Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-36
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

ગુણવત્તા નિર્ધારણમાં ગીતા પ્રસ્તુત છે?

  • પ્રકાશન તારીખ18 Aug 2018
  •  

ગીતા ભણનારો ન કરે નિયંત્રણ, એ તો કરે મૂલ્યવર્ધન!
જ્યારે આપણે કામની શરૂઆત કરીએ ત્‍યારે બુદ્ધિપૂર્વક એક ઉદેશ-મંત્ર ઘડ્યો હતો. તેને ચરિતાર્થ કરવા સાધન-સંસાધનોનું ઉત્તમ પ્રકારે સંગઠ્ઠન કર્યું. જરૂર પડી ત્‍યાં શ્રેષ્‍ઠ નેતૃત્‍વ પણ પ્રદાન કર્યું. હવે જયારે કામ પુરું થયું છે ત્‍યારે તેની ફળશ્રુતિ અંગે વિચાર કરવાનો છે. ગુણવત્તા નિર્ધારણ ઉદેશ-મંત્રના સંદર્ભમાં નિર્ધારેલા લક્ષ્‍યાંકો સિદ્ધ થયા છે કે કેમ અને કેવી ઉણપ રહી ગઇ છે, તેનું મૂલ્યાંકન છે.

ઋષિ બે શબ્દો વાપરે છે; પ્રેય અને શ્રેય. જે મનને રુચે તેવું હોય, તે પ્રેય. જે કરવું હિતકારક હોય, તે શ્રેય.

સારું મૂલ્‍યાંકન તેને કહેવાય કે જેમાં
કઠોર સત્‍યનો સ્‍વીકાર કરવાની તૈયારી હોય,
જે તટસ્‍થ અને વસ્‍તુલક્ષી હોય,
જે ગુણગ્રાહી હોય,
અને જે ગુણવર્ધક હોય!
કઠોર સત્‍યનો સ્‍વીકાર કરોઃ
કઠોપનિષદમાં ‘‘પ્રેય’’ અને ‘‘શ્રેય’’ની વિભાવના છે. યમરાજા પાસે નચિકેતા ઉત્તમ વિદ્યાની માંગણી કરે છે. તેની પાત્રતા ચકાસવા યમરાજા અનેક પ્રલોભનો આપે છે. જો કે નચિકેતા એ બધી લાલચને ઓળંગી જાય છે.
ઋષિ બે શબ્દો વાપરે છે; પ્રેય અને શ્રેય. જે મનને રુચે તેવું હોય, તે પ્રેય. જે કરવું હિતકારક હોય, તે શ્રેય. ઉત્તમ કક્ષાનો માણસ શ્રેયમાં જ પ્રેયનું દર્શન કરશે. મધ્યમ કક્ષાનો માણસ શ્રેય-પ્રેયનો ભેદ સમજીને શ્રેયને અનુસરવા પ્રયાસ કરશે. જ્યારે અધમ માણસ શ્રેયને છોડીને પ્રેયને પ્રાધાન્‍ય આપશે. શ્રેયના માર્ગે ચાલવું અઘરું છે. આ સંદર્ભમાં જ સત્‍યને કઠોર કહેવામાં આવ્‍યું છે.
કડવા પણ હિતકારી અમૃતની જેમ કઠોર વાસ્‍તવિકતાનો સ્‍વીકાર કરવો જોઇએ. સંસ્થા કે પ્રણાલીમાંના પડકારોને ઓળખીએ. તેના નિરાકરણ માટેનો વિશદ અભ્યાસ કરીએ. આપણા સહુની સામૂહિક શક્તિના સમન્‍વય દ્વારા સમષ્‍ટિના કલ્‍યાણનો માર્ગ પ્રશસ્ત કરીએ. યાદ રહે, સમષ્‍ટિ એ વ્‍યષ્‍ટિ-વ્‍યષ્‍ટિનો સરવાળો છે. શબ્દોની રમત રમીએ તો, ‘‘સહુ’’ માં ‘‘હું’’ આવી જાય છે!
તટસ્‍થ રહો, નિરપેક્ષ મૂલ્‍યાંકન કરોઃ
તટસ્‍થ, સ્‍વતંત્ર, વસ્‍તુલક્ષી અથવા થર્ડ પાર્ટી આ બધા એક કૂળના શબ્‍દો છે. મૂલ્‍યાંકન તટસ્‍થ થવું જોઇએ તેવો સહુનો એકમત છે. પણ પાયાનો પ્રશ્ન એ છે કે આવું સાવ નિર્ભેળ, નિરપેક્ષ અને વસ્‍તુમૂલક નિરીક્ષણ શકય છે?
એક નાનો પ્રયોગ કરીએ. પારદર્શક સ્‍ફટિકનો ટુકડો લાલ રંગનું કપડા પર મૂકો. ત્‍યારબાદ સ્‍ફટિકને ઉઠાવી લો. હવે તેને વાદળી રંગનું કપડા પર મૂકો. પારદર્શક સ્‍ફટિક જે રંગ પર મૂકવામાં આવે છે, તેનો રંગ ગ્રહણ કરે છે. જો કે તેને રંગીન પદાર્થથી દૂર કરવામાં આવે ત્યારે તે રંગ છોડી દે છે.
સ્‍ફટિક આપણા માટે અદભુત રૂપક છે. સ્‍ફટિક એટલે પારદર્શતા. સ્‍ફટિક એટલે રંગહીનતા. સ્‍ફટિક એટલે અણિશુદ્ધ જ્ઞાન. સ્‍ફટિક એટલે નિરપેક્ષ ભાવે જોવાની ક્ષમતા. આપણી પ્રણાલીમાં રહેલા દરેક રંગને, દરેક તત્ત્વ ને પારદર્શક રીતે જોવા સમજવાનો પ્રયાસ એટલે સ્‍ફટિકમય દર્શન !
દરેક પદાર્થને તેનો આગવો રંગ છે. દરેક માણસને તેની આગવી વિલક્ષણતા છે. જેને પ્રકૃતિએ ભરેલ રંગ કહી શકીએ. સ્‍ફટિક પાસેથી તટસ્‍થ દર્શન માટેનો દીક્ષા લઇએ.
ગુણગ્રાહી બનોઃ
તમે કયારેય તળાવમાં ખીલેલા કમળને જોયું છે? કમળની દાંડી કાદવમાં ખૂંપેલી હોય, તેનું વિશાળ પાન પાણી પર તરતું હોય અને પર્ણસિંહાસન પર કમળનું સુંદર પુષ્‍પ બિરાજમાન હોય! કાદવથી લથબથ પાણીમાં હોવા છતાં પાંદડા કે ફૂલ પર ગંદા પાણીનું ટીપું જોવા મળતું નથી. પાણીમાં રહેવા છતાં ભીંજાવું નહીં તે સ્‍વભાવને કહેવાય જળ-કમળ યોગ!
કમળ ગુણસંગ્રહ માટેનો શ્રેષ્‍ઠ મંત્ર છે. જે વ્‍યકિતએ ગુણવત્તાનો અભ્‍યાસ કરવો હોય તેણે પ્રણાલીમાં ઉંડે સુધી ખૂંપી જવું પડે. તેનાં સારા-નરસાં બધાં પાસાંને સારી રીતે સમજવા ૫ડે. આવું કરતી વેળા તેણે કાળજી લેવી પડે કે તે પ્રણાલીનો ભાગ બની જતો નથી. આમ છતાં તે પોતાના અભ્‍યાસ માટે જરૂરી છે તે બધું જ પ્રણાલીમાંથી પ્રાપ્‍ત કરે છે. ઉત્તમ વસ્તુઓ અને ઊર્જાનો સમન્‍વય કરીને કમળ-પુષ્‍પ ખીલવે છે. મૂલ્‍યાંકનકારે સાવ તટસ્‍થભાવે અભ્‍યાસ કરીને શ્રેષ્‍ઠ પરિણામ આપવું પડે.
ગુણવર્ધક બનોઃ
સારા લીડર કોને કહેવાય? તે માત્ર ગુણ-નિરીક્ષણ નહીં કરે પરંતુ તે ગુણવર્ધન કરશે. તમારી પ્રણાલીનો દરેક પદાર્થ વિશિષ્ઠ છે. યાદ રાખો કે નિસર્ગની પ્રત્‍યકે રચના વિશિષ્‍ઠ છે. કમળના પ્રતિકને ફરી યાદ કરીએ. કાદવમાં ખીલેલા કમળની દાંડી જોઇતું પોષણ મેળવીને શ્રેષ્‍ઠ પુષ્પ ખીલવે છે, તેમ આપણા પર્યાવરણમાંના ઉપયોગી તમામ પરિબળોનું સંકલન કરી ઉત્તમોત્તમ ફળશ્રુતિ આપીએ.
જેણે ગીતાનું દર્શન કર્યું છે તેવા મેનેજર માટે ક્વોલીટી એક જુદો જ અર્થ લઇને આવે છે. તે દરેક માણસની વિશિષ્ઠ અને અમર્યાદ શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે. ટીમના દરેક સભ્યને પોતે ધારેલા ઉત્તમ લક્ષ્ય સુધી પહોંચવા જોઇતું પર્યાવરણ પૂરું પાડશે.

કમળ કાદવથી લથબથ પાણીમાં હોવા છતાં તેનાં પાંદડાં કે ફૂલ પર ગંદા પાણીનું ટીપું જોવા મળતું નથી. પાણીમાં રહેવા છતાં ભીંજાવું નહીં તે સ્‍વભાવને કહેવાય જળ-કમળ યોગ!

“સંભવામિ” એક અદભુત પ્રૉજેક્ટ
તમારી ટીમના દરેક સાથીને, રુટિન જવાબદારી પૈકી કે તે સિવાય, ગમતું કામ પસંદ કરવા દો. આ કામ માટેના તમામ નિર્ણયો તેમને લેવાની છૂટ આપો. દા.ત. એક શિક્ષકને નિર્ધારિત અભ્યાસક્રમ ઉપરાંત કોઇ ખાસ સહ-અભ્યાસિક પ્રવૃત્તિ કરવામાં રસ છે. તેની કાર્યયોજના તે જ બનાવશે. બાળકોને તેણે પસંદ કરેલ ક્ષેત્રમાં ખાસ તાલીમ આપે છે. તમે જોશો કે આ મર્યાદિત સ્વંત્રતા પણ કેવું સુંદર પરિણામ લાવી શકે છે! આવું શાથી થયું હશે?
આ વાતમાંથી તારવી શકાય કે,
દરેક માણસને સ્વતંત્રતા ગમે છે અને કંઇક વિશિષ્ટ કામ કરનવાની તમન્ના છે
સ્વતંત્રતા આપવાથી તમારા સાથીની સર્જનાત્મક શક્તિ ખીલશે
ખાસ નાણાકીય કે દેખીતો ફાયદો ન આપતું હોય તેવું કામ પણ તે રસથી કરશે
સૌથી અગત્યનું એ કે તેનો આંતરિક વિકાસ થશે, તેનો આત્મવિશ્વાસ બુલંદ બનશે
તમારી એચ.આર.એસેટ = તમારો સાથીઓ પરનો વિશ્વાસ + તેમનો આત્મવિશ્વાસ!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP