Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-19
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

યોગસાધના શું છે? યોગસાધકે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ?

  • પ્રકાશન તારીખ01 Aug 2018
  •  

ગીતા યોગવિદ્યા છે. શ્રીકૃષ્ણ યોગેશ્વર છે. તેમણે અર્જુનને ન ફક્ત યોગવિદ્યાનું જ્ઞાન આપ્યું, પોતાના યોગબળથી વિભૂતિ અને વિશ્વરૂપ દર્શન પણ કરાવ્યું! શા માટે અર્જુનને પસંદ કર્યો? યોગવિદ્યા માટે પાત્રતા કઇ છે?


સ્વયં શ્રીકૃષ્ણે ગીતાના અંતે કહ્યું છે કે યોગવિદ્યા તેને જ પચે; જે તપસ્વી હોય, જે સંયમી હોય અને જે શ્રદ્ધાવંત હોય! મહર્ષિ પતંજલિના અષ્ટાંગયોગનું આ જ રહસ્ય છે! શા માટે આઠ ચરણની યાત્રા? વળી આ આઠ ચરણ ક્યા ક્યા છે?

સ્વયં શ્રીકૃષ્ણે ગીતાના અંતે કહ્યું છે કે યોગવિદ્યા તેને જ પચે; જે તપસ્વી હોય, જે સંયમી હોય અને જે શ્રદ્ધાવંત હોય!

મહર્ષિ પતંજલિ યોગવિદ્યાના પ્રિક્વોલિફિકેશન તરિકે સૌ પ્રથમ યમ અને નિયમને દર્શાવે છે. આપણે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોની ચર્ચા ગતાંકમાં કરી ગયા તેનો સીધો સંબંધ યમ અને નિયમ સાથે છે.


યમ એટલે શું ન કરવું (DON’Ts) અને નિયમ એટલે શું કરવું (DOs)
યમ પાંચ છે; અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય.
અહિંસા: મન, વચન કે કર્મથી કોઇ જીવને હાનિ ન પહોંચાડવી.
સત્ય: સાચું બોલવું અને સત્યનિષ્ઠ રીતે કામ કરવું.
અસ્તેય: કોઇ બીજાનો ભાગ ન પડાવી લેવો.
અપરિગ્રહ: બિનજરૂરી સંઘરો ન કરવો.
બ્રહ્મચર્ય: જાતીયવૃત્તિ પર સંયમ રાખવો.


અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો કર્મેન્દ્રિયો અનુક્રમે હાથ, મોં, પગ, ઉત્સર્ગ અને જનનેન્દ્રિય સાથે સંબંધ જોઇ શકાય.
યોગવિદ્યા માટે યમની શી જરૂરિયાત છે? હકીકતમાં આ પાંચેય યમ એ દર્શાવે છે કે શું ન કરવું જોઇએ? યમ દ્વારા તમે વૃત્તિઓને સંયમિત કરો છો. જેથી તમે તમારી જે તે અંગોને રચનાત્મક પ્રવૃત્તિ તરફ સરળતાથી વાળી શકો. દા.ત. જો તમે સતત હિંસામાં લિપ્ત હો તો તમે કોઇનું ભલું કેવી રીતે કરી શકો? વળી હિંસા તમારા પર્યાવરણમાં નેગેટીવ એનર્જી પેદા કરે. જે તમારી યોગસાધનાને વિચલિત કરે. આ જ રીતે તમામ યમનું પોતાનું આગવું મહત્ત્વ સમજી શકાય.


બીજું ચરણ નિયમ છે.
નિયમ પાંચ છે; શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન.
શૌચ: મન અને તનની શુદ્ધિ.
સંતોષ: જે હોય તેટલામાં આનંદ પામવો. લોભ કે મોહ ન કરવો.
તપ: સતત રચનાત્મક વૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું તે તપ.
(જેથી ક્યારેય આળસ કે નિરાશા ન આવે.)
સ્વાધ્યાય: સતત ઉત્તમ પ્રકારના વિચારો અને વ્યક્તિનો સંગ કરવો અને છેલ્લે,


ઈશ્વર પ્રણિધાન: “હું એકલો નથી પણ પરમાત્મા મારી સાથે છે”, તેવો આત્મવિશ્વાસ!
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનનો પાંચ જ્ઞાનેન્દ્રિયો અનુક્રમે નાક, જીભ, ચામડી, કાન અને આંખ સાથે સંબંધ જોઇ શકાય છે.
કોઇ કહેશે કે પાંચ યમ અને પાંચ નિયમ પાળ્યા વિના યોગસાધના કરીએ તો શી હરકત છે? તો તેનો ઉત્તર એ છે કે તમે પરેજી પાળ્યા વિના દવા લો તો શું થાય?
જેમ સાજા થવા ઔષધ અને પરેજી બન્ને જરુરી છે, તે રીતે
યોગસાધનામાં સફળ થવા યમ-નિયમ અનિવાર્ય છે.
જેથી તમારી ઊર્જા રચનાત્મક માર્ગે કેન્દ્રિત થાય
અને તમે ધાર્યું લક્ષ્ય હાંસલ કરી શકો.

યમ-નિયમ: એક બોધકથા
એક વાર હાથ અને પગ વાતો કરતાં કરતાં હુંસાતુંસી પર ઊતરી આવ્યા. હાથ કહે કે હું કામ કરું છું તો ખાવાનું મળે છે. પગ કહે બહુ ડહાપણ રહેવા દો ભાઇ, જો હું તમને ન જવાની જગાએ લઇ જઉં તો તારે હાથકડીઓ પહેરવાની આવે! બેઉને હોંશિયારી મારતા જોઇને મોં છાનું કેમ રહી શકે? તે કહે, જો બહુ ડીંગ હાંકશો તો મારે તો જરી અમથું જુઠું બોલવાની જ વાર છે! તે બન્નેને લડતા જોઇ પેટને શુરાતન ચઢ્યું. તે કહે, હું ધારું તે પાપ તમારી પાસે કરાવી શકું છું. અંતે આ જંગમાં જનનાંગે ઝંપલાવ્યું. તે કહે, એ તો બધું ઠીક પણ મેં સંયમ ન રાખ્યો હોત તો તમે કોઇને મોઢું બતાવવાને લાયક ન રહેત! અને એમ કરતાં કરતાં પાંચેય બથ્થંબથ્થા આવી ગયા.
આપસમાં લડી ઝઘડીને સૌ થાક્યા એટલે સમાધાન કરાવવા ઉપરના માળે રહેતા મગજભાઇ પાસે ગયા. તેમની કહાણી સાંભળી મગજભાઇએ બુદ્ધિબહેન સામે જોઇને મલકાઇને કહ્યું "એ બધી અમારી કરામત છે. તમારે સમાધાન કરવું હોય તો વચ્ચેના માળે રહેતા હૃદયભાઇ અને ભાવનાબહેન પાસે જાઓ." બધા ત્યાં પહોંચ્યા. ભાવનાબહેને બધાનું પ્રેમથી સ્વાગત કર્યું. સ્વાદિષ્ટ મીઠાઇ ભરેલી એક ડિશ અને ઠંડા શરબતના ગ્લાસ મૂક્યા.


બધા લડીને થાક્યા હતા. ભૂખ્યા પણ થયા હતા. એકબીજાની સામે મોઢું વકાસીને જોવા લાગ્યા. પોતપોતાની શક્તિ વડે એકલપંડે તેઓ કશું ક્યાં કરી શકે તેમ હતા? છેલ્લે પગ ઊભા થયા. ડિશ સુધી પહોંચ્યા. તેમણે હાથને મદદ માટે અપીલ કરી. હાથે મીઠાઇનો ટૂકડો ઝાલીને દયામણા ચહેરે મોં સામે જોયું. તેણે પેટ સાથે મસલત કરી પરવાનગી આપી અને મીઠાઇનો ટૂકડો પેટમાં ગયો. મીઠાઇ ઉદરમાં જતાં જ સૌને થોડી રાહત થઇ.


બધાને એક નાનકડું ઝોકું આવી ગયું. સપનામાં તેમણે એક મજાનું ઉપવન જોયું. ત્યાં રંગબેરંગી અને ભાતભાતના રંગબેરંગી પતંગિયાં ઉડાઉડ કરતાં હતાં. તેઓ કોઇ દિવ્ય સરગમ પર નૃત્ય કરતાં હતાં. બધાં ખૂબ આનંદમાં હતાં. ત્યાં તેમનું સ્વપ્ન અચાનક તૂટી ગયું. જાણે સ્વર્ગમાંથી સફાળા ધરતી પર આવી ગયા હોય તેવું લાગ્યું. પરંતુ તુરત જ તેમની નિરાશા ખંખેરતો હૃદયભાઇનો મધુર અવાજ ગુંજી ઊઠ્યો!


"મિત્રો! એ પતંગિયાં બીજાં કોઇ નહોતાં પણ તમે પોતે જ હતાં! હવે તમારે જીવનના ઉપવનમાં આ રીતે સાથે ઊડવાનું અને દિવ્ય સરગમ સાથે નૃત્ય કરવાનું છે!" બધા આનંદમાં આવી ગયા, અને કહ્યું, યસ, વી વિલ!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP