લેખિકા ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર અને વક્તા છે.

વેરની તૃપ્તિ: પશ્ચાતાપની તરસ...

  • પ્રકાશન તારીખ20 Aug 2019
  •  

એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
25 જુલાઈ, 2019. ચેન્નાઈથી 130 કિલોમીટર દૂર આવેલા વેલ્લુરની જેલમાંથી એક સ્ત્રીને એક મહિનાની પેરોલ મળે છે. છેલ્લા 27 વર્ષથી કારાવાસ ભોગવી રહેલી આ સ્ત્રી પોતાની દીકરીનાં લગ્ન માટે હાઇકોર્ટમાં પેરોલ માગે છે. લાંબી દલીલો પછી આ સ્ત્રીને એક મહિના માટે દીકરીના લગ્ન પ્રસંગે ઘરે જવાની છૂટ આપવામાં આવે છે. જોકે એની કડક સિક્યોરિટી જરાય ઓછી કરવામાં આવતી નથી! આ સિક્યોરિટી માત્ર એટલા ખાતર નથી કે નલિની શ્રીહરન નામની આ સ્ત્રી દીકરીનાં લગ્નને બહાને ભાગી ન જાય. આ સિક્યોરિટીનું એક કારણ એ પણ છે કે આ સ્ત્રી જેલની બહાર બિલકુલ સલામત નથી. એનું કોઈ પણ ક્ષણે ખૂન કે એન્કાઉન્ટર કરી નાખવામાં આવે એવી શક્યતા ઘણી વધારે છે!
કોણ છે આ સ્ત્રી? ભારતના છઠ્ઠા પ્રધાનમંત્રી (1984-1989) રહી ચૂકેલા રાજીવ ગાંધીના એસેસિનેશન, ખૂન માટે જેને જવાબદાર ઠેરવામાં આવ્યાં, એમાંની એક મહત્ત્વની ગુનેગાર નલિની શ્રીહરન છે. પેરુમ્બદુરની જાહેર સભાને સંબોધ્યા પછી ચૂંટણી પ્રવાસે નીકળેલા પ્રધાનમંત્રી ઉપર તેનમોઝી રાજરત્નમ્ નામની છોકરી જીવતો બોમ્બ બનીને ત્રાટકી. આ વાતને 28 વર્ષ થયા, પરંતુ વીતેલા સમય સાથે પરિસ્થિતિ બદલાઈ નથી. પ્રસિદ્ધ લોકોને આજે પણ એમની જિંદગી પર તોળાતો ખતરો દેખાય છે અને સમજાય છે! રાજીવ ગાંધીએ એક એવું શાસન કર્યું, એ સારા નેતા હતા કે નહીં, એ સારા પ્રધાનમંત્રી હતા કે નહીં એ વિશેની ચર્ચાનો કોઈ અર્થ નથી. કોંગ્રેસનું શાસન કેવું હતું, એ વિશેની રાજકીય ચર્ચાની કોલમ નથી આ. આજે રાજીવ ગાંધીનો જન્મદિવસ છે. જો જીવતા હોત તો આજે એમને 75 વર્ષ પૂરા થયા હોત. એ પ્રધાનમંત્રી તો ન હોત, કદાચ! પરંતુ કોંગ્રેસ પક્ષ અને આખો દેશ કદાચ એમની 75મી વર્ષગાંઠ ઊજવતો હોત. રાજીવ ગાંધીનું ખૂન કે મૃત્યુ આ દેશના રાજકારણ કે સિક્યોરિટી પરનો પ્રહાર નથી, પરંતુ પોતાની જાતને ભણેલી-ગણેલી, સોફેસ્ટિકેટેડ અને સિવિલાઇઝ્ડ કહેવડાવતી એક આખી માનવ વસ્તી પર થયેલો ક્રૂર પ્રહાર છે. સવાલ એ છે કે કોઈને મારી નાખવાથી કે ખતમ કરી નાખવાથી કોઈ પરંપરા કે કોઈ વિચાર પણ મૃત્યુ પામી શકે ખરો? કોઈ એક વ્યક્તિ આપણને એના વિચાર, વ્યવહાર કે એની જીવનશૈલીને કારણે ન ગમતી હોય, તો એ વ્યક્તિને આપણે આપણા જીવનમાંથી નકારી શકીએ, પરંતુ એ વ્યક્તિને આ જગતમાંથી નકારી નાખવાનો અધિકાર કોઈ પાસે છે ખરો?
છેલ્લા કેટલાય સમયથી આપણે એવી ફિલ્મો જોઈએ છીએ, જેમાં કાયદો અને વ્યવસ્થાને કોરે મૂકીને પોતાને થયેલા અન્યાય બદલ વ્યક્તિ જાતે જ પોતાનો ન્યાય મેળવવા બજારમાં આવી જાય છે. બળાત્કાર થયા પછી છોકરી કે એનો બોયફ્રેન્ડ એ પુરુષનું ખૂન કરી નાખે. પોતાના પિતાને જેણે માર્યા છે, એને મારી નાખ્યા પછી વેરનું સમીકરણ પૂરું થાય. ખરેખર આ યોગ્ય છે ખરું?
આપણે બધાં જ વેરના વારસ છીએ. કૃષ્ણએ કહ્યું કે, મહાભારત ધર્મયુદ્ધ છે. સત્ય સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય કે જેને આપણે પાંડવ કહીને ઓળખીએ છીએ, એ પાંચમાંથી એક પણ એમના પિતાના સંતાન નથી! આ પાંડુપુત્ર નથી, એક ધર્મરાજનો દીકરો છે, બીજો ઇન્દ્રનો, ત્રીજો વાયુનો અને છેલ્લા બે અશ્વિનીકુમારોના. આપણે કુંતીના ચારિત્ર્યને સ્પર્શ કર્યા વગર ફક્ત આઈવીએફના વિજ્ઞાનનો વિચાર કરીએ, તો પણ જેમના સ્પર્મમાંથી આ સંતાનો જન્મ્યા છે, એ ડોનર હસ્તિનાપુરનું રક્તબીજ નથી. જો એમ ન હોય તો આ રાજગાદી માટે લડાતા યુદ્ધને ધર્મયુદ્ધ કહેવાય? પાંડવો જ શું કામ? પાંડુ અને ધૃતરાષ્ટ્ર પણ દ્વૈપાયન વેદ વ્યાસ નામના પરાસર મુનિના પુત્રના નિયોગથી જન્મેલા સંતાનો હતા. હવે બબ્બે પેઢીથી જે કુરુવંશના સંતાનો નથી, એમને રાજગાદી માગવાનો અધિકાર હોઈ શકે છે?
આપણને લાગે છે કે વેર લઈ લેવાથી શાંતિ થઈ જશે. સત્ય તો એ છે કે વેર લીધા પછી અશાંતિ વધી જાય છે. મહાભારતના કેટલાક શ્લોકમાં આખી ગીતા સાંભળ્યા પછી પણ પીડા તો અર્જુન કે ધર્મને જાણનારા, સમજનારા યુધિષ્ઠિરની બેચેની અને પીડા સુંદર રીતે અભિવ્યક્ત કરાયા છે. અયોધ્યાના રાજા થઈ ગયા પછી પણ રામના જીવનમાં સુખ-શાંતિ છે જ, એવું તો કેમ કહી શકાય? ભીષ્મના મૃત્યુનું કારણ બનનાર શિખંડી પણ એમના મૃત્યુ પછી નિરાંતે ઊંઘ્યો છે? ફિલ્મોમાં બતાવવામાં આવતું વેર પૂરું થાય પછી શું થાય એ વાત ફિલ્મોમાં કહેવામાં આવતી નથી. આપણે તો વેર લેવાઈ ગયાની સાથે ‘ધ એન્ડ’નું કેપ્શન વાંચીને નીકળી જઈએ છીએ, પરંતુ એ વેર લઈ લેવાયા પછીની બેચેની, અપરાધભાવ કે સ્વયં તરફ પેદા થયેલો તિરસ્કાર અને ઘૃણાનો ભાવ આપણે સમજતાં નથી. મહાભારતમાં જ્યારે દુર્યોધનના રક્તથી દ્રૌપદી પોતાના વાળ પલાળે છે ત્યારે એ કૃષ્ણને પૂછે છે.
રાજીવ ગાંધીનું એસેસિનેશન હોય કે ઇન્દિરા ગાંધી ઉપર થયેલો ગોળીબાર. ગુજરાતના તોફાનો દરમિયાન જેમના ઉપર મેઇન રોલ ભજવવાનો આક્ષેપ છે એ જાણીતા આઈપીએસ અધિકારી કે કૌસરબી અને સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર કરનાર અધિકારી. આ બધાં આખી રાત નિરાંતે સૂઈ જતાં હશે ખરાં? આ બધા કિસ્સાઓને બહુ મોટા ગુના ગણીએ, તો પણ જિંદગીમાં કોઈકને સંભળાવી દીધા પછી, ચોપડાવી દીધા પછી, એનું અપમાન કર્યા પછી કે એનું નુકસાન કર્યા પછી એક સામાન્ય, સાદો માણસ શાંતિથી જીવી શકે છે ખરો?
આપણી માન્યતા કે સિદ્ધાંત માટે થઈને કોઈ એક વ્યક્તિનું ખૂન કરવું પડે? આ વ્યક્તિ હંમેશાં ‘બીજી’ જ હોય એવું જરૂરી નથી. કેટલાક લોકો સિદ્ધાંત માટે, ઝનૂન માટે સ્વયંને પણ ખતમ કરતાં હોય છે. આત્મહત્યા પણ અંતે તો ‘હત્યા’ જ છે! આપણો વિચાર, ઝંખના કે સિદ્ધાંત એટલો મોટો કેવી રીતે હોઈ શકે જેના અગ્નિમાં કોઈનું જીવન હોમી દેવું પડે. રાજીવ ગાંધીના મૃત્યુ પછી તમિલ ટાઇગર્સની પરિસ્થિતિ બદલાઈ છે ખરી? મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કે હવે યુરોપના દેશોમાં થઈ રહેલા છૂટાછવાયા બોમ્બ બ્લાસ્ટ, કાશ્મીરનો પથ્થરમારો કે પાકિસ્તાન પ્રેરિત ટેરરિઝમ શું મેળવશે? ભય સિવાય શું પ્રસ્થાપિત કરશે? ભયથી કોઈ શરણે આવે એમ બને, પણ આજીવન સાથે ચાલે એવી સ્થિતિનું નિર્માણ કરવા માટે ભય કે વેર નહીં, સ્નેહ અને ક્ષમાની જરૂરિયાત પડે છે. વેર ક્યારેય તૃપ્તિ આપતો નથી. કોઈને મારી નાખવાથી એ વિચાર કે પરંપરા મરતાં નથી. બલકે આવી એકાદ વિચાર ધરાવતી વ્યક્તિના મૃત્યુમાંથી એવા અનેક ઊભા થાય છે, જે આ વિચાર અને પરંપરાને આગળ લઈ જવા માટે એનાથી વધુ ઝનૂની અને કટિબદ્ધ હોય. આપણે બધાં એમ માનીને ચાલીએ છીએ કે આપણી પહેલાંના લોકોએ ઇતિહાસમાં ઘણી ભૂલો કરી. રાજકીયથી શરૂ કરીને અંગત પારિવારિક નિર્ણય સુધી આપણા પૂર્વજોને, વડવાઓને, માતા-પિતાને કે મોટાં ભાઈ-બહેન, જીવનસાથીને જવાબદાર ઠેરવીએ છીએ. ક્યારેક આપણી સાથે થયેલા અન્યાય માટે આપણે આપણી આસપાસના લોકોને ખૂબ દોષ દઈએ છીએ અને એમણે આપણી સાથે કંઈ પણ કર્યું એ માટે એમના ઉપર વેર લેવાવું જોઈએ એવું આપણે માનીએ છીએ. આ વેર કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે. અબોલાથી શરૂ કરીને આજીવન સંબંધ તોડી નાખવા સુધીનું. ક્યારેક સ્વયંને સજા કરીને એને પીડા આપવાનું તો ક્યારેક એને એવી સજા કરવાની જેને એ જીવનભર ન ભૂલી શકે, પરંતુ આ બધું કર્યા પછી શું?
[email protected]

x
રદ કરો

કલમ

TOP