Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-38
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

ગીતાના આદર્શો પર ઊભું થયેલું વ્યવસ્થાતંત્ર કેવું હોય ?

  • પ્રકાશન તારીખ20 Aug 2018
  •  

Gita Model for Journey 2 Excellence (1)
સંસ્થાનો નાનામાં નાનો એકમ ઘર અને મોટામાં મોટો આ સચરાચર વિશ્વ! ગીતાનું મૉડેલ સામાજિક સંસ્થાને ઉપયોગી છે તેટલું જ કોઇ વ્યવસાયિક સંસ્થા માટે પણ પ્રસ્તુત છે. ગીતાના આદર્શ પર ઊભું થયેલું તંત્ર કેવું હોય તેનો વિચાર કરીએ.

વધુ ને વધુ ઊંચે અને આગળ જવાનું લક્ષ્‍ય રાખીએ

ગીતા એટલે કર્તવ્યયોગ. યોગેશ્વર કહે છે; નિર્ભય થાઓ, પડકારને સામી છાતીએ ઝીલો, સતત જાગૃત રહો. સત્ય અને ન્યાયના માર્ગે આગળ વધો!

‘‘જે દિલને ગમે પણ મનને ન ગમે’’ તે કરવા જેવું! આનાથી ઊલટું, ‘‘જે મનને ગમે પણ દિલમાં ખૂંચે’’ તે ન કરવા જેવું!

વિમાન કઇ રીતે ટેઇક ઑફ કરે છે તે ધ્‍યાનથી જોયું છે? સૌ પ્રથમ તો ‘‘રન-વે’’ પર દોડવાનું શરૂ કરે છે. ત્‍યારપછી જે દિશામાં ઊડવાનું હોય તે બાજુ વિમાનનું મસ્તક ઊંચું થાય છે. ત્‍યારે તેની પૂંછડી જમીન તરફ રહે છે. બાદમાં તે હવામાં ધીમે ધીમે ઉપર ચઢે છે. પવનની દિશા અને વેગ સાથે તેના પાંખિયાં ખૂલતાં જાય છે. ક્રમશઃ તે ઉંચાઇ પકડે છે. ત્‍યાર પછી જયારે તે યોગ્‍ય ઉંચાઇ પ્રાપ્‍ત કરે છે, ત્‍યારે મહત્તમ ગતિ ધારણ કરે છે.
ઉપરના ફકરાને બીજીવાર વાંચો. પછી આંખ બંધ કરી મનોમન મમળાવો. તમને અનુભૂતિ થશે કે પ્લેન ટેઇક ઑફના રૂપકને અંગત અને વ્યવસાયિક જીવનમાં લાગુ કરી શકાય, ખરું ને?
વિઝન સ્‍ટેટમેન્‍ટનું સર્વ શ્રેષ્ઠ રૂપક એટલે આકાશમાં ઊડી જવા થનગનતા એરોપ્લેનનું ટેઇક-ઓફ!
મુશ્કેલીઓને ઉકેલવાનો શ્રેષ્‍ઠ માર્ગ તેની સાથે મૈત્રી કરવાનો છે. જે પડકારોને પ્રેમ કરે છે, તેને માટે પડકાર પોતે પ્રગતિની સીડી બની જાય છે. દરેક નાના-મોટા અનુભવમાંથી શીખતા રહો. પ્રારંભિક નિષ્ફળતાઓએ બંધાવેલ અનુભવનું ભાથું સફળતાનું મહાશિખર સર કરવાની જડીબુટ્ટી છે.
સફળતાના ફળો સાથીઓ સાથે ઉદારતાથી વહેંચો. શુભેચ્‍છાનું ફુલ ગજવામાં મુકી આગળ વધો!
ઉત્તમ સાધ્‍ય સાથે સ્‍વસ્‍થ સાધનનો સમન્‍વય
સાધ્‍ય–સાધનની વાત આવે એટલે કેટલાકને 440 વોલ્‍ટનો ઝટકો લાગે છે. તેઓનું માનવું છે કે આ બધી વાતો શાસ્‍ત્રોનાં થોથાંમાં શોભે. ધંધા-રોજગારમાં ‘‘વ્‍યવહારૂ’’ થવું જ પડે. ગમે તે રસ્તે કમાવું અને તેમાંથી બે પૈસા ધર્માદામાં ખરચી કાઢવા! આ તો ઇશ્વરને છેતરવાનો ખેલ થયો.
‘‘જે દિલને ગમે પણ મનને ન ગમે’’ તે કરવા જેવું! આનાથી ઊલટું, ‘‘જે મનને ગમે પણ દિલમાં ખૂંચે’’ તે ન કરવા જેવું! તમે માનશો? ‘કર્તવ્ય’ અને ‘અકર્તવ્ય’ માટે આ પરીક્ષા પૂરતી છે. ટ્રાય ઇટ!
જ્યાંથી જેટલું લઇએ ત્‍યાં સવાયું પાછું વાળીએ
વેપારીઓ ચોપડાઓમાં ‘‘શ્રી સવા’’ લખે છે. ‘‘શ્રી સવા’’ પચીસ ટકા પ્રૉફિટ લેવો નહીં, પણ આપણી બુદ્ધિ અને ઊર્જાને સવાયી કરીને સમષ્‍ટિના કલ્‍યાણ માટે ઉપયોગ કરવો!
ક્યારેય વિચાર્યું છે કે ક્યાં ક્યાંથી કેટલું લીધું છે ? માતાના ગર્ભમાંથી શરૂ થયેલી યાત્રા દરમ્‍યાન જાણ્યા–અજાણ્‍યા અનેક જીવોના ઋણી બન્‍યા છીએ. જન્‍મ આપનાર માતા જેટલા જ પ્રકૃતિમાતાના ઋણી છીએ. દરેક શ્વાસે ઘરની બહાર ઊભેલા પીપળાના ઋણનો સ્‍વીકાર કરીએ. આ રીતે જેમ જેમ કૃતજ્ઞતાનો વિસ્‍તાર થતો જશે તેમ સૃષ્‍ટિના અભિન્‍ન અંગ હોવાનો અહેસાસ વધશે! ઋણ સ્‍વીકાર એ ઋણ મોચનના પુણ્યકર્મની શરૂઆત છે.
કોઇ વિઝનરી જો પાપ-પુણ્યનું આધુનિક લિસ્ટ બનાવશે તો ‘પ્રદૂષણ’ મહાપાપની યાદીમાં હશે અને ‘સૂર્યઊર્જાનો ઉપયોગ’ મહાપુણ્યની યાદીમાં હશે, બોલો શું કહેવું છે?
માનવ સંપદાનું સાચું સૂત્ર અમલમાં મૂકીએ:
ગીતા અને મેનેજમેન્‍ટ વિષય ઉપર મારે અડધી મિનિટ બોલવા મળે તો હું પંદરમા અધ્‍યાયનો પંદરમો મંત્ર ‘‘સર્વસ્‍ય ચાહં હૃદિ સન્નિવિષ્‍ટઃ"નો સંદેશ આપવાનું પસંદ કરું!
‘‘હું (પરમાત્‍મા) બધાના હૃદયમાં રહેલો છું, મારી જ પ્રેરણાથી જીવને સ્‍મૃતિ, જ્ઞાન અને વિસ્‍મૃતિ થાય છે. બધું જ જાણવા યોગ્‍ય, જાણનાર અને જાણવાની ક્રિયા પણ હું જ છું !’’ દરેક માણસના હૃદયમાં બેઠેલો ઇશ્વરીય અંશ તેનામાં અમાપ ક્ષમતા ભરી આપે છે. સારો મેનેજર સાથીઓમાં સુષુપ્ત પડેલ સ્થાયી ઊર્જા (પોટેન્‍શ્‍યલ એનર્જી)ને રચનાત્‍મક ક્રિયાઊર્જા (ક્રિએટિવ કાઇનેટિક એનર્જી)માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરે છે!
”સર્વસ્ય ચાહં” મંત્રને બીજમંત્ર બનાવો. થોડા વખતમાં તમારું પર્યાવરણ ઉત્‍સાહ, આત્‍મવિશ્વાસ અને કાર્યદક્ષતાની ઉચ્‍ચત્તમ ક્ષિતિજે પહોંચી જશે. આમ કરવા તમારે માત્ર બે જ વસ્‍તુ ગુમાવવાની છે, મૂર્ખતા અને અહંકાર! તેની સામે મેળવવાનું ઘણું છે; સાથીઓનો પ્રેમ, સન્‍માન અને આત્મસંતોષ !
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP