ઓફબીટ- અંકિત ત્રિવેદી / જવાબદારી

article by ankit trivedi

Divyabhaskar.com

Dec 04, 2019, 04:34 PM IST
ઓફબીટ- અંકિત ત્રિવેદી
જવાબદારી : આ શબ્દ આજકાલ બહુ આત્મવિશ્વાસથી વપરાય છે. સંબંધ હોય કે પ્રેમ હોય કે વ્યવસાય હોય. બંને પક્ષને ‘જવાબદારી’ નામનાે શબ્દ ઈમોશનલી બ્લેકમેઈલ કરે છે. સામેવાળાને આપણે કે આપણને સામેવાળો ‘જવાબદારી’ની આસપાસ પોતાનું કામ બોલી બતાવે છે અને કઢાવે પણ છે. આ શબ્દ આપણને અંદરથી ડિસ્ટર્બ કરે છે, અજંપામાં રાખે છે. આપણે પણ જાણે-અજાણે આ શબ્દને અનુસરતા થઇ જઈએ છીએ. ઘણાં બધાં ઉદાહરણો આપીને આ શબ્દની જવાબદારીનું ભાન કરાવી શકાય છે.
જવાબદારી રાખવાની આવી એનો મતલબ જ એ છે કે તમારે કંઈક અંશે કમને સંબંધને કે સંબંધની આસપાસ ‘ટેગ’ થયેલા લટકણિયા નિભાવવાના છે. આ શબ્દનો ઉપયોગ ટ્રાફિક સિગ્નલની પીળી બત્તી જેવો છે. જવાબદારી નિભાવવાની આવે એટલે સમજવાનું કે ક્યારેક કંટાળો પણ પાછળથી આવવાનો જ છે. ઉદાસી ન ગમતા વોટ્સએપની જેમ વાંચ્યા વગર પણ બ્લૂ ટિકમાં ખપાવવાની જ છે. બહુ જ પ્રયાસથી જ્યારે કશુંક કરવું પડે છે, ઉમળકાનો જ્યારે દેખાડો કરવો પડે છે, તમારાં મન-હૃદયને સમજાવીને કામ લેવાનું બને છે, ચોખ્ખેચોખ્ખું જ્યારે દુનિયાને કહી શકતા નથી ત્યારે આપણે બધું જ ‘એ મારી જવાબદારી છે’ એવું કહીને સમર્થન આપીએ છીએ.
માતાના ગર્ભમાંથી જન્મ થયો ત્યારથી બધું જ ધીરે ધીરે છૂટતું ગયું છે. જીવનના વચગાળામાં ઊંઘ પણ પૂરેપૂરી છૂટી જાય છે. મૃત્યુનું રિહર્સલ ભૂલી જવાય છે. એકાદ ઝોકું આશીર્વાદ લાગે છે. રાત આખી પથારીમાં ફરેલાં પડખાં પણ પ્રવાસ બની જાય છે. જવાબદારીનો ભરડો આપણા આજ્ઞાંકિત મન ઉપર હાવી થઇ ગયો હોય છે. આપણા સુધી પહોંચ્યો ત્યારે એને આપણામાં બરાબર ઠસાવી દેવામાં આવ્યો છે. કેટલી બધી જવાબદારીઓ સાથે આપણા દિવસને આપણે પસાર કરીએ છીએ.
જેની વારંવાર સંભાળ લેવી પડે, જેને વારંવાર જવાબદારીનું ભાન કરાવ્યા કરવું પડે અથવા જેની જવાબદારી લઈને આપણે બોલ્યા વગર પસ્તાતા હોઈએ, જેના સાંનિધ્યમાં આપણા પર લાદેલી જવાબદારીને કારણે ગૂંગળાતા હોઈએ એવા સંબંધોમાં સાથે રહીને આપણે બાદ થઇ જવું જોઈએ. સંભાળ અને જવાબદારીમાં ‘બ્રિજ અને ઓવરબ્રિજ’ જેટલો ફરક છે. ગાયકના ઘરમાં રહેતું હાર્મોનિયમ પણ સમયાંતરે ટ્યૂન કરાવતું હોય છે. જવાબદારી બેલેન્સ ગુમાવે એ પહેલાં બંને પક્ષે એને ‘ટ્યૂન’ કરવી જોઈએ. વાણીનું વાજિંતર વગાડનારો કુશળ કસબી જ જીવનના સ્ટેજનો અલાયદો પરફોર્મર છે. વાણીને ‘નોકરાણી’ સમજનારો સહુથી પહેલાં જીભથી જ ગોથું ખાય છે.
જે કમને-નછૂટકે માત્ર પોતાની વાત બીજાને ઠસાવવા માટે જ કે પછી પોતે કહેલું જ સાચું, એવું માનવા માટે બીજાને પોતાના સ્વભાવને વશ કરવા પ્રેરે, એવું કશું જ ન કરવું જોઈએ. દરેકે પોતાનો સ્વભાવ પહેરેલો જ હોય છે. દરેક પોતાની જવાબદારીઓથી વાકેફ જ હોય છે. વારંવાર એને યાદ કરાવીને ‘એણે શરીર કરતાં મોટાં કપડાં પહેરવાનાં છે’ એનું ટેન્શન ન કરાવવું જોઈએ. આપણે આપણી ધારણા અને વળગણમાંથી છૂટીએ એ આપણી સૌથી મોટી ‘જવાબદારી’ છે. ⬛
ઓન ધ બીટ્સ :
ઘૃણાથી મને જોઇને જનાર! અહીં આવ,
દૃષ્ટિથી હું દૃષ્ટિને કરું પ્યાર, અહીં આવ,
આવી જ ‘સગીર’ જાઉં ઘણે દૂરથી પાસે,
બસ આટલું કોઈ કહે ચાહનાર, અહીં આવ.
- સગીર
[email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી