Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-26
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

તણાવની ત્રિફળા: એકાંત, મૌન અને પ્રાણાયામ

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

ત્રિફળા: હરડે, બહેડાં અને આમળાં આયુર્વેદનાં મહાન ઔષધ છે.
ત્રણ બિમારીઓ મનને માંદુ પાડે
કામ, ક્રોધ અને લોભ.
જેને યોગેશ્વર શ્રીકૃષ્ણ નરકનાં ત્રણ દ્વાર કહે છે
તણાવના ઉપાયો પણ ત્રણ છે,
એકાંત, મૌન અને પ્રાણાયામ!
આ કેવો સુંદર ત્રિયોગાનુયોગ છે!
એકાંત માણો:
એકાંત એ "સ્વ"ની પૂર્ણતાનો સ્વિકાર છે. ઘણા પરાવલંબી લોકોને એકાંત સદતું નથી. તેઓ એકાંતથી ગભરાય છે. આ અસલામતીનો ડર છે. તેઓ માનતા હોય છે કે તેમના સુખનો આધાર બીજા પર જ છે. આ એક બહુ મોટી ભ્રમણા છે. દરેક માણસ પોતે પ્રકૃતિની અનન્ય અને અલૌકિક રચના છે. પ્રકૃતિની દરેક રચના પોતાની રીતે પૂર્ણ છે. તેમાં દેખાતી ઉણપ દેખનારની દૃષ્ટિની નીપજ છે.

ઘણા પરાવલંબી લોકોને એકાંત સદતું નથી. તેઓ એકાંતથી ગભરાય છે. આ અસલામતીનો ડર છે. તેઓ માનતા હોય છે કે તેમના સુખનો આધાર બીજા પર જ છે. આ એક બહુ મોટી ભ્રમણા છે.

એ સમજી લઇએ કે એકાંત અને એકલપેઠા વૃત્તિ એ બે જુદી જુદી બાબત છે. પર્યાવરણમાં અનુકૂલન સાધવામાં નિષ્ફળ ગયે પલાયનવૃત્તિના શરણે જવું તે એકાંત નથી!
તમારા પર્યાવરણથી દૂર કોઇ કોચલામાં પૂરાઇ જવું એ એકાંત નથી. તમે કદાચ લોકોથી દૂર જઇ શકો પણ તમારી ભીતર ઉઠતા અસંતોષની આગ અને અશાંતિના તોફાનથી બચી નહીં શકો. યાદ રહે કે એકાંત એ માત્ર દસ ટકા શારીરિક અને નેવું ટકા મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. એકાંત બહુ ઓછા અંશે બાહ્ય અને ઘણા વધુ અંશે આંતરિક પરિબળો પર આધાર રાખે છે.
એકાંતને સમજવા માટે "યા નિશાં સર્વભૂતાનામ્ તસ્યાં જાગ્રતિ સંયમિ, યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને:" ગીતામંત્ર બહુ ઉપયોગી છે (૨/૬૯). આ મંત્રનો શબ્દાર્થ આવો થાય, "જ્યારે લોકોની રાત્રિ હોય ત્યારે યોગી જાગતો રહે અને જ્યારે લોકો જાગે ત્યારે યોગી માટે રાત્રિ સમજવી." આવું સમજીએ તો જબરો અનર્થ સર્જાય! એટલે તેનો ભાવાર્થ લેવો જોઇએ. તે એ છે કે જે સ્થૂળ વિષયોમાં સામાન્ય માણસનું મન ભમતું હોય, તેમાં યોગીની વૃત્તિ સુષુપ્ત રહે. યોગીનું મન સતત ચેતનાના સૂક્ષ્મ વિશ્વમાં વિહરતું રહે, જે સામાન્ય માણસની કક્ષાથી પરે હોય. એકાંતની આ સૌથી ઉંડી પરિભાષા છે.
કઇ રીતે એકાંત સાધવું?
દિવસમાં અમુક મિનિટ, અઠવાડિયાના અમુક કલાક અને મહિનામાં અમુક દિવસ અને વર્ષમાં અમુક અઠવાડિયા એકાંત ગાળવાનો સંકલ્પ લઇએ.
નિયત કરેલ સમય દરમ્યાન સંપૂર્ણ એકાંત પાળીએ. આ માટે કોઇ શાંત અને રમણીય સ્થળે એકલા ફરવા જાઓ અથવા તો તમારા ઘરના કોઇ શાંત ખૂણામાં ધ્યાન કરવા બેસો.
તમે જેવા એકલા પડશો કે અવનવા વિચારો તમને ઘેરી વળશે. કોઇ કડવી ઘટના વારંવાર ડોકિયાં કરશે. તેની ચિંતા ન કરો. તમારા અર્ધજાગૃત મનમાં (Subconscious Mind) પડેલ સામગ્રી બહાર આવી રહી છે! તેનું નિરીક્ષણ કરો. ઘટનાના કારણોમાં ઊંડા ઊતરો. તમારી કોઇ ભૂલ જડી આવશે. અફસોસ કરવાને બદલે સમસ્યાના સમાધાનનો રસ્તો શોઢી કાઢો.
એકાંત દરમ્યાન કોઇ રચનાત્મક ક્રિયામાં ખૂંપી જાઓ. વાંચો, સંગીત સાંભળો કે ચિત્ર દોરો. પર્યાવરણનું બારીકાઇથી અવલોકન કરશો તો પણ મજાની વસ્તુઓ જડી આવશે.
મૌન:
મનનું શૂન્ય થવું તે મૌન. એકાંત સાથે મૌનનો ઊંડો સંબંધ છે. એકાંત વગર મૌન શક્ય નથી અને મૌન વગર એકાંતનો મતલબ નથી! આમ બેઉ પરસ્પર પૂરક છે. તમે દિવસના જે ભાગમાં એકાંત સેવવા સંકલ્પ કર્યો હોય તેમાં મૌનવ્રતને પણ સામેલ કરો
યોગીઓ માટે મૌનને પરમ સાધન કહ્યું છે. તેનાથી ઘણા અનર્થો અટકે છે અને સકારાત્મક હેતુઓ સફળ થાય છે. યાદ રહે કે મૌન એ માત્ર વાણીનું તપ નથી. મ્હોં બંધ થયા પછી આપણો મનોવ્યાપાર ચલતો રહે તો મૌનનું પૂરેપૂરું ફળ ન મળે.
અને હા, મૌન દરમ્યાન સોશ્યલ મીડીયા અને સેલફોનનો ઉપયોગ ટાળવો જ રહ્યો!
પ્રાણાયામ:
આગળ જોઇ ગયા છીએ તે પ્રાણાયામનાં ત્રણ પગથિયાં ફરી યાદ કરી લઈએ; 1.પ્રાણને જાણો, 2.મૈત્રી માણો અને 3.નિયમન કરો. સંયમિત પ્રાણના લીસ્સા રાજમાર્ગ પર મન એવું લપસશે કે તે અનાયાસે થશે લુપ્ત. આ ક્ષણ માત્ર સેકંડ પૂરતી ટકે તો ચિંતા ન કરવી. આમેય વીજળીનો ચમકારો ક્ષણાર્ધ માટે જ હોય છે! "શૂન્યતાથી છલોછલ" ક્ષણ ફરીને માણવાનું તમને "મન" થશે! અભ્યાસ અને ધીરજ નામના બે પૈડાં પર આત્મવિશ્વાસના ઇંધણ વડે દોડતા રહો.
ત્રિફળાનું રુપક અમસ્તું નામ પુરતું નથી. હરડે, બહેડા અને આમળાની બનેલી આયુર્વેદિક ત્રિફળા શરીરનો સાફ કરે એકાંત,મૌન અને પ્રાણાયામની બનેલી યોગિક ત્રિફળા તમારા મનનો મેલ ધુએ! થોડા દિવસ યોગિક ત્રિફળાનું સેવન કરી લીધા પછી તેની એવી આદત પડી જશે કે છૂટશે જ નહીં. આયુર્વેદિક ત્રિફળાની પેઠે ચૈતસિક ત્રિફળા પણ નિર્દોષ છે. બેઉની ટેવ સારી.

હરડે, બહેડા અને આમળાની બનેલી આયુર્વેદિક ત્રિફળા શરીરનો સાફ કરે એકાંત,મૌન અને પ્રાણાયામની બનેલી યોગિક ત્રિફળા તમારા મનનો મેલ ધુએ!

નિસર્ગયોગ
પ્રભાતના પહોરમાં કે સંધ્યા સમયે કોઇ નદી કિનારે, સાગર તટે કે કોઇ શાંત પ્રાકૃતિક સ્થળે અરધો કલાક ગાળો. પ્રકૃતિના સાંનિધ્યમાં તમે સરળતાથી એકાંત અને મૌન યોગ સાધી શકશો. તમારા જેવો જ સંકલ્પ અને ધ્યેય ધરાવતા એકાદ મિત્ર સંગાથે હોય તો હરકત નથી. જો કે "થ્રી ઈઝ ક્રાઉડ" એ મંત્ર યાદ રહે!
તનને મનમાં અને મનને પ્રકૃતિમાં વહેવા દો. સૂરજની લાલિમાના રંગોમાં તમારા મનને રંગાવા દો. ખળખળ વહી જતી સરિતા કે મંદ મંદ સરી જતા પવનના પ્રવાહમાં તમારા અસ્તિત્વને ઓગળવા દો. નિયમિત પ્રયોગથી તમારું ચિત્ત શાંત થશે. તમે સારાસાર નિર્ણય કરી શકશો. સાથીઓના ભાવો અને પ્રતિભાવોને વધુ નજીકથી મહેસૂસ કરી શકશો. તમારી આસપાસ પ્રસન્નતાનું એક દિવ્ય વાદળ બંધાશે. જેના વરસવાથી તમારા વ્યક્તિત્વની વસંત ખીલી ઉઠશે.
મિત્ર? થોડા દિવસ આ નિસર્ગયોગ કરી જુઓ. અસંતોષની પીડા અને અશાંતિના ઉકળાટ સિવાય તમારે કશું જ ગુમાવવાનું નથી!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP