પ્રશ્ન વિશેષ- ભદ્રાયુ વછરાજાની / કટારલેખન અને સાહિત્યને નાતો ખરો કે?

article by bhadrayuvachhrajani

Divyabhaskar.com

Dec 02, 2019, 11:57 AM IST
પ્રશ્ન વિશેષ- ભદ્રાયુ વછરાજાની
‘કટારલેખન’ એક શબ્દ તરીકે કે ‘કટાર લેખન’ એમ બે શબ્દો તરીકે ભગવદ્્ગોમંડળના ગુજરાતી શબ્દકોષમાં મળતા નથી. હા, કટાર (સ્ત્રી.) એટલે ‘વર્તમાનપત્રની કોલમ’ કે ‘પાનાંનાં લખાણનો ઊભો ભાગ’ એવો અર્થ જડે છે. જોકે, અંગ્રેજી શબ્દકોષ column writingને સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. A column is a recurring piece or article in a newspaper, Magazine or other publication, where a writer expresses their own opinion in few columns allotted to them by the newspaper orgnisation. વળી, એક સ્પષ્ટતા બહુ સૂચક રીતે કરવામાં આવી છે કે: Columns are written by columnists. અર્થ સ્પષ્ટ થયો કે કોલમ (કટાર) કટારલેખકો દ્વારા લખાય છે! કોઇ સાહિત્યકારો દ્વારા નહીં! બીજો અર્થ એવો પણ તારવી શકાય કે સાહિત્યકારો સાહિત્ય સર્જે, કટારલેખકો કટારલેખન કરે! આમ જોઇએ તો કટારલેખન અને સાહિત્યને સીધો કોઇ નાતો નથી કે નાતો હોવો જરૂરી નથી અથવા કટાર લખનારને સાહિત્યનો આછો પાતળો કે સઘન અભ્યાસ સાહિત્યનો હોય તો તે ગુણ ગણી આવકારપાત્ર! વર્તમાનપત્ર દ્વારા અપાયેલ નિયત જગ્યામાં પ્રતિ સપ્તાહ કટારલેખક પોતાની કોલમના મથાળાને વફાદાર રહીને કોઇ વિષય પર પોતાના વિચારો/મંતવ્યો/અભિપ્રાયો વ્યક્ત કરે તે કટારલેખન થયું કહેવાય.
1. તમે શા માટે કટાર લખો છો? 2. તમે તમારા અભિપ્રાય લખો છો કે કોઇના વિચારો ટાંકો છો? 3. તમે પ્રમાણભૂત વિષયો પસંદ કરો છો? 4. તમે કોઇ વ્યક્તિ વિશેષ અંગે કશું લખો છો? 5. તમે સ્થાનિક કે વ્યક્તિગત બાબતો વિશે લખો છો? 6. તમે તમારી થીમને વળગી રહીને કટાર લખો છો કે ના, સ્વૈરવિહાર કરતાં કરતાં લખવા ટેવાયેલા છો? 7. તમે વ્યક્તિગત બાબતો વિશે અભિપ્રાય લખો છો કે સાહિત્યિક/સામાજિક/સાંવેગિક મુદ્દાને છેડો છો 8. તમારે લખવું હોય તે જ લખે જાઓ છો કે તમારા વાચકોને પણ નજર સમક્ષ રાખો છો? 9. તમને સતત નવા શબ્દો, નવું પ્રારૂપ, નવું વિષયવસ્તુ, નવા વિચારો ‘કોઇન’ કરવા તત્પર હો છો કે એક ઘરેડબદ્ધ ઢાંચામાં ચાલ્યા જવાનું પસંદ કરો છો? 10. તમે પ્રતિ લેખ ઉમળકો જાળવીને કટાર લખો છો કે ટાઇમલાઇન જાળવવા માટે પણ લખો છો?
આ દસ પાયાના પ્રશ્નો કટારલેખક સ્વયંને પૂછે અને તેના નિખાલસ ઉત્તર મેળવે તો તેને સ્પષ્ટ થાય કે કટારલેખનમાં સાહિત્ય આવે છે ને આવે છે તો કેવું-ક્યારે-કેટલું આવે છે? કોઇ કટારને મારીમચકોડીને પણ સાહિત્યપ્રદ બનાવવી જોઇએ એ તો અત્યાચારને આમંત્રણ આપ્યું ગણાય! અહીં બે આયામો છે ખરા: 1. સાહિત્ય સર્જક પ્રમાણમાં ઠીક ઠીક સાહિત્ય રચ્યા પછી કટારલેખક બને તો તેની કટારમાં સાહિત્યનો બહુ સહજતાથી પડઘો પડતો રહેવાનો. 2. કટારલેખનમાં જ સીધો હાથ અજમાવનાર, યાદ રાખીને સાહિત્યનાં છબછબિયાં રૂપે પોતાની કટારમાં સાહિત્યને ટચી લેવાનો પ્રયાસ કરતો રહેવાનો અને એમ બંને આયામોથી સાહિત્યનો નાતો કટારલેખન સાથે જોડાશે, એ નફામાં ખરું. જોકે, તેથી કરીને કટારલેખનમાં ઉચ્ચ કે મધ્યમ સાહિત્ય છાંટ હોવી જ જોઇએ એમ કહેવું અતિશયોક્તિ ગણાશે. તેથી ઊલટું કે, કટારમાં વળી સાહિત્ય છાંટ્યા કરવાની શી જરૂર? એવો પ્રશ્ન પણ અસ્થાને ગણાશે.
કટારલેખન એ એક વિશેષ જવાબદારી છે. કારણ તમને નિયત જગ્યા મળી છે કે જેમાં તમારા વિચારો લઇને પ્રતિ સપ્તાહ તમે વાચકના ઘરે જાઓ છો. એટલે તમે 1. તથ્ય આપો કે 2. પથ્ય આપો કે 3. અકથ્ય આપો તેની થોડી વધુ અસર તો રહે જ છે. વાચક જો નિયમિત તમને વાંચવા ટેવાઈ જાય તો તે લેખકને પૂજવા સુધી પહોંચી જાય છે એટલે કટારલેખક નિત્ય વર્ધનશીલ વાચનથી ને વિચારથી બને તે અપેક્ષિત અને આવકાર્ય બંને છે. થોડી હળવાશથી વાત કરવી હોય તો કટારલેખનની આજની પ્રખ્યાતિને આધારે ત્રણ ભાગમાં વહેંચી શકાય.
1) કેટલીક કટારો કટારલેખન કરતાં કટ્ટરલેખન જેવી વિશેષ હોય છે, કે જેમાં કોઈ મુદ્દો હોય કે ન પણ હોય, પરંતુ કટ્ટરતા અવશ્ય આંખે ચઢે છે. આવા કટારલેખકો પોતાની એક માન્યતા-પ્રવાહને જ વારંવાર વાગોળ્યા કરતા હોય છે. તેઓની વાતમાં જાણે અજાણે કટ્ટરતા જ આવી જાય છે. અહીં સાહિત્યને કોઈ સ્થાન હોતું નથી.
2) કેટલીક કોલમ ખરેખર કટાર લેખન હોય છે કે જેમાં અંગ્રેજી શબ્દકોષે કરેલી વ્યાખ્યા પ્રતિબિંબિત થાય છે. તેમાં મળેલી જગ્યાની માવજત હોય છે ને પોતાના વાચકોની ચિંતા અને તેના પ્રત્યેનો આદર પણ હોય છે. કટારલેખનમાં જરૂર લાગે ત્યાં સાહિત્યનો સંસ્પર્શ પણ હોય છે ને સાહિત્યની બિનજરૂરી અલંકારિકતા ગેરહાજર પણ હોય છે.
3) ગૂગલના સહારે કટ-કોપી-પેસ્ટ કરીને લાંબીલચક ને ગોળગોળ વાતો થાય તેને કાતરલેખન કહેવાય. વિષય સાંપ્રત હોય કે પૌરાણિક, ગૂગલ પર બધા વિશે ઢગલાબંધ મેટર છે. તેમાં ઉપરઉપરથી નજર નાખી મસાલેદાર મેટર ઉપાડી સલાડની જેમ ગોઠવી દેવાનું એ થયું કાતરલેખન! અહીં સાહિત્યની ખેવના નહીં કરવાની.
ટૂંકમાં, વિચાર-વાચન-મનન પછી અભિવ્યક્તિ થાય તેને ખરું કટારલેખન કહેવાય ને એને સાહિત્ય સાથે દોસ્તી હોય ખરી.
[email protected]
X
article by bhadrayuvachhrajani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી