૂળ શાશ્વત અને પરમ સ્વરૂપનું ભાન કરાવવા પાછળ યોગેશ્વરનો ઉદ્દેશ તેનામાં નિર્ભયતા કેળવવાનો છે. જેણે મૃત્યુનો ભય છોદી દીધો છે, તેવી રચનાત્મક વ્યક્તિ દેશ માટે મોટી અસ્ક્યામત છે!


૨. યોગી બન:

ગીતાના બીજા અધ્યાયમાં યોગની બે અલગ અલગ પરિભાષા છે. યોગ એટલે સમત્વ અને કર્મમાં કુશળતા એટલે યોગ. સમત્વ + કૌશલ્ય = યોગ. સિદ્ધિ જનિત અહંકાર અને અસિદ્ધિ જનિત હતાશા એ બેઉ કર્મયોગીના મોટામાં મોટા શત્રુ છે. "તું માત્ર નિમિત્ત માત્ર છે” બોધવાક્ય માણસના મોટિવેશનને ઊંચે લઇ જાય છે!


૩. સ્થિતપ્રજ્ઞતા કેળવ:

સ્થિતપ્રજ્ઞા એટલે શું? તેનો અર્થ "સ્થિર બુદ્ધિ" ન થઇ શકે. તેનો વૈચારિક જડતા જેવો અર્થ તો કદાપિ નહીં થઇ શકે. ખરેખર તો તેમાં સતત અથવા પળેપળ "જાગૃતિ" જેવો ભાવ અભિપ્રેત છે. સ્થિતપ્રજ્ઞતા એ માનવ માત્રનો સર્વોચ્ચ આદર્શ છે.


૪. જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય કર:

કર્મયોગ એટલે ઉદાત્ત ઉદ્દેશો સાથે, અનાસક્ત ભાવે પૂરેપૂરી નિષ્ઠાથી જોડાઇને કામ કરવું તે. "શું કરવું", "કઇ રીતે કરવું" અને "શા માટે કરવું" એ ત્રણેય વાતોનો સ્પષ્ટ ખ્યાલ તેમાં મળે છે. શ્રીકૃષ્ણે "હું શું કરી શકું" જેવો પલાયનવાદ અને "આમાં મારું શું?" જેવા ભોગવાદ એ બેઉનો એકી સાથે છેદ ઉડાડ્યો છે. યોગેશ્વર શ્રી કૃષ્ણે સંસારમાં રચ્યા-પચ્યા રહીને પણ મુક્ત રીતે જીવવાનો માર્ગ ચીંધ્યો છે.


૫. તારી ફરજ અદા કર, બાકીનું મારા પર છોડ:

"બીજા લોકો શું કરે છે, તે જોવાનું તારું કામ નથી. તું માત્ર તારું કર્તવ્ય અદા કર. બાકીનું પરમાત્માના ભરોસે છોડી દે". વાતમાં કોઇ શંકા નથી કે આવો અભિગમ માણસમાં અખૂટ શ્રદ્ધા અને કર્તવ્ય નિષ્ઠા જન્માવે છે. આટલી નાની અમથી વાત માનસને મહામાનવ બનાવવા પૂરતી છે!


રાષ્ટ્રનો વિજ્ઞાનમય કોષ: દરેક નાગરિક માત્રના સંસ્કાર અને શીલનો સમૂહ રાષ્ટ્રનો વિજ્ઞાનકોષ છે. રાજાશાહીમાં "યથા રાજા તથા પ્રજા" તો લોકશાહીનું ઋત છે, "યથા પ્રજા તથા રાજા!" જો કે એ ખરું કે દરેક નાગરિકમાં સરખી વિવેકબુદ્ધિ ન હોઇ શકે. એટલે ગીતાકાર કહે છે, "યદ્ યદ્ આચરતિ શ્રેષ્ઠ:"(૩/૨૧) એટલે કે જેવું મોટા કરે, નાના તેને અનુસરે! આમ વિજ્ઞાન અથવા વિવેક એ નેતૃત્વનો ધર્મ છે. રાષ્ટ્રમાં આધ્યાત્મિક, રાજકીય અને સામાજિક એમ ત્રણ સ્તરે નેતૃત્વ ઉપલબ્ધ છે.
[email protected]

સ્વ-અર્થ

- જુઓ, સાંભળો અને વિચારીને ગ્રહણ કરો
- મનને ગમે તે પ્રેય, સારું હોય તે શ્રેય
- શ્રેય અને પ્રેય વચ્ચે એકની પસંદગી કરવાની હોય 
- તો શ્રેયની પસંદગી કરો

પરિવાર-સાર

- આયુર્વેદમાં કહે છે કે 
- જે પરેજી પાળે તેને દવાની જરુર નથી અને 
- જે પરેજી ન પાળે તેને માટે દવાની કોઇ અસર ન થાય 
- આ જ વાતને સંસ્કાર અને આર્થિક સમૃદ્ધિના સંદર્ભમાં કહીએ તો
- જ્યાં સંસ્કાર છે, ત્યાં સમૃદ્ધિની ઊણપ ખટકતી નથી અને 
- જ્યાં સંસ્કાર નથી ત્યાં સમૃદ્ધિ ટકી ન શકે! 

મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP