મજા
- પ્રકાશન તારીખ12 Sep 2018
-  
-  
-  

‘એ હરગિજ નહીં બને, મારા કાવ્યપઠનનો વારો બીજા નંબરે હતો, એ તમે ચોથા નંબરે કરી જ કેમ શકો?’ ફોન પર બોલી રહેલી મીતવાના અવાજમાં આક્રોશ સાંભળીને સૂતેલી આરોહીની આંખ ખૂલી ગઈ.
‘ચાલ, હવે હું નીકળું? અમારા ઝઘડામાં તારી ઊંઘ ઊડી ગઈ.’ આરોહીની ખબર કાઢવા આવેલી મીતવાએ ઊઠવાનું કરતાં કહ્યું.
‘હા, આજે તો કવિ સંમેલનમાં તારા કાવ્યપઠનનો પ્રોગ્રામ છે, ખરું?’ આરોહીના અવાજમાં થાક હતો.
‘હું આવત, પણ હમણાં કિમોથેરાપી ચાલે છે એટલે લાંબું બેસી શકાતું નથી. તું ક્યારની આવીને બેઠી હતી, તો મને જગાડવી હતીને?’ આરોહીએ હક્કથી કહ્યું.
‘ના, એમાં શું? હું તો આવતી જ રહીશને, તું સાજી થઈ જઈશ એટલે તારા બ્યૂટી પાર્લર પર પણ આવીશ જ ને?’ કિમોથેરાપીને કારણે સાવ ઝડી ગયેલા વાળવાળા માથા પરથી આરોહીના સરી પડેલા સ્કાર્ફને સરખો કરતાં મીતવા બોલી. આરોહીની હાલત જોતાં દિલમાં એક ટાઢો શેરડો પડી ગયો.
યુવાન સફળ કવયિત્રી તરીકે મીતવાની ખ્યાતિ ગુજરાતભરમાં વધતી જતી હતી. પોતાના દરેક પ્રોગ્રામ પહેલાં એ પોતાની બહેનપણી આરોહીના બ્યૂટી પાર્લર ઉપર અચૂક જતી. કેન્સરની માંદગીને કારણે છેલ્લા વર્ષથી આરોહીનું પાર્લર લગભગ બંધ જેવું જ હતું.
‘આ શું? હું બેઠી છું ત્યાં સુધી આવી રીતે લઘરવઘર જઈશ?’ ઊભી રહે તારી હેરસ્ટાઇલ તો મને કરી આપવા દે.’ આરોહીએ અરીસા સામે જબરદસ્તીથી મીતવાને બેસાડી દીધી.
‘તું મને એક વાત કહે, આ સંમેલનમાં તારો વારો બીજો હોય કે ચોથો ફેર શું પડે?’ કાંસકાથી મીતવાના વાળ સંવારતાં આરોહીએ પૂછ્યું.
‘એમ ન ચાલે, એમ મજા જ ન આવે.’ મીતવાના અવાજમાં સફળ કવયિત્રીનો દમામ હતો.
‘થેંક્યૂ’ આરોહીનો અવાજ સાંભળીને જવા ઊભી થયેલી મીતવાના પગ થંભી ગયા.
‘લે થેંક્યૂ તો મારે તને કહેવું જોઈએને? તું થાકેલી હતી તો પણ...’, ‘ના, આ કીમોમાં વાળ ગયા પછી હું તો કાંસકો કોને કહેવાય એ ભૂલી જ ગયેલી. આજે તને તૈયાર કરવા માટે કાંસકો પકડવા મળ્યો, તો મજા આવી ગઈ.’ આરોહીના અવાજમાં થનગનાટ હતો.
આરોહીની ‘મજા’ની વ્યાખ્યાએ મીતવાની ‘મજા’ની વ્યાખ્યાનો છેદ સમૂળગો ઉડાડી નાખ્યો હતો.
henkcv12@gmail.com
તમારો ઓપિનિયન પોસ્ટ કરો
હેમલ વૈષ્ણવનો વધુ લેખ
- હા
- ના
કલમ
- By મહેબૂબ દેસાઈ ધર્મ
- By ભદ્રાયુ વછરાજાની સમાજ
- By અમિત રાડિયા સિનેમા, હાસ્ય
- By અંકિત દેસાઈ સાહિત્ય
- By અંકિત ત્રિવેદી કવિતા