આદરને પાત્ર કે આદર માત્ર?

Respect or respect only?

divyabhaskar.com

Jun 08, 2018, 12:35 PM IST
હ મણાં થોડા વખત પહેલાં એક મિત્રના દીકરાએ પૂછ્યું, ‘પણ એ મને નથી ગમતા તો મારે એમને કેમ પગે લાગવાનું?’ મારા મિત્રની પત્નીએ પોતાના સંતાનને કહ્યું, ‘એમાં ગમવાનું-ન ગમવાનું ના હોય, એ વડીલ છે, ચૂપચાપ પગે લાગ.’ એના દીકરાએ થોડા ગુસ્સામાં અને થોડા કંટાળા સાથે વાંકા વળીને વડીલના ઘૂંટણે હાથ લગાડ્યો. એની અનિચ્છા સ્પષ્ટ દેખાઈ આવતી

કોઈને નમવું કે કોઈને પગે લાગવું એ વ્યક્તિ પ્રત્યેના આદરની અભિવ્યક્તિ છે. આપણે જ્યારે આપણા મસ્તિષ્ક સાથે નમીએ છીએ ત્યારે એની ભીતર રહેલો અહંકાર અને આપણી બુદ્ધિ પણ નમે છે. આથી વ્યક્તિ પ્રત્યે આદર હોવો જરૂરી છે

હતી. ‘સરકાર રાજ’ ફિલ્મમાં અભિષેક બચ્ચન જ્યારે એના પિતાના ગુરુ, મેન્ટોર એવા રાવસાહેબને મળવા જાય છે ત્યારે એના પિતા ‘સરકાર’ એમને પગે લાગે છે, પરંતુ અભિષેક જ્યારે પગે લાગવા જાય છે ત્યારે રાવસાહેબ એને કહે છે, ‘પાંવ તબ હી છૂના જબ મન મેં આદર હો’ આ વાત બહુ જ મહત્ત્વની છે. આપણે બધાએ આ વાત સમજવાની છે અને આપણાં સંતાનોને પણ સમજાવવાની છે.
માત્ર ઉંમરથી વડીલ છે માટે પગે લાગવું કે લગાડવું એ રિવાજ છે, રિચ્યુઅલ રીત છે. એમાં ક્યાંય ભીતરથી આવતો સ્નેહ કે આદર જોડાયેલાં નથી. કોઈને નમવું કે કોઈને પગે લાગવું એ વ્યક્તિ પ્રત્યેના આદરની અભિવ્યક્તિ છે. આપણે જ્યારે આપણા મસ્તિષ્ક સાથે નમીએ છીએ ત્યારે એની ભીતર રહેલો અહંકાર અને આપણી બુદ્ધિ પણ નમે છે. જે તે વ્યક્તિ પ્રત્યે મનમાં શંકા, કુશંકા, પ્રશ્નો કે અનાદર હોય તો એ વ્યક્તિને ન નમવું વધુ સારો નિર્ણય છે.
મોરારિબાપુ પોતાની કથામાં ઘણી વાર કહે છે કે, ‘જો મસ્તિષ્કને બાદ કરી નાખવામાં આવે તો આપણું શરીર એક શિવલિંગ છે. એના પર ગોઠવાયેલું મસ્તિષ્ક અહંકારનું પ્રતીક છે. જ્યારે કોઈને નમીએ છીએ ત્યારે આપણી ભીતર રહેલો અહંકાર જો એના જ્ઞાનને, એની સાધુતાને, એની સજ્જનતાને, એના શીલને, સમજણને કે એની ભીતર રહેલી શુદ્ધતાને ન નમતો હોય તો એને દંભ કહેવાય, પ્રણામ નહીં.’ આપણે આપણાં સંતાનોને દંભ કરતા શીખવીએ છીએ, કદાચ અજાણતાં જ!
જે વ્યક્તિને પગે લગાડવાનો આપણે આગ્રહ કર્યો હોય એ જ વ્યક્તિ વિશે માતા-પિતાને ખોટી કે ખરાબ વાત કરતા જ્યારે આપણું સંતાન સાંભળે છે ત્યારે એને આપણા પરત્વે પણ આદર ઘટે છે. એને આપણો દંભ સમજાય છે અને સાથે જ આપણા સત્યમાં રહેલો વિશ્વાસ ઓછો થતો જાય છે. રીતિરિવાજ કે સંસ્કારનો અર્થ એ છે કે આપણે એને પહેલાં સમજીએ અને પછી
આચરણમાં મૂકીએ.
ઘણા પરિવારોમાં સવારે ઓફિસે જતાં કે બહારગામ જતી વખતે માતા-પિતાને, વડીલોને પગે લાગવાની ‘પ્રથા’ છે. આપણે જોયું છે કે, જે ઘરોમાં આવી પ્રથા છે એ ઘરના ઘણા લોકો આ પ્રથા વિશે ગૌરવપૂર્વક વાત કરતા હોય છે. એમના સંસ્કાર અને સંતાનોને સંસ્કૃતિની અપાયેલી સમજણ વિશે કહેતી વખતે એમની આંખોમાં હળવો અહંકાર પણ વંચાય છે, ક્યારેક! પરંતુ જે સંતાનો એમને પગે લાગીને ઓફિસે કે બહારગામ જાય છે એ જ સંતાનો માતા-પિતાની જાણ બહાર એમને ખબર ન પડે એમ એમના જ ઘરમાં શરાબની પાર્ટી કરે છે. માતા-પિતા સ્ટ્રિક્ટ વેજિટેરિયન હોય, કાંદા-લસણ ન ખાતાં હોય, પરંતુ સંતાનો નોનવેજ ખાતાં હોય. એવાં સંતાનો માતા-પિતાને પગે લાગે કે ન લાગે એનાથી બહુ ફરક નથી પડતો.
ધર્મગુરુ કે સંતની પધરામણી કરવાથી ઘર પવિત્ર થાય છે એમ જો આપણે માનતા હોઈએ તો ક્યાંક કશુંક કાચું કપાયું છે. માત્ર ભગવા કે સફેદ કપડાંને નમવાનું હોય તો બેટર એ છે કે એને હેન્ગર પર લટકાવીને નમીએ. એની અંદર રહેલા માણસને એના વસ્ત્રને કારણે નહીં, એના વિચારને કારણે નમવાનું હોય છે. આપણે બધા જ જૂના-પુરાણા, રૂઢિચુસ્ત, રીતિરિવાજોને આપણા સંસ્કાર માની બેઠા છીએ, પરંતુ કર્મકાંડ કે વિધિવિધાન એ સંસ્કાર નથી.
સંસ્કાર તો માણસનું ભીતરનું શીલ કે ચરિત્ર છે જેમાં ક્યાંક રીતિરિવાજ આવતા નથી. રિવાજો માણસે ઊભા કરેલા છે જ્યારે સંસ્કાર એ માણસની ભીતર જીવતી એની માણસાઈ છે, એનો માનવધર્મ છે. આ માનવધર્મને રીતિરિવાજ કે વિધિવિધાન, કર્મકાંડ કે પૂજા, દીવા, ઉપવાસ કે યજ્ઞો સાથે સંબંધ નથી. મોટાભાગના લોકો એવું માને છે કે, મંદિર જવું, ઉપવાસ કરવા એ આપણી સંસ્કૃતિ છે. સાડી પહેરવી કે સલવાર કમીઝ પહેરવાં, માથે ઓઢવું, વડીલોને પગે લાગવું, ચાંદલા કરવા, બંગડી પહેરવી, મંગલસૂત્ર પહેરવું એ બધા રિવાજો છે, સંસ્કાર નહીં.
વેદોએ કોઈ દિવસ રિવાજો પર ભાર નથી આપ્યો. આપણને શીખવવામાં આવે છે કે સંસ્કાર આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા હોવા જોઈએ, આપણી જીવનશૈલી હોવી જોઈએ. દેખાડા માટે કરવામાં આવતી દરેક ચીજ માત્ર દંભ છે. આપણે બધા આવા દંભનાં વખાણ કરતા પણ અચકાતા નથી.
નવાઈની વાત એ છે કે, આપણે બધા જ એવું માનીએ છીએ કે, મને-કમને પગે લાગતાં બાળકો મને-કમને સાડી પહેરતી-માથે ઓઢતી પુત્રવધૂ કે માતા-પિતાની સામે દંભ કરીને કાંદા-લસણ, કંદમૂળ ન ખાતાં સંતાનો બહુ ‘સંસ્કારી’ છે. એની સામે સાચું બોલતાં, માતા-પિતાને સત્ય કહીને આમલેટ કે નોનવેજ ખાવા જતાં સંતાનો, પેન્ટ પહેરતી પુત્રવધૂ કે હાથ જોડીને નમસ્તે કરતાં, પગે ન લાગતાં, પરંતુ માતા-પિતાને સાંજના છેડે સમય આપતાં, એમની સાથે સારી ફિલ્મો જોવા જતાં કે એમને વહાલથી બહાર જમવા લઈ જતાં સંતાનો વધુ સંસ્કારી નથી?
સાધુ-સંતોને ત્યાં આવવાની કેટલાંક યુવાન સંતાનો ના પાડે છે. એમને આવા સાધુ-સંતોમાં શ્રદ્ધા નથી, કારણ કે બદલાતા સમય સાથે ભગવાં વસ્ત્રોનું મૂલ્ય ઘટતું જાય છે. ટીવી ચેનલ પર પ્રચાર, પ્રસારના માધ્યમ તરીકે બનાવવામાં આવતી સિરિયલ્સ સાંઈ કે રામદેવ જોયા પછી શું ખરેખર આપણે આપણાં સંતાનો પાસે સાધુને નમે એવી અપેક્ષા રાેકી શકીએ ખરા?
ચમત્કારો એ સાધુત્વ નથી, ચરિત્ર સાધુત્વ સાથે જોડાયેલી પહેલી અને મહત્ત્વની બાબત છે. ભભૂતિ કાઢતી, ઘડિયાળો આપતી, સોનાની ચેઇનો કાઢી આપતી કે પોતાની જગ્યાએ બેઠાં બેઠાં તમારે ઘેર શું ચાલે છે તે કહી આપતી વ્યક્તિઓ જ્ઞાની હશે, જાદુગર હશે, સિદ્ધ હશે, પરંતુ સાધુ નથી એટલું નક્કી! જ્ઞાન તો રાવણ પાસે પણ બહુ હતું, દુર્યોધન પણ મૂર્ખ નહોતો. મહત્ત્વનું એ છે કે એ જ્ઞાન સાથે સમાજનું શ્રેય જોડાય છે કે નહીં. જે સમાજનો વિચાર કરે તે સાધુ અને જે પ્રમાદનો વિચાર કરે એ સ્વાર્થી.
આપણે બધા જ આદરને પાત્ર વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે, પોતાના મોટા થઈ રહેલાં સંતાનોની નજરમાં પોતાનું ચારિત્ર્ય અને ચરિત્ર વધુ ઉજ્જ્વળ થઈને પ્રગટે એ માટે લફરાબાજ અને શો મેન ગણાતાં ફિલ્મસ્ટાર્સ પણ મેસેજ ઓરિએન્ટેડ ફિલ્મો કરી રહ્યા છે.
અક્ષય કુમારે ‘એરલિફ્ટ’, ‘ટોઇલેટ એક પ્રેમકથા’, ‘પેડમેન’ જેવી ફિલ્મો કરી. આમિર ખાને ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘તારેં જમીન પર’ જેવી ફિલ્મો કરી તો અજય દેવગણ ‘સિંઘમ’, ‘રેડ’ અને ‘દૃશ્યમ’ જેવી ફિલ્મો કરી રહ્યા છે. જે લોકો પૈસા કમાવા માટે કોઈ પણ રોલ કરવા તૈયાર હતાં એવાં ફિલ્મસ્ટાર્સ પણ જ્યારે સમજી વિચારીને પોતાનાં પાત્રો પસંદ કરી રહ્યા છે ત્યારે આપણે પણ સમજી, વિચારીને આપણા ચારિત્ર્યનું ઘડતર કરવું જોઈએ એવું
નથી લાગતું?
આપણા સંતાનો આપણને સીસીટીવી કેમેરાની જેમ જુએ છે. આપણી નાનામાં નાની હિલચાલ, આપણાં વાણી-વ્યવહાર અને આપણા મનમાં ચાલતા વિચારસુધ્ધાં આપણાં સંતાનોના માનસ પર ઝિલાય છે. એ અજાણતાં જ પ્રતિબિંબની જેમ આપણને રિફ્લેક્ટ કરે છે ત્યારે એમના ઉપર ‘સંસ્કાર’ના નામે રીતિરિવાજ, કર્મકાંડ કે રૂઢિચુસ્ત વ્યવહાર ઠોકી બેસાડવાને બદલે સાચું ચારિત્ર્ય અને શુદ્ધ ચરિત્ર શીખવવાનો પ્રયત્ન કરવો એ માતા-પિતાની મહત્ત્વની ફરજ છે.
એક વાર જાતને પૂછવું જોઈએ કે, શું આપણે આ ફરજ બજાવી રહ્યા છીએ? આપણાં સંતાનો માટે આપણે આદરને પાત્ર છીએ કે પછી એ દેખાડવા માટે આદર માત્રનો દંભ કરે છે. [email protected]

X
Respect or respect only?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી