Home » Rasdhar » કાજલ ઓઝા વૈદ્ય
લેખિકા ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર અને વક્તા છે.

સફળતા તો કમ્ફર્ટ ઝોનની બહાર પ્રતીક્ષા કરે છે

  • પ્રકાશન તારીખ13 Jun 2018
  •  

વિસનગરના નાનકડા ગામથી એનો મુંબઈ થઈને વિશ્વમાં વિસ્તરેલો પ્રવાસ એક પણ ગુજરાતીથી અજાણ્યો નથી. હિન્દી સિનેમામાં અનેક ગુજરાતીઓએ પોતાનું પ્રદાન કર્યું છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં પરેશ રાવલને મળેલી અભૂતપૂર્વ લોકચાહના સાચા અર્થમાં ‘મહેનતનું ફળ’ કહી શકાય એવી છે.

જેની પાસે કોઈ એવો દેખાવ નથી, સિક્સ પેક્સ કે સ્ત્રીઓ મોહી પડે એવું શરીર નથી અને ફિલ્મનું કોઈ બ્રેકગ્રાઉન્ડ નથી. છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી સિનેમા અને રંગભૂમિના ક્ષેત્રમાં લોકહૃદયમાં સ્થાન ધરાવે છે. એને સફળતાનું કારણ પૂછીએ તો એ કહે છે, ‘મહેનત અને ટેલેન્ટ!’

‘છોટે શહર કે લોગ’ કહીને કેટલાયને ઉતારી પાડવામાં આવે છે. મુંબઈ શહેરમાં અભિનેતા બનવા માટે લગભગ રોજ અનેક ચહેરાઓ આવી પહોંચે છે. રૂપાળા, હેન્ડસમ, અદ્્ભુત અવાજ ધરાવતા કંઈકેટલાય લોકો પોતાની સફળતાનાં સપનાં જોતાં મુંબઈ પહોંચે છે ત્યારે એમને સમજાય છે કે જિંદગી કંઈ પ્લેટમાં પીરસીને સફળતા ચખાડતી નથી.


આપણે જેની વાત કરી રહ્યા છીએ એણે પોતાની જિંદગીના નિર્ણયો પોતાની ટર્મ્સ પર કર્યા. નાનકડી કોલેજમાંથી ઇન્ટર કોલેજિયેટ નાટકોથી શરૂ થયેલો એમનો પ્રવાસ એમ.પી. બનવા સુધી પહોંચ્યો છે. પરેશ રાવલના કુટુંબ કે અંગત જીવન વિશે ભાગ્યે જ કોઈ ગોસિપ આપણને સાંભળવા મળે છે. સામાન્યત: એ કોઈ વિવાદમાં પડતા નથી કે બીજા કોઈના જીવન વિશે કમેન્ટ કે ટ્વીટ કરતા નથી. રાજકારણ સાથે જોડાયેલા એમના ઘણા વ્હોટ્સએપ વિડિયો ફરે છે, પરંતુ એ સિવાય પરેશ રાવલ ભાગ્યે જ કોઈ પાર્ટીમાં કે જાહેર સમારંભોમાં દેખાય છે. પોતાના અંગત જીવન અને જાહેર જીવનને જુદા રાખવાની એમની આવ‌ડત સાચે જ વખાણવાલાયક છે.


શફી ઇનામદારના નાટક ‘આહટ’માં સ્વરૂપ સંપટ અભિનય કરતાં હતાં. પરેશભાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું તેમ એમણે સ્વરૂપને જોઈને કહ્યું, ‘હું આ છોકરી સાથે લગ્ન કરીશ.’ એ વખતે પરેશભાઈ પાસે એવી કોઈ કારકિર્દી કે પુરવાર થયેલી ટેલેન્ટ નહોતી. સ્વરૂપ સંપટ મિસ ઇન્ડિયા હતાં. બચુ સંપટનાં પુત્રી, પરંતુ આજે 25 વર્ષથી વધુ વર્ષો સાથે વિતાવીને બંને પોતપોતાની જગ્યાએ પોતપોતાનું કામ કરી રહ્યાં છે. પરેશભાઈએ પોતાનાં લગ્ન વખતે અમિતાભ બચ્ચનને ઇન્વાઇટ કર્યા હતા. બંને સાથે કામ કરતાં હતાં એટલે એક ફોર્માલિટી ખાતર આમંત્રણ કાર્ડ આપેલું, પરંતુ રિસેપ્શન પૂરું થવાની તૈયારીમાં હતું ત્યારે અચાનક કોઈકે કહ્યું, ‘બચ્ચન સાહેબ આવ્યા છે.’ કોઈ માની ન શકે એવી રીતે બંનેના લગ્નપ્રસંગે બચ્ચન સાહેબે સ્નેહ અને શુભેચ્છાઓ સાથે સારો એવો સમય ગાળ્યો.
આપણા વડાપ્રધાન મોદી સાહેબે એમને સામેથી બોલાવીને ઇલેક્શન લડવાની ઓફર આપી. પરેશભાઈ અવઢવમાં હતા, પરંતુ અંતે એમણે એ ઓફર સ્વીકારી અને ઇલેક્શન લડ્યા. એટલું જ નહીં, જીતીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ બન્યા. એમનાં પત્ની સ્વરૂપ રાવલ હવે ડૉ. સ્વરૂપ રાવલ છે. લંડનની જાણીતી યુનિવર્સિટીમાંથી ક્લાસરૂમમાં થિયેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વિશેનો થીસિસ લખીને સ્વરૂપબહેને પીએચ.ડી.ની ડિગ્રી લીધી. એમણે પણ થોડીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ સ્વરૂપબહેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યા મુજબ બંને જણાં ઘરની બહાર રહે અને વ્યવસાયમાં વ્યસ્ત રહે તો સંતાનોના ઉછેર પર ધ્યાન ઓછું અપાય.


સ્વરૂપબહેને સ્વેચ્છાએ ગૃહસ્થીની જવાબદારી સંભાળી. પરેશ રાવલે એક પ્રોડક્શન કંપનીની પણ સ્થાપના કરી છે, જેનું નામ ‘પ્લે ટાઇમ ક્રિએશન’ છે. સારા સ્વચ્છ ફેમિલી શોઝ બનાવતી આ કંપનીમાં હેમલ ઠક્કર પણ પાર્ટનર છે. જે અભિનેતા અશોક ઠક્કરના પુત્ર છે. ‘ઓહ માય ગોડ’ નામની ફિલ્મનું નિર્માણ પણ આ જ બેનર અંતર્ગત કરવામાં આવ્યું હતું. હવે પરેશ રાવલ અને હેમલ ઠક્કર એક નવી સિરિયલ લઈને આવી રહ્યા છે. આજના સંકુલ જીવનમાં પતિ-પત્નીના સંબંધો વધુ ને વધુ કન્ફ્યુઝિંગ થતા જાય છે. પતિ-પત્ની કે સ્ત્રી-પુરુષ પ્રકૃતિએ જુદાં છે. એક જાણીતા અંગ્રેજી પુસ્તક ‘મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ’ના કહેવા પ્રમાણે સ્ત્રી-પુરુષમાં કોઈ સરખાપણું નથી. કદાચ એ જ કારણ એમને એકબીજા સાથે જોડી રાખવા કે બાંધી રાખવા માટે કારણભૂત છે. ‘પ્લેટ ટાઇમ ક્રિએશન’ની નવી સિરિયલ ‘સાત ફેરોં કી હેરાફેરી’ આ જ વિષય સાથે હળવાશથી કામ પાડે છે. સ્ત્રી-પુરુષના સંબંધોને જરા જુદી રીતે રજૂ કરતી આ સિરિયલ આપણાં ભારતીય લગ્નો અને ભારતીય માનસિકતાને બહુ રમૂજી રીતે આપણી સામે લઈ આવે છે.


30 મે, આવતી કાલે પરેશભાઈનો જન્મદિવસ છે. આમ જોવા જઈએ તો આપણે એમના જીવન વિશે કેટલું ઓછું જાણીએ છીએ! કેટલાય અભિનેતાઓનાં લગ્નો ચર્ચાના ચકડોળે ચડી ચૂક્યાં છે. ઓમ પુરી, અનુપમ ખેર, સુરેશ ઓબેરોય અને આશુતોષ રાણા જેવાં કેટલાંય ચરિત્ર અભિનેતાઓનાં લગ્નોની ચર્ચા બજારમાં થઈ ચૂકી, પરંતુ પરેશભાઈના લગ્નજીવન વિશે ક્યારેય કશું ઘસાતું સાંભળવા મળ્યું નથી. એનું કારણ એમના પોતાના જીવન વિશેની સ્પષ્ટ પ્રાઇવસી છે.


આ ગુજરાતી અભિનેતાને આજે યાદ કરવાનું કારણ એ છે કે 2019ની ચૂંટણી જ્યારે ફરી સંભળાઈ રહી છે ત્યારે પરેશ રાવલ આ ચૂંટણી લડશે કે નહીં, એવા સવાલો અખબારો અને મીડિયા પૂછી રહ્યું છે ત્યારે 222 - ફિલ્મો, 25થી વધુ નાટકો અને નેશનલ એવોર્ડથી, પદ્મશ્રીથી સન્માનિત આ ગુજરાતી અભિનેતા પોતાની કારકિર્દી અને રાજકારણ વચ્ચે સરસ બેલેન્સ જાળવી
રહ્યા છે.


આજકાલ આપણે એવા કેટલાય લોકોને ઓળખીએ છીએ જે લોકો માત્ર પ્રોબ્લેમ વધારવાનું કામ કરે છે. એમને સોંપેલું કોઈ પણ કામ હોય એમાં ક્યાં ક્યાં મુશ્કેલી નડશે એ એમણે કામ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ નક્કી કરી લીધું હોય છે. એમને કહેવામાં આવેલું કામ કે સોંપવામાં આવેલી જવાબદારીમાંથી કઈ રીતે છટકવું એ વિચારવા માટે એમની પાસે ઘણો સમય, બહાનાં કાઢવા માટે ઘણી શક્તિ અને જવાબદારી ન ઉઠાવવા કે કામ ન કરવા માટેનાં બહાનાં આપણે ગળે ઉતારવા માટે ઘણાં સંસાધન હોય છે. લગભગ દરેક વખતે આવા લોકો ‘શું કામ નહીં થઈ શકે’ એનાં કારણો શોધતા હોય છે. જ્યારે ખરેખર તો ‘કઈ રીતે થઈ શકે’ એના રસ્તા શોધવાની જરૂરિયાત હોય છે.


પોતાને કશું ન મળ્યું કે પોતે કોઈ સફળતાથી વંચિત રહી ગયા તો એને માટે બીજા લોકો કેટલા જવાબદાર છે એ શોધવાની મજા લેતા માણસોને તો આપણે સહુ મળ્યા જ છીએ. એક રસપ્રદ બાબત એ છે કે, આવા લોકો સખત જિનિયસ હોય છે. જો એ કશું કરવા ધારે તો ચપટી વગાડતામાં કરી શકે છે, પરંતુ એ નહીં કરવાનાં કારણો શોધવામાં એ લોકો પોતાની તમામ શક્તિ કામે લગાડે છે. જેની પાસે કોઈ એવો ‘અધધધ’ થઈ જવાય એવો દેખાવ નથી, સિક્સ પેક્સ કે સ્ત્રીઓ મોહી પડે એવું શરીર નથી અને ફિલ્મનું કોઈ બ્રેકગ્રાઉન્ડ નથી તેમ છતાં, છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી સિનેમા અને રંગભૂમિના ક્ષેત્રમાં જેમણે લોકહૃદયમાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે એવી વ્યક્તિને જો સફળતાનું કારણ પૂછીએ તો એ હંમેશાં કહે છે, ‘મહેનત અને ટેલેન્ટ!’ એ નસીબમાં ખાસ નથી માનતા, મંદિરોમાં, મસ્જિદોમાં માથા ટેકવવા, દોરાધાગા બાંધવામાં એમને રસ નથી. મજાની વાત એ છે કે, ખાસ જાહેરાતોમાં પણ એ દેખાતા નથી, કારણ કે પ્રોડક્ટની વિશ્વસનીયતા ચકાસ્યા વિના એ પ્રોડક્ટની જાહેરાત ન કરી શકાય એવું એ માને છે.


આ એક એવો માણસ છે જેને પોતાના આગવા મોરલ્સ છે. એના નિયમો અને સિદ્ધાંતો એણે પોતે બનાવેલા છે. એ પોતાના પ્રોડક્શન્સ બજારમાં મૂકતા પહેલાં એની ગુણવત્તાને ચકાસે છે. આ થોડાક જ ગુણો આપણે અપનાવી શકીએ તો કદાચ આપણે પણ પરેશભાઈ જેવા સફળ વ્યક્તિ બની શકીએ.
kaajalozavaidya@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP