લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

જિહાદ એટલે આત્મ શુદ્ધિ

  • પ્રકાશન તારીખ18 Apr 2019

ઇબાદતના સ્થાન પર અમાનવીય હુમલો કરનાર આતંકવાદીઓને કોઈ મઝહબ સાથે સબંધ નથી હોતો. આતંકવાદી મુસ્લિમ જ હોય છે, એ માન્યતા અનેક પ્રસંગોમાં સિદ્ધ થાય છે. છતાં આતંકવાદને ઇસ્લામ સાથે જોડવાનો સર્વસામાન્ય પ્રયાસ વારંવાર થાય છે. ઇસ્લામના શબ્દ ‘જિહાદ’નો આ જ કારણે દુરુપયોગ થયો છે. આજે એ ‘જિહાદ’ શબ્દ વિષે થોડી વાત કરાવી છે.
જો કે ‘જિહાદ’ શબ્દ ઇસ્લામના ધર્મ ગ્રંથોમાં કેટલો પવિત્ર અને આધ્યાત્મિક અર્થ ધરાવે છે, તે સમજાવવામાં ઇસ્લામના આલિમો (જ્ઞાનીઓ), મોલવીઓ અને શિક્ષિતો નિષ્ફળ ગયા છે, તે સ્વીકારવું જ રહ્યું. જિહાદના નામે હિંસા આચરનાર પોતાની અમાનવીય અહિંસાને ન્યાયપૂર્ણ સિદ્ધ કરવા ઇસ્લામમા આત્મશુદ્ધિ માટે વાપરતા શબ્દ જિહાદ કે જેહાદનો પ્રયોગ કરે છે. હિંસા આચરતા આવા આતંકવાદીઓ કોઈ ધર્મના અનુયાયીઓ નથી. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. તેઓ તો પોતાના વ્યક્તિગત અને સંકુચિત વિચારોની પુષ્ટિ માટે ધર્મના નામે હિંસાનો પ્રચાર કરે છે. અને સમગ્ર વિશ્વના મુસ્લિમોને તેમના દેશવાસીઓથી અળગા કરે છે. આ અંગે ડૉ. રફીક ઝકરિયાએ એક લેખમાં લખ્યું છે, ‘ગેરમાર્ગે દોરાયેલા જેહાદીઓ થોડું આત્મ નિરીક્ષણ કરે, એ સમય આવી ગયો છે. તેમના તાજેતરમાં આત્મઘાતી કુત્યોને કારણે વિશ્વભરના મુસ્લિમો પ્રતિ દુર્ભાવ અને તિરસ્કારનું મોજું ફરી વળ્યું છે.તેઓ દરેક સ્થળે અને અને ક્ષેત્રમાં શંકાસ્પદ અને અવિશ્વાસને પાત્ર બન્યા છે. ખુદ ઇસ્લામ જાણે બર્બર અને અમાનુષી ધર્મ હોય તેવી છાપ ઊભી થઇ છે.કોઈકે કહ્યું છે ‘કાંઈ બધા જ મુસ્લિમો આતંકવાદી નથી હોતા, પણ બધાજ આતંકવાદીઓ મુસ્લિમ હોવાનું માલુમ પડે છે’ આ વિધાન બિન-મુસ્લિમોના મુસ્લિમો પ્રતિના વલણના સાર રૂપ છે. આંતકવાદઓ અને તેમને સમર્થન આપનારાઓએ જરા થોભીને વિચારવું જોઈએ કે ખરેખર શું તેમની જેહાદ તે પાછળના ઉદેશને સિદ્ધ કરી શકે છે ખરી ? જેહાદીઓ જે કરી રહ્યા છે તેનું કરુણ પરિણામ તો એ છે કે વિશ્વભરમા બિનમુસ્લિમો મુસ્લિમોથી વિમુખ થઇ ગયા છે.’

  • કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે. પણ જ્યાં જ્યાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ નહીં પણ ‘કેતાલ’ શબ્દ વપરાયો છે

ઉપરોક્ત બાબત એ સૂચવે છે કે ‘જેહાદ’ના નામે આચારવામા આવતી હિંસાને કારણે સમગ્ર વિશ્વના મુસ્લિમો શરમિંદા બને છે. અને મુખ્ય પ્રવાહમાં જોડવામાં તેમને પહાડ જેવો સંધર્ષ કરવો પડે છે. વળી, જેહાદ જેવા આઘ્યાત્મિક શબ્દનો સાચો અર્થ મુસ્લિમ સમાજમાં પ્રચલિત કે જાણીતો ન હોવાને કારણે સામન્ય મુસ્લિમ બિન મુસ્લિમને તેની સમજ આપવામાં પણ નિષ્ફળ નીવડ્યો છે. જેહાદ એટલે અલ્લાહની રાહમાં જાન, માલ, અને આચરણથી પ્રયત્ન કરવો. એ માટે કષ્ટ સહેવું, આપવું નહીં. હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ આ અંગે ફરમાવ્યું છે, ‘તમારી નફસ (આત્મા) સામે જેહાદ કરો.’
મોહ, માયા, ઇરછા, આકાંક્ષાઓ તમન્નાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ એટલે જેહાદ. જેહાદ શબ્દ કુરાને શરીફમાં અનેક વાર ઉપયોગમાં લેવાયો છે. પરંતુ આખા ગ્રંથમાં કયાંય એ શબ્દ યુદ્ધ, ખૂનામરકી કે હિંસાના અર્થમાં નથી વપરાયો. અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કોશિશ કરવી એવો થાય છે.
ઇસ્લામમાં અલ્લાહના માર્ગે કોશિશ કરવાની ક્રિયાને જેહાદ કહે છે. પોતાના જાનમાલની, ગરીબોની સેવા,અનાથોનું પાલન-પોષણ કરીને, નમાજ પઢીને, રોજા(ઉપવાસ) રાખીને, બીજાઓને દાન કરીને, પોતાના મન પર કાબૂ મેળવીને, પોતાના ગુસ્સાને નિયંત્રિત કરીને, ખુદાના સાચા ખિદમતદાર બનીને, બીજાઓને સદ્ઉપદેશ આપીને તેમને નૈતિક માર્ગે વાળવા જેવાં અનેક કર્યો માટેનો સંનિષ્ઠ પ્રયાસ એટલે જેહાદ. આ સંદર્ભમાં જ કુરાને શરીફમાં જેહાદનો ઉલ્લેખ થયો છે. કુરાને શરીફમાં કહ્યું છે, ‘સબ્ર સાથે જેહાદ કરો.’
ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ (સ.બ.વ.)ના અનેક કિસ્સાઓ, સંવાદો જિહાદનો આ જ અર્થ વ્યકત કરે છે. કુરાને શરીફમાં મહંમદ સાહેબને આદેશ આપતા ખુદાએ કહ્યું છે, ‘જે લાકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ હોવા છતાં સરચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી, તેમની સામે જેહાદ ચાલુ રાખો.’
હજરત આઈશા (રહિ.) એ એકવાર મહંમદ સાહએક વાર મહંમદ સાહેબ (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘સૌથી મોટી જેહાદ કઈ?’
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, ‘સૌથી મોટી જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે?’ ઇસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી મોટી જેહાદને ‘જેહાદ-એ-અકબરી’ તરીકે ઓળખાવેલ છે. આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામરકી નહીં.
કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે. પણ જ્યાં જ્યાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી. તેના સ્થાને ‘કેતાલ’ શબ્દ વપરાયો છે. અરબી શબ્દ ‘કેતાલ’નો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ અર્થાત્ સશસ્ત્ર લડાઈ. જેહાદ શબ્દનો આવો આધ્યાત્મિક અર્થ સૂચવે છે કે હિંસા ઇસ્લામના મૂળમાં નથી.અને હિંસા કોઈ મઝહબનો આદેશ નથી. એ તો કેટલાક માનસિક રોગથી પીડાતા માનવીઓનું અપકૃત્ય છે. અને આવા માનવીઓ દરેક ધર્મ અને સમાજમાં છે.
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP