Home » Rasdhar » કાજલ ઓઝા વૈદ્ય
લેખિકા ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર અને વક્તા છે.

મા, મુઝે સલામ!

  • પ્રકાશન તારીખ08 Jun 2018
  •  
મે મહિનાનો બીજો રવિવાર આખા વિશ્વમાં ‘મધર્સ-ડે’ તરીકે ઊજવાય છે. આખું વર્ષ જેણે મા સામેય ન જોયું હોય એવા લોકો પણ આ દિવસે પોતાની મમ્મીને ‘હેપી મધર્સ-ડે’ વિશ કરવાની તક ઝડપી લે છે. દુ:ખની વાત એ છે કે આમ આપણી જિંદગીમાં મમ્મીનું મહત્ત્વ બહુ નથી હોતું. મમ્મી એક એવું અસ્તિત્વ છે જેના વગર જિંદગી અધૂરી થઈ જાય છે, પણ એની હાજરીની નોંધ આપણે ભાગ્યે જ લઈએ છીએ. હવામાંના ઓક્સિજનની જેમ મમ્મી આપણી આખી સિસ્ટમને ચલાવવાનું કામ કરે છે, પણ વાતાવરણમાં રહેલા અનેક વાયુમાં ઓક્સિજન કયો છે અથવા એને છૂટો પાડવાની પ્રક્રિયા કેટલી જટિલ અને અઘરી છે એની આપણને ખબર પડતી નથી, કારણ કે આપણા માટે એ કામ આપણાં નસકોરાં અને ફેફસાં સાવ સ્વાભાવિક રીતે કરી નાખે છે. સામાન્ય રીતે ઘરમાં હોય ત્યારે જેના પર વાતે વાતે ચિડાઈ શકાય, જેને નાની વાત માટે ઉતારી પાડી શકાય, જેની સલાહ-સૂચનાને કમ્ફર્ટેબલી અવગણી શકાય ને છતાંય જરૂર પડે ત્યારે જરાય અચકાયા વગર જેની પાસે પહોંચી જઈ શકાય એ મા છે! મમ્મી ભાગ્યે જ આપણું કોઈ કામ કરવાની ચોખ્ખી ના પાડે છે.

મોટાભાગની મા એવું માને છે કે ત્યાગ કરી દેવો, છોડી દેવું, જતું કરવું, પોતાના મનની વાત કોઈને ન કહેવી કે પોતાની ઇચ્છા જાહેર ન કરવી એ ત્યાગ, બલિદાન કે માતૃત્વની ચરમસીમા છે. આ તદ્દન વાહિયાત અને ખોટી માન્યતા છે

આપણે બધા જ, મમ્મીને મોટેભાગે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. જે વ્યક્તિ પોતાના ગમા-અણગમા બાજુએ મૂકીને સતત આપણને શું ગમશે એનો વિચાર કરે છે એવી મમ્મીને શું ગમે છે એની આપણને ભાગ્યે જ ખબર હોય છે. એમાં થોડો વાંક મમ્મીનો પણ છે. એ ભાગ્યે જ પોતાની ઇચ્છા જાહેર કરે છે. પોતાના ગમા-અણગમા ખૂલીને કહે છે. મોટાભાગની મા એવું માને છે કે ત્યાગ કરી દેવો, છોડી દેવું, જતું કરવું, પોતાના મનની વાત કોઈને ન કહેવી કે પોતાની ઇચ્છા જાહેર ન કરવી એ ત્યાગ, બલિદાન કે માતૃત્વની ચરમસીમા છે. આ તદ્દન વાહિયાત અને ખોટી માન્યતા છે.
નિરૂપા રોય સીવવાના સંચા પર બેસીને ખાંસતી રહેતી એક માનું ચિત્ર આપણા માટે છોડી ગયાં. એક ગરીબ, નિ:સહાય, વિધવા અને બિચારી-બાપડી હોય તો જ એને માતૃત્વ શોભે? તો પછી જીજાબાઈ કે બાજીરાવની મા વિશે આપણે શું કહીશું? આંખોમાં આંસુ સાથે સંતાનની સામે કરગરતી માનું ચિત્ર હવે ઝાંખું થતું જાય છે, થવું જોઈએ. જેણે આપણને જન્મ આપ્યો, ઉછેર્યા અને જેણે આ જગતમાં જીવવાને લાયક બનાવ્યા એ સંતાનની સામે માએ માથું ઝુકાવવાની કે રડવાની કોઈ જરૂર નથી. આજની માનું ચિત્ર બદલાયું છે. મોટાભાગની માતા વ્યવસાય કરે છે, કમાય છે એટલે આર્થિક રીતે સ્વતંત્ર છે, તેમ છતાં આપણે જોઈએ છીએ કે પતિના મૃત્યુ પછી મા પોતાના સંતાન પર આધારિત થઈ જાય છે. એકલવાયી જિંદગી જીવતી, પતિ વિનાની મા ઘણી વાર હડધૂત થતી હોય છે. જે સંતાનો માટે ઉજાગરા કર્યા, એમના ભણતર માટે, ટ્યુશન માટે ધક્કા ખાધા એવાં સંતાન પણ માનું અપમાન કરતાં કે એને તકલીફ આપતાં અચકાતાં નથી ત્યારે એવો સવાલ અચૂક થાય કે આજના સમયમાં માનું સ્વમાન કે સન્માન નથી સચવાતું એનું કારણ શું?
એનું પહેલું કારણ એ છે કે આપણે ક્ષમાને નબળાઈ સુધી ઘસડી જઈએ છીએ. માનો અર્થ જ મમતા, ક્ષમા, ધૈર્ય અને ઋજુતા જેવા ગુણો સાથે પૂરો થાય છે, પરંતુ આ ગુણો એને જ્યાં સુધી એના સ્વત્વમાં ટકાવી શકે ત્યાં સુધી એ ગુણો રહે છે, પરંતુ જે દિવસે આ જ ગુણો સ્ત્રીની નબળાઈ બને એ દિવસે એ અવગુણ માત્ર એને જ નહીં, આખા સમાજને નુકસાન કરે છે. મોટાભાગની મા સુખમાં કે દુ:ખમાં, અપમાનમાં કે સન્માનમાં, પોતાના દીકરાની વિરુદ્ધ કંઈ કહેવા કે એના ગેરવર્તન વિશે વાત કરવા તૈયાર નથી થતી.
દીકરો કમાતો ન હોય, રખડી ખાતો હોય તો પણ એની ખોટી ખોટી વાતો અને બડાઈઓ કરતાં ઘણી મા અચકાતી નથી. આવી મમ્મીઓ દીકરાનો ફાયદો નહીં, એનું નુકસાન કરે છે. એ કદાચ સમાજની સામે પોતાના દીકરાની ખોટી વાતો કરીને એવું સાબિત કરતી હોય કે એનો દીકરો પરફેક્ટ છે, એનામાં કોઈ અવગુણ નથી તો એ મા એના દીકરાના ભવિષ્યને અંધકારમાં ધકલી રહી છે એવું એણે સમજી લેવું પડે. પ્રેમ અને નબળાઈ વચ્ચે બહુ મોટું અંતર છે. વિશ્વનો કોઈ પ્રેમ વિકનેસ નથી, પ્રેમનો અર્થ જ શક્તિ કે સ્ટ્રેન્થ છે. જે પ્રેમ આપણને ખોટું કરવા માટે મજબૂર કરે એને બીજું કંઈ પણ કહેવાય, પ્રેમ તો ન જ કહેવાય એટલું નક્કી છે.
માનું કામ સંતાનના ભવિષ્ય ઘડતરનું છે. જે મા પોતાના સંતાનને સાચું ન કહી શકે એ મા પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમ નથી બતાવતી બલ્કે પોતાની મા તરીકેની જવાબદારીમાંથી છટકવાનું કામ કરી રહી છે. જગતની દરેક મા પોતાના સંતાનના સ્વાસ્થ્ય અને સલામતીનો વિચાર કરે છે. સ્વાસ્થ્ય માટે કડવી દવા જરૂરી છે એવી જ રીતે સલામતી માટે સંઘર્ષ જરૂરી છે. જે માતા પોતાના સંતાનના માથે સતત છાંયડો બનીને ઝળૂંબે છે, એને જગતનો તડકો લાગવા જ નથી દેતી એ મા અજાણતાં જ પોતાના સંતાનને સચ્ચાઈથી દૂર કરી રહી છે.
આજની મમ્મીઓ સંતાનને હરીફાઈમાં ધકેલે છે. ટકાવારી, દેખાદેખીથી શરૂ કરીને યુવાન દીકરીઓને કેટલીક મમ્મી એવું પણ શિખવાડે છે કે તારી સાથે ફરતો આ છોકરો આઇડિયલ બેચલર છે, એને ધીમે ધીમે તારા પ્રેમમાં પાડીને લગ્ન માટે તૈયાર કર તો તારું ભવિષ્ય સુરક્ષિત છે. એવી જ રીતે કેટલીક મમ્મી પોતાના દીકરાની મિત્રતા એવા જ છોકરાઓ સાથે કરાવે છે અથવા ટકાવવામાં પ્રોત્સાહિત કરે છે જેમની પાસે સમાજમાં નામ અને બેન્કમાં પૈસા છે. આપણે અજાણતાં જ આપણાં સંતાનને ગણતરીઓ ઉપર સંબંધ બાંધવા તૈયાર કરતા હોઈએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણું સંતાન એ જ ગણતરીનો ઉપયોગ આપણી સાથેના સંબંધમાં પણ કરવા લાગશે તો...
આજના સમાજજીવનનો સવાલ એ છે કે પેન્ટ પહેરતી, લેપટોપ વાપરતી, ઘરમાં ચોવીસ કલાકની બાઈ રાખીને બાળઉછેર કરી રહેલી મમ્મી સાચી કે ગઈ કાલની કોળિયા ભરાવતી, વાર્તાઓ કહેતી, હાલરડાં ગાતી અને ચિંતામાં અડધી અડધી થઈ જતી, સતત પ્રશ્નો પૂછતી મમ્મી સાચી? આજની ટીનએજ સંતાનને મમ્મીના સવાલો ‘લોડ’ લાગે છે. સંતાન છટકવા મથે છે, મમ્મી પકડવા મથે છે. આજની મમ્મી બહારની દુનિયાથી ગભરાય છે એટલે એ પોતાના સકંજા, જાસૂસી કે નિયંત્રણોને વધુ કડક કરતી જાય છે. આ વિષચક્ર ફર્યા જ કરે છે!
મા માટે કદાચ એ પુરુષ પતિ હોઈ શકે, પરંતુ સંતાન માટે એ પિતા છે. જે મા પોતાનાં સંતાનોની હાજરીમાં પતિનું અપમાન કરે, એના વિશે ગમે તેમ બોલે કે એની સાથે બેફામ ઝઘડે એ મા ક્યારેક પોતાનાં સંતાનોની નજરમાં આદરને પાત્ર બની શકતી નથી. એની સામે ક્ષમા કરતી, સ્નેહ કરતી, સહુની કાળજી કરતી મા સ્નેહ અને સન્માન તો પામે જ છે, પરંતુ જ્યારે એનાં સંતાનો ટીનએજમાં આવે કે યુવાન થાય ત્યારે જો એ જ પિતા મા સાથે ખરાબ રીતે વર્તે તો સંતાનો અચૂક માના પક્ષમાં ઊભાં રહે એવા અનેક કિસ્સા આપણે જોયા છે.
2018નો મધર્સ-ડે તો ગયો, પણ આ દિવસે આપણે સહુએ આપણા પરિવારોને એક સવાલ પૂછવાનો છે. શું ખરેખર આપણે આપણાં સંતાનો માટે એક સારી મા પુરવાર થવું છે? તો સહુથી પહેલાં આપણે આપણું વર્તન અને વ્યવહાર એવો કરવો પડશે જે આપણાં સંતાનને આપણા તરફ સન્માનથી જોતાં શીખવે. પિતા સાથે ઝઘડતી, દાદા-દાદીની ફરિયાદ કરતી, નાની-નાની વાતમાં જુઠ્ઠું બોલતી, ઉશ્કેરાઈને બૂમો બાડતી, ચીસો પાડતી મા કોઈ દિવસ સન્માનનું પાત્ર બની શકતી નથી. સંયમમાં રહીને વર્તતી, જરૂરી શબ્દોમાં સૂચના આપતી, બિનજરૂરી કચકચ નહીં કરતી છતાં જ્યાં જરૂર હોય ત્યાં પોતાની ઓથોરિટી વાપરતી મા આપોઆપ જ સન્માનને પાત્ર બની જતી હોય છે.
અગત્યનું એ છે કે, યુવાન દેખાવાનો પ્રયત્ન કરવામાં આજની મમ્મી ભૂલી ગઈ છે કે એનું કામ દીકરી સાથે કોમ્પિટિશન કરવાનું નથી, એણે દીકરીને દુનિયાની કોમ્પિટિશનમાં દાખલ થતા પહેલાં એ અંગે તૈયાર કરવાની જવાબદારી લેવાની છે. વજન ઉતારવું, વાળ કાળા કરાવવા, ફેશિયલ કરાવવું, બટોક્સ લઈને યુવાન દેખાવામાં કંઈ ખોટું નથી, પરંતુ એ યુવાની તમારી દીકરી સાથે હરીફાઈમાં ઊતરવા સુધી લઈ જાય ત્યારે જાતને તપાસવાની જરૂર છે એવું માનવું. પુત્રવધૂ કે દીકરાના જીવનમાં સતત ઇન્ટરફિયર કરતી મા કારણ વગર અળખામણી થઈ જતી હોય છે.
માને મજબૂત બનાવવાનું કામ, એના સ્વમાન કે સન્માનને સાચવવાનું કામ કોણ કરી શકે? તો એનો જવાબ છે, મા પોતે જ. જે મા પોતાના માતૃત્વને, અસ્તિત્વને અને સ્વત્વને સન્માન આપે છે એને આખા જગતે, એના સંતાને અને એના પરિવારે વહેલું-મોડું સન્માન આપવું જ પડે છે. kaajalozavaidya@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP