અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

શિવલિંગમાં અદ્્ભુત આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક રહસ્ય છે! કણ કણ શંકર!

  • પ્રકાશન તારીખ02 Jan 2020
  •  
શિવદર્શન- અશોક શર્મા
શિવ અનંતા, શિવકથા અનંતા! શિવદર્શન આનંદદાયી કર્તવ્ય છે. શિવલિંગ અંગે ગતાંકમાં વાત કરી. શિવમહાપુરાણની કથાનો સંદર્ભ આપી શિવલિંગના રહસ્યનું દર્શન કર્યું. ફરીથી એક બે અગત્યની વાતોને યાદ કરી લઇએ. લિંગ એટલે પ્રતીક અથવા ચિહ્ન. તે શાનું ચિહ્ન છે? તે પરમાત્મ તત્ત્વનું પ્રતીક છે. કણકણમાં વિરાજતા શંકરનું દર્શન છે! તમે જુઓ તો શિવલિંગનો કોઇ ચોક્કસ આકાર નથી. જુદા જુદા સ્થળે અનેક આકારના શિવલિંગો પૂજાય છે. તેનું કારણ એ છે કે તે શિવજીના મૂળ નિરાકાર સ્વરૂપનું પ્રગટ રૂપ છે.
જગત બે તત્ત્વોનું બનેલું છે; જડ અને ચેતન. જડ સ્વરૂપ દૃશ્યમાન છે, ચેતન અદૃશ્ય છે. જડ-ચેતનની પ્રક્રિયાનું પરિણામ એટલે જગત! જગત શબ્દનો અર્થ પણ બહુ રસપ્રદ છે! ‘જે જઇ રહ્યું (ગતિમાન) છે, તે જગત!’ જો ચેતના ન હોય તો ગતિ સંભવે ખરી? ના, અલબત્ત એ અર્થમાં સૃષ્ટિનું મૂળ તત્ત્વ ચૈતન્ય છે. ચેતનતત્ત્વને જ્ઞાન પણ કહે છે. અજ્ઞાનને અંધકાર અને જ્ઞાનને પ્રકાશના પ્રતીકોથી દર્શાવીએ છીએ. શિવલિંગ જગતના ચેતનતત્ત્વનું પ્રતીક છે. પ્રકાશને કોઇ સ્થૂળ આકાર હોય ખરો? ન હોઇ શકે, ખરું ને? એટલે જે રીતે પ્રકાશ સૂક્ષ્મ ઊર્જા છે, તે રીતે આત્મા પણ નિરાકાર ચૈતન્ય છે. ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક ફ્રિત્જોફ કાપ્રાના ‘તાઓ ઑફ ફિઝિક્સ’ના ઉપોદ્ઘાત્ માં તેઓ કહે છે કે તેમને શિવતાંડવ નૃત્યના લયની કલ્પનામાં અણુવિસ્ફોટ વખતે થતી આણ્વિક ક્રિયાઓનું દર્શન થયું હતું! પુસ્તકમાં આવું ચિત્ર જોયું હોવાનું પણ યાદ છે. એટોમિક રિએક્ટરનો આકાર પણ શિવલિંગને (પેરાબોલા) મળતો આવે છે. એટોમિક રિએક્ટરમાં ઉત્પન્ન થતી પ્રચંડ ઊર્જા અને ગરમીથી સિસ્ટમને બચાવવા માટે પુષ્કળ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. શિવને શું ગમે? શિવલિંગ પર જળાભિષેક કરવાની પરંપરા છે. ઊર્જાના આધુનિકતમ સંસાધનો સાથે શિવલિંગની સમરૂપતા માત્ર યોગાનુયોગ હોઇ શકે ખરી?
વિશ્વના દરેક પદાર્થમાં કોઇ ને કોઇ સ્વરૂપે આત્મતત્ત્વ બિરાજમાન છે. તેનું સ્થૂળ આંખે દર્શન કરવું શક્ય નથી. જેમ પરમાત્મા સર્વવ્યાપક અને સર્વશક્તિમાન હોવા છતાં નરી આંખે દેખી શકાતા નથી કારણ કે આપણી સ્થૂળ આંખો માત્ર વ્યક્ત સ્વરૂપને જોવા ‘ડિઝાઇન’ થઇ છે! એટલે કોઇ દૃશ્યમાન સ્વરૂપે પરમાત્માને દર્શાવવાની જરૂરિયાત ઊભી થઇ હશે. તેનો ઉત્તમોત્તમ ઉકેલ એટલે શિવલિંગ. તેનો કોઇ ચોક્કસ આકાર રાખીએ તો તે કોઇ એક સજીવનું પ્રતિનિધિત્વ કરે. તેથી તેની વ્યાપકતા તેટલે અંશે મર્યાદિત થાય. દા.ત. તમે કોઇ દેવનું અમુક સ્વરૂપ દર્શાવો તો તેની સાથે દેખાવમાં સમાન પ્રકારના સમાજને પોતીકાપણાંનો ભાવ જાગે. જ્યારે તેનાથી અલગ પડતા લોકોને પારકાપણું દેખાય! એટલે જગતનો જીવમાત્ર જેની સાથે તાદાત્મ્ય અનુભવી શકે તે શિવલિંગ છે. શિવના આ ‘ફૉર્મલેસ ફૉર્મ’ સાકાર છતાં નિરાકાર સ્વરૂપમાં આધ્યાત્મિક દર્શન સાથે સામાજિક સૂઝબૂઝ છે!
એક આધ્યાત્મિક પ્રયોગ કરીએ. જ્યારે શિવલિંગ પર જળાભિષેક કરીએ ત્યારે મનોમન ‘શિવ જુદો નથી જીવથી’ મંત્રને સતત મમળાવીએ. શિવજીને જગતની સાત્ત્વિક ઊર્જાને વધારવા પ્રાર્થના કરીએ. મંત્રોચ્ચાર સાથે તનમનના વિકારોને શ્વાસમાર્ગે બહાર ઉલેચી કાઢીએ. મારા મનના મેલ ધોવાઇ રહ્યા છે અને મારું મન શુભ સંકલ્પોવાળું થઇ રહ્યું છે, તેવું અનુભવીએ. મારું તન, મન અને ધન શિવજીની સેવામાં સમર્પિત કરું, એવો સંકલ્પ લેતાં રહીએ, પાળતાં પણ રહીએ! કોઇ નાનું સરખું નિ:સ્વાર્થ સેવાનું કામ શિવાર્પણ કરતાં રહીએ!
બસ આટલું કરીશું તો અનાયાસ આપણા પોતાના મસ્તક પર શિવજીની કૃપાનો વરસાદ થતો હોવાનું મહેસૂસ થશે!
[email protected]
x
રદ કરો

કલમ

TOP