વ્યવસાયે ડૉક્ટર એવાં લેખિકા સ્ત્રી આરોગ્ય પર અધિકૃતતાથી લખે છે.

ફોરસેપ્સ કે સીઝેરિયનથી ભય પામવાની જરૂર નથી

  • પ્રકાશન તારીખ04 Jun 2019
  •  

પ્રેગ્નન્ટ બહેનોમાં બે બાબતો અંગે મૂંઝવણ, ભય અને અજ્ઞાનતા રહેલાં હોય છે. એક, ફોરસેપ્સ ડિલિવરી અને બીજું, સીઝેરિયન. વાસ્તવમાં આ બંને પણ પ્રસૂતિ થવાના બે પ્રકારો જ છે અને એનો હેતુ પ્રસૂતા તેમજ ગર્ભસ્થ શિશુની સલામતી જાળવવાનો જ હોય છે.
જ્યારે પ્રસૂતા દર્દ સાથે મેટરનિટી હોમમાં દાખલ થાય છે, ત્યારે તેના સગાંવહાલાની અપેક્ષા એક જ હોય છે. ‘ગમે તે થાય પણ ડિલિવરી નોર્મલ રીતે જ કરાવજો.’ મોટા ભાગના ડોક્ટરો નોર્મલ ડિલિવરી થાય તે માટેના પ્રયત્નો કરી છૂટે છે, પરંતુ જ્યારે એવું લાગે કે નોર્મલ ડિલિવરી માટે વધારે પડતી કોશિશ કરવા જતાં પ્રસૂતા અથવા તો બાળકનો જીવ જોખમમાં મૂકાઇ જશે ત્યારે ડોક્ટરે સ્થિતિ અને સંજોગો અનુસાર ફોરસેપ્સ ડિલિવરી અથવા સીઝેરિયન કરવાનો નિર્ણય લેવો પડે છે.
ફોરસેપ્સ ડિલિવરી એટલે સ્ટીલના ચીપિયા વડે બાળકનું માથું ખેંચીને એનો જન્મ કરાવી લેવો. આવું ખાસ કિસ્સાઓમાં જ કરવામાં આવે છે. જ્યારે ગર્ભાશયનું મુખ પૂરેપુરું ખૂલી ગયું હોય, બાળકનું માથું છેક નીચે સુધી આવી ગયું હોય, પણ પછી પ્રસૂતિની પ્રક્રિયા ત્યાંથી આગળ ના વધતી હોય ત્યારે ચીપિયો લગાડવાની જરૂર પડે છે. સામાન્ય રીતે આવું પ્રથમ પ્રસૂતિ વખતે જોવા મળે છે કારણ કે પ્રસૂતા બિન અનુભવી હોય છે, એનો પ્રસવ માર્ગ સાંકડો અને કડક હોય છે અને કલાકો સુધી પ્રસવપીડા વેઠીને એ તન અને મનથી થાકી ગઇ હોય છે. એટલે છેક અંત સુધી આવ્યાં પછી તે સહકાર આપવાનું બંધ કરી દે છે.
ક્યારેક એવું પણ જોવા મળે છે કે ગર્ભાશયનું મુખ પૂરેપુરું ખૂલી ગયાં પછી ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારામાં જોખમી વધઘટ જોવા મળે છે. એના શ્વાસમાં ગંદું પાણી દાખલ થઇ જવાથી તેના બચવા ઉપર શંકાનાં વાદળો ઘેરાઇ જાય છે. આવા સંજોગોમાં વધુ રાહ જોવાથી કે નોર્મલ ડિલિવરીનો આગ્રહ રાખવાથી બાળક ગુમાવી દેવું પડે છે.
ફોરસેપ્સ એ બીજું કંઇ નથી, પણ સ્ટેનલેસ સ્ટીલનો બનેલો ચીપિયો છે. એનું કામ સાણસીની જેવું જ હોય છે, પણ એના બંને પાંખિયા પહોળા અને છૂટાં હોય છે. સાણસીની જેમ રીવેટથી જોડાયેલાં હોતાં નથી. એ લગાડતાં પહેલાં કેટલીક બાબતોની કાળજી લેવી આવશ્યક છે. ડૉક્ટર આંતરિક તપાસ કરીને પૂરી રીતે નક્કી કરી લે છે કે બાળક ચીપિયાની પકડમાં આવી જશે કે નહીં. જો આમાં ચૂક થાય તો પ્રસૂતાના પ્રસવ માર્ગમાં ભારે મોટું નુકસાન થવાની સંભાવના રહે છે. જો ડોક્ટર કુશળ અને અનુભવી હોય તો ફોરસેપ્સ ડિલિવરી એક મોટો આશીર્વાદ બની જાય છે.
ચીપિયો લગાડતા પહેલાં પ્રસૂતિ માર્ગની બાહ્ય ચામડીને ઇન્જેક્શન આપીને બહેરી કરી દેવામાં આવે છે. પછી ત્યાં ચેકો મૂકીને પ્રસવ માર્ગને થોડો પહોળો કરવામાં આવે છે. એ પછી ચીપિયાનાં બંને પાંખિયા બાળકના માથાની બે બાજુએ લગાડીને બાળકને બહાર ખેંચી લેવામાં આવે છે. આમ, આવું કરવા જતાં બાળકના કુમળા ચહેરા પર ચીપિયાના નિશાન પડી જાય છે, જે આગામી 24 કે 36 કલાકમાં જતાં રહે છે.
એ પછી બાળકને ઓળથી અલગ કરી દેવાય છે. એ પછી ઓળ કાઢી લેવામાં આવે છે અને અંતમાં જે ભાગમાં ચેકો મૂકવામાં આવેલો હોય છે તે ભાગ ટાંકા લઇને પૂર્વવત્ કરી દેવામાં આવે છે. આટલી જાણકારી મળી ચૂક્યા પછી પ્રસૂતા બહેનોએ ફોરસેપ્સ ડિલિવરીના નામથી ભડકી ઊઠવાની જરૂર રહેતી નથી.
આવું જ સીઝેરિયન વિશે કહી શકાય. સીઝેરિયનનું નામ સાંભળીને પણ પ્રસૂતા અને તેના સગાંઓ ચિંતામાં પડી જાય છે. હકીકત સાવ જુદી જ છે. આ એક એવું ઓપરેશન છે જેણે આપણા દેશમાં અનેક પ્રસૂતાઓને મૃત્યુના મુખમાં હોમાઇ જતી બચાવી લીધી છે. સામાન્ય રીતે દર 100 પ્રસૂતાઓમાંથી 80-85 જેટલી બહેનોની પ્રસૂતિ નોર્મલ રીતે થતી હોય છે. બાકીના 15થી 20 ટકા જેટલા કિસ્સાઓમાં સીઝેરિયન કરવાની જરૂર પડે છે. સીઝેરિયન કરવા માટેના ઘણાબધા કારણો છે, પણ કેટલાંક સામાન્ય કારણો આ પ્રમાણે હોય છે.
⚫ ગર્ભાશયમાં બાળકની સ્થિતિ આડી હોવી.
⚫ બાળકના ધબકારા ઓછા થઇ જવા.
⚫ સ્ત્રીના પ્રસૂતિમાર્ગના પ્રમાણમાં બાળકનું માથું મોટું હોવું.
⚫ બાળકનું ગર્ભાશયમાં ઊલટી કરી જવું.
⚫ પ્રસૂતિનું દર્દ વધારવા માટે આપેલાં ઇન્જેક્શનોની અસર ઓછી થવી.
⚫ ઓળનો ભાગ ગર્ભાશયમાં નીચે હોવો.
⚫ પ્રસતિ પહેલાં જ ઓળનો ભાગ છૂટો પડી જવો.
⚫ પહેલી પ્રસૂતિ સીઝેરિયન દ્વારા થયેલી હોવી.
આ ઉપરાંત બીજા પણ કારણો છે. જ્યારે નોર્મલ ડિલિવરી માટે રાહ જોવી કે કોશિશ કરવી તે ઘાતક સાબિત થઇ શકે છે. સીઝેરિયન ક્યારેક યોજનાબદ્ધ રીતે કરવામાં આવે છે તો ક્યારેક ઇમર્જન્સીમાં કરવાની જરૂર પડે છે. થોડાં વર્ષો પહેલાં ઊભો ચેકો મૂકીને કરવામાં આવતું હતું, પણ હવે આડા ચેકાથી કરવામાં આવે છે.
ફોરસેપ્સ ડિલિવરી હોય કે સીઝેરિયન, અંતે તો તે માતા અથવા નવજાત શિશુની સલામતી માટે જ કરવામાં આવે છે. માટે ડોક્ટરના નિર્ણયનું હંમેશાં સ્વાગત કરવું જોઇએ.

x
રદ કરો
TOP